કરણની આંખોમાંથી સતત આંસું વહી રહ્યાં હતાં. તે અંજલીને ભેટીને રડી રહ્યો હતો. અંજલી તેને સંભાળવાની કોશિશ કરી રહી હતી.
"તને ખબર છે, અંજલી? 10 વર્ષ પહેલાં જ્યારે મારાં મોમનું મૃત્યુ થયું હતું, તે પછીથી શર્મિલા મોમએ જ મને ઉછેર્યો છે. તેમણે ક્યારેય મને મોમની ખોટ પાડવાં દીધી નથી. આજે જ્યારે તેમને મારી જરૂર છે, ત્યારે હું તેમનાં માટે કશું કરી શકું તેમ નથી" કરણે કહ્યું.
"તું શાંત થઈ જા, કરણ! મમ્મી જલ્દીથી સ્વસ્થ થઈ જશે." અંજલીએ કરણને સાંત્વના આપતાં કહ્યું.
"પણ મને એક વાત ન સમજાઈ! કૃણાલ અને અનન્યા ગાડીની આગળની સીટમાં બેઠાં હતાં અને મોમ-ડેડ પાછળની સીટમાં બેઠાં હતાં. તો તેમને કંઈ પણ ન થયું અને મોમ-ડેડને જ વાગ્યું. એવું કેમ થયું?"
"એ જ તો વિચારવા જેવી વાત છે."
"એ બધું આપણે પછી વિચારીશું. અત્યારે તો બધાંને આશ્રમે લઈ જવાની તૈયારી કરીએ."
"બાકી બધાંને તો વાંધો નહીં, પણ મમ્મીને આશ્રમે લઈ જવાં છે."
"હા, અહીંયા કરતાં તેઓ આશ્રમમાં ઝડપથી સ્વસ્થ થઈ શકશે."
"ઠીક છે."
"Ok. તો હું ડિસ્ચાર્જ પેપર્સ ભરીને આવું છું." આમ કહીને કરણ ચાલ્યો ગયો.
હૉસ્પિટલેથી બધાંને આશ્રમે લઈ જવામાં આવ્યાં હતાં. રાત્રે બધાં જમીને સૂઈ રહ્યાં હતાં. કરણ અને અંજલી બહાર બેસીને વાતો કરી રહ્યાં હતાં.
"કરણ! હૉસ્પિટલેથી આવ્યાં પછી, તને અનુ અને કૃણાલનો બિહેવ્યર થોડો અજીબ ન લાગ્યો?" અંજલીએ પૂછ્યું.
"હા, જ્યારથી આવ્યાં છે, ત્યારથી બંને એકસાથે જ છે અને કંઈ બોલતા પણ નથી."
"કંઈક તો વાત છે." અંજલી આટલું બોલી, ત્યાં તેનો ફોન રણક્યો. અંજલીએ ફોન ઉપાડીને વાત કરી.
"હેલ્લો!" અંજલી બોલી.
"હેલ્લો! હું દિપાલી ચાવડા વાત કરું છું, રમીલા ચાવડાની દીકરી." સામેથી કોઈ છોકરીનો ધીમો અવાજ આવ્યો.
"હા, બોલો."
"મારા મમ્મીને આજે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમાં તેઓ મૃત્યુ પામ્યાં છે."
"શું? રમીલાજી મૃત્યુ પામ્યાં છે?"
"હા, કાલે સવારે મમ્મીને અંતિમ વિધિ છે. તમને જાણ કરવું જરૂરી હતું એટલે કૉલ કર્યો હતો. Bye!" આમ કહીને તેણે ફોન રાખી દીધો.
"કરણ! મારાં માટે તારો સંબંધ લઈને જે આવ્યાં હતાં, તે રમીલાજીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે."
"આ બધું શું થઈ રહ્યું છે? પહેલાં તો કૃણાલની કારનું એક્સિડૅન્ટ, પછી મોમનું કોમામાં જવું અને હવે રમીલાજીનું મૃત્યુ."
"હે વેંકટેશ્વરા! રક્ષા કરજો."
"ચાલ! હવે સૂઈ જઈએ. ઊંઘ આવે છે."
"હા, ચાલ." આમ કહીને અંજલી અને કરણ આશ્રમની અંદર ચાલ્યાં ગયાં. રસોડાં પાસેથી પસાર થતાં અંજલી અચાનક ઊભી રહી ગઈ.
"શું થયું? તું આમ અચાનક કેમ ઊભી રહી ગઈ?" કરણે પૂછ્યું.
"હું એકવાર મમ્મીને જોઈ આવું છું." અંજલીએ કહ્યું.
"ઠીક છે. ચાલ, હું પણ તારી સાથે આવું છું." આમ કહીને કરણ અંજલી સાથે તેમનાં રૂમમાં ગયો.
રૂમમાં મનીષજી અને શર્મિલાજી સૂઈ રહ્યાં હતાં. કૃણાલ અને અનન્યા ચાકુ લઈને તેમને મારવા માટે જઈ રહ્યાં હતાં. ત્યાં અંજલીએ મોટેથી ચીસ પાડી. કરણ અને અંજલીએ જઈને તેમની પાસેથી ચાકુ લઈ લીધું અને તેમને પકડી રાખ્યાં.
અંજલીની ચીસ સાંભળીને બધાં ઊઠી ગયાં હતાં. કરણ અને અંજલી, કૃણાલ અને અનન્યાને પકડીને હૉલમાં લઈ ગયાં. બધાં હોલમાં એકઠાં થઈ ગયાં હતાં.
"અનુ! કૃણાલ! આ તમે શું કરી રહ્યાં હતાં?" અંજલીએ પૂછ્યું.
અનન્યા અને કૃણાલે કંઈ જવાબ ન આપ્યો.
"કૃણાલ! અંજલીએ કંઈક પૂછ્યું છે. તમે ડેડ અને મોમને મારવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યાં હતાં?" કરણે મોટાં અવાજેથી પૂછ્યું.
ધીમે ધીમે કૃણાલ અને અનન્યાની આંખો લાલ થઈ રહી હતી. અચાનક આશ્રમની લાઈટો બંધ-ચાલુ થવા લાગી. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. આસપાસથી કુતરાઓનાં રડવાનો અવાજ આવવાં લાગ્યો.
થોડીવાર પછી વાતાવરણ સામાન્ય થઈ ગયું. આશ્રમમાં ફરીથી લાઈટ આવી ગઈ. બધાંએ જોયું તો અનન્યા ખુલ્લાં વાળ અને લાલ આંખો સાથે જમીન પર બેઠી હતી અને કૃણાલ લાલ આંખો સાથે તેની બાજુમાં બેઠો હતો. આ દ્રશ્ય જોઈને આશ્રમમાં બધાં બાળકો ડરી ગયાં અને અમ્મા-અપ્પાની પાછળ ઊભા રહી ગયાં હતાં.
અંજલી ધીમેથી અનન્યા પાસે ગઈ અને તેનાં ખભે હાથ મૂક્યો. અનન્યાએ તેને દૂર પછાડી દીધી. તેનું આ રૂપ જોઈને બધાં ચોંકી ગયાં હતાં. કરણે જઈને અંજલીને ઊભી કરી. કૃણાલે અનન્યાને થપ્પડ મારી દીધી. અનન્યા અને કૃણાલ એકબીજાંની સામે તાકીને જોઈ રહ્યાં હતાં
"અંજલી મારી દીકરી છે. તેનાં પર હાથ નહીં ઉપાડવાનો." કૃણાલે કહ્યું.
બધાંને કૃણાલની આ વાત સાંભળીને નવાઈ લાગી.
______________________________
અનન્યા અને કૃણાલને શું થયું હશે? તેમને મનીષજી અને શર્મિલાજીને મારવાનો પ્રયત્ન કેમ કર્યો હશે?
જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી