ત્રણ હજાર રૂપિયા वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રણ હજાર રૂપિયા

ત્રણ હજાર રૂપિયા
------------------------
એવી જાતીમાં જનમ કે જન્મતાં તે રડતી હોય તો છાની રાખવા રોશની જન્મી ત્યારે કે ઉછેર સમયે છાંટો પાઈ દેવાનો.એવી ગરીબીમાં સબડતી પ્રજા કે આખો દિવસ મજૂરી કરી બસો રૂપિયા કમાતો હોય તે રાત પડે ને છાંટો પાણી કરી લેવું એવી લત પડી ગઈ હતી રોશનીના પપ્પાને.
રોશનીની મમ્મી જે કંઈ પારકા ઘરનાં કચરાં પોતાં કરી કમાય તે બધું રોશનીના પપ્પા પીવામાં પુરુ કરી લથડીયાં ખાતો ખાતો શેરી કે વાડમાં માથું નાખી ગંદકીના ઉકરડે નશામાં ચકચૂર પડ્યો હોય.જયારે તેને નશો ઓછો થાય ત્યાં તે જાગીને ઘેર છૂપો આવી તેને માટે પથારી કરી હોય ત્યાં આવી પડ્યો રહે.એક નહીં આખુ ફળિયું પીએ. બધાંની અલગ અલગ મહેફિલ થાય.ગાળવાવાળાને રાત પડે ધિકતો ધંધો એટલે તે વેચનારને પણ મજા અને પીનારા ને પણ મજા.
સરકારે આવાસ યોજના હેઠળ એમને દરેકને નાનકડાં મકાન બનાવી આપ્યાં ખરાં પરંતુ ભ્રષ્ટાચારથી ખદબદતા તંત્ર સામે આ ગરીબાઈમાં સબળતી જાતી કે સમાજ ને તો ઘરનું ઘર મળી ગયું તેમાં રાજી.નાનકડા ઘરમાં સુવિધાનો અભાવ અને શેરી મહોલ્લામાં નિયમિત સફાઈ કોણ કરે એટલે ગંદકીના કારણે નાક બંધ કરી જવુ પડે તેવી અજાણ્યા માણસો આ વિસ્તારમાં આવે તો પાંચ દસ મિનિટે ભાગવું પડે.પાછું જ્યાં દારૂ પુષ્કળ પીવાતો હોય ત્યાં માંસની હાટડીઓ કાચા મકાન કે કંતાન ના અંદર ચાલતાં હોય.શાળામાં આ વિસ્તારમાંથી આવતા બાળકોની તો બુરી અવદશા.
માર અને માંસ ખાઈ તરુણવસ્થામાં પહોંચેલી રોશનીને તેની મમ્મીના કાયમ માર સાથે મેણાં ટોણાં સાંભળતા આ સંતાન કાદવમાં કમળ પેટે ખીલતું હતું.નજર સમક્ષ ઝઘડા,દારૂ,માંસના દોજખ વચ્ચે રોશનીનો પ્રકાશ પથરાતો જતો હતો.મમ્મીનાં કવેણ મનમાં લીધા વિના રોશની સમજુ થતી જતી હતી.એને તમન્ના હતી કે હું ભણી ને ક્યાંક નોકરીએ જતી રહુ પણ આ નાની કુમળી છોકરી જાય તો જાય ક્યાં? મનના મનસુબા સવારે ફૂટે રાત્રે સુઈ જતા....
ગામની પંચાયતમાં એક પરદેશી સાહેબ નવા સવા આવ્યા હતા તે આ ગામમાં સરકારી કર્મચારી માટે બનાવેલા મકાનમાં રહેતા હતા.એકલા હતા અપરણિત હતા તેને આખો દિવસ ઓફિસે બેસવું સાથે કામના ભારણથી તે થાકી ને લોથપોથ થઇ એ ઘેર આવે ત્યારે જાતે જ ઘરનું કામ અને જમવાનું જાતે બનાવવું પડતું,ઘરની સાફ સફાઈ,વાસણ,કપડાં વગેરે કામ જાતે કરીને આ સાહેબને થતું કે કોઇ કામવાળું મળી જાય તો સારુ.
ગામની પંચાયતમાં વરસોથી પટ્ટાવાળાની ઈમાનદારીથી નોકરી કરતા કાળુભાઇને આ સાહેબે વાત કરી કે મારા ક્વાટરમાં મારું કામ કરે તેવી કોઇ બાઈ હોય તો શોધી આપો ને કાળુભાઇ!
હાજર જવાબી કાળુભાઈએ કીધું કે હા સાહેબ આ બે એક દિવસમાં શોધી તમને જણાવીશ.
સવારનો સમય હતો.કાળુભાઇ એક સોળ સત્તર વરસની છોકરી લઇ ને સાહેબના સરકારી કવાટર ને બારણે ટકોરા મારી સાહેબે દરવાજો ખોલ્યો તો કાળુભાઇ તમેં! કહીં અંદર બેસવાનું કીધું.
કાળુભાઈએ કીધું કે સાહેબ આ છોકરી તમારે ત્યાં દરરોજ બપોરે કામ કરવા આવશે.એને એક ચાવી આપી દો.તમેં હાજર હો ના હો તમારું તમામ કામ ખુબ ચીવટાઇ થી કરશે એ મારા જ ફળીયાની છે અને હું આ છોકરી ને જાણું છું.હાલ એક ઘરના તમામ કામના એક માસ ના દોઢસો રૂપિયા ચાલે છે.પણ તમેં મારા સાહેબ છો એટલે પચ્ચીસ ઓછા આપજો.કામ તમારે જોવું નહીં પડે..
એક સાથે કાળુભાઈએ બધું જ કહીં દીધું.અને સાહેબના મુખ બાજુ બન્ને જોઈ રહ્યાં.
કાળુભાઇ! આ છોકરીને અત્યારે જ મૂકી દો હું એને બધુજ કરવાનું કામ સમજાવી દઉં છું તમતમારે તમારે જવું હોય તો જાઓ અથવા આ છોકરી ને આવતી કાલે આવવું હોય તો પણ મને વાંધો નથી.હું એનું કામ જોઉં ગમશે તો પચ્ચીસ ઓછા આપવાની તમેં વાત કરી ને હું એને પચ્ચીસ વધારે આપીશ!
કાળુભાઇ એ રોશની બાજુ જોઈ બોલ્યા બોલ બેટા રોશની! કાલે કામે લાગવું છે કે આજથી?
રોશની માત્ર એટલું જ બોલી કાકા કાલ કે આજ! મારે કામ જ કરવું છે તો કાલ શું કરવા આજથી અત્યારથી જ હું લાગી જાઉં.તમારે ઓફિસે જવુ હોય તો જાઓ.હું મારી મેળે કામ કરી ઘેર જતી રહીશ.
સાહેબે આ છોકરીની જીભમાં બેઠેલી સરસ્વતી પારખી લીધી કાળુભાઇ ને કીધું તમેં જાઓ હું રોશની ને શું કામ કરવાનું તે બધું જ સમજાવી દઉં છું.
કાળુભાઇ ચાલ્યા ગયા.રોશનીને ઘરમાં શું શું કરવાનું તે સમજાવી ને એક ચાવી એને આપી તે પણ ઓફિસ ગયા.
રોશની રોજ નિયમિત આવતી જતી.બે માસ જેવો સમય વીતી ગયો.રોશનીને એકસો પંચોતર રૂપિયા રોકડા માસ અંતે આપી ને કહેતા રોશની તું ખુબ સંસ્કારી છોકરી છે.તારામાં કોઈજ કમી મેં જોઈ નથી.આવતા માસથી તને વાપરવાના અને ઘેર આપવાના એમ તને પાંચસો આપીશ.
રોશનીના હાથમાં નવી નકકોર સો રૂપિયાની બે નોટ જોઈ રાજી થતી ઘેર જઈ તેની મમ્મી ને બધી જ વાત કરી.
સમય વિતતો ગયો.સાહેબના વતનથી આકસ્મિક સંદેશ આવ્યો કે તેમના કાકાનું અવસાન થયું છે જે સાહેબના ગમતા કાકા હતા.કાળુભાઇ ને ભલામણ કરી કે એક ચાવી રોશની પાસે છે હું આવું પાછો આવું ત્યારે રોશનીને કહેજો કે બે ત્રણ દહાડે સફાઈ કરી જજે.હું દસ પંદર દિવસે પાછો આવીશ.
રોશનીને સમાચાર મળ્યા કે સાહેબ વતન ગયેલા છે પંદર દિવસે આવશે.એમ સમજી તે કવાટરમાં કામે ગઈ તો ત્યાં બધું જેમનું તેમ પડ્યું હતું.જમવાનું અને રોટલી પણ એમજ ઢાંકેલા હતાં.કપડાં પણ બાથરૂમમાં અને સુકાયેલા કપડાં પણ પલંગ પર મૂકી સાહેબ નીકળી ગયા હતા. રોશનીએ બધું જ વ્યવસ્થિત કર્યું.કપડાં અને ગાદલાને વાળી સરખું કરતી વખતે સાહેબના એક સાથે ત્રણ હજાર રૂપિયા જોઈ તે રૂપિયાને રસોડે એક ડબ્બામાં મૂકી દીધા.બધું કામ કરી તે જતી રહી..... દરરોજ સરકારી ક્વાટર બાજુ આંટો મારી ખાતરી કરે કે સાહેબ આવ્યા કે નહીં.
રોશનીને મળેલા ત્રણ હજાર રૂપિયામાં મોહ ન લાગ્યો કેમકે એ સંસ્કારી છોકરી હતી અને કોઈને કીધું પણ નહીં કે રૂપિયા ભૂલીને સાહેબ વતનમાં ગયા છે.અત્યંત જરૂરિયાત હતી છતાં રૂપિયો એક પણ ઓછો ન કર્યો.ઘર વખરી બધી જ હતી પણ આ છોકરીએ નજર ન બગાડી. કેટલી સમજુ સંસ્કારી છોકરી!
પુરા પંદર દિવસ થયા સાહેબના ઘરનાં દિવા બત્તી થતી જોઈ.રોશનીના હૈયે ટાઢક મળી કે ક્યારે સવાર થાય અને સાહેબને મળું,અને કહું કે તમારા ત્રણ હજાર રૂપિયા મેં વાપરી નાખ્યા છે.
સવાર રોશની વહેલી આવી ગઈ હતી.સાહેબ વીતી રાત્રે આવ્યા હતા તો ઘર એકદમ ચોખ્ખું હતું.ખુબ ખુશ હતા રોશનીના કામ પર.
રોશની!
જી સાયેબ!
તું તો ધાર્યા કરતાં ખુબ ડાઈ છો.મને તારા કામમાં ખુબ સંતોષ છે.આવતા પગારમાં તને મનગમતો ડ્રેસ લઇ આવજે તે બધા જ રૂપિયા તારા પગાર ઉપરાંત આપીશ.
રૂપિયાનું નામ પડતાં રોશની રસોડે ડબ્બામાં સંતાડેલા ત્રણ હજાર રૂપિયા લઇ આવી સાહેબના હાથમાં આપતી બોલી લો આ તમારા ગાદલા નીચે હતા ગણી લો પુરા છે. મેં એક રૂપિયો પણ લીધો નથી.
સાહેબ રોશની સામું જોઈ જ રહ્યાં ક્ષણિક મૌન બાદ બોલ્યા...
રોશની તારા મમ્મી પપ્પા શું કરે છે?
રોશની બોલી એક દારૂ પીએ છે અને બીજું ગાળે છે.એક લથડિયા ખાતું મોડું આવે છે બીજું મને મારે છે.
સાહેબ કહે તું કેમ ભણી નહીં?
સાહેબ ભણવું'તું પણ મમ્મી ને કામ કરાવવું અને બાપ પીધેલો એટલે દરરોજ થતા ઝઘડા મારઝૂડના પરિવારમાં મારે શી રીતે ભણવું?
રોશનીના શબ્દો માં દર્દ જોઈ સાહેબ મૌન બની બીજા રૂમમાં જતા રહ્યા રોશની કામ કરી તે પણ ઘેર જતી રહી.
કાળુભાઈને ઓફિસ રૂમમાં બોલાવી સાહેબે કીધું કે કાળુભાઇ મારે રોશનીના પરિવારને મળવુ છે.તો કાળુભાઇ એ કીધું સાહેબ એના ઘેર જવા જેવું નથી તેવું બોલી કાળુભાઇ રૂમ છોડી ગયા.વિચાર તન્દ્રામાં સાહેબ આખો દિવસ ખોવાયેલા રહ્યા.
બીજો દિવસ રજાનો હતો.રોશની આવી હતી.કામ પતાવી ને ઘર તરફ જવાની હતી ત્યાં રોશની અહીં બેસ મારે તારી જોડે થોડી વાત કરવી છે.
હા બોલો સાયેબ!
સાહેબ મૌન બની મનમાં વિચારો કરવા લાગ્યા..રોશની તું કેમ આટલી ડાઈ થઇ ભણી નહીં,મને તારા ઘેર તારી મમ્મી ને મળવા ના કેમ પાડે છે? ઘણા સવાલ હતા પણ મનમાં શમી ગયા.વિચારમાં ખોવાયેલા સાહેબને રોશની એ કીધું બોલો ને સાયેબ શું કામ મને રોકી?
રોશની મને તારી ચિંતા છે કે આટલી સરસ સંસ્કારી છોકરીનું શું થશે?
રોશની કહે સાયેબ બઉ જ દયા આવતી હોય તો
"મને પરણી જાઓ."
તમેં એકલા જ છો.હજુ પરણ્યા જ નથી.મને ગરીબને સહારો મળે અને તમને કાયમી કામવાળી!
સાહેબ અચંબીત નજરે રોશનીના મુખમાં ઝળહળતો પ્રકાશ જોઈ જ રહ્યા.અભણ રોશનીના મુખમાં ગંગા વહેતી જોઈ જ રહ્યા.
રોશની તું વિચારે છે તેટલું સહેલું નથી.મારું આ વિસ્તારમાં કોઇ જ સગું નથી અને બીજી વાત મારો પરિવાર ખુબ મોટો છે.મને ભણાવી નોકરી અપાવવામાં એમનો બધાનો ફાળો છે.એમની મંજૂરી લેવી પડે અને એ મંજૂરી આપે પણ નહીં.તું હજુ નાની છે.તું થોડું ભણી જાય તો સારુ.તું ભણે તો હું મદદ કરીશ.
બીજું સાંભળ રોશની... મારી બદલી મેં મારા વતન કરાવી દીધી છે આ બે પાંચ દિવસમાં હું બિસ્તરા સાથે જવાનો છું....
આટલુ કહેતાં રોશની પગથિયાં ઉતરી ગઈ... બીજા દિવસે એ કામે ના આવી.સાહેબ ઘર ખાલી કરી વતન જતાં જતાં પટ્ટાવાળાને રોકડા ત્રણ હજાર આપતાં કહેતા ગયા કે આ રોશનીના હક્ક ના રૂપિયા છે એને જ આપજો.. એને સારુ ઘર અને વર મળે તેવી શુભકામના કેજો.
અને ભારે હૈયે એ પ્રદેશ ને કાયમ માટે છોડી દીધો.
પછી રોશનીને કાળુભાઈએ ઓફિસે બોલાવી કીધું કે આ સાહેબ તને આપતા ગયા છે... ત્રણ હજાર પુરા છે.... જે તારા હક્કના છ.
રોશની સુનમૂન એ રકમ લઇ જતી રહી.... આજ સુધી કાળુભાઈને રોશની એ નજરે ન ચડી.
- વાત્ત્સલ્ય.