Adhuro Prem Lagninu Sargam - 5 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 5


દેવશીભાઈ સાથે રાજકોટ આવી મંગલમ હોસ્પીટલમાં તરલ ચેક અપ કરાવવા આવી ત્યારે ફરી તેના મનમાં તે દિવસની ઘટના આકાર લેવા માંડી અને ક્રિશીલને યાદ કરી મનોમન રોમાંચિત થઇ ગઈ.એ દિવસ એના જીવનનું સંભારણું બની ગયો હતો.
એમ કરતાં કરતાં દિવસો વીતી ગયા અને આ તરફ યુનીવર્સીટીની અંતિમ પરીક્ષા પણ આવી ગઈ.પરીક્ષાનું આજે પ્રથમ પેપર હતું.બંને આજે લાંબા સમય પછી અને ખાસ તો ક્રિશીલ દ્વારા તરલ સામે પ્રેમની અભિવ્યક્તિ કર્યા બાદ બંને સામસામે પ્રત્યક્ષ મળવાના હતા.
ક્રિશીલને તો આગલી રાતે જ ચેન નહોતું.તો આ તરફ તરલની પણ આ જ હાલત હતી.સવારમાં બંને એક બીજાનો સામનો કેમ કરીશું એ મનોમંથન બંનેના મનમાં ચાલી રહ્યું હતું.સવારે મેટોડાથી બસમાં બેસતા જ ક્રિશીલ અલગ બેચેનીમાં હતો.તે આજે વ્હાઈટ ડેનીમ શર્ટ અને સ્કાય બ્લુ જીન્સમાં બોલીવુડના હીરો જેવો લાગતો હતો.બસ છાપરા આવીને ઉભી રહી એટલે ક્રિશીલના ધબકારા વધી ગયા હતા.બ્લેક રંગની શલવાર કુર્તિ પર લાલ રંગના દુપટ્ટા સાથે તરલ પણ ખુબ જ આકર્ષિત લાગતી હતી.
બસ ઉભી રહે એટલે તરલ તેમાં ચડતા જ બંનેની આંખો એક થતાં તરલની આંખો શરમથી ઝુકી ગઈ અને તરલ ક્રિશીલ પાસે ચુપચાપ બેસી ગઈ.બંને વચ્ચે આખા રસ્તે પ્રથમ દિવસના પેપર બાબતે જ વાતચીત થઇ.પરીક્ષા શરુ થઇ અને બંને દ્વારા સારી તૈયારી કરેલ હોવાના કારણે બંનેના પેપર સારા જતા હતા.આમ કરતાં કરતાં તમામ વિષયના પેપર પૂર્ણ થતાં પરીક્ષાનો અંતિમ દિવસ આવી ગયો.
બંને માટે હવેનો સમય ખુબ જ કઠીન હતો. કોલેજકાળમાં જયારે લાંબા સમય સુધી જોડે હતા ત્યારે પ્રેમની અભિવ્યક્તિ કરી ન હતી અને હવે જયારે અભિવ્યક્તિ કરી એકમેકના બનવા માટેના કોલ આપ્યા ત્યારે છુટા પડવાનો સમય હતો.અંતિમ દિવસે પેપરની શરૂઆતથી જ બંને બેચેન હતા.તેઓને ખબર નહોતી કે તેમના પ્રેમનું શું ભવિષ્ય હશે? તરલના માં-બાપ કે પછી પોતાના માં-બાપ માણસે કે કેમ? એ બાબતે ક્રિશીલને શંકા હતી. સામે તરલ પણ આ જ વિચારી રહી હતી.
ગમે તે રીતે ધ્યાન એકાગ્ર કરી બંનેએ પેપર પુર્ણ કર્યા અને અગાઉથી નક્કી થયા મુજબ બધાની સાથે રોજના રૂટની બસમાં ઘરે ન જતાં કોલેજની બહાર ગેટ પર મળવાનું નક્કી કર્યું.ત્યાર બાદ બંને રેસ કોર્સ રોડ પર આવેલી સંકલ્પ રેસ્ટોરેન્ટમાં ગયા.બંને આજે પહેલી વાર આ રીતે સાથે આવ્યા હતા એટલે રોમાંચની સાથે દિલમાં ગભરાહટ પણ હતી.
સંકલ્પ રેસ્ટોરેન્ટમાં બંનેએ મસાલા ઢોસા સાથે પાપડ છાસનો ઓર્ડર આપી વાતો કરતાં પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરતાં હવે પછી શું કરવું અને પોતાના માં-બાપને કઈ રીતે આ વાત જણાવવી તથા તે લોકોને લગ્ન માટે રાજી કઈ રીતે કરવા તે વિષે ચર્ચા કરી.આજે રેસ્ટોરેન્ટમાં ભોજન પૂર્ણ થયા બાસ બેમાંથી એક પણની ત્યાંથી ઉભું થઇ દુર જવાની ઈચ્છા નહોતી. બંનેને એકમેકનો સાથ હવે એટલો પસંદ હતો કે બંને માટે જુદા થવું અઘરું હતું.આમ છતાં બીજી બસનો સમય થતાં ઘરે જવું જરૂરી હોય બંનેને વિદાય લેવી પડે તેમ જ હતી.આખા રસ્તે તરલે ક્રિશીલનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો.છાપરાં આવતા જયારે ઉતરવાનું થયું ત્યારે તરાલ પોતાના આવેગો પર કાબુ ન રાખી શકી અને તેની આખો અશ્રુભીની થઇ ગઈ.ભારે હૈયે આંખોથી જ ક્રિશીલને અલવિદા કરી નીચે ઉતરી ગઈ.
ઘરે ગયા પછી તરલની જુદાઈના કારણે ક્રિશીલનું પણ હૈયું ભારે થઇ ગયું હતું.કારણકે હવે કાલથી કોઈ બહાનું હતું નહિ જેનાથી એ તરલને મળી શકે અને વાત કરી શકે. એ રાતે બંને એકબીજાની યાદમાં ખુબ જ વ્યથિત રહ્યા.ફોન કોલિંગ અને મેસેજ ફ્રી ના હોવાના તથા તરલના ઘરના વાતાવરણના કારણે બંને લાંબા સમય સુધી વાત ન કરી શકતા.બંને હવે જયારે તક મળે ત્યારે બસ એક બીજાના ખબર પૂછી લેતાં હતા.
આરાધનાના ઘરનું વાતાવરણ આધુનિક હોય તેને સંપૂર્ણ સ્વતંત્રતા હતી. તે ગમે એ સમયે ક્રિશીલ સાથે મેસેજ કે કોલથી વાત કરી લેતી.ક્રિશીલ એની સાથે હમેંશા સભ્યતાથી વાત કરતો.આરાધનાને ક્રિશીલ ખુબ જ ગમવા માંડ્યો હતો.હવે ગમે એમ કરી ક્રિશીલને મળવા અને પોતાના પ્રેમનો ઇઝહાર કરવા માટે તે બેચેન હતી.
એક દિવસ આરાધનાનો ક્રિશીલ પર મેસેજ આવ્યો અને એમાં એટલું જ લખ્યું કે રાજકોટ નજીક જાડેજા સાહેબનો અકસ્માત થયો છે તમે ઝડપથી જામનગર રોડ પર આવેલી ક્રાઇસ્ટ હોસ્પિટલ પહોચો.ક્રિશીલે મેસેજ જોયા બાદ તૈયારીમાં આરાધનાના નંબર પર કોલ કર્યો કોલ કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો.જાડેજા સાહેબનો ફોન પણ આઉટ ઓફ કવરેજ બોલતો હતો.ક્રિશીલ હવે બસની રાહ જોઈ શકે તેમ ન હતું તે તૈયારીમાં ગામના તેના મિત્ર સિકંદરની બાઈક લઇ રાજકોટ જવા નીકળી ગયો.
રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલ પર પહોચ્યો ત્યારે પૂછપરછ વિભાગમાં ક્રિશીલે તપાસ કરી પરંતુ આવું કોઈ જ પેશન્ટ દાખલ થયું હોવાનું તેને જણાવવામાં આવ્યું.ક્રિશીલને હવે થોડી ચિંતા થઇ.એને ફરી બંને ફોન પર ટ્રાય કર્યો પરંતુ સંપર્ક ના થઇ શક્યો. પોતાના મનના સંતોષ માટે અડધો કલાક તેણે રાહ જોઈ પણ જાડેજા સાહેબ વિશે કોઈ જ સમાચાર ના મળ્યા.
ક્રાઈસ્ટ હોસ્પિટલના પાર્કિંગ આગળ રાહ જોઈ રહેલા ક્રિશીલ સામે આરાધના પ્રકટ થઇ.આરાધનાને જોઇને ક્રિશીલે તૈયારીમાં જાડેજા સાહેબ વિશે પુછ્યું અને જણાવ્યું કે તે ૪૦ થી ૪૫ મિનીટથી અહી રાહ જોઈ રહ્યો છે પણ આવું કોઈ પેશન્ટ દાખલ નથી તેમ હોસ્પિટલ તરફથી મને જણાવવામાં આવ્યું છે.ક્યાં છે જાડેજા સાહેબ? શું થયું હતું તેમને?તેઓને અત્યારે કેવું છે? જેવા ઘણા બધા પ્રશ્નો એક સાથે ક્રિશીલે આરાધનાને પૂછી નાખ્યા. આરાધના એકદમ નફફટ બનીને બોલી સાચું કહીને તને બોલાવતી તો તું થોડો આવતો?
ક્રિશીલને કઈ સમજાયું નહિ.આરાધનાએ કહ્યું,” પપ્પાને કાંઈ જ નથી થયું.હું તો તને મળવા માગતી હતી એટલે આ રીતે મેસેજ કરી તને બોલાવી લીધો.ક્રિશીલને આરાધના પર પહેલાં તો ખુબ જ ગુસ્સો આવ્યો પરંતુ તે જાડેજા સાહેબની દીકરી હોય કઈ બોલ્યો નહિ અને માત્ર એટલું પૂછ્યું.મને અહી આ રીતે બોલવા પાછળનો તમારો હેતુ જણાવો.
આરાધનાએ જવાબ આપ્યો ઘડીક ખમ તો ખરો.હું બધું તને જણાવું પણ અહી ઉભા ઉભા વાત નહિ કરી શકું.મારી પાછળ બેસી જા.ક્રિશીલે કીધું તેની પાસે બાઈક છે.જ્યાં જવું હોય યાં હાલો.હું પાછળ પાછળ આવું છુ.ક્રિશીલ તેના મિત્ર સિકંદરની પેશન પ્લસ બાઈક લઇ આરાધનાની એકટીવા ટુજી પાછળ પાછળ જવા લાગ્યો.
આરાધનાએ રેસકોર્સ રોડ પર આવેલ નહેરુ બગીચા પાસે તેનું એકટીવા રોક્યું.આ રીતે નાટક કરીને ક્રિશીલને બોલાવવો અને અહિયાં સુધી તેને લાવવામાં આવ્યો એટલે તેને હવે થોડી શંકા ગઈ.આમ છતાં આગળ આરાધના શું કરે છે અને શું થાય છે તે જાણવા તે બાઈક રોકી નીચે ઉતર્યો.
બાઈક અને એકટીવા પાર્ક કરી બંને નીચે ઉતર્યા અને આરાધના બગીચામાં આવેલા બાંકડા તરફ લઇ ગઈ.બાંકડા પર બેસી આરાધનાએ ક્રિશીલને આ રીતે બોલાવ્યો તેના માટે પહેલાં માફી માગી.એટલે ક્રિશીલે તેને માફ કરી શું કામ અહી આ રીતે બોલાવ્યો છે તે ફરી વાર પુછ્યું.આરાધના જવાબ આપતાં બોલી ક્રિશીલ હું અત્યારે તને કઈ કહી નહિ શકું. મારે તને જે કહેવું છે એ આ પત્રમાં મેં લખેલ છે.અને મારી શરત છે તારે આ પત્ર અહી ખોલીને વાંચવાનો નથી.ક્રિશીલ આ બધું સાંભળી બે ઘડી તો અવાક જ રહી ગયો.બ્લ્યુ જીન્સ અને પિંક ટી શર્ટમાં છુટા વાળ રાખી સામે ઉભી આરાધના રૂપ રૂપનો અંબાર હતી.તે કોઈને પણ ગમી જાય તેવી હતી.તેના પ્રેમના પ્રસ્તાવને ના પાડવામાં આવી છે એમ જો કોઈ કહે તો તે વ્યક્તિને મુર્ખની યાદીમાં મુકવામાં આવે તેમ હતું.
ક્રિશીલને પત્ર આપવામાં આવ્યો એટલે એવું તો લાગ્યું જ કે તે આવું કઈક કરવા જઈ રહી છે. સાથે સાથે એમ પણ થયું ક્યાં તે શહેરની ફોર્વડ છોકરી અને ક્યાં હું ગામડાનો સિમ્પલ છોકરો.બીજી કોઈ વાત હશે આવું કઈ નહિ હોય.પોતાના મનના વિચારો પર કાબુ રાખતાં તેને પત્ર લીધો અને અન્ય કોઈ સવાલ ન કરતાં ત્યાંથી ચાલવા માંડ્યું.આરાધના ક્રિશીલને જોતી જ રહી ગઈ.
ક્રિશીલને પત્રમાં શું હશે તે જાણવાની ઉત્સુકતા હતી એટલે બાઈક તેને રાજકોટ સીટી બહાર ઉભી રાખી અને તૈયારીમાં પત્ર વાંચવા માંડ્યો.
ક્રિશીલ,
તને કઈ રીતે મારા દિલની હાલત જણાવું? કિશોરાવસ્થાથી તરુણાવસ્થા સુધી કાબુમાં રાખેલ મારું દિલ હું તને મેં તે દિવસે રાતે અંધારામાં જોયો ત્યારે જ હારી ચુકી હતી.ક્રિશીલ મને ના તારી નાતજાત ખબર છે. ના તારું ગામ ઠેકાણું. તું કોણ છે? તું શું કરે છે?આ બધું ખબર ના હોવા છતાં હું તારા પ્રેમમાં પડી ગઈ છું.
તારા હકારમાં જવાબની રાહ જોતી આરાધના.
બસ આટલું જ લખી પોતાના ક્રિશીલ પ્રત્યેના પ્રેમનો એકરાર આરાધનાએ કરી દિધો હતો.ક્રિશીલ આ પત્ર વાંચી શું પ્રતિભાવ આપવો તે નક્કી ના કરી શક્યો. અને વિચારવા માંડ્યો કે કઈ રીતે આરાધનાને પોતાની અને તરલની વાત કરી એને સાચી હકીકતથી વાકેફ કરવી.આ વિચારતા વિચારતા તે બાઈક પર પરત આવી સિકંદરને બાઈક તેના ઘરે આપી ઘરે ગયો.
સિકંદર તેનો શાળા સમયનો મિત્ર હતો.નાના હતા ત્યારથી બંને સાથે હતા પરંતુ ધોરણ દસ નાપાસ થયા બાદ સિકંદર તેના કાકા સાથે બાઈક લે વેચના વ્યવસાયમાં જોડાઈ ગયો હતો.ક્રિશીલ પાસે નાનપણથી અત્યાર સુધી સૌથી નજીક હોય તેવા બે જ મિત્ર હતા.એક હર્ષનીલ અને બીજો સિકંદર.બંને સાથે એને ઘણી જ ગાઢ દોસ્તી હતી.સિકંદરને કહું કે નહિ આ વાત તેમ વિચાર કર્યો પણ તેને થયું હમણાં કોઈને કઈ જ કહેવું નથી કારણ કે ખોટી કોઈની છોકરીની બદનામી થશે એમ વિચારી તેને આ બાબતે કોઈ પણ સાથે ચર્ચા ના કરી.
ઘરે પહોચી તેનો ફોન જોયો તો આરાધનાનો મેસેજ હતો કે આઈ એમ વેઈટીંગ ફોર યોર આન્સર.ક્રિશીલે કઈ જ જવાબ ના આપ્યો.જેના કારણે આરાધના મનોમન ખુબ જ ગુસ્સે થઇ.ખુબ જ બેચેન આરાધનાએ બીજા દિવસે તેની સાથે બી.ટેક. કરતાં તેના મિત્ર હરપાલસિંહને આ બધી વાત કરી.હરપાલસિંહ તો આ બધી વાત જાણી મનોમન ખુબ જ ઉકળી ગયો.વાત એમ હતી કે કોલેજનાં પ્રથમ દિવસથી જ આરાધના તેને ખુબ જ ગમતી હતી અને આ રીતે આરાધના બીજા કોઈને ચાહે તે તેને મંજુર નહોતું.એ સમયે તો હરપાલસિંહ કઈ જ ના બોલ્યો. હરપાલસિંહનો આખો પરિવાર પોલીસ વિભાગમાં હતો.તેના પપ્પા રાજકોટ શહેરમાં પી.એસ.આઈ. હતા તો તેના કાકા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પી.આઈ.હતા.આરાધનાને સીધી રીતે નાં પાડવી એના કરતાં એના દિલમાં ક્રિશીલ માટે નફરત જાગે એવું કઇક કરવાનું આયોજન તેના મનમાં રમવા માંડ્યું. અને આરાધનાને તે ક્રિશીલ સાથે બધું ઓકે થઇ જશે અને તને હકારમાં જ જવાબ આપશે તેવો ખોટો દિલાસો દેખાવ ખાતર આપવા માંડ્યો.
*****************************************************************************

બે મહિના બાદ બી.એડ.નું પરીણામ આવી ગયું.ક્રિશીલના ૮૫.૨૫% અને તરલના ૮૨.૧૮% સાથે બંને સારા માર્ક્સ સાથે પાસ થઇ ગયા.ક્રિશીલ હવે આગળનું પ્લાનિંગ કરવા માટે તરલ સાથે વાત થતી ત્યારે પોતે સારી નોકરી મેળવવી અને ત્યાર બાદ બંનેએ ઘરમાં પોતાના લગનની વાત કરવી તેમ નક્કી કર્યું હતું.ક્રિશીલ હવે દરેક શાળામાં ઇન્ટરવ્યું આપવા માંડ્યો હતો.એટલામાં હર્ષનીલ તેના માટે સમાચાર લાવ્યો કે જામનગરમાં વાલસુરા ખાતે કેન્દ્રિય વિદ્યાલયમાં કોન્ટ્રાક્ટ બેઝમાં જગ્યા પડી છે અને પગાર પણ ૩૫૦૦૦ જેટલો છે.તું એક વાર ઇન્ટરવ્યુ આપી જો.
ક્રિશીલે ઇન્ટરવ્યુ આપ્યું અને તેનું પ્રભુત્વ ખુબ જ સારું જણાતા કેન્દ્રિય વિદ્યાલયની કમિટીએ તેને સિલેક્ટ કરી લીધો અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ જગ્યા માત્ર ૧૧ મહિના માટેની હંગામી જગ્યા છે. જો કોઈ નિયમિત શિક્ષક બદલીથી આવી જશે તો તમારે જગ્યા ખાલી કરવી પડશે.આ આમ એક પ્રકારના જુગાર જેવું હતું.પરંતુ સરકારી ભરતી ના આવે ત્યાં સુધી બીજી કોઈ પ્રાઇવેટ સ્કુલ તેને આટલો પગાર આપે તેમ ન હતું.એટલે તેને ઘરમાં બધાને વાત કરી અને તરલને પણ જણાવ્યું.બધાએ એને સંમતિ આપી. એટલે તે જામનગરમાં આવેલ પટેલ કોલોનીમાં ઘર ભાડે લઇ નોકરીમાં જોડાઈ ગયો.
ક્રિશીલ નોકરી સાથે ટ્યુશન પણ કરાવતો હોય પોતાનો ખર્ચ કાઢતા સારી એવી રકમ ઘરે આપી તેના માં-બાપને સહાયરૂપ થતો હતો.તેને તેની બહેન હિનલ માટે પણ ખુબ જ લાગણી હતી એટલે તેના માટે પણ જામનગરથી બાંધણી અને અન્ય વસ્તુ મોકલતો હતો.ક્રિશીલ અને તરલ વચ્ચેનો સંબંધ ખુબ જ પવિત્ર હતો.બંનેએ કોઈને પણ પોતાના પ્રણય વિશે વાત કરી નહોતી.વચ્ચે એક વાર તે તરલ સાથે દ્વારકા પણ જઈ આવ્યો હતો અને બંનેએ પોતાની જોડી બને એ માટે ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા. આમ ક્રિશીલ-તરલની લાઈફમાં બધું જ હવે સરસ રીતે ચાલતું હતું.
*****************************************************************************

આ બાજુ હવે આરાધનાના કોઈ જ મેસેજ નો તે જવાબ આપતો ન હતો અને કોલ પણ લેતો નહોતો.એટલે આરાધના સમજી ગઈ કે આને રીલેશન નથી રાખવો એટલે આ જવાબ નથી આપતો.આરાધનામાં પ્રેમ કરતાં ક્રિશીલ પર હક જમાવવાનની ધુન વધારે સવાર હતી.તેના જેવી અતિ સુંદર છોકરી સામેથી આ રીતે પોતાના પ્રેમનો ઈઝહાર કરે અને સામે કોઈ જ જવાબ તેને ના મળે એ તેની સહનશક્તિ બહારની વાત હતી.એના ગમમાં તે સતત ગુસ્સામાં જ રહેતી હતી અને હરપાલસિંહને કહેતી હતી કે જો તે તેનો સાચો મિત્ર હોય તો ગમે તે રીતે ક્રિશીલ સાથે તેનો સંપર્ક કરાવી આપ.હરપાલસિંહ ને આ બધી વાત દિલમાં ખુબ જ ખુચતી હતી પણ તેને આરાધનાને કીધું કે તારા માટે હું ગમે એ કરીને ક્રિશીલને તારી સામે લઇ આવીશ.
આ બાજુ હવે હરપાલસિંહ કઈ રીતે આરાધના પરથી ક્રિશીલનું ભુત ઉતારવું તેની પ્લાનિંગમાં પડી ગયો હતો તેને તેના પપ્પાના પોલીસમાં હોવાના સંબંધોની વગ વાપરી ક્રિશીલ વિશે રેકી શરૂ કરી.આમ ક્રિશીલ હવે પોતાના કોઈ જ વાંક ન હોવા છતાં અને પોતે કઈ જ કરેલ ન હોવા છતાં તેની આવનારી લાઇફમાં હવે ભયંકર સંકટ આવવાનું હતું.હરપાલસિંહની ગેમ ક્રિશીલની જિંદગી જ બદલી કાઢવાની હતી.(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED