Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 57

" કૉલેજ કેમ્પસ "ભાગ-57
આકાશના પપ્પા મનિષભાઈના એક હાથમાં ઈમ્પોર્ટેડ કાચનો મગ હતો જેમાં તે ચૂપચાપ ચા પી રહ્યા હતા.. પરંતુ તેમના મગજના વિચારો જેટલા સ્પીડમાં ચાલી રહ્યા હતા તેટલી તેમની ચા પીવાની ગતિ ધીમી થતી જતી હતી.

બસ તેમના મગજમાંથી એક જ વિચાર ખસતો નહોતો કે હવે આ છોકરાનું મારે કરવું શું ?? કઈરીતે તેને લાઈન ઉપર લાવવો ?? અને આજે અચાનક તેમનાં મોંમાંથી, " હે ઈશ્વર.." એવા લાચારી ભર્યા શબ્દો ભારોભાર નિસાસા સાથે સરી પડ્યા....

ભાવનાબેન પણ પોતાના વિચારોમાં અને ભરોભાર દુઃખમાં ખોવાઈ ગયેલા હતા જે કંઈજ બોલવા તૈયાર નહોતા.. પરી મનિષભાઈના તમામ પ્રશ્નોના જવાબ આપી ચૂકી હતી તેથી તે પણ ચૂપ હતી પરંતુ તેની મુંઝવણ હજુપણ દૂર થઈ નહોતી કે હું અહીં આકાશના ઘરે કઈ રીતે આવી ? અને મને અહીંયા કોણ લઈ આવ્યું ? કારણ કે, તેના દિલોદિમાગ ઉપર આછો આછો ખ્યાલ એવો છવાયેલો હતો કે હું અને આકાશ અમે બંને કોઈ એક સારી હોટેલની રૂમમાં ગયા હતા તો પછી અત્યારે હું અહીં ક્યાંથી ? તેની કોફી પીવાઈ ગઈ હતી એટલે તેણે ભાવનાબેનની સામે જોયું ફરીથી થોડા ધીમા અને દબાયેલા અવાજે પોતાનો મુઝવણભર્યો સવાલ પૂછ્યો કે, " આન્ટી મને અહીંયા કોણ લઈ આવ્યું ? "

હવે ભાવનાબેનને પણ પરીને તેના એકના એક વારંવાર રીપીટ થતાં પ્રશ્નનો જવાબ આપ્યા વગર છૂટકો જ નહોતો તેથી તેમણે પરીના ખભા ઉપર પાછળના ભાગમાં પોતાનો હાથ પ્રેમથી ફેરવ્યો અને પછી તે બોલ્યા કે, " તું અને આકાશ જે હોટેલમાં ગયા હતા તે અંકલના ફ્રેન્ડની જ હોટેલ છે અને ત્યાં અંકલ ઘણી બધી વખત પોતાની બિઝનેસ મીટિંગ પણ ગોઠવે છે તેથી ત્યાંનો સ્ટાફ પણ અંકલને ખૂબ સારી રીતે ઓળખે છે. તમે રાત્રે જેવા ત્યાં પહોંચ્યા અને આકાશે રૂમ લીધી કે તરત જ ત્યાં કાઉન્ટર ઉપર બેઠેલા રૂપેશ દવેએ આકાશને જોયો એટલે તેમને થયું કે સામાન્ય રીતે કોઈ પણ બિઝનેસ મીટિંગ હોય તો વ્યવસ્થા માટે મનિષભાઈનો ફોન આવી જાય છે અને રાત્રે કોઈ દિવસ મનિષભાઈ અહીં આવતાં પણ નથી રૂપેશ ભાઈ આકાશને પણ ખૂબ સારી રીતે ઓળખે છે અને આજે આજે આકાશ અહીંયા આ રીતે રાતના સમયે... તેમણે વિચાર્યું કે, મારે મનિષભાઈને જાણ કરવી જોઈએ અને મોડી રાત્રે તેમનો ફોન આવ્યો, રાતના સમયે અંકલ પરિવારના સભ્ય સિવાય કોઈનો પણ ફોન ઉપાડતા નથી પરંતુ રૂપેશભાઈએ જ્યાં સુધી પપ્પાએ ફોન ન ઉપાડ્યો ત્યાં સુધી ફોન કરવાનો ચાલુ રાખ્યો અને ત્યારે પપ્પાને થયું કે નક્કી કોઈ ખાસ કામ હશે નહીં તો રૂપેશભાઈ આ રીતે ઉપરાઉપરી ફોન ન કરે તેથી તેમણે ફોન ઉપાડ્યો અને ત્યારે ખબર પડી કે તમે બંને તેમની હોટેલમાં રાત્રી રોકાણ માટે ગયા છો.. પરંતુ તે રીતે હોટેલમાં રોકાવું બરાબર નથી બેટા એટલે પપ્પા તરત ને તરત જ તમને લેવા માટે ત્યાં પહોંચી ગયા અને રાત્રે જ તમને બંનેને અહીંયા આપણાં ઘરે લાવી દીધા. "
પરી: પરંતુ આન્ટી આકાશ ક્યારે અને કેટલા વાગે મને હોટેલમાં લઈ ગયો મને કશી જ ખબર નથી, હું તેને વારંવાર કહેતી રહી કે આપણે હવે ઘરે જવું જોઈએ બહુ લેઈટ થઈ ગયું છે અને નાનીમા પણ મારી રાહ જોતાં હશે પરંતુ તે મારું કંઈ સાંભળવા જ તૈયાર નહોતો. હું શું કરું ? " અને આ વાત કરતાં કરતાં પરી જાણે બિલકુલ નર્વસ થઈ ગઈ હતી. તેને માથામાં દુખતું હોય તેમ પોતાના બંને હાથ વડે તે પોતાનું માથું દબાવવાની કોશિશ કરી રહી હતી..અને બોલી રહી હતી કે, " મારો ફોન ચાર્જ થયો હશે હું નાનીમા સાથે વાત કરી લઉં "
ભાવનાબેન પણ સમજી ગયા હતા કે, આને માથામાં દુખતું લાગે છે એટલે તેમણે પરીને કહ્યું કે, " તું નાનીમા સાથે વાત કરી લે હું તારા માટે થોડું લીંબુનું શરબત બનાવી દઉં શરબત પીશ એટલે તને ઘણું સારું લાગશે.

પરી નાનીમા સાથે વાત કરી રહી હતી. નાનીમાનો એક જ સવાલ હતો કે, " તું રાત્રે આપણાં ઘરે આવવાને બદલે ત્યાં કઈરીતે પહોંચી ? "
હવે પરી પાસે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો...
શું જવાબ આપશે પરી નાનીમાને ? કે પછી આકાશ તેને શહેરથી થોડે દૂર લઈ ગયો હતો અને આકાશે અને પોતે બંનેએ કંઈક નશો કર્યો હતો તેવું સાચેસાચું કહી દેશે ? કે નાનીમા આગળ આખીયે આ વાતને કોઈ જુદી રીતે રજુ કરશે ?
તે જોઈએ આપણે આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/1/23