ધૂન લાગી - 4 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 4




"અંજલી અક્કા...! જમવાનું જલ્દી બનાવોને ખૂબ ભૂખ લાગી છે." વિજય ખૂબ લાડથી બોલ્યો.

"અરે! અરે! આજે વિજય મહારાજ મારાં પર કેમ આટલાં મહેરબાન થયાં છે?" અંજલીએ પૂછ્યું.

"અક્કા..! તમે સમજી જાવ ને. મહારાજે આજે પણ હોમવર્ક નથી કર્યું, એટલે હવે ડાયરીમાં તમારી સિગ્નેચર કરાવવાં આવ્યાં છે." આટલું બોલીને અનન્યા હસવાં લાગી. આ સાંભળી વિજય પણ નીચું મોં રાખીને હસવાં લાગ્યો.

"ચાલો, પહેલા જમી લઈએ. પછી તને હું સિગ્નેચર કરી આપીશ." આમ બોલીને અંજલી જમવાનું લઈ હોલમાં મૂકવાં લાગી. બધાં વેંકટેશ્વરાને થેન્ક્યુ કહીને જમવા લાગ્યાં.

"અરે હા! યાદ આવ્યું જો." અમ્મા બોલ્યાં.

"શું યાદ આવ્યું, અમ્મા?" અંજલી બોલી.

"આજે સવારે જ્યારે તું ડાન્સક્લાસ કરાવી રહી હતી, ત્યારે શ્રી પદ્મનાભસ્વામી મંદિરથી પંડિતજીનો ફોન આવ્યો હતો. કાલે કોઈ પરિવારે મંદિરમાં પૂજા, અન્નકૂટ અને ભોજનું આયોજન કર્યું છે, એટલે આપણે તેનો લાભ લેવા જઈએ એવી તેમની ઈચ્છા છે."

"હા તો કાલે એમ પણ રવિવાર છે, એટલે બાળકોને સ્કૂલમાં પણ રજા હશે. તો સવારમાં બધાં સાથે જ જઇશું."

"હું અને તારાં અપ્પા કાલે સવારે એક મહત્વનાં કામથી બહાર જવાનાં છીએ. એટલે તારે અને અનન્યા એ જ બાળકોને લઈને જવું પડશે. તમારી સાથે મૃદુલઅન્ના પણ રહેશે."

"સારું તો, અમે જઈ આવીશું. એમ પણ ઘણાં સમયથી પદ્મનાભસ્વામીજીનાં દર્શન થયાં નથી, કાલે દર્શન પણ કરી લઈશું."

"તો હવે તમે બધાં સૂઈ જાવ, એટલે કાલે વહેલાં ઉઠી શકો અને અંજલી તું અમારી સાથે આવ. અમારે તારી સાથે મહત્વની વાત કરવી છે." આટલું બોલી અમ્મા તેમના રૂમમાં ચાલ્યાં ગયાં.

"એવી તો વળી શું વાત હશે કે અમ્માએ મને બધાની વચ્ચે ન કહી." આમ વિચારતી અંજલી તેમનાં રૂમમાં ગઈ.

"બેસ અંજલી." અપ્પાએ અંજલીને કહ્યું.

"શું વાત કરવી હતી?" અંજલી બોલી.

"જો સાંભળ, અમારી હવે ઉંમર થતી જાય છે. હવે અમે બહુ ઓછાં દિવસોનાં મહેમાન છીએ." અમ્મા આટલું બોલ્યાં ત્યાં અંજલી તેમને અટકાવતાં બોલી "આ તમે શું બોલો છો? અમ્મા! તમે પ્લીઝ આવું ન બોલો, તમને કંઈ નહીં થાય."

"અંજલી! તું જે પણ કહે, પણ આ સંસારનું સત્ય છે. જે આવ્યું છે તેને જવું તો પડશે જ. આને સહુએ સ્વીકારવું જ પડે છે." અપ્પા બોલ્યાં.

"તું આ આશ્રમમાં બધાંથી મોટી છે, એટલે અમારી ઈચ્છા છે કે તું આ આશ્રમનો વહીવટ સંભાળી લે અને બધાં બાળકોને પણ સાચવી લે. અને એ માટે અમે નક્કી કર્યું છે, કે અમે આ આશ્રમ તારા નામે કરી દઈશું." અમ્મા બોલ્યાં.

"હા અને આવતીકાલે આ જ કામ માટે અમે વકીલને મળવાં જવાનાં છીએ." અપ્પા બોલ્યાં.

"તમને જેમ યોગ્ય લાગે તેમ." આટલું બોલીને અંજલી ભાવવિભોર થઈને અમ્મા અપ્પાને ભેટી પડી અને રડવાં લાગી.

"અરે! તું રડીશ નહિ. તારે તો સ્ટ્રોંગ બનીને રહેવાનું છે. તારે જ તો આ બધાંને સાચવવાનાં છે. તું નબળી પડી જાય એ નહીં ચાલે." અપ્પા આંજલીને હિંમત આપતાં બોલ્યાં.

"હું તમને વચન તો નથી આપતી, પણ હું મારાથી જે થશે તે આ આશ્રમ અને તેનાં બાળકો માટે કરીશ. હું મારાંથી પણ આગળ આ આશ્રમને રાખીશ." અંજલી તેમને વિશ્વાસ અપાવતાં બોલી.

"શાબાશ! ચાલ હવે જા અને સૂઈ જા. સવારે મંદિરે પણ જવાનું છે." અમ્માએ કહ્યું.

અંજલી ત્યાંથી નીકળીને અનન્યાં પાસે જવા લાગી, તેણે જઈને જોયું તો અનન્યાં તેની પથારી પર ન હતી. અંજલી તેને બધી જગ્યાએ શોધવા લાગી. તેને બહાર જઈને જોયું, તો અનન્યા ફળિયામાં હતી અને કોઈ સાથે વાત કરી રહી હતી.

"ફાઇનલી! કાલે આપણે ફરીથી મળી રહ્યાં છીએ"

"હા, બે વર્ષ પહેલાં જ્વેલરી એક્ઝિબિશનમાં મળ્યાં હતાં. પછી તો મળવાનો મોકો જ નથી મળ્યો."

"હવે મોકો મળ્યો છે, તો જરા પણ ટાઈમ વેસ્ટ ન કરતો."

"હા અને તું પણ ટાઈમ પર આવી જજે."

"અનુ! આટલી રાત્રે તું કોની સાથે વાત કરી રહી છે?" અંજલી અનન્યા પાસે જઈને બોલી.

"સારું ચાલ, બાય. કાલે મળીએ." આટલું બોલીને અનન્યાએ ફોન રાખી દીધો. "મારી એક ફ્રેન્ડ હતી. હું ઘણાં સમય પછી તેને મળવાની છું, એટલે તેની સાથે વાત કરી રહી હતી."

"સારું ચાલ, હવે સૂઈ જઈએ. રાત બહુ થઈ ગઈ છે." આમ કહીને અંજલી અને અનન્યા સૂવાં ચાલ્યાં ગયાં.


===========================


અનન્યા કોની સાથે વાત કરી રહી હતી? મંદિરની મુલાકાત અંજલીનાં જીવનમાં કેવો વળાંક લઈને આવશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી