Sign Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sign

જ્યારે વાત મિત્રો ,સગા સંબંધીઓની હોય, વાત ભાઈ બેનની હોય ત્યારે કવિતા અને ગીતમાં પ્રેમ અને આભાર વ્યકત કરી શકાય પણ વાત જ્યારે મા બાપની આવે ત્યારે કર્મ અને કર્તવ્ય જ મોખરે હોય છે. “એક પ્યારી સી પપ્પી એક પ્યારી ભરી જપ્પી” એ મા બાપ માટે ક્ષણિક આનંદ આપનારી ઘટના બની શકે પણ કાયમી સુખનું કારણ નહિ.

        મા બાપનો જન્મદિવસ ઊજવીને, અથવા તેને ચાર ધામની યાત્રા કરાવીને આપણે એક સારા સંતાન હોવાનું ક્રેડિટ લેવા ફાફા મારતા હોઇએ છીએ. હોટેલમાં સાથે જમવા લઈ જઈને બાજુના ટેબલ પર બેઠેલા કપલને એવો અહેસાસ કરાવીએ છીએ કે તમે એકલા છો, અને અમે મા બાપને સાથે લાવ્યા છીએ.

       આજ કાલ તો ટ્રેન્ડ છે કે તહેવારમાં મા બાપ માટે એ બઘું કરીએ છીએ જે આપણે અને આપણા સંતાનો કરીએ છીએ. અરે મા બાપને સાથે રાખીએ છીએ એ વાતે જ ગર્વથી ફૂલાઈએ છીએ.

        પણ ખરેખર આ બઘું કરીને આપણે બસ એક guilt થી મુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. બાગબાન જેવા movie આંખ ઊંચી કરીને જોઈ શકીએ એટલા માટે આ બધા પ્રયત્નો થતા હોય છે. બાકી ખરેખર મા બાપ શું ઈચ્છે છે?

          એક અવસ્થા હોય, એક ઉંમર હોય છે મા બાપની. એને હોટેલમાં જવું, તહેવારો ઊજવવા, જાત્રાએ જવું, તમારા બધા celebration નો હિસ્સો બનવો આ બઘું જ નથી જોઈતું હોતું.

      આ બઘું એના માટે available કરીને આપણે મુકત થઈ જઈએ છીએ. પણ વાસ્તવમાં મા બાપ ને પુછો તો આ બધાથી ઉપર એમની અમુક ઈચ્છાઓ હોય છે. મોટી ઉંમરે એ કોઈ સેલિબ્રેશન નો હિસ્સો બને છે તો આપણા માટે.. બાકી જો એમના જીવનમાં ડોકિયું કરો તો એને એક શાંત જીવન જોઈતું હોય છે.

           એની સૈાથી મોટી ઈચ્છા હોય છે કોઈ એને સાંભળે અને સંભાળે. એક દીકરો કે દીકરી નોકરી કરીને આવે એટલે એને એમ થાય કે હવે પાણીનો ગ્લાસ પણ કોઈએ મને ભરીને આપવો જોઈએ. આવા સમયે મા બાપ પાસે બેસીને એની જોડે વાત કરવી તો એને અસહ્ય થઈ પડે છે. “એ તો નવરા છે આપણે કામધંધો છે” આવું સૈાથી મોટું ભૂસું આપણા દરેકના મનમાં ભરેલું હોય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે સમય હવે એમની પાસે નથી. આપણી પાસે તો ઘણો છે. એને ફોટામાં હસતાં મોઢે મઢાઇ જવા પહેલાં તમારી જોડે ખૂબ બધી વાતો કરવી હોય છે પણ… સમય નથી આપણી પાસે. એમાં પણ જો એ ઓછું સાંભળતા હોય કે બોલતી વખતે એની જીભ થોથવાતી હોય ત્યારે તો આપણને એની સાથે વાત કરવાનો કાયદેસરનો ગુસ્સો જ આવે. આ ડોસો અને ડોસી શબ્દ આ ગુસ્સાની જ નીપજ છે.

           સંતાનોનાં સંતાનોને હીંચકા નાખવા માટે, પતિ પત્ની બંને નોકરીએ જાય ત્યારે બાળકોને સાચવવા માટે, ઘરમાં તાળું ન મારવું પડે એ માટે કોઈ જીવતા જાગતા હાડપિંજરની ગરજ મા બાપ સારે છે એટલે જ એને ભેગા રાખીએ છીએ. બાકી બીમાર મા બાપ,જે એક પણ કામ કરવા સક્ષમ નથી એવા મા બાપ માટે તો આપણે એક જ પ્રાર્થના કરીએ છીએ કે એ છૂટી જાય… inshort આપણે છૂટી જઈએ.

         કદાચ આ બધું આપણે પચાવી ન શકીએ પણ આ જ વાસ્તવિકતા છે. અહી સવાલ દીકરો વહુ, જમાઈ કે દીકરીનો છે જ નહિ. અહીં પ્રશ્ન છે વૃદ્ધ મા બાપનો. મા બાપ પછી એ દીકરાના હોય કે દીકરીના. એની સાથે રહેવું એટલે શું? જ્યાં એની ઈચ્છાનું માન જળવાઈ. પણ ખરેખર જો હ્રદયને પૂછીએ તો આવું થાય છે? ના.. મા બાપ ફક્ત આપણી સાથે રહે છે, જીવતા નથી.

        મોબાઈલમાં કશુંક ન આવડે અને મા બાપ પૂછે તો “હવે શીખીને શું કરવું છે?” જેવો આપણો ઉડાઉ જવાબ, કશાક માટે મથતા મા બાપને જોઈને સંતાનો સામે આંખ મારીને આપણે કરેલી મજાક, ધ્રુજતા હાથે કરાયેલ વહાલને અવગણતા પૌત્ર પૌત્રી, એને જમતી વખતે ટોક્યા કરવાનો આપણો સ્વભાવ, રાત્રે એનું જાગવાનું, એના નસકોરા આપણી ઊંઘ ન બગાડે એ માટે બંધ કરેલા દરવાજા, એને ટી.વી. માં શું જોવું એ નક્કી કરીને આપણે બનાવેલા પેકેજ, વેકેશનમાં આપણા બહાર જવાના પ્લાનમાં એ ક્યાં ક્યાં નડતરરૂપ થઈ શકે અને એના ઉપાયો શું છે એની ચર્ચાઓ એની સામે જ કરવી, સાથે રાખીએ છીએ એટલે સામેવાળા અને બાજુવાળા કરતાં સારા છીએ એવો એમને સતત કરાવાતો અહેસાસ, આ બધું જ એ મૂંગા મોઢે સહન કરે છે કારણકે તમે એના સંતાનો છો.

      આપણે માત્ર દવા લાવીને ફરજ પૂરી ગણી લઈએ છીએ, પણ વાસ્તવમાં એની દવા તમારો  સ્પર્શ છે. કમર દુખે છે એનું ક્રીમ લાવીને આપી દીધું છે પણ એનો હાથ પહોંચે છે કમર સુધી? એ જોવાની તસ્દી નથી લીધી. દવા તો reminder મુકીને પણ યાદ રાખી શકીએ પણ દવા અને પાણી સાથે થોડો સમય મેળવી દો તો એ સાજા થાય કે ન થાય પણ શાંત ચોક્કસ થઈ જશે. અને એ જ શાંતિ લઈને એને આખરી સફર પર જવું હોય છે.

            મૃત્યુ પછીના 12 દિવસ નહીં, મૃત્યુ પહેલાના 12 દિવસ એના માટે ભેગા થવું જોઈએ. અત્યારે એને ફિક્કું ખાવાનું છે તો એ સમયસર બનાવીને ખવડાવો. પછી એના નામે ભાવતી વાનગીઓની જયાફત માણવાનું નાટક એના બારમામાં ન કરીએ તો ચાલે. કોઈ આશ્રમ, કોઈ ગૌશાળા, કોઈ અન્નક્ષેત્રમાં મા બાપની યાદમાં આપેલા દાન કરતાં આપણે એ જીવતાં હોય ત્યારે આપેલુ સમયદાન વધુ હોવું જોઈએ બસ. એના બુઢાપામાં આપણને આપણું બાળપણ દેખાવું જ જોઈએ. આપણે કશું જ ન કરી શકતા ત્યારે જે એને કર્યું હશે એ આપણને ભૂલાઈ ગયું હોય કદાચ. પણ એથી આપણું પરવશ બાળપણ અવગણી ન શકીએ.એની પીડા જોવાતી નથી એ ખોટું વાક્ય છે. હકીકતમાં એની પીડા આપણે દૂર નથી કરી શકતા. એની પીડા આપણા જીવનમાં નડતરરૂપ બને છે એ નથી જોવાતું.બાકી પીડા તો સંતાનોને પણ થતી હોય છે. ત્યારે આપણે એમ નથી કહેતા કે એ છૂટી જાય, આપણે તન મન ધનથી સેવા કરીએ છીએ. તો મા બાપ માટે સમય શક્તિ અને સંપત્તિ આમાંથી કશું જ આપણે છુટા હાથે અને છૂટા મને કેમ નથી વાપરી શકતા?   

    

       એ મા બાપ છે. એના  માટે હોસ્પિટલના ધક્કા ન હોય. ત્યાં પહોંચવાની ઉતાવળ હોય. એના માટે હોસ્પિટલમાં રાત રોકાવામાં ઉજાગરા ન હોય, અવસર હોય. એની પથારીવશ જિંદગીની અવગણના ન હોય. એની આંખમાં રહેલા બાકી બચેલા સપનાને ઓળખવાનો પ્રયત્ન હોય, એના આખરી સમયમાં એને તમારા માટે અમુક ન કરેલા કાર્યો માટે અણગમો ન હોય. આપણે એના માટે હજી શું કરી શકીએ એની યાદી હોય. એને માફ કરવાના ન હોય, એની માફી માંગવાની હોય. એના માટે બસ અવિરત પ્રેમ હોય. એ છૂટી જ જવાના આપણાથી, વારંવાર એના છૂટી જવાની પ્રાર્થના ન હોય. પ્રાર્થના હોય કે એને શાંતિ મળે.

          આવી philosophy આપણને અત્યારે ન જ ગમે.પણ અત્યારે એનો સ્વભાવ અને આપણો ઈગો આ બે વચ્ચે એનો છેલ્લો સમય જઈ રહ્યો છે. પણ હા એના અંતિમ શબ્દો આપણો અંતિમ સમય નક્કી કરશે એ નક્કી છે… મા બાપને સાથે રાખીને આપણે કોઈ મહાન કામ નથી કરતા. એની સાથે માત્ર રહેવાનું નહિ જીવવાનું હોય છે… જેમ એ જીવતાં આપણી સાથે. આપણા માટે.

         ધન્ય છે એ સંતાનો જે મા બાપથી ક્યારેય કંટાળતા નથી. જે કરચલી વાળા હાથ માટે પોતાની સુવાળપ જતી કરી શકે છે. જે મા બાપને અંતિમ ક્ષણો સુધી અવિરત પ્રેમ કરી શકે.....