ઉત્તરાયણ એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. આખું વર્ષ જેમને કામ ધંધામાંથી ફુરસત ન મળે એ લોકો પણ પરિવાર સાથે આ તહેવારનો આનંદ માણતાં જોવા મળે છે. ઉત્તરાયણ આવે એટલે યુવાનો, વૃદ્ધો અને ખાસ કરીને બાળકો મકાનનાં ધાબે ચઢી જાય છે અને પતંગ ચગાવવાનો અદ્ભુત આનંદ માણે છે. નોકરિયાત કે વ્યાપારી વર્ગ માટે આ તહેવાર માત્ર બે દિવસનો હોતો હશે, પણ બાળકો માટે આ તહેવાર એક મહિનાથી પણ વધારે લાંબો હોય છે. બાળકો ઉત્તરાયણના પંદર કે વીસ દિવસ અગાઉથી પતંગની મોજ માણતા જોવા મળે છે અને ઉત્તરાયણના દસ કે પંદર દિવસ પછી પણ બાળકો ધાબે જ જોવા મળે છે. અહીં લોકો પતંગ ચગાવવાની સાથે સાથે કપાયેલાં પતંગને લૂંટવાની પણ મજા માણે છે. ધાબા પર સાઉન્ડ સિસ્ટમ ફીટ થઈ જાય છે અને સરસ મજાના મ્યુઝિકના તાલે અને પવનની લહેરો સાથે પતંગ અને યૌવન બંને હિલોળાં લેતાં જોવા મળે છે.
ઉત્તરાયણ ખરેખર મજાનો તહેવાર છે, પણ આપણી મજા કોઈના માટે સજા ન બની જાય એ પણ જોવું રહ્યું. ઉત્તરાયણ પર પતંગની તેજ તરાર દોરી ક્યારેક અબોલ પક્ષીઓનાં ગળાને છેદનાર તલવાર બની જાય છે. પળવારમાં જ ગગનમાં મસ્તી કરતાં પારેવાનું પ્રાણ પંખેરું ઊડી જાય છે. આ બધું આપણને ન દેખાય, કારણ કે આપણી નજર તો આપણી પતંગ ક્યાં જાય છે ત્યાં જ હોય, પક્ષીઓ પર થોડી હોય? પણ કેટલાંક સેવાના ભેખધારી લોકો હજુ આ પૃથ્વી પર છે કે જેઓ ઉત્તરાયણ જેવા મસ્ત મજાના તહેવારની મોજ બાજુ પર મૂકીને અબોલ પશુપક્ષીઓની સેવામાં લાગેલાં હોય છે. ઉત્તરાયણની મજા તો એમને પણ માણવી હોય છે, પણ જો બધાં મજા માણવામાં જ લાગેલાં હોય તો ઉત્તરાયણના દિવસે ઘાયલ થયેલાં પક્ષીઓની દરકાર કોણ રાખે? આપણે ઘાયલ થઈએ તો ૧૦૮ ઈમરજન્સીને ફોન કરી દઈએ, પણ આ પક્ષીઓ કોને ફોન કરીને પોતાની મદદે બોલાવે? આવા અબોલ પક્ષીઓનો દર્દનાક અવાજ સાંભળ્યો છે એક નારીરત્ન એવા ઇન્દુબેન એસ. પ્રજાપતિએ.
મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીના બામણા ગામની નજીક આવેલાં ગામ પુનાસણમાં જન્મેલાં ઇન્દુબેન પ્રજાપતિએ પોતાના દમ પર એક સંસ્થા ઊભી કરી છે. 'માનવસેવા એ જ પ્રભુસેવા'ને પોતાનો જીવનમંત્ર ગણી માનવસેવાના ઉચ્ચ શિખરો સર કરતી આ સંસ્થા એટલે 'શ્રવણ સુખધામ પંચવટી'. ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા સ્થાપિત આ સંસ્થા અનેક માનવીય અને સામાજિક કાર્યો થકી સમાજમાં માનવતાને ધબકતી રાખવાનું ઉમદા કાર્ય કરી રહી છે. અનેક સામાજિક કાર્યો થકી આ સંસ્થા આજે જરૂરિયાતમંદ લોકોનો સહારો બની છે તથા અનેક તહેવારોની ઉજવણી થકી આ સંસ્થા દેશની સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનું કાર્ય કરી રહી છે.
ઇન્દુબેન પ્રજાપતિએ આ સંસ્થા થકી અબોલ પશુપક્ષીઓની સેવા કરવા માટે એક મહાઅભિયાન ' વિહંગનો વિસામો ' શરૂ કર્યું છે. આ અભિયાન છેલ્લાં છ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે અને હવે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અભિયાન અંતર્ગત પશુપક્ષીઓને પાણી અને અનાજ પૂરું પાડીને તેમની ભૂખ સંતોષવામાં આવે છે. આસપાસના શ્વાન અને કપિરાજ માટે રોટલો અને લાડુની વ્યવસ્થા કરવામાં આવે છે. પશુપક્ષીઓ માટે ઉનાળામાં પાણી, ચોમાસામાં ચણ, શિયાળામાં હૂંફાળો માળો વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને 'શ્રવણ સુખધામ પંચવટી' સંસ્થા માટીના કુંડા, માટીના માળા અને ચણનું વિતરણ કરીને પશુપક્ષીઓની સેવા અને પ્રકૃતિના જતન માટે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. અહીં દર વર્ષે 20 માર્ચે આવતાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી બીજા તહેવારોની જેમ પૂરા હર્ષોલ્લાસથી કરવામાં આવે છે.
ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા શરૂ કરવામાં આવેલાં '' વિહંગનો વિસામો ' અભિયાને અનેક સમાજ સેવકો, મહાનુભાવો, કલાકારો અને લેખકોને આકર્ષિત કર્યા છે અને તેઓ આ અભિયાનમાં સહર્ષ જોડાઈને ધન્યતા અનુભવી રહ્યાં છે. ગુજરાતના નામાંકિત લોકગાયિકા કુમારી કિરણ પ્રજાપતિ અને લોક સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ આ અભિયાનને વેગવંતુ બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. તદુપરાંત લોક ડાયરાના બેતાજ બાદશાહ માયાભાઈ આહીર, મેક્સ આહીર, લોકગાયિકા વનિતા બેન પટેલ, દેવિકાબેન રબારી, રશ્મિતા બેન રબારી, ઘનશ્યામભાઈ ઝુલા, ઘનશ્યામ લાખાણી, લોકસાહિત્યકાર રાજભા ગઢવી, માનસી કુમાવત (રાજસ્થાન) વગેરે કલાકારોએ પોતાની આગવી શૈલીમાં વિડીયો રજૂઆત દ્વારા આ અભિયાનને સામાન્ય લોકો સુધી પહોંચાડીને સફળ બનાવ્યું છે.
'વિહંગનો વિસામો' મહાઅભિયાન આજે ગુજરાતનાં સીમાડાઓ વટાવી ચૂક્યું છે. પલ્લવી રાય, કે જેઓ ' ભારત એક નઈ સોચ ' ચેનલના ફાઉન્ડર છે, તેમણે આ અભિયાનને ગોરખપુર, ઉત્તરપ્રદેશમાં વેગવંતુ બનાવ્યું છે. આજે ઉત્તરપ્રદેશમાં પણ આ અભિયાન લોકો સુધી પહોંચ્યું છે અને આવનારા દિવસોમાં દેશના બીજા રાજ્યો સુધી પણ પહોંચવાની નેમ ધરાવે છે. વાચકોને જાણીને નવાઈ લાગશે કે પલ્લવી રાયની સમગ્ર ટીમ આ અભિયાન વિશે માહિતી મેળવવા 'શ્રવણ સુખધામ પંચવટી' સંસ્થા ખાતે બે દિવસ રોકાઈ હતી. તેમણે 'વિહંગનો વિસામો' અભિયાન તથા સંસ્થા દ્વારા થતાં બીજા અનેક સેવાકીય કાર્યોને બિરદાવ્યાં હતાં.
દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે 'વિહંગનો વિસામો' અભિયાનને વહેતું મૂકવામાં આવે છે. ઉત્તરાયણ પર પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની માવજત કરવામાં આવે છે તથા જેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું હોય તેવા મૃત પશુપક્ષીઓની સહ સન્માન અંતિમવિધિ કરવામાં આવે છે. ઉનાળામાં ધોમધખતા તાપથી બચવા આપણે એર કન્ડીશન રૂમમાં છુપાઈ જઈએ છીએ, પરંતુ આ પક્ષીઓ ક્યાં જાય? આ પક્ષીઓ માટે ઇન્દુબેન પ્રજાપતિની સંસ્થા પાણી માટેનાં કુંડા અને માટીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આવા માટીનાં પક્ષીઘર વાતાનુકૂલ હોય છે, જે શિયાળામાં હૂંફ અને ઉનાળામાં ઠંડક પ્રદાન કરે છે. આવા પ્રેમથી બનાવેલાં માટીના માળામાં પોતાનું ઘર વસાવીને આ અબોલ પક્ષીઓ માનવીને મૂક આશીર્વાદ આપે છે. અત્યાર સુધી 'શ્રવણ સુખધામ પંચવટી' દ્વારા ૧,૧૮,૭૮૬ જેટલાં માટીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા આજે પણ અવિરત ચાલી રહી છે અને વર્ષના ૩૬૫ દિવસ ચાલ્યાં જ કરે છે. બની શકે કે આ લેખ વાચક જ્યારે વાંચે ત્યારે ઉપર જણાવેલી સંખ્યા કરતાં પણ અનેકગણા માટીના માળા અને કુંડાનું વિતરણ થઈ ચૂક્યું હોય! આ શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિની સંસ્થા છે, જે અહર્નિશ માનવીય મૂલ્યોનું જતન કરીને સમાજને પ્રેમ અને કરુણાનો સંદેશ આપી રહી છે.
લેખક:- પાર્થ પ્રજાપતિ