ધૂન લાગી - 36 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 36




સવાર પડી ગઈ હતી. અંજલીએ બધાં બાળકોને સ્કૂલે મોકલી દીધાં હતાં. પછી તે મનીષજી અને શર્મિલાજીનાં રૂમમાં તેમને ઉઠાડવા માટે ગઈ.

"Good Morning!" અંજલીએ કહ્યું.

"Good Morning!" શર્મિલાજીએ બેડ પરથી ઊભાં થઈ, રૂમની બહાર જતાં કહ્યું.

"Morning!" આમ કહીને મનીષજી બેડ પરથી ઊભાં થઈને, બહાર જવા લાગ્યાં. તેઓ થોડાં લંગડાઇને ચાલી રહ્યાં હતાં.

"પપ્પા! તમે આમ શા માટે ચાલી રહ્યાં છો? પગમાં કંઈ વાગ્યું છે?" અંજલીએ પૂછ્યું.

"કાલે રાત્રે અચાનક મારી ઊંઘ ખુલી ગઈ હતી. ત્યારે બહારથી કંઈ અવાજ આવ્યો, એટલે હું બહાર ગયો હતો. ત્યાંથી પાછાં આવતી વખતે પાછળથી કોઈએ મારો પગ ખેંચ્યો હોય એવું લાગ્યું. જેથી હું નીચે પડી ગયો."

"રાત્રે ફળિયામાં કોણ હોઈ શકે? કદાચ તમારો પગ લપસી ગયો હશે અને તમે ઊંઘમાં હશો એટલે તમને અંદાજ નહીં આવ્યો હોય."

"હા, એવું જ હશે. હવે હું ફ્રેશ થઈ જાઉં છું. પછી નાસ્તો કરવા આવીશ." આમ કહીને મનીષજી રૂમની બહાર ચાલ્યાં ગયાં.

બધાં ફ્રેશ થઈને નાસ્તો કરી રહ્યાં હતાં. અંજલી બધાંને પીરસી રહી હતી.

"કરણ! અંજલી! આપણે નાસ્તો કરીને, પછી શ્રી પદ્મનાભસ્વામીજીનાં દર્શન કરી આવીએ. પછી બપોરની ફ્લાઈટમાં મુંબઈ જઈશું." મનીષજીએ કહ્યું.

"હા, ઠીક છે." કરણે કહ્યું.

"આજે મંદિરે કારથી જ જવું પડશે. પપ્પાને પગમાં વાગ્યું છે એટલે તેઓ ચાલી નહીં શકે." અંજલીએ કહ્યું.

"ઠીક છે. તો એક કારમાં હું, તું, અમ્મા અને અપ્પા જઈશું અને બીજી કારમાં કૃણાલ, અનન્યા, મોમ અને ડેડ જશે." કરણે કહ્યું.

"હા, વાંધો નહીં." અંજલીએ કહ્યું.

આશ્રમેથી બધાં મંદિરે જવા માટે નીકળી ગયાં હતાં. મંદિરે પહોંચીને બધાં મંદિરમાં અંદર જવાં લાગ્યાં.

"અનુ! ચાલ, તારે દર્શન નથી કરવાં?" અંજલીએ મંદિરની બહાર ઊભેલી અનન્યાને અંદર બોલાવતાં કહ્યું.

"ના, તમે જઈ આવો. હું નહીં આવી શકું. મને થોડું અશક્તિ જેવું થાય છે, એટલે હું બહાર જ બેસું છું." અનન્યાએ કહ્યું.

"તો હું તારી જ પાસે રહું છું." અંજલીએ કહ્યું.

"ના, તમે જઈ આવો. હું અહીંયા જ બેઠી છું." અનન્યાએ કહ્યું.

"ઠીક છે." આમ કહીને અંજલી મંદિરની અંદર ચાલી ગઈ.

કરણ અને કૃણાલ કાર પાર્ક કરીને મંદિર તરફ જઈ રહ્યાં હતાં. કૃણાલ ચાલતો-ચાલતો અચાનક ઊભો રહી ગયો.

"તું કેમ અચાનક ઊભો રહી ગયો? ચાલ, તારે મંદિરે નથી આવવું?" કરણે પૂછ્યું.

"ના, તમે જઈ આવો." કૃણાલે કહ્યું.

"કેમ?"

"આજે હું મંદિરનાં ડ્રેસ કોડમાં નથી ને એટલે."

"તો ચાલ. અહીંથી ખરીદી લઈએ."

"ના, ચાલશે. તમે જઈ આવો."

"ઠીક છે." આમ કહીને કરણ મંદિરમાં ચાલ્યો ગયો.

મંદિરેથી દર્શન કરીને બધાં આશ્રમ તરફ પાછાં જઈ રહ્યાં હતાં. કૃણાલ ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહ્યો હતો.

"કૃણાલ! કાર ધીમેથી ચલાવ. આશ્રમ પાસે જ છે, આપણે થોડી જ વારમાં પહોંચી જઈશું." શર્મિલાજીએ કહ્યું.

કૃણાલે તેમને કોઈ જવાબ ન આપ્યો અને કારની સ્પીડ વધારી દીધી. સામેથી એક મોટો ટ્રક આવી રહ્યો હતો. કૃણાલે કાર સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો, તો કારનાં ટાયર નીચે પથ્થર આવતાં, કાર ઊંધી વળી ગઈ અને તેમનું એક્સિડૅન્ટ થઈ ગયું.

થોડીવારમાં ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. કૃણાલની કારની ‌પાછળ જ કરણ કાર લઈને આવી રહ્યો હતો. કરણે ભીડ જોઈને, કાર થોભાવી અને ત્યાં જઈને જોયું તો કારની અંદર અનન્યા અને કૃણાલ બેહોંશ હાલતમાં હતાં. મનીષજી અને શર્મિલાજીનાં શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. કરણે જલ્દીથી એમ્બ્યુલન્સને કૉલ કર્યો અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં.

હૉસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી. ચારેયનાં ચૅકઅપ કર્યાં બાદ ડૉક્ટર કરણ અને અંજલી પાસે ગયાં.

"અનન્યા અને કૃણાલ, એ બંનેની તબિયત સારી છે અને બંનેને અત્યારે હોંશ પણ આવી ગયો છે. મનીષજીને માથામાં થોડું વાગ્યું છે, પણ અમે તેમની સારવાર કરી રહ્યાં છીએ એટલે થોડીવારમાં તેમને પણ હોંશ આવી જશે. પણ શર્મિલાજી..." આટલું કહીને ડૉક્ટર અટકી ગયાં.

"મોમની તબિયત કેમ છે?" કરણે પૂછ્યું.

"શર્મિલાજીનાં માથાનાં ખૂબ નાજુક ભાગમાં વાગવાથી તેઓ કોમામાં ચાલ્યાં ગયાં છે." ડૉક્ટરે કહ્યું.

આ સાંભળીને કરણને આઘાત લાગ્યો અને તે જમીન પર ફસડાઈ પડ્યો. અંજલીએ તેને સંભાળી લીધો.

"તેઓ ક્યારે સ્વસ્થ થશે? અંજલીએ પૂછ્યું.

"એ તો કહેવું મુશ્કેલ છે. Excuse me!" આમ કહીને ડૉક્ટર ત્યાંથી ચાલ્યાં ગયાં.


_____________________________



અનન્યા અને કૃણાલ મંદિરમાં શા માટે નહીં ગયાં હોય? શું શર્મિલાજી ફરીથી સ્વસ્થ થઈ શકશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી