Adhuro Prem Lagninu Sargam - 6 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 6

હરપાલસિંહનો ટાર્ગેટ એ હતો કે આરાધનાના દિલમાં ક્રિશીલ માટે નફરત જાગે તેવું કઈક કરવું.અને એને જે જોઈતું હતું તે ક્રિશીલની રેકી વખતે જ એવી મહત્વની કડી એના હાથમાં આવી ગઈ કે જેનાથી એનું કામ હવે સીધેસીધું થઇ જાય તેમ હતું. હરપાલસિંહએ લગાડેલ ખબરીએ એટલી મોટી વિગત ક્રેક કરી હતી કે એ તો હરપાલસિંહના પપ્પાને પણ પોલીસ વિભાગમાં સરપાવ અપાવે તેવી બાબત બનવાની હતી. ક્રિશીલ વિશે તમામ તપાસ કરાવી લીધા પછી હરપાલસિંહ ક્રિશીલનો ખેલ કઈ રીતે પાડી દેવો તેની જોરદાર યોજના તેના ખુરાફાતી મનમાં તૈયાર કરી દિધી હતી.
વાત એમ હતી કે ક્રિશીલના મિત્ર સિકંદરના પરિવારનો જાહેરમાં વ્યવસાય બાઈક લે-વેચનો હતો પરંતુ અંદરખાને તેનો પરિવાર બે નંબરના વ્યવસાયમાં સંકળાયેલ હતો. જામનગરના ઓખા પાસેના દરિયાકિનારેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવતું ડ્રગ્સ વાયા રોડ મેટોડા ગામમાં સિકંદરના બાઈકના શો-રૂમ પાછળના ગોડાઉનમાં ઠલવાતું હતું .જે જામનગરથી આવતી તેની જૂની બાઈકોના સીટ નીચેના ભાગમાં ડ્રગ્સ મુકીને સપ્લાય કરવામાં થતું હતું.અને અહીંયાથી રાજકોટથી લઇ અમદાવાદ સુધીના પન્ટરોને સપ્લાય કરવામાં આવતું હતું. આ વાતની ક્રિશીલ ને તો શું? તેના ગામમાં પણ કોઈને ભનક નહોતી એટલી છુપી રીતે આ કારોબાર ચલાવવામાં આવતો હતો.
સિકંદર અને ક્રિશીલની દોસ્તી ખુબ જ ગાઢ હતી.પરંતુ ક્રિશીલને ક્યારેય આ બાબતે કોઈ વાત સિકંદર તરફથી જાણવા મળી નહોતી.સિકંદરનો આખો પરિવાર જાહેરમાં કઈક હતો અને અંદરખાને કઈક.તે લોકોના સંબંધો છેક પાકિસ્તાનથીં લઇ તેમના દુબઈ સુધીના આકાઓ સાથે હતા.અને એકથી એક ચડિયાતા હથિયારો પણ તેઓના પરિવાર પાસે હતા.આ એટલું ગુપ્ત નેટવર્ક હત્તું કે અત્યાર સુધી રાજ્ય તો શું કેન્દ્રની પણ એક પણ એજન્સી પાસે આ અંગેના ઈનપુટ નહોતા.
ક્રિશીલનું જીવન અહીંથી હવે સાવ બેરંગ થવાનું હતું.જાડેજા સાહેબની કારના ટાયર પંક્ચરની મદદથી શરૂ થયેલ સફર અને સિકંદરની દોસ્તી તેને જીવતાજીવ નર્કમાં લઇ જનારી બનનારી હતી.સીધો સાદો ગામડાનો યુવક અને શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાયેલો ક્રિશીલ હરપાલસિંહની ચાલની ચુંગાલમાં બહુ જ ખરાબ રીતે ફસાવાનો હતો.
હરપાલસિંહે આ આખી વાત અને નેટવર્ક વિશે તેના પપ્પા સાથે ચર્ચા કરી.સિકંદર અને તેના પરિવારને ઉઠાવી આ આખા નેટવર્કમાં ક્રિશીલનો પણ હાથ છે તેમ સાબિત કરી ક્રિશીલની પણ સંડોવણી સાબિત કરવી તેમ નક્કી કર્યું.હરપાલસિંહના પપ્પા તો આ આખી હકીકત જાણી પોતે જો આ મિશન પાર પાડશે તો પોતાના ડીપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર તરફથી તેમને સરપાવ મળશે એ વિચારે જ ખુશ થઇ ગયા હતા.
નક્કી કર્યા મુજબ એક દિવસ હરપાલસિંહના પપ્પા પ્રદ્યુમનસિંહે પોતાની ટીમ સાથે સિકંદરના બાઈક લે વેચના શો રૂમ પર છાપો મારી ગોડાઉનમાંથી ભારે માત્રામાં ડ્રગ્સ અને હથિયારો કબજે કર્યા.જેની કુલ અંદાજીત કિમંત ૨૦ કરોડ જેટલી થતી હતી.પ્રદ્યુમનસિંહે સ્થળ પર હાજર સિકંદરના ચાચા અને અબ્બાની ધરપકડ કરી.સિકંદર એ સમયે ઓખા ગયેલ હતો તેથી તે ધરપકડમાંથી બચી ગયો.
આ રેડના કારણે આખું રાજકોટ પંથક ચમકી ગયું હતું.લોકોને રાજકોટ જિલ્લામાં મેટોડા નામનું કોઈ ગામ છે તેની પણ ખબર નહોતી તે ગામ આજે નેશનલ સમાચાર ચેનલોમાં ચમકી રહ્યું હતું.મેટોડા ગામના લોકો પણ આ હકીકત જાણી છક થઇ ગયા હતા.જૂની બાઈક લે-વેચના વ્યવસાય પાછળનો કાળો કારોબાર લોકો સમક્ષ ખુલ્લો પડી ગયો હતો. જે ગામમાં ક્યારેય પોલીસ નહોતી આવી ત્યાં બધી જ એજન્સીઓના ધાડેધાડા ઉમટી પડ્યા હતા.
સિકંદરને આ સમાચાર મળતા જ તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો.ક્રિશીલે જયારે આ સમાચાર ટી.વી.ના માધ્યમથી જોયા ત્યારે બે મિનીટ માટે તો તે અવાચક જ થઇ ગયો હતો.તેને તો કઈ સમજ જ નહોતું આવતું કે આ શું થઇ રહ્યું છે.આ હકીકત છે કે ભ્રમ? તે સ્વપ્ન જોવે છે કે શું? તેના ગાઢ મિત્રનો પરીવાર આ રીતે આંતકવાદ જેવા કામમાં જોડાયેલો હતો તે તેને જ નહોતી ખબર!!!!!!!!!!
તપાસ એજન્સીઓ હવે સિકંદરને પકડવા સક્રિય થઇ ગઈ હતી.સિકંદર તેને બચાવનો કોઈ આશરો ના જણાતા પોતાની સાથે રાખેલ એક એ છપ્પન ગન સાથે ભટકી રહ્યો હતો.તેને અચાનક યાદ આવ્યું. ક્રિશીલ જામનગર રહે છે અને પટેલ કોલોનીમાં તેના ઘર જેટલું સેફ તેને કોઈ બીજી જગ્યાએ આશરો નહિ મળે અને તેના ક્રિશીલ પર બહુ ઉપકાર હતા એટલે તેને વિશ્વાસ હતો કે ક્રિશીલ તેને નાં પાડશે નહિ.
રેડના બીજા દિવસે રાતે એક વાગ્યે પટેલ કોલોનીમાં ઘસઘસાટ ઉઘતા ક્રિશીલના ઘરના દરવાજે ટકોરા વાગી રહ્યા હતા.
ક્રિશીલે ભર ઊંઘમાંથી ઉઠીને પટેલ કોલોનીમાં પોતાના મકાનનું બારણું મધરાતે ખોલ્યું ત્યારે તેની સામે સિકંદર હાફળી-ફાંફળી હાલતમાં ઉભો હતો.સિકંદરે પોલીસથી બચવા પાઘડી અને દાઢી સાથેનો પંજાબી પહેરવેશ ધારણ કરેલ હતો એટલે ક્રિશીલ એને ઓળખી જ ના શક્યો. દરવાજો ખુલતા જ ક્રિશીલને કઈ જ કહ્યા વિના ધક્કો મારી દરવાજો અંદરથી બંધ કરી પલંગ પર બેસી ગયો. સિકંદરના આ વર્તનથી શું પ્રતિભાવ આપવો તે જ ક્રિશીલને ન સમજાયું.પરંતુ રૂમમાં લાઈટના અજવાળામાં પોતાના પરમ મિત્રને તે ઓળખી ગયો.અને ઓળખતાની સાથે જ તે ચોકી ઉઠ્યો. પરંતુ બંનેની દોસ્તી ખુબ જ ગાઢ હોય સીધો જાકારો આપી શકે તેમ નહોતું એટલે મોળા મને ક્રિશીલને આવકાર આપ્યો અને લાઈટ બંધ કર્યું.
તમામ તપાસ ટીમો સિકંદરને શોધી રહી હતી અને સિકંદર તમામ એજન્સી અને પોલીસથી બચતા બચતા અહી સુધી પહોચ્યો હતો.તેના ચહેરા પર પોલીસનો ડર સાફ જોઈ શકાતો હતો.ક્રિશીલે ખાનદાની બતાવતા પહેલાં પાણી આપી પોતાના ઘરમાં રહેલ જામનગરી સુકી કચોરીનો નાસ્તો તેને આપ્યો.સિકંદરે થોડી કચોરી ખાઈ પાણી પીને રાહત અનુભવી એટલે તૈયારીમાં ક્રિશીલના મનમાં જે સવાલ હતા તે પૂછવાના શરૂ કર્યા.
સિકંદરે આખી ઘટના વિષે સાચા જવાબ આપતાં જણાવ્યું કે બાઈક લે વેચના ધંધામાં તેમના પરીવારને આજથી ત્રણ વર્ષ પહેલાં ખુબ જ દેવું થઇ ગયું હતું. બે વર્ષ પહેલા એક વાર તેના ચાચા રહીમનો પરીચય પાકિસ્તાની એજન્ટ સાથે થયો જેમાં બાઈક લે વેચના કારણે તેઓનું નેટવર્ક મોટું હોય ડ્રગ્સ માટે ડીલ કરવાની વાત કહી અને કેટલો નફો થશે તથા દરીયાઈ માર્ગે એ કઈ રીતે ગુજરાતમાં ઘુસાડી તેમના સુધી પહોચાડવામાં આવશે તથા આમાં સરકારી તંત્ર પણ કઈ રીતે આખા નેટવર્કમાં મળેલું હશે તે જણાવી બહુ મોટી ઓફર આપી દિધી.દેવું પૂરું કરવા માટે બીજો કોઈ શોર્ટકટ અમારી પાસે હતો નહિ જેથી ચાચાએ અમારી સાથે આ ઓફર વિશે વાત કરી ત્યારે પહેલાં તો મેં ના જ પાડી દિધી કે હું ક્યારેય આવા કામ કરીશ નહિ.દેશ સાથે ગદ્દારીમાં સામેલ હું નહિ જ થાવ.પરંતુ અમારું દેવું સતત વધતું જ ગયું ત્યારે ચાચાએ અબ્બાને કહ્યું કે અગર એસે હી ચલા તો એક દિન હમ સબ કો આત્મહત્યા કરણી પડેગી..હમ જબ તક હમારા સબ નુકસાન ખત્મ નહિ હોતા તબ તક હી યે કામ કરેંગે.
ડ્રગ્સ ખરીદી તેને સપ્લાય કરવાના કામમાં જોખમ તો ખુબ જ હતું પણ સાથે તેમાં રૂપિયા એટલાં હતા કે તેની લાલચથી ના બચી શકાયું.માત્ર ૬ મહિનામાં અમારું દેવું પુરું થઇ ગયું. એટલે મેં ચાચા અને અબ્બુ સાથે વાત કરી તેઓને જણાવ્યું કે અબ હમ સબકો યે ધંધા બંધ કર દેના ચાહિયે.પણ મારા ચાચાને એટલી લોભ લાલચ લાગી હતી કે તે આ બધું બંધ કરવા જ તૈયાર નહોતા અને અબ્બુએ જયારે પોતે આ વ્યવસાયમાં હવે કામ કરવા નથી માંગતા તેમ જણાવ્યું તો ચાચાએ આ વાત એજન્ટને કરી તો તેણે ધમકી આપી કે અબ અગર તુમ ઇસ મેં સે નીકલે તો તુમ્હારી જાન નહિ બચેગી ઔર અગર ડર લગતા હૈ તો અપની સુરક્ષા કે લીયે લો એક સે એક બઢકર હથિયાર હૈ વો રખ લો. એમ કહી ઘણા બધા હથિયાર એમનેમ આપ્યા.મને દેશ સાથે ગદ્દારીનો એટલો પસ્તાવો થતો હતો કે હું મારી જાતને સંભાળી શકતો ન હતો. મને એમ જ થતું હતું કે મેં આ શું કરી નાખ્યું મારા દેશ સાથે? પરંતુ હવે પરિવાર પર ખુબ મોટો ખતરો હોય મારે આમાં અનિચ્છાએ પણ જોડાયેલું રહેવું પડે તેમ જ હતું.અને બધી જગ્યાએ એટલી ગુપ્ત નેટવર્કથી અને કોર્ડવર્ડની ભાષામાં જ આ કામ ચાલતું હતું કે અમને એમ જ હતું કે અમારા સુધી તો ક્યારેય કોઈ પહોચી જ નહિ શકે પરંતુ ખબર નહિ કોઈ અંદરનું જ ફૂટી ગયું કે શું પોલીસ વાળાને આ બધી બાતમી મળી ગઈ અને મારા પરિવારને ઉઠાવી લીધો અને તમામ માલ કબજે કરી લીધો હવે પોલીસ અને બીજી એજન્સીઓ મને પણ શોધી રહી છે.મેં બચવા માટે પાકિસ્તાનના પણ આકાઓનો સંપર્ક કર્યો પરંતુ સૌએ હવે હાથ ઊંચાં કરી દિધા છે ભાઈ અને હવે બચવા મારી પાસે કોઈ જ આશરો નથી.તું મને થોડા દિવસ તારા ઘરમાં છુપાવી રાખ ત્યાં સુધી હું દુબઈ ભાગી જવા માટે પ્રયત્ન કરું છું
એક શ્વાસે સિકંદર આટલું બોલી ગયા બાદ ક્રિશીલે પહેલાં તો તેના પર ખુબ જ ગુસ્સો કર્યો પણ એની સામે હવે મૈત્રીધર્મ અને દેશપ્રેમ બે માંથી એકની પસંદ કરવાનું ખુબ જ મોટું ધર્મસંકટ તેના પર આવી ગયું.ખુબ જ લાંબો વિચાર કર્યા બાદ તેને તેના મિત્રને સમજાવતા કહ્યું કે તું આજની રાત અહી રહી જા અને સવારે સામેથી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી આમાં બીજા અન્ય કેટલાં લોકો જોડાયેલા છે તેની માહિતી આપી દેજે જેથી તારી સજા થોડી ઓછી થાય.તે હવે ગુન્હો કર્યો છે એટલે સજા તો તને અને તારા પરીવારને થશે જ પણ સામેથી જો તું તાજનો સાક્ષી બની જાવ તો કદાચ તારી સજા હળવી થાય.પહેલાં તો સિકંદરે આનાકાની કરી પણ પછી માની ગયો અને સવારે જેવો સુરજ ઉગે એટલે તૈયારીમાં સામેથી પોલીસ સમક્ષ હાજર થઇ જવું તેમ નક્કી કરી બંને મિત્રો સુઈ ગયા.
સવાર થઇ ક્રિશીલ ઉઠ્યો ત્યારે તેને તેની બાજુમાં પલંગ પર જોયુ તો સિકંદર નહોતો અને ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો!!!!!!!! (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED