*..........*..........*..........*...........*
" આભા, આજે આપણે જલ્દી પાછા આવી જશું."
" મને ખબર છે ગીત,. તારું જલ્દી એટલે કેટલાં કલાક એ..."
" બસ હવે, બહું વાયડી ન થા.."
" જા ને, તું વાયડી..."
" બસ હવે એ બધું છોડ અને એ કે તું એકલી કેમ સુરત આવી.?."
" આકાશને ઓફિસમાં કામ હતું એન્ડ આકૃતિ ને આકાશ જોડે રહેવુ હતું એટલે એ ના આવી."
" તું ભલે ના કેય મને ખબર છે પ્રોબ્લેમ શું હશે.."
" હા તું તો અંતર્યામી છે."
" મજાક ન કર.. તું આમ ક્યાં સુધી ભાગીશ.?"
" ગીત... હું શું કરું??"
" તું હકીકત ને સ્વિકારી લે, બીજું કંઈ કરવાની જરૂર જ નહીં પડે."
" તું જાણે છે ને, મેં હંમેશા થી એ નક્કી કરેલું કે હું મારી જીંદગીમાં ફક્ત એક જ વ્યક્તિને પ્રેમ કરીશ. તો પછી "
" હા મને ખબર છે, પણ એ ય ખબર છે કે તું તારી ફરજ ને પ્રેમ સમજી બેઠી છે."
" શું કહેવા માંગે છે તું?"
" એ જ કે તે આદિત્ય ને ક્યારેય પ્રેમ નથી કર્યો. તારા મમ્મી પપ્પા એ આદિત્ય ને તારા માટે પસંદ કર્યો હતો. એટલે તે એની સાથે લગ્ન કર્યા. પણ તને એની સાથે પ્રેમ નહોતો.. તું બસ તારી ફરજ બજાવતી હતી."
" આવું કઈ રીતે કહી શકે તું ? "
" મારા મેરેજ પછી જ્યારે હું દિલિપ જોડે ખુશ નહોતી ત્યારે તે મને ડિવોર્સ લેવા સલાહ આપેલી. મારે તો તારે હતાં એવાં મોટા પ્રોબ્લેમ પણ નહોતા. આદિત્ય ને તારી ઇન્ટેલિજન્સ થી પ્રોબ્લેમ હતો, તારા મિત્રો માટે અવિશ્વાસ, તારા મોબાઈલ ચેક કરતો. એને તારા પર વિશ્વાસ નહોતો. અને છતાં તને લાગે છે કે તું એને પ્રેમ કરતી હતી.."
" તારી વાત અલગ હતી, તને અને દિલિપ ને પહેલા થી જ એકબીજા માટે લાગણી નહોતી. અને તારા પપ્પા પણ તારા સપોર્ટ માં હતા. અને મેં તો પહેલાં થી જ પપ્પા ની પસંદ સાથે પ્રેમ કરવાનું નક્કી કરેલું."
" મારી વાત અલગ કઈ રીતે? તું જ કહેતી હતી કે આપણને પાંખો આપે એ પ્રેમ, તો તારી પાંખો કાપી ને તને પોતાની ઈચ્છા મુજબ જીવાડવા ની ઈચ્છા રાખનાર સાથે તને પ્રેમ કઈ રીતે હોય શકે? તું ફક્ત તારા પપ્પા ની પસંદ પર કોઈ પ્રશ્ન કરવા નહોતી ઈચ્છતી એટલે તું આદિત્ય એ બનાવેલા પાંજરા માં જીવતી હતી. પણ હવે એ નથી. તો હવે તને પાંખો આપનાર ને તું સ્વિકારી ન શકે? ક્યાં સુધી તું ખોટી માન્યતાઓ માં જીવીશ.? એમાં થી બહાર આવી, અને આકાશ ને પતિ તરીકે સ્વીકાર. "
" શું બકવાસ કરે છે. બહુ થયું હવે. તારે તો આજે જલ્દી પાછા જવું હતું ને?"
" હા, બસ આમ સાચી વાતો થી ભાગ્યા કર.."
" ભાગતી નથી, જો અંધારું થવા આવ્યું. હવે ઘરે જઈએ.. બાકી ની ચર્ચા પછી કરશું."
દરવખતે ગીતાંજલી અને આભા આ જ ગાર્ડન માં મળતા. આ એમની ફેવરિટ જગ્યા હતી. આટલાં વર્ષો પછી તો હવે અહીંના ઝાડપાન પણ એમને ઓળખવા લાગ્યા હશે. જ્યારે અહીં આવે ત્યારે પહેલાં શાંતિ થી બેસવાનું, સાથે લાવેલ આઈસક્રીમ ખાવાની. આઈસક્રીમ ખતમ થાય ત્યાં સુધી જનરલ વાતો કરવાની અને પછી એકબીજાની જીંદગી ની ઊંડાણ પૂર્વક ચર્ચા કરવાની. કલાકોના કલાકો ક્યાં પસાર થઈ જાય એ ખબર જ ન પડતી. ને અંધારું ઉતરી આવે પછી બંને પાછા ફરતા. તેમની ચર્ચાઓ હંમેશા અધૂરી જ રહેતી. આજે પણ એવું જ થયું હતું. બંને દુઃખી હૈયે છૂટા પડ્યા. ગીતાંજલી આભા ને જે સમજાવવા પ્રયત્ન કરી રહી હતી એ પ્રયત્ન અસફળ રહ્યો. પણ આભાના મનમાં પ્રશ્ન જરૂર મૂકી ગયો.
*..........*..........*...........*
મમ્મી પપ્પા કોઈ સામાજિક પ્રસંગે ગયેલા હતા. તો આજે આભા ઘરે એકલી જ હતી. મમ્મી આભા માટે સવારનો નાસ્તો તૈયાર કરીને ગયેલા એટલે કંઇ ખાસ કામ પણ નહોતું. આભા ટી.વી. સામે બેસેલી. ચેનલ ફર્યા કરતી હતી પણ આભા નું ધ્યાન ક્યાંક બીજે જ હોય એવું લાગતું હતું. એટલામાં ડોર બેલ વાગી. આભા એ દરવાજો ખોલ્યો અને સામે.....
" મમ્મા....." કરતી આકૃતિ આભા નાં ગળે ટીંગાઈ ગઈ.
" આકૃતિ તને બહુ યાદ કરતી હતી.. એટલે હું તેને તારી પાસે લઈ આવ્યો..." આકાશ આભા કંઈ પૂછે એની પહેલા જ બોલી પડ્યો.
" પપ્પા.. તમે તો કહેતા હતા કે મમ્મા ને આપડા વગર નહીં ગમતું હોય....?" આકૃતિ એ આકાશ ને પૂછ્યું.
આભા આકાશ સામે તાકી રહી...
આકાશ ચૂપચાપ ઘરની અંદર પ્રવેશી ગયો.
આકૃતિ અને આકાશ ના આવવાથી તેને પણ સારું લાગ્યું હતું. પણ એને સમજાતું નહોતું કે આકાશથી એ ભાગીને આવી છે તો પછી એનાં આવવાથી તે ખુશ શું કામ છે??
મમ્મા ને મળી લીધાં પછી આકૃતિ પડોશમાં રહેતાં બીજા તેના જેટલી ઉંમર ના બાળકો ક્રિષા, હેમાલી, આયુષ જોડે રમવા જતી રહી. ઘરમાં આકાશ અને આભા એકલાં પડ્યાં.
" હું તમારા બંને માટે ચા નાસ્તો તૈયાર કરું, વહેલાં નીકળ્યા હશો તો હવે ભૂખ લાગી હશે.?" કહેતા આભા રસોડામાં જતી રહી.
તેણે રસોડામાં આમતેમ નજર કરી. તે ફટાફટ બટેકા પૌંઆ બનાવવા ઈચ્છતી હતી. પણ પૌંઆ નો ડબ્બો ઉપર માળી પર હતો. તે સ્ટૂલ પર ચડી. સ્ટૂલ ડગમગ્યું અને તે નીચે પડવાની જ હતી ને ત્યાં આકાશ પહોંચી જતાં તેણે આભા ને સંભાળી લીધી.
" તું રાહ જોઈને જ ઉભો હતો કે હું પડું તરત તું પકડી લે...?" આભા એ ખોટો ગુસ્સો કરતા કહ્યું.
" મને લાગે છે તું રાહ જોઈને ઉભેલી કે હું આવું ત્યારે જ તું પડે એટલે હું તને પડવા ન દઉં..? " આકાશ પણ મસ્તી કરતા બોલ્યો.
થોડી વાર બંને એમ જ એકમેકને જોઈ રહ્યા. આકૃતિના અવાજે બંન્ને ને અળગાં કર્યાં.
આજે અચાનક આ શું થયું એ વિષે બંને અવઢવ માં હતાં.
આકાશ પાણી પીને લીવીંગરૂમ માં પાછો ફર્યો. આભા પોતાના કામમાં પરોવાઈ ગઈ. આકૃતિ ને થોડો નાસ્તો કરાવી, આભા આકાશ માટે ચા નાસ્તો લીવિંગ રૂમમાં જ લઈ આવી. ચા નાસ્તો કરતી વખતે બંને ચૂપ હતા. થોડી થોડી વારે બંને ચોરી છૂપી થી એકબીજાને જોઈ લેતાં હતાં.
" ઘરે બધાં તને ખૂબ જ યાદ કરે છે. તારા વિના ઘર સૂનું લાગે છે. એટલે મમ્મી અને કાકી માં એ કહ્યું કે તને પાછી લઈ જાવ." આકાશ ને બીજું કંઈ ન સૂઝ્યું એટલે જે મનમાં આવ્યું એ બોલી ગયો.
" ઓકે, ક્યારે નીકળવું છે?" આભા એ હકારાત્મક જવાબ આપ્યો.
આકાશ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો કે આભા સાવ આસાનીથી માની ગઈ હતી. એમણે બીજા દિવસે સવારે નીકળવાનું નક્કી કર્યું.
એક રાત રોકાઈ બીજી સવારે એ લોકો પોતાના ઘરે આવવા નીકળ્યા.
આકાશ ખુશ હતો. આભા તેની જીંદગીમાં પાછી ફરી રહી હતી. એ પત્ની તરીકે હોય કે મિત્ર તરીકે એનાથી એને કોઈ ફરક નહોતો પડતો. તેનું પાછા ફરવું જ તેનાં માટે સૌથી મહત્વનું હતું. અને આભા હજુ પણ પોતાના જ વિચારોથી પરેશાન હતી. જ્યારે આકાશ તેની થોડો પણ નજીક હોય ત્યારે તેનાં હ્રદયની ધડકન તેજ થઇ જતી. તે આદિત્ય ને બિલકુલ ભૂલી ન હતી. તો પછી આકાશ માટે એ શું ફીલ કરતી હતી? એ પોતે જ સમજી શકતી નહોતી. એ તેનો ફક્ત મિત્ર હતો કે પછી એ મિત્રતા આગળ વધી રહી હતી? મિત્રતા આગળ વધે તો શું આભા એ સમજશે...? સ્વિકારશે...?
*..........*..........*..........*..........*
આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.