( હૉસ્પિટલમાં એક અવાજ ને ન ઓળખી શકનાર હું, મારા ભૂતકાળમાં સરી પડી હતી. નાનપણની યાદો તાજી થઈ ત્યાં જ મારાં ધબકાર અનિયમિત બન્યા.)
ભૂતકાળ ને યાદ કરવાની મારી સફર થંભી ગઈ હતી. મારા ધબકાર અનિયમિત બની રહ્યા હતા. દરેકનાં ચહેરા ઉપર ચિંતા ઊભરી આવી હતી. ડૉક્ટર પોતાની સમગ્ર આવડત લગાવી મને જીવંત રાખવા મથી રહ્યા હતા. ને અંતે તેમની મહેનત કામ કરી ગઈ. મારા ધબકાર નિયમિત રૂપે શરૂ થયાં. બધાંના જીવમાં જીવ આવ્યો. દવાઓની અસર નીચે હું પણ મારી સફર ફરીથી શરૂ કરવા ઉતાવળી બની ગઈ.
* * * * *
મારા બાળપણના મિત્રો જીગ્નેશ (જીગુ), જીજ્ઞાસા, શાંતિ, હિતેશ, દક્ષા, મહેશ, શ્રધ્ધા, અસૂ, કાનો, ભાવેશ બધા સાથે રમવાનું, ધમાલ કરવાની ને મજા જ મજા. પણ શાળા સમયે અમારા માં બાપ ને શાંતિ રહેતી. કેમકે મને અલગ સ્કૂલ માં મૂકવામાં આવેલી. એ બધા સરકારી સ્કૂલમાં ભણતા અને મારા પપ્પાની સ્થિતિ થોડી સારી અને મને ખૂબ ભણાવવાની ઈચ્છા એટલે ત્યાંની બેસ્ટ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું હતું.
શાળાનાં શિક્ષકો, શાળાનાં મારા મિત્રો મને બધું ધીરે ધીરે યાદ આવી રહ્યું હતું. ભણવામાં હું હોંશિયાર સાથે જ ધમાલમાં પણ. શાળાનાં મારા મિત્રો, એમની સાથે કરેલાં ક્લાસ વર્ક એ બધું જ ધીરે ધીરે સ્મરણપટ પર તાજું થતું જતું હતું.
*. *. *. *.
એક ઘોઘરા અવાજે મને મારા સ્મરણો માંથી બહાર ખેંચી કાઢી. એ અવાજ એક ડોક્ટર નો હતો.
"પેશન્ટ ની તબિયત માં સુધારો જણાય રહ્યો છે. પરંતુ માથા ઉપર થયેલી ઈજાને કારણે યાદશક્તિ પર અસર થઈ છે. ધીમે ધીમે બધું યાદ આવી જશે. ચિંતા જેવું નથી. પણ બધું ઝડપથી યાદ કરાવવાની ઉતાવળ ન કરવી. સ્ટ્રેસ થી તબિયત પર અસર થઈ શકે છે. તો ધીરજ રાખવી. એક બે દિવસમાં ડિસ્ચાર્જ થઈ શકે છે." ડૉક્ટરની સૂચનાથી ત્યાં ઉભેલા નાં ચહેરા પર કંઇક રાહત ને કંઈક ચિંતાના મિશ્રિત ભાવ ઊપસી આવ્યા.
હું પણ હૉસ્પિટલ નાં આ ગમગીન વાતાવરણ થી કંટાળી ગઈ હતી. ઘરે જવાનાં સમાચાર થી હું પણ થોડી રાજી તો થઈ, પણ......
ઘર શબ્દ મારા મગજમાં ઘૂમી રહ્યો હતો.
*. *. *. *. *.
ઘર... અમે નવું ઘર ખરીદ્યું હતું, ત્યાં રહેવા જઈએ એ પહેલાં કુંભઘડો મુકવા ગયેલાં. અને નવી સોસાયટીમાં મારું પહેલું પરાક્રમ...
એક છોકરો મને ચીડવતો હતો. તો મેં એને એક થપ્પડ લગાવી દીધેલી. થોડી જ વારમાં એનાં મમ્મી ની ફરિયાદ મારા મમ્મી-પપ્પા પાસે પહોંચી ગઈ. અને એ છોકરાને ફરી મારવો, એવું મનોમન નક્કી કરી લીધું.
પણ મને ન્હોતી ખબર કે ત્યાં રહેવા ગયા પછી એ મારો બહુ સારો મિત્ર બની જશે.
કુંભઘડો મુકી આવ્યાં નાં પંદરેક દિવસ બાદ અમે નવાં ઘરે પ્રવેશ કર્યો. આસપાસ નાં ઘરોની નાની છોકરીઓને અમારા ઘરે જમાડી. આથી પહેલાં જ દિવસે મારી ઘણી ફ્રેન્ડ બની ગઈ. મારા જૂના મિત્રો છૂટી ગયા હતાં પણ સામે એટલાં જ નવા મિત્રો પણ બન્યા હતા.નવા વાતાવરણ માં મારી નવી ધમાલો... જેમાં ભાવિશા, શ્યામ, નરેશ, શિલ્પા અને ખ્યાતિ મારા સાથીદારો હતા.
અમારા બધા નાં ઘર આસપાસ જ હતાં. અને બધા ઘરની ટૅરૅસ સળંગ એટલે કોઈ ખિજાય તો ભાગવાનું બહુ સારું પડતું. એક મકાનમાંથી બીજામાં.. મારા ત્યાંના મિત્રો જેમાં મેં પ્રથમ દિવસે જ મારેલો એ શ્યામ, નરેશ અને શિલ્પા અમારા નામની બૂમરાણ મચી જતી. આહ! શું દિવસો. !. .
*. *. *. *.
હૉસ્પિટલમાં મારો લાસ્ટ ડૅ હતો. ઘરે જવાનું હતું. અને હું મારી આસપાસ બધાને નિહાળી રહી હતી. કેટલાક મારી સ્મૃતિપટ ઉપર હતાં ને કેટલાક હજુ પણ અજાણ્યા જ હતાં. પણ એ બધાંનાં શબ્દો પરથી જાણી શકી હતી કે એ દર્દ ભરેલો અવાજ મારા પતિ નો હતો. સાથે જ મારા સાસુ માં અને કાકી સાસુ જે વારા ફરતી આવતા હતાં. એક દિયર પણ હતો. જે બહુ ઓછી વાર જોવા મળેલો. સસરા અને કાકા સસરાના પણ દર્શન થયેલા. પણ આજ મારા મમ્મી-પપ્પા અને પતિ સિવાય કોઈ હાજર ન્હોતું. મને મારો ભૂતકાળ જેટલો યાદ આવ્યો છે એ ઉપરથી કહી શકાય કે હું ખૂબ ધમાલી, બોલકણી, મળતાવડી છું. પણ આ હૉસ્પિટલમાં હું ફક્ત જરૂર પૂરતું જ બોલેલી. અને બોલું પણ કઈ રીતે જ્યાં બધું જ શૂન્ય બની ગયું હોય.ડૉક્ટરે લાસ્ટ ચેક-અપ કરી મારા હસ્બન્ડ જોડે વાત કરી લીધી, ત્યાં સુધી માં અમારો બધો સામાન મમ્મી એ સમેટી લીધો હતો અને પછી અમે રવાના થઇ ગયા.
મારા મમ્મી મને સતત સલાહ આપી રહ્યા છે કે મારે બધા સાથે વારંવાર વાત કરવી. જેથી હું જલ્દી રિ-કવર થઈ શકું. એમની વાત સાચી હતી. એમની વાત સાંભળતાં સાંભળતાં મારી નજર સતત આગળની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા મારા પતિ પર જઈ રહી હતી. પણ એ પોતાની નજર ને બળપૂર્વક આગળ રાખીને બેઠો હતો. ના જોવાનું ના બોલવાનું. મને ખરેખર આશ્ચર્ય થઇ રહ્યું હતું કે એની પત્ની કેટલાંય સમય પછી ઘરે પાછી આવી રહી છે અને એ શૂન્યમનસ્ક શા માટે છે??? શું હશે તેનાં મનમાં??? ખુશી! તો દેખાતી કેમ નથી? કે મારી સ્મૃતિભ્રંશ નો ડર?? કે પછી બીજું કંઈક??