અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 2 Tejas Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 2

શ્રી ટી.એન.રાવ કોલેજ, રાજકોટ ખાતે બી.એડ.ની કોલેજમાં તાલીમનો અભ્યાસ કરતાં ક્રિશીલ અને તરલનો વાર્ષિક પાઠ હિરેન હોલ નજીક આવેલી શ્રી પ્રકાશ હાઇસ્કુલ ખાતે હતો.ત્યાંથી રીક્ષામાં બેસી ક્રિશીલે નજીકમાં જે પણ સારો ઓર્થોપેડિક ડોક્ટર હોય ત્યાં ફટાફટ લઇ લેવા કહ્યું. તરલે ઘણો જ સમજાવ્યો હોવા છતાં ક્રિશીલ પોતાના વાર્ષિક પાઠ અંગે એક પ્રકારનો જુગાર રમી તેને હોસ્પિટલ લઇ જઈ રહ્યો હતો.(વાર્ષિક પાઠ એ તાલીમ લઇ રહેલા ઉમેદવારો દ્વારા બી.એડ.માં આપવામાં આવતો એક તાસના પ્રત્યક્ષ શિક્ષણની પરીક્ષા છે.જેના ગુણ વાર્ષિક પરિણામમાં ઉમેરાતાં હોય છે. અને એ વખતે આજની જેમ ઘરે બેઠા જેમ બી.એડ.ની ડીગ્રી મળી જાય છે તેવું ન હતું .એ વખતે ફરજીયાત કોલેજ કરી નિયમોનુસાર રહેવાથી જ અંતે ડીગ્રી પ્રાપ્ત થતી હતી. )
આખા રસ્તે તરલ દર્દથી પીડાઈ રહી હતી.ભક્તિ નગર ખાતે આવેલી મંગલમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રીક્ષા ઉભી રહી એટલે ક્રિશીલ તરલને લઈને રીસેપ્શન રૂમમાં ઉપલબ્ધ ખાલી ખુરશીમાં બેસાડી રીસેપ્શન પર ગયો. રીસેપ્સનીસ્ટ દ્વારા ક્રિશીલને પેશન્ટનું નામ, ઉંમર અને એડ્રેસ પૂછતા ક્રિશીલે જવાબ આપ્યો કે, પેશન્ટનું નામ :- તરલ રાજેન્દ્રભાઈ રાઠોડ, ઉંમર-૨૨ વર્ષ ગામનું નામ – છાપરા તાલુકો-લોધિકા વગરે લખાવી પોતાનો નંબર આવે ત્યાં સુધી રાહ જોતા બેસી રહ્યા. ત્યાં બેસીને પણ તરલે ક્રિશીલને ફરી સમજાવતાં કહ્યું કે,” તે મને હવે અહિયાં લગી પહોચાડી દીધી છે તો તું પાછો વહ્યો જા અને તારો વાર્ષિક પાઠ આપ.પરંતુ માને એ ક્રિશીલ શાનો?.......... કારણ કે ક્રિશીલને તરલની હાલત જોઈ ખ્યાલ આવી જ ગયો હતો કે તરલને પગે ક્રેક જ હોવી જોઈએ.
ક્રિશીલ પણ છાપરા ગામ નજીક આવેલા મેટોડા ગામના ખેડૂતનો પુત્ર હતો. એમના સમાજમાં શિક્ષણ વિશે ખુબ જ ઓછી જાગૃતિ હોય સરકારી શાળામાં મર્યાદિત સુખ સગવડ સાથે તે અહી સુધી પોતાની બુદ્ધિના બળે પહોચ્યો હતો. (આપણને ભલે એમ થાય કે એક બી.એડ. જેવો અભ્યાસ એક સામાન્ય છે પરંતુ ક્રિશીલના સમાજ માટે તે એક જી.પી.એસ.સી.કક્ષાનો અભ્યાસ હતો.) ક્રિશીલનો પરીવાર એકંદરે તરલના પરીવાર કરતાં આર્થિક રીતે થોડો ઉતરતો હતો. તરલના પપ્પાને ખેતી માટે વારસામાં થોડી વધુ વાડી ભાગે આવેલ હોય તે મધ્યમ કક્ષાનો સુખી સંપન પરીવાર હતો. જયારે ક્રિશીલ માટે બી.એડ. બાદની કારકિર્દી પોતાના પરિવારની નબળી આર્થિક હાલત સુધારવાનો સ્ત્રોત હતી.વધુમાં ક્રિશીલના માથે તેની નાની બહેનની પણ જવાબદારી હતી.જે પણ હાલ પ્રથમ વર્ષ બી.એ.માં અભ્યાસ કરી રહી હતી.
એવું નહોતું કે તરલને આ બધી બાબતની જાણ નહોતી? એને જાણ હતી જ કે ક્રિશીલ માટે એનો પરીવાર કેટલું મહત્વ રાખે છે? અને કેટલી જવાબદારી તેના પર હતી. આથી જ તે આજે ક્રિશીલને પરત શ્રી પ્રકાશ હાઇસ્કુલ ખાતે જઈ પોતાનો પાઠ પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવી રહી હતી. પરંતુ સાથે સાથે એના મનમાં ક્રિશીલ દ્વારા પોતાની આજે લેવામાં આવેલ કાળજીની ખુબ જ ઊંડી અસર તેના હૃદય પર પડી હતી અને તેના દિલમાં ક્રિશીલ માટે ખુબ જ અહોભાવ જાગ્યો હતો. (કારણ કે આ સ્વાર્થી દુનિયામાં દરેક પોતાનું જ હિત પહેલાં વિચારતું હોય છે.)
વારો આવ્યો એટલે ડૉ.વિમલ કોઠારીએ તરલને તપાસતા તેનો એક્સરે કરાવવા મોકલતા સામાન્ય ક્રેક જોવા મળી. જે માટે પ્લાસ્ટર પાટો અને દુઃખાવાની દવા આપી દિન-૧૫ નો આરામ કરવા તરલને સુચના આપવામાં આવી. ક્રિશીલે ડોક્ટર અને મેડીકલનું બીલ ચુકવ્યું. ડોક્ટરના રૂમમાં વારો આવ્યો તે પહેલાં પ્રતીક્ષા ખંડમાં તરલ મનોમન ભગવાનને પ્રાર્થના કરતી હતી કે ઝડપથી વારો આવી જાય તો ક્રિશીલ પરત ઝડપથી તેનો પાઠ આપવા જઈ શકે. હવે શાળાએ પહોચવા માટે અંદાજે ૨૦ મિનીટ જેટલો જ સમય બચ્યો હતો. જો ૨૦ મિનીટમાં ક્રિશીલ શાળાએ પહોંચે તો જ તેને પાઠ આપવા મળે તેમ હતું. ક્રિશીલને તરલને તાત્કાલિક સારવાર આપી શકાવ્યો તેનો આનંદ હતો પરંતુ પોતાની જવાબદારીનું પણ ભાન હતું જ. (ઘણી વાર બંને બાજુ સરખી ફરજ હોય ત્યારે કયા એકની પસંદગી કરવી તે અઘરું થઇ જાય છે.)
આમ છતાં તેણે નક્કી કર્યું કે, એક વાર પરત શાળાએ પહોંચી જવું. ક્રિશીલ ખુબ જ નેકદિલ હોય તેને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી.તેને મનોમન પ્રાર્થના કરી કે ભગવાન સમયે પહોંચી જવ તો સારું એમ. પરંતુ તેની પાસે રહેલા મોટાભાગના રૂપિયા દવાખાનામાં પુરા થઇ ગયા હતા એટલે સ્પેશીયલ રીક્ષા કરી જઈ શકાય તેમ નહોતું.તરલ પણ પોતાનું પર્સ શ્રી પ્રકાશ હાઇસ્કુલ ખાતે જ છોડીને આવી હતી. (અને આજની જેમ એ સમયે ફોન પે/ગૂગલ પે/પેટીએમ જેવી સુવિધા હતી નહિ તથા બંનેના એસ.ટી. બસના પાસ કઢાવેલ હોય વધુ રૂપિયાની જરૂર પણ પડતી નહિ.)
તરલને પગે પ્લાસ્ટર હોય તેને ક્યાં રાખવી? તે અંગે પણ ક્રિશીલ અવઢવમાં હતો. બંનેએ ચર્ચા વિચારણા કરી નક્કી કર્યું કે તરલ ક્રિશીલ પરત આવે ત્યાં સુધી મંગલમ હોસ્પિટલ ખાતે જ રોકાશે અને ક્રિશીલ એકલો પરત જશે. ક્રિશીલ રસ્તે જનારા બાઈક વાળાને હાથ કરતો કરતો બે ત્રણ બાઈક વાળા બદલી શ્રી પ્રકાશ હાઇસ્કુલ પહોચ્યો. એ પહોચ્યો ત્યારે શાળા છુટવામાં પાંચ મિનીટની જ વાર હતી.

ક્રિશીલ શાળામાં ફટાફટ જઈ જિલ્લા કક્ષાના જે પાઠ ઓબ્સર્વર હતા તેમને મળ્યો અને આખી ઘટના કહી. ધામેચા સાહેબે પહેલાં તો ક્રિશીલને ખુબ જ ખખડાવી નાખ્યો અને કીધું કે,” મિસ્ટર તમને તમારી જવાબદારીનું કઈ ભાન છે કે નહિ? અમે અહિયાં શું ઘાસ કાપવા ગુડાણા છે? તમે આ રીતે મનસ્વી નિર્ણય લઇ વહ્યા જાવ અને હવે પાઠ આપવાની અપેક્ષા રાખો છો?” ક્રિશીલ સમજતો હતો કે ધામેચા સાહેબ પણ એમની જગ્યાએ સાચા હતા કે એ કોઈ પણ ઉમેદવારને પાઠ આપ્યા વગર કઈ રીતે માર્ક્સ આપી શકે? અને ચાલો આપવા પણ દે તો એ કઈ રીતે યુનિવર્સીટી દ્વારા નિયુક્ત પાઠ ઓબ્સર્વ કરવા આવેલા શિક્ષક જાડેજા સાહેબને સમજાવે? અને હવે તો શાળા છૂટવાનો પણ સમય હતો.
ધામેચા સાહેબે હાથ ઊંચા કરી દીધા એટલે ક્રિશીલ થોડો નર્વસ થયો પરંતુ તેણે હિમંત ના હારી. એ સીધો જાડેજા સાહેબ બેઠા હતા તે રૂમમાં પહોચ્યો અને તેમને આખી હકીકત જણાવી. ક્રિશીલ એક જ શ્વાસે જે કઈ બન્યું તે બધું બોલી ગયો હતો. અને જાડેજા સાહેબનું રીએક્શન જોવાની પણ તસ્દી ના લીધી. જાડેજા સાહેબ ક્રિશીલને થોડી વાર ધ્યાનથી જોઈ રહ્યા.
પછી અચાનક એમના મનમાં કઈક સ્ફૂરણા થઇ. ક્રિશીલ જયારે બોલી રહ્યો એટલે જાડેજા સાહેબે સીધું ક્રિશીલને પૂછ્યું કે ભાઈ તું ક્યાંનો છે? ક્રીશીલે તેનું ગામ જણાવ્યું અને એને પણ હવે આ સાહેબને પહેલાં ક્યાંક જોયા હોય તેમ લાગ્યું.

ચોમાસાની ઋતુમાં જાડેજા સાહેબ તેમના પરીવાર સાથે રાજકોટથી દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તે દિવસે ધોધમાર વરસાદ પડતો હતો. સાંજની આરતીના દર્શન કરીને જાડેજા સાહેબ રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે જામનગરના ફલ્લા નજીક રાતે તેઓની એસ્ટીમ ગાડીનું પંક્ચર પડ્યું.રાતનો સમય, પુષ્કળ વરસાદ અને પરીવાર પણ સાથે હોવાથી તેઓ ચિંતાતુર થઇ નીચે ઉતર્યા. મુશળધાર વરસતા વરસાદમાં સ્ટેપની બદલવા જાડેજા સહેબ કારમાંથી નીચે ઉતર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે સ્ટેપની પણ પંચર છે. આસપાસ પંક્ચરની કોઈ જ દુકાન હોય તેમ જણાતું નહોતું.
યાત્રામાં પતિ પત્ની સાથે પોતાની મોટી પુત્રી માહિરા અને પૌત્રી કે જેની ઉમર બે વર્ષ હતી તે અને નાની પુત્રી આરાધના પણ સાથે હતી જે દેખાવે ખુબ જ સુંદર હતી. ગાડી જ્યાં પંચર થઇ હતી તે જગ્યા પણ એવી હતી કે રાત્રે આવી જગ્યાએ પરીવાર સાથે રહેવું જોખમ હતું. એટલે જાડેજા સાહેબે પોતાના બ્લેકબેરી ફોનમાંથી નજીકના કોઈ ઓળખીતાને ફોન લગાવવા ફોન ખીસામાંથી બહાર કાઢ્યો. પરંતુ મોબાઈલમાં ટાવર જ આવતો ન હતો. હવે જાડેજા સાહેબે રસ્તામાં આવતી દરેક ગાડીને મદદ માટે હાથ લંબાવવા શરૂ કર્યા પરંતુ રાતનો સમય અને વરસાદ હોય કોઈ જ ગાડી ઉભી રાખતું ન હતું. (આમ પણ રાતના સમયે આવી મદદના નામે લુટાઈ જવાનો ડર સૌને રહેતો હોય છે.) કલાક જેટલો સમય પસાર થયા છતાં કોઈની મદદ જ મળતી ન હતી.જાડેજા સાહેબની પૌત્રી પણ ખુબ જ રડી રહી હતી. પરંતુ તેઓ બીલકુલ નિ:સહાય હતા.
આરાધના ભગવાનમાં વિશ્વાસ ધરાવતી ન હતી. તે માત્ર માં -બાપની જીદ વશ સાથે આવી હતી. આરાધનાએ ભગવાન પર ખુબ જ ગુસ્સો કાઢતા જાડેજા સાહેબને પૂછ્યું કે,“ તમે મોટા ઉપાડે ભગવાનના દર્શન કરવા નીકળ્યા હતા અને જુઓ એ જ ભગવાને તમને હેરાન કર્યાને? ભજો હવે તમારા ભગવાનને અને વગાડો મંજીરા.”
જાડેજા સાહેબ ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવતા હતા.તેઓએ આ સમયે તેમની ૨૦ વર્ષની યુવાન દીકરીને જવાબ આપવાના બદલે સાચા દિલથી ભગવાનને મદદ માટે યાદ કર્યા.અને અંતે ચમત્કાર થયો. ક્રિશીલ પણ તેના મિત્ર હર્ષનીલ સાથે કોઈક કામથી રાજકોટ થી જામનગર હર્ષનીલની બાઈક પર જતો હતો અને તેણે પણ તેના મિત્ર હર્ષનીલના ઘરે જામનગર જ રાત રોકાવાનું હતું.વરસાદ બંધ હતો એટલે તેઓ બંને ફરી જામનગર તરફ આગળ વધી રહ્યા હતા. ત્યાં જ દુરથી સામેની બાજુએ ક્રિશીલની નજર ગાડી અને મદદ માટે હાથ કરતાં જાડેજા સાહેબ પર પડી. આ જોઈ ક્રિશીલે હર્ષનીલને બાઈક રોકવાનું કહ્યું. પરંતુ હર્ષનીલનો સ્વભાવ ક્રિશીલથી વિપરીત હતો. તેને આ બધી લપ ગમતી નહિ તેથી તેણે ના પાડતા કહ્યું ,”ભાઈ રહેવા દે ને.આમાં પડવા જેવું નથી. પરંતુ ક્રિશીલની જીદ આગળ તેણે નમવું પડ્યું અને બાઈક ઉભી રાખી.
જાડેજા સાહેબ પાસેથી હકીકત જાણી તૈયારીમાં ટાયર લઇ બંને મિત્રો ફલ્લા પહોંચી એક નાયર પાસે ટાયર સરખું કરાવી અડધો કલાકમાં પરત આવ્યા. વિરુદ્ધ દિશામાં જવું પડ્યું અને પોતાનું પેટ્રોલ અને સમય બગડ્યો માટે હર્ષનીલ અંદરથી ખુબ જ દુ:ખી હતો પણ પોતાના જીગરજાન દોસ્તના કારણે એ કઈ બોલી શકે તેમ ન હતો.જાડેજા સાહેબ માટે તો આજે જાણે ક્રિશીલ જ દ્વારકાધીશ બનીને આવ્યો હતો.તેમણે ક્રિશીલ અને તેના મિત્રનું નામ ઠામ પૂછી દિલથી આભાર માન્યો અને મદદ માટે પૈસા પણ ઓફર કર્યા પણ ક્રિશીલે નાં પાડી. અંતે જાડેજા સાહેબે પંક્ચર કરાવવાના રૂપિયા ચૂકવ્યા જે ક્રિશીલે લઇ લીધા. આ સમયે ગાડીના કાચમાંથી અન્ય ગાડીના ક્રિશીલ પર પડતા લાઈટને કારણે ક્રિશીલ પર નજર પડતા જ આરાધના ક્રિશીલને જોઈ જ રહી. ક્રિશીલ મધ્યમ બાંધાનો, ઘઉંવર્ણો અને સરસ ઘાટ ધરાવતો યુવાન હતો.કોઈ પણ છોકરી જોતાં જ તેના તરફ આકર્ષિત થઇ જાય તેવું તેનું વ્યક્તિત્વ હતું.આરાધનાને મનમાં કેટલાય પુલકિત કરી દે તેવા વિચારો આવી ગયા અને ટાયર લઇ જતા પહેલાં અને બાદમાં ક્રિશીલ નિહાળવા મળ્યો તેથી ગાડી બગાડવા માટે હવે તે જે ગુસ્સો કરતી હતી તેની જગ્યાએ પ્રફુલ્લિત થઇ ગઈ.
ક્રિશીલ કઈ બોલે તે પહેલાં જ જાડેજા સાહેબે જ આ ઘટનાની ઓળખાણ યાદ કરાવી.પછી શાળા છૂટવાનો સમય હોય બાળકોને વધુ વાર રોકાવી શકાય તેમ ન હોય જાડેજા સાહેબે સેકંડ ઓબ્સર્વર ધામેચા સાહેબ સાથે ચર્ચા કરી નક્કી કર્યું કે શાળા બાદ ૫ મિનીટ માટે ક્રિશીલના પાઠનું પરીક્ષણ ખાલી વર્ગમાં કરી લેવું.ધામેચા સાહેબને પણ જાડેજા સાહેબ માની ગયા તે જાણી ખુબ જ નવાઈ લાગી.
ક્રિશીલે ધોરણ-૯ માં સામાજિક વિજ્ઞાનનો “સરકારના અંગો” પાઠની આગવી સમજ આપી. જેનાથી ધામેચા સાહેબ પણ ખુબ જ પ્રભાવિત થયા.અંતે ક્રિશીલને પાઠ આપવા મળ્યો અને ફરી વાર જાડેજા સાહેબે તેનો તે રાત માટે અને આજની તેને તરલને કરેલ મદદ માટે શબ્દોથી સન્માનિત કર્યો અને સાથે પોતાનો મોબાઈલ નંબર આપી કઈ પણ કામ હોય તો જણાવવા કહ્યું.ક્રિશીલ પણ બંને સાહેબોનો ખુબ ખુબ આભાર માની કોઠારી સાહેબની હોસ્પિટલ સુધી જેમ આવ્યો હતો તેમ જ લીફ્ટ માંગતો માંગતો પહોચ્યો.(સાચે કોઈને કરેલ નાનકડી કે વિશાળ મદદ ગમે તે સ્વરૂપે પરત આવી કામ આવે જ છે)
(આમ એ ઘટનાનો સુખદ અંત આવ્યો.આગળના ભાગમાં હવે ક્રિશીલ-તરલની જોડી કઈ રીતે બને છે? કોણ પહેલી પહેલ કરે છે? અને આગળ શું થાય છે તે જાણીશું.)
આપ સૌના પ્રેમ બદલ આભાર

રેટ કરો અને રિવ્યુ આપો

Tejas

Tejas 5 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 5 માસ પહેલા

Jigna Pandya

Jigna Pandya 5 માસ પહેલા