ઢળતી સંધ્યાનો સમય થયો હતો. અમ્મા અને અપ્પા આશ્રમનાં ફળિયામાં બેસીને, સુંદર વાતાવરણમાં કૉફીની મજા માણી રહ્યાં હતાં. અપ્પા અખબાર વાંચી રહ્યાં હતાં અને અમ્મા પુસ્તક વાંચી રહ્યાં હતાં. બધાં બાળકો ફળિયામાં રમત રમી રહ્યાં હતાં. અનન્યા અમ્મા-અપ્પા સાથે બેસીને મોબાઈલ ચલાવી રહી હતી.
એક બ્લેક કલરની કાર આશ્રમનાં ગૅટ પર આવીને ઊભી રહી. આજ સુધી આ આશ્રમનાં આંગણે કદી આવી કાર આવી ન હતી. બધાં બાળકોનું ધ્યાન રમતમાંથી હટીને તે કાર તરફ ખેંચાયું. અમ્મા-અપ્પા પણ ત્યાં જોવાં લાગ્યાં. અનન્યા હજુ પણ મોબાઇલમાં જ મશગુલ હતી.
બ્લેક કલરની કારનાં દરવાજા ખુલ્યાં. એક તરફથી વ્હાઈટ શર્ટ, ગ્રે પેન્ટ અને ગ્રે જેકેટ પહેરીને, હાથમાં ઘડિયાળ સાથે, પગમાં ચમકતાં બુટ પહેરેલ, એક ઊંચો અને દેખાડો યુવક બહાર આવ્યો. બીજી તરફથી એક રેડ સ્વીટશર્ટ અને બ્લુ જીન્સમાં સજ્જ થયેલો, અન્ય એક યુવક બહાર નીકળ્યો. બંને યુવક આશ્રમનાં ગેટમાં પ્રવેશ્યાં. અમ્મા-અપ્પા પાસે આવીને તેમનાં ચરણ સ્પર્શ કર્યાં.
"નમસ્તે! હું કરણ મહેતા, મુંબઈથી આવ્યો છું." તેમાંથી એક યુવક બોલ્યો.
"તમે...? અરે હા, યાદ આવ્યું. રમીલાજી એ કહ્યું હતું કે તમે એક-બે દિવસમાં આવવાનાં છો, પણ અમે કામકાજમાં એટલાં વ્યસ્ત હતાં કે યાદ જ ન રહ્યું." અમ્માએ કહ્યું.
"તમારી સાથે આ રેડ સ્વીટશર્ટમાં છે, તેની ઓળખાણ આપશો?" અપ્પાએ કહ્યું.
"Ohh... Sorry! આ કૃણાલ મહેતા, મારો નાનો ભાઈ છે." કરણે કહ્યું.
"આવોને, બેસો." અમ્માએ કહ્યું. "બાળકો તમે રમવા જાઓ અને મૃદુલઅન્ના તમે આમના માટે પાણી લઈ આવો અને નાસ્તાની વ્યવસ્થા કરો." અમ્માએ કહ્યું.
"તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને?" અપ્પાએ પૂછ્યું.
"અરે ના! ના! અંકલ. અમે તો સવારની ફ્લાઇટથી જ અહીં આવી ગયાં હતાં. અહીંયા આવીને પહેલાં શ્રી પદ્મનાભસ્વામીજીનાં દર્શન માટે ગયાં હતાં." કરણે કહ્યું.
"અહીં આવીને સૌથી પહેલાં તમે પદ્મનાભસ્વામીજીનાં દર્શન કર્યાં, એ તો ખૂબ સારું કર્યું." અમ્મા બોલ્યાં.
ભીંજાયેલા વાળ સાથે, હાથમાં ધૂપ લઈને અંજલી આશ્રમમાં બધી જગ્યાએ ધૂપ ફેરવતી હતી. આશ્રમમાં ધૂપ ફેરવ્યાં પછી તે ફળિયામાં આવી. તેણે આવીને કરણને ત્યાં બેસેલો જોયો, ત્યારે તેના હોંશ ઉડી ગયાં. કરણનું ધ્યાન તેનાં તરફ ન ગયું હતું. તે અમ્મા-અપ્પા સાથે વાતો કરવામાં મશગુલ હતો.
"અઈયો રામા! આ માણસ અહીંયાં ક્યાંથી આવી ગયો? ક્યાંક તે અમ્મા-અપ્પાને મારી ફરિયાદ કરવાં તો નહીં આવ્યો હોય ને? પણ તેને આશ્રમનું એડ્રેસ આપ્યું કોણે? આશ્રમની માહિતી તો ઓનલાઈન પણ મૂકેલી છે. અને એમ પણ ત્યાં મંદિરમાં તો બધાં મને ઓળખે છે, કોઈને પણ પૂછો તો હાથ પકડીને આશ્રમ સુધી મૂકી જાય. જે પણ હોય, અત્યારે તો માત્ર તું હવે શું કરવું એ વિચાર. અંજલી! એ તને જુએ, એ પહેલાં તેની સામેથી નીકળી જા." આમ બોલીને અંજલી ફરી આશ્રમમાં જવા લાગી. ત્યાં પાછળથી અમ્માએ તેને કહ્યું "અંજલી..! અક્કા, અહીંયા આવ તો. જો મહેમાન આવ્યાં છે."
"અંજલી અક્કા! હવે તો તું ગઈ. આ મૂર્ખ માણસે અમ્મા-અપ્પાને તારી ફરિયાદ કરી દીધી. હવે તને અમ્મા-અપ્પાનાં ગુસ્સાથી કોઈ નહીં બચાવી શકે. હું તો કહીશ કે મેં મારી ભૂલ માટે એમની માફી તો માંગી હતી. અરે! પણ એ કંઈ રીત હતી માફી માંગવાની! કંઈ વાંધો નહીં. જે થશે તે જોયું જશે." આમ બોલીને અંજલી ધીમે ધીમે પાછળ ફરીને અમ્મા-અપ્પા પાસે જવા લાગી. અંજલીને જોતાં જ કરણનાં તો હોશ ઉડી ગયાં. તેનો ચહેરો જોતાં જ કરણને ગુસ્સો આવ્યો, પણ તેને પોતાનાં ગુસ્સાને કાબૂ કર્યો.
"અંજલી! આ કરણ મહેતા છે, મહેતા ઇવેન્ટ્સ કંપનીનાં માલિક. મુંબઈથી આવ્યાં છે. આ તેમનાં નાનાં ભાઈ કૃણાલ મહેતા છે." અમ્માએ પરિચય અપાવતાં કહ્યું.
"વડક્કમ્ કરણજી! વડક્કમ્ કૃણાલજી!" અંજલીએ બંને હાથ જોડીને કહ્યું.
"વડક્કમ્ અંજલીજી!" કરણે ગુસ્સામાં દાંત પીસીને કહ્યું.
"વડક્કમ્ અંજલીજી!" કૃણાલે કહ્યું.
અમ્મા-અપ્પા ફરીથી કરણ અને કૃણાલ સાથે વાતોમાં લાગી ગયાં.
"અમ્મા-પપ્પા ખીજાયા નહિ, એનો મતલબ કે આ માણસે તેમને કશુંય નથી કહ્યું, પણ કેમ? જરૂર આ માણસ કંઈક અલગ અને ખતરનાક વિચારી રહ્યો છે." અંજલી મનમાં વિચારતાં બોલી. એટલામાં કરણે ગુસ્સામાં હસીને અંજલી સામે જોયું. અંજલી તેને જોઇને ડરી ગઈ અને બંને હાથ જોડીને કંઈ ન કહેવા વિનંતી કરવા લાગી.
"અંકલ...!" અચાનક કરણ ઉભો થઇને મોટેથી બોલ્યો.
"હવે તું ગઈ અંજલી. હવે તો આ બધું કહીને જ જંપશે." અંજલી ધીમેથી બોલી.
===========================
શું કરણ અમ્મા અપ્પાને બધું કહી દેશે? કે પછી કરણ અંજલીને માફ કરી દેશે અને બધું જતું કરશે?
જાણવા માટે વાંચતાં રહો... ધૂન લાગી