Premni Paribhasha books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા

જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે તે લોકમાં આવેલો છે. બાકી આપણા લોકો પ્રેમને સમજતા જ નથી. તેથી તો કબીર સાહેબે કહ્યું:

       “પુસ્તક પઢ પઢ જગ મુંઆ, પંડિત ભયા ન કોઈ,

        અઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોઈ”. 

       પ્રેમના અઢી અક્ષર, આટલું સમજે તો બહુ થઇ ગયું. બાકી પુસ્તક વાંચે તેને તો કબીરસાહેબે કહ્યું કે આ પુસ્તક તો પઢીને જગત મટી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયાં નહીં ને રાખડી મર્યો. એટલે પુસ્તકમાં તો આમ જો જો કરે ને, એ તો બધું મેડનેસ વસ્તુ છે. પણ જો અઢી અક્ષર પ્રેમનો જાણ્યો કો પંડિત થઇ ગયો.

      પ્રેમની વ્યાખ્યા તો કબીર સાહેબે બહુ સુંદર કરી છે. એ શું કહે છે કે,

      “ઘડી ચઢે, ઘઢી ઉતરે, વોહ તો પ્રેમ ના હોય,

        અઘટ પ્રેમ હી હ્રદય બસે, પ્રેમ કહીએ સોય”.

        ‘કહેવું પડે, કબીર સાહેબ, ધન્ય છે!’ આ સાચામાં સાચો પ્રેમ. ઘડી ચઢે, ઘડી  ઉતરે, એને પ્રેમ કહેવાય? સાચો પ્રેમ જે વધે નહીં, ઘટે નહીં, એ! જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય એવો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય અને એ પ્રેમ તો પરમાત્મા છે.   

        વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રેમ જ હોય નહીં કોઈ જગ્યાએ. કોઈ જગ્યાએ જોવામાં આવ્યો હોય તો બતાવો.પ્રેમ હોય તો છૂટા કોઈ દહાડો પડે નહીં. આ તો બધો ઘાટવાળો પ્રેમ છે. ઘાટવાળો પ્રેમ એ પ્રેમ કહેવાય? એ તો બધી આસક્તિ અને પ્રેમ તો અનાસક્ત યોગ છે. અનાસક્ત યોગથી સાચો પ્રેમ ઉત્પન્ન થાય.

      આ લોકોનો પ્રેમ તો આખો દહાડો વધઘટ જ થયા કરે ને! છોકરા-છોડીઓ બધાં પર જો વધઘટ જ થયા કરે ને! સગાંવહાલાં બધેય વધઘટ જ થયા છે ને! અરે, પોતાની જાત ઉપરેય વધઘટ જ થયા કરે ને! ઘડીમાં અરીસામાં જુએ તો કહે, ‘હવે હું સારો દેખાઉં છું!’ ઘડી પછી ‘ના,બરોબર નથી’ કહેશે. તે જાત ઉપરે ય પ્રેમ વધઘટ થાય. અરે! એક જ દહાડો જો ખાવાનું સારું ના બનાવ્યું હોય, તો પ્રેમવાળો ધણી હોય તે કકળાટ કરી મૂકે,’તારામાં અક્કલ નથી,ને તું આમ છે ને તું તેમ છે’ કહેશે. રોજ સારું બને ત્યારે ઇનામ નથી આપતો, અને એક જ દહાડો ખાવાનું બગડે તે દહાડે આવી બને! એટલે હંમેશા જે આસક્તિનો પ્રેમ છે એ રીએક્શનરી છે. એટલે જો બીબી ચીઢાય ત્યારે આ પાછા અવળા ફરે. અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટાં રહ્યાં કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે એટલે અથડામણ થાય. એટલે આ કંઈ પ્રેકટીસથી પ્રેમ આવતો નથી, પ્રેમ એ સહજ વસ્તુ છે.

      હવે પ્રેમમાં,કોઈ દહાડો એ આખી જિંદગી છોકરાનો દોષ ના દેખાય,બૈરીનો દોષ ના દેખાય, કોઈનો ય દોષ ના દેખાય. અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? ‘તું આવી ને તું એમ!’ અલ્યા, પ્રેમ કહેતો હતો ને? કયાં ગયો પ્રેમ?

બાકી સાચો પ્રેમ કોઈ જગ્યાએ હોય નહીં, એટલે આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જયાં પ્રેમમાં, પ્રેમની પાછળ દ્વેષ છે એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે? એકધારો પ્રેમ હોવો જોઈએ.

      આ સોનાની વીંટી છે, તે બીજે દહાડે પિત્તળની થઇ જાય એને શું કરવાની? એ તો કાયમ સોનાની જ દેખાવી જોઈએ. તો એ સોનું કહેવાય. નહીં તો બીજે દહાડે પિત્તળની દેખાય તો? એટલે રોલ્ડગોલ્ડેય  ચલાવી નથી લેતા. નહીં? આપણા લોકો રોલ્ડગોલ્ડના પૈસા નથી ખર્ચતા. આ અઢારસો રૂપિયા તોલાના આપે છે, એ કંઈ રોલ્ડગોલ્ડના આપે છે? ના, સાચું સોનું છે તેના.

       એટલે સાચા પ્રેમની વ્યાખ્યા શું? ફુલ ચઢાવનાર અને ગાળ દેનાર,બન્ને પર સરખો પ્રેમ હોય. સાચો પ્રેમ વધઘટ ના થાય એવો જ હોય. આ તમે ફૂલોની માળા ચઢાવો તો પ્રેમ તમારી પર વધી જાય અને પેલા માળા ના ચઢાવે ત્યારે ઉતરી જાય. એવો પ્રેમ ના હોવો જોઈએ. અગર તો હાર ચઢાવીએ તો ખુશ ખુશ થઇ જાય અને કહેશે,’ઓહો,આવો આવો’ અને હાર ના ચઢાવ્યો ને સળી કરીએ તો એ ચીઢાય. એ ચઢ-ઉતર કરે એનું નામ પ્રેમ જ નહીં.  

         હમણે આજ ભાઈ આવ્યા વિલાયતથી તે આજ તો એની જોડે ને જોડે  બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું, ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહેશે, ‘નોનસેન્સ જેવા થઇ ગયા છો’ એટલે થઇ રહ્યું! અને ‘જ્ઞાનીપુરૂષ’ ને તો સાત વખત ‘નોનસેન્સ’ કહે તો ય કહેશે, ‘હા, ભાઈ, બેસ તું, બેસ’. કારણકે ‘જ્ઞાની’ પોતે જાણે છે કે આ બોલતો નથી, આ રેકર્ડ બોલી રહી છે. ‘જ્ઞાની’ નો પ્રેમ! જ્ઞાનીનો એકલાનો પ્રેમ એવો હોય, બીજા કોઈનો ય એવો ના હોય. જ્ઞાનીનો પ્રેમ અઘટ દેખાય. કોઈની ઉપર ઘટે નહી ને વધે નહીં. એ પ્રેમ ના લાગમાં આવી ગયા તો કલ્યાણ થઇ ગયું. અને જો એ પ્રેમ આપણમાં  ઉત્પન્ન થઇ જાય તો બીજી કશી જરૂર જ નથી. આ તો પ્રેમની જ કિંમત છે આ બધી!

         અને જ્ઞાનીને તો ગલીપચી કરો તો ય ખુશ ના થાય. કોઈ પણ સાધન, જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેનાથી ‘જ્ઞાની’ ખુશ થાય. ફક્ત આપણા પ્રેમથી જ ખુશ થશે. કારણકે એ એકલા પ્રેમવાળા છે. એમની પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં, શુધ્ધ પ્રેમ. આખા જગત જોડે એમને પ્રેમ છે. માટે એ લોકોને અસર થાય. લોકોને ફાયદો થાય. નહીં તો ફાયદો જ ના થાય ને! એક ફેરો ‘જ્ઞાનીપુરૂષ’ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે.

         એટલે ‘જ્ઞાની’નો શુધ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુધ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં, ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા ખુલ્લા પરમાત્મા! અને જ્ઞાન એ સુક્ષ્મ પરમાત્મા.એટલે પરમાત્મા બહાર ખોળવા જવાના નથી. બહાર તો આસક્તિ છે બધી. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ એ જ પરમાત્મા છે !!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED