Dhun Lagi - 38 - Last Part books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ




"કૃણાલ! તું આ શું બોલે છે? અંજલી તારી ભાભી છે." કરણ બોલ્યો.

કરણ બોલ્યો પછી અનન્યા તેની નજીક જઈને, તેનાં ગાલ પર હાથ રાખીને બોલી "કરણ! તું તો મોટો થઈ ગયો છે. તું 10 વર્ષનો હતો, ત્યારે મેં તને જોયો હતો. અરે! તારાં તો લગ્ન પણ થઈ ગયાં છે." અનન્યાએ અંજલી તરફ જોઈને કહ્યું "ખૂબ સુંદર વહુ લાવ્યો છે તું."

"અનુ! તું આ શું બોલે છે? કરણ તારાં જીજાજી છે." અંજલી બોલી

અનન્યા પાછી કૃણાલ પાસે જઈને બેસી ગઈ. તે બંનેનાં હાવભાવ અને દેખાવ, વાતાવરણને ભયાનક બનાવી રહ્યાં હતાં.

"તમે કોઈ અમને ઓળખતાં નથી?" કૃણાલે કહ્યું.

"કંઈ વાંધો નહીં. હું ઓળખાણ કરાવું છું. હું છું મીનલ મનીષ મહેતા!" અનન્યાએ કહ્યું.

"અને હું છું મોહન રામજી રાઠોર!" કૃણાલે કહ્યું.

આ સાંભળીને બધાં આશ્ચર્યમાં મૂકાઈ ગયાં. કેમકે મીનલ મહેતા કરણનાં પહેલા મમ્મીનું નામ હતું અને મોહન રાઠોડ અંજલીનાં પિતાનું નામ હતું. આ બંને 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને મનીષજીની આંખોમાં ડર છવાઈ ગયો હતો. તેઓ થરથર કાંપી રહ્યાં હતાં.

"કેમ, મનીષ મહેતા! હવે ઓળખાણ પડી?" કૃણાલે કહ્યું.

"યાદ તો હશે જ. 10 વર્ષ પહેલાં તમે જેની હત્યા કરી હતી, તેને તમે કઈ રીતે ભૂલી શકો છો?" અનન્યાએ કહ્યું.

"અમે આજે એ હત્યાનો બદલો લેવા આવ્યાં છીએ." કૃણાલે કહ્યું.

આ સાંભળી મનીષજીનાં શરીરમાંથી કંપારી છૂટી ગઈ. બાકી બધાંને શું થઈ રહ્યું છે, તે કંઈ સમજણ નહોતી પડતી.

"અંજલી! તારાં પિતાની હત્યા કોણે કરી હતી, તે જાણવાનો તને અધિકાર છે" કૃણાલે કહ્યું.

"અને કરણ! તારાં મમ્મી હત્યા કોણે કરી હતી? એ જાણવાનો તને પણ અધિકાર છે." અનન્યાએ કહ્યું.

"તમે આ શું કહી રહ્યાં છો? મને કંઈ સમજાતું નથી." અંજલી બોલી.

"થોડીવારમાં બધું જ સમજાઈ જશે." અનન્યાએ કહ્યું.

"આજે 10 વર્ષ પછી અમે ફરીથી આવ્યાં છીએ. અમારી હત્યાનો બદલો લેવા અને એક અણસમજણને કારણે થયેલી હત્યાનું પરિણામ આપવા." કૃણાલે કહ્યું.

"કેવી અણસમજણ?" કરણે પૂછ્યું.

"આજથી 10 વર્ષ પહેલાં, હું મુંબઈની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતો. મીનલ મહેતા મારી સ્કૂલમાં શિક્ષિકા હતી. મનીષ મહેતા મોટો બિઝનેસમેન હોવાં છતાં, તેની પત્ની શિક્ષિકાની નોકરી કરે તે તેને પસંદ ન હતું. પણ મિનલ તેની ઈચ્છાથી શિક્ષક બની હતી. મીનલનાં સારાં સ્વભાવનાં કારણે ધીમે ધીમે મારી અને તેની વાતચીત વધવા લાગી. મનીષને અમારાં મિત્રતાનાં સંબંધમાં બીજો જ કોઈ સંબંધ દેખાયો. એક દિવસ હું અને મીનલ ઓફિસ રૂમમાં, દરવાજો જામ થઈ જવાથી બંધ થઈ ગયાં હતાં. ત્યારે મનીષ મીનલને મળવાં માટે સ્કૂલે આવ્યો. ત્યાં આવીને તેને દરવાજો તોડી નાખ્યો. અંદર આવીને અમને બંનેને સાથે જોયાં એટલે તેનું મગજ બેકાબૂ બની ગયું. તેણે અમારી કોઈપણ વાત સાંભળ્યાં વગર, અમને ગોળી મારી દીધી."

"પોલીસે તેમને કોઈ સજા ન કરી?" અંજલીએ પૂછ્યું.

"બિઝનેસમેનને કોણ સજા કરી શકે છે? તેમની પાસે તો પૈસા અને સત્તા બંને હોય છે." કૃણાલે કહ્યું.

"મને માફ કરી દો. ત્યારે હું મારી વિચારશક્તિ ગુમાવી બેઠો હતો. મને અણસમજણ થઈ હતી એટલે મેં તમારી હત્યા કરી હતી." મનીષજીએ બંને સામે હાથ જોડીને કહ્યું.

"તારી અણસમજણને કારણે, ત્રણ જીવ ગયાં, તેનું શું?" કૃણાલે કહ્યું.

"ત્રણ જીવ? ત્રીજું કોણ વ્યક્તિ કોણ હતું?" અંજલીએ પૂછ્યું.

"તારાં મમ્મી." કૃણાલે કહ્યું.

"શું, મમ્મી?" અંજલીએ આશ્ચર્યથી પૂછ્યું.

"હા, તને અને અનન્યાને અહીં આશ્રમમાં મૂકીને, તારાં મમ્મીએ આત્મહત્યા કરી લીધી હતી." કૃણાલે કહ્યું.

આ સાંભળીને અંજલીને આઘાત લાગ્યો. તે પડવાની જ હતી, ત્યાં કરણે તેને સંભાળી લીધી.

"પપ્પા! મનીષ પપ્પાએ જે કર્યું, એ તેમની અણસમજણનાં કારણે કર્યું. ત્યારે તેમનું મગજ તેમનાં કાબુમાં ન હતું. તેમાં તેમનો કોઈ વાંક નથી. તમે તેમને માફ કરી દો." અંજલીએ કહ્યું.

"ના અંજલી! તેમનો વાંક હતો. તેમની એક અણસમજણને કારણે ત્રણ વ્યક્તિએ જીવ તો ગુમાવ્યાં, સાથે સાથે તમારી જિંદગી પણ ખરાબ થઈ ગઈ. તેનાં કારણે તમે 10 વર્ષ સુધી અનાથાશ્રમમાં રહ્યાં. તેને હત્યાની તો માફી મળી શકે છે, પણ તમને પડેલાં દુઃખોની સજા તો તેને મળવી જ જોઈએ." આમ કહીને કૃણાલ ચાકુ ઉઠાવીને મનીષજીને મારવાં માટે તેમની તરફ ગયો. ત્યાં અંજલી મનીષજીની આગળ આવી ગઈ અને ચાકુ તેનાં પેટમાં વાગી ગયું. કરણ જલ્દીથી અંજલી પાસે ગયો અને તેને સંભાળી લીધી. તેનાં પેટમાંથી લોહી વહી રહ્યું હતું.

"પપ્પા! સજા આપવાવાળાં તમે કે હું કોણ છીએ? બધાંને તેમનાં કર્મોની સજા ભગવાનજી આપે જ છે. એમ કહેવાય છે ને કે, માફ કરવાવાળો વધારે મહાન હોય છે. Please! તમે એમને માફ કરી દો" અંજલીએ કહ્યું.

અંજલીની વાત સાંભળીને કૃણાલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

"કરણ! હવે હું નહીં બચી શકું. મેં તને ખૂબ દિલથી પ્રેમ કર્યો છે. કદાચ આપણી પ્રેમ કહાની આટલી જ હતી. જો ભગવાનની ઈચ્છા હશે, તો ફરી મળીશું. I Love You!" આટલું બોલતાં જ અંજલીની આંખો બંધ થઈ ગઈ.

કરણે મોટેથી ચીસ પાડી "અંજલી..."





•••••••••••••••••••••••••••••••••

તો કેવી લાગી તમને આ વાર્તા...? આ વાર્તામાં ક્યાંય કોઈ ભાષા ભૂલ કે અન્ય કોઈ ક્ષતિ હોય તો માફ કરજો. આ વાર્તા, પાત્રો, સ્થળો, વિષય વગેરે કાલ્પનિક છે. તમારાં સૂચનો, પ્રતિભાવો જણાવશો તો મને ખૂબ ગમશે....

•••••••••••••••••••••••••••••••••



××× સમાપ્ત ×××



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED