નેહડો ( The heart of Gir ) - 79 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 79

બહાર ઝાંપે રીક્ષાનો અવાજ આવ્યો. ગેલાએ બહાર જઈ ઘડીક રીક્ષા બંધ કરી રાહ જોવા કહ્યું. સાથે સાથે રિક્ષાવાળાને ગરમા ગરમ ચા પણ પીવડાવી દીધી. પછી બધાને જલ્દી કામ આટોપી લઈ, લગ્ન સ્થળે વહેલા પહોંચવાનું છે એમ કહ્યું. ગેલાએ રામુઆપાને બે દાડાની ભળ ભલામણ કરી ચિંતા કરતા કરતા લગ્ન મહાલવા નીકળ્યો. રામુઆપાએ ગેલાને કહ્યું, "તું તારે આયાની વ્યાધી જરાય નો કરતો. હું ને ભીલો બેદાડા બધું રોડવી લેહું. આ ભીલાને મોટર સાયકલ ફાવે સે. ઈ તારું મોટરસાયકલ લઈને ડેરીએ દૂધ પણ ભરી આવશે. તમ તારે જીવ હેઠો મેલીને નીરાતે લગનમાં જા. નીયા બધાને મારા રામ રામ કેજે." ગેલો રિક્ષા ડ્રાઇવરની બાજુમાં ગોઠવાયો. જ્યારે જીણીમા, રાજી અને કનો પાછળની સીટમાં બેઠા. રીક્ષા ઘરઘરાટી કરતી ગીરના ઉબડ ખાબડ રસ્તા પર રોદા લેતી આગળ જઈ રહી હતી.
એકાદ કલાક પછી રીક્ષા નનાભાઈના નેહડે આવીને ઉભી રહી.નનોભાઈ નેહડેથી હડી કાઢીને બહાર આવ્યો.નનાભાઈએ રામ રામ મળી આવકારો આપ્યો. રાજી અને જીણીમાને બે હાથ જોડી જય દુવારીકાધીશ કર્યા. અને કનાને ખભે હાથ મૂકી આવકારો આપી બધાને અંદર લીધા. નનાભાઈને નેહડે ચારે બાજુ રંગ રંગીત કાપડવાળા મંડપ રોપાઈ ગયા હતા. ઝાપે ઢોલી ધ્રીબાંગ... ધ્રીબાંગ.. કરતો ઢોલ પર દાંડી ટીપી રહ્યો હતો. આંગણામાં મહેમાનો ગાદલા પર તકીયાને ટેકે નીંરાતે બેઠા હતા. માણસો ચારે બાજુ પાણીના પ્યાલા અને ચાની રકાબીઓ આપી રહ્યા હતા. મોટી ઉંમરના વડીલો જે ક્યારના આવી તકીયાને ટેકે બેઠા હતા તે ચુંગી ફૂકી રહ્યા હતા. જેનો ધુમાડો ચારેબાજુ તંબાકુની કડક ગંધ ફેલાવી રહ્યો હતો. તો કોઈ કોઈ વડીલો બીડીઓ ફૂંકતા ફૂંકતા ખાંસી રહ્યા હતા. ગોર મહારાજ નવા આવેલા મહેમાનોના કોરા કપાળ દેખી શ્લોક બોલતાં કુમકુમ તિલક અને ચોખા લગાવી રહ્યા હતા. માલધારીઓની લાકડીઓ પણ દીવાલને ટેકે ઉભેલી હતી. માલધારીના બાળકો પણ કેડીયા ચોરણી તો કોઈ પેરણ અને ચોરણી પહેરીને લગ્નમાં આવી ગયા હતા. આ બાળકો ગાદલા જોઈ ખાલી પડેલા ગાદલામાં અલગોટીયા ખાઈ રહ્યા હતા. કનો પણ ગેલામામાની બાજુમાં ભરાઈને બેસી ગયો હતો. અમુઆતા ગેલાને રામ રામ મળ્યાં. સાથે સાથે કનાને પણ રામ રામ મળીને માથે હાથ ફેરવતા કહ્યું, "અલ્યા કાઠીયાવાડી તારે તો રાધીના વિવામાં બે સાર દાડા વેલો નો આવવું જોવે?"
કનાએ મોઢા પર સ્મિત લાવી અમુઆતાને માથું હલાવી હકારમાં ઉત્તર આપ્યો. ઓસરીમાં મહેમાન બૈરાઓ બેઠા હતા. જેમાં મોટાભાગે બધા વાતો કરતા હતા. જેના લીધે કોઈની વાત સંભળાઈ રહી ન હતી. નનાભાઈના નેહડે ભરત કામ કરેલા તોરણને સાખું અને ઉપર ચારેબાજુ કાંધી બાંધેલી હતી. જેનાથી નેહડો સુંદર લાગી રહ્યો હતો. દિવાલો પર હમણાં થોડા દિવસ પહેલા જ માટી અને ગાયના છાણથી કરેલું લીંપણ અલગ ભાત પાડી રહ્યું હતું. ઉપરની અરધી દિવાલ સફેદ માટીથી ધોળેલી હતી. જેના પર ગેરું કલરથી કરેલા ચિત્રકામ તરફ કનાની નજર ખેંચાણી. જેમાં ઢેલ અને કળા કરેલ મોર ચિતરેલા હતાં.એક બાજુ હિરણ નદી પણ ચીતરેલી હતી. હિરણને કાંઠે પોતે અને રાધી બેસતાં હતાં,તે પથ્થર પણ ચિતરેલો હતો.આ પથ્થરની બાજુમાં સારસની જોડી પણ ચીતરેલી હતી. સામે કાંઠે ગીરનું જંગલ પણ ચીતરેલું હતું.આ ચિત્રો રાધીએ જ ચીતરેલા છે, એ કનો જાણતો હતો. કનાએ ધ્યાનથી જોયું તો આકાશમાં વાદળીઓ પણ ચિતરેલી હતી અને વાદળીઓ વચ્ચે વીજળીનો લિસોટો પણ ચિતરાયેલો જોયો.કનો તે દિવસે બારેમેઘ ખાંગા થયા હતા તે દિવસની યાદમાં ખોવાય ગયો.એટલામાં બાળકોની દોડા દોડિમાં ફરી કનો યાદોના વમળમાંથી બહાર આવી ગયો. કનાની નજર ઓસરીમાં બેઠેલી સ્ત્રીઓમાં રાધીને શોધી રહી હતી.પરંતુ રાધી તેમાં ક્યાંય ન હતી. મંડપ મુહર્ત પૂરું થયું એટલે બધો ડાયરો વિખાયો. ગેલાના કુટુંબને તો બે દિવસ રોકાઈને પૂરા લગ્ન માણવાનું આમંત્રણ હતું. કનો પણ ડાયરા સાથે ઉભો થયો. ત્યાં ઘરમાંથી બહાર નીકળતી રાધીને કનાએ જોઈ.
રાધી હમણાંથી જંગલમાં આવી નહોતી એટલે ઘરે રહીને અને લગ્ન માટે તૈયાર થઈ હોવાથી ખૂબ ઉજળી લાગી રહી હતી. ભરતકામથી ભરેલી ચોલી ચણીયોને ઉપર ભરેલી લીલી ચુંદડીમાં રાધી ખૂબ રૂપાળી લાગી રહી હતી. કનો રાધી તરફ જોઈ રહ્યો. રાધીએ ગેલામામાને જોયા એટલે તે સમજી ગઈ કે કનો જરૂર આવ્યો હશે. રાધી વિહવળ થઈ ચારેબાજુ જોવા લાગી ત્યાં એક બાજુ ઊભો રહી પોતાને જ તાકી રહેલા કના સાથે રાધીની આંખો મળી. રાધી નીચુ જોઈ ગઈ ફરી ઉપર જોયું.તો રાધીની આંખોમાં ભીનાશ હતી. તે ઉમળકા ભેર દોડી. રાધી આજે પોતાના લગ્ન છે તે પણ ભૂલી ગઈ.તે દોડીને જાણે હમણાં કનાને ભેટી પડશે એટલી નજીક આવી ગઈ. પછી ધીમેથી પૂછ્યું, "આઈ ગ્યો કાઠીયાવાડી!? હું ક્યારની તારી રાહ જોતી'તી.
કનાએ થોડું મોઢું મલકાવી માથુ હલાવી કહ્યું, "હા રાધી અમે બધાં કિયારનાં આઇ જ્યા સી."
પછી ઘડીક બંને મૌન રહ્યા. રાધી નીચે જોઈ રહી હતી.કનો રાધીને તાકી રહ્યો હતો.ફરી રાધીએ ઉપર જોતાં
કનાએ કહ્યું, "આજે તો તું બહું રૂપાળી લાગે સો. જેમ સોમાહે ગર્ય કૉળી ઉઠે એવી રૂડી લાગે સ."
રાધી કશું ના બોલી ફક્ત હકારમાં માથું હલાવ્યું.પછી રાધીએ ઢીલા અવાજે કહ્યું, " તની હું ગર્ય જેવી રૂડી લાગી પણ મારી આંખ્યુંની હિરણનદી નો દેખાણી?"
એટલું બોલી રાધી નીચું જોઈ ગઈ. આંખોમાં બાજેલા પાણી આંસુ થઈ ટપકી પડ્યા. જાણે હિરણ નદી બે કાંઠે વહેવા લાગી. બધા પોત પોતાની વાતોમાં મશગૂલ હતા. અને આ બંને એક બાજુ ખૂણામાં ઊભા હતા. એટલે કોઈનું ધ્યાન કના અને રાધી તરફ ના ગયું. રાધીએ કોઈ પોતાને જોતું નથી ને?એ જોવા પાછળ નજર કરી, ને આંખના ખૂણા લુછી નાખ્યા. એ જોઈ કનો પણ ઢીલો પડી ગયો. રાધીએ ગળું ખોંખારીને સ્વસ્થ થઈ મહેમાનોના શોર બકોર અને ઢોલના ધબકારા વચ્ચે ભલામણ કરતા કહ્યું, "હવે આપડે કોણ જાણે કે દાડે મળશું?મને નહિ લાગતું આ જનમે ફરી મળહુ!? પણ મારું એક કામ કરીશ?"
કનાએ હકારમાં માથું હલાવ્યું.
"મારી ગર્યનું,ગર્યનાં પંખીડાનું, ગર્યનાં પહુડાનું, ગર્યનાં હાવજ-શીણનું,ગર્યના ઝાડવાનું,ગર્યની હિરણનદીનું, માલધાર્યુંના નેહડાનું કાયમ ધેન રાખજે. હું આ બધું તની હોપીને જાવ સુ."
એટલું જ રાધી બોલી શકી, ફરી રાધીની આંખો વહેવા લાગી. ત્યાં રાધીની સખી તેની ફૂઈની દિકરી જે રાધીની જ ઉંમરની હતી, તે રાધીને બોલાવવા આવી. રાધીએ કોઈનું ધ્યાન ન જાય તેમ ચુંદડીએ આંસુ લૂછીને કનાને કહ્યું, "મની હંભારિશ ને?"
કનાએ ફક્ત હકારમાં માથું હલાવ્યું. રાધીની સખી રાધીનું બાવડું ઝાલીને તેને ખેંચતી ઘરમાં લઈ ગઈ. સખી પાછળ ખેંચાતી રાધીને કનો ભીની નજરે તાકી રહ્યો.
ચારે બાજુ શોર બકોર,ઢોલનો અવાજ અને હર્ષ ઉલ્લાસવાળા વાતાવરણમાં કનાને રાધીના ઉના ઉના નિ:સાસા સાંભળવાનો ગાળો કોને હોય? આખા દિવસના પ્રસંગમાં મંડપ મુહર્ત,જમણવાર, મામેરૂ,પીઠી, સાંજના સમયે પાહો ને મોડી રાત સુધી ઢોલના તાલે માલધારીઓની સ્ત્રીઓ દેશી ઢબના રાહડા રમી. અમુક ગોવાળિયાએ બંને હાથમાં એક એક ડાંગ લઈ ઘુમાવી. નનાભાઈએ ટોળામાંથી કનાને ગોતીને તેના બંને હાથમાં એક એક ડાંગ આપી કહ્યું, "નીયા જંગલમાં તો તું રોજયે ભાર્યે હારી ડાંગ ફેરવતો'તો. હવે આયા દેખાડી દે તારી કળા."
કનાએ આગળ આવી માથે બાંધેલો ફટકો જરાક સરખો બાંધી,ખંભે રહેલી ધાબળીને કમરે વિટાળી. પહેરણની બાયો ચડાવી. ડાંગને મજબૂત રીતે પકડી પછી કનાના પગ ઢોલના તાલે થીરકવા લાગ્યા. કનાએ એક નજર બધા સ્ત્રી પુરુષો પર નાખી. કનાની નજરે સ્ત્રીના ટોળા વચ્ચે બેઠેલી રાધીને શોધી લીધી. બંનેની નજર એક થઈ. રાધીએ ડોકું નમાવી નેણ ઉંચા કરી કનાને જાણે જમાવટ કરવા આદેશ આપતી હોય તેમ ઈશારો કર્યો. કનાને ડાંગ ફેરવતા શીખવનાર રાધી જ હતી.રાધી ગીરના જંગલમાં ચણીયાનો કસોટો મારી, ચુંદડી કમરે બાંધી બંને હાથમાં એક એક લાકડી ફેરવતી ત્યારે રણે ચડેલો રણચંડી લાગતી હતી. કનાએ ધીમી ગતિથી લાકડી ફેરવવાની શરૂઆત કરી. જે ધીમે ધીમે ઢોલના તાલે ગતી વધવા લાગી. કનો લાકડી ફેરવતો હતો એ મશીન માફક ફરી રહી હતી. પરંતુ કનાનુ મન અત્યારે ગીરના જંગલમાં રાધી પોતાના લાકડી ફેરવતા શીખવતી હતી એ યાદોમાં ખોવાયેલો હતું. કનો જંગલમાં લાકડી ફેરવતા થાકી જતો ત્યારે રાધી કહેતી, "ઘડીકમાં થાકી રે એમ થોડું હાલે કાઠીયાવાડી?હવે લે..લે...ભગર્યુંનું દૂધ ખાધ્યાનું પરમાણ બતાડી દે."એમ કહી કહીને કનાને લાકડી સમળાવીને થકવાડી દેતી. આ યાદમાં ને યાદમાં ઢોલનો તાલ ઝડપથી વાગવા લાગ્યોને કનાની લાકડીઓ જપા.. જપ.. જપા..જપ.. કરતી ખૂબ ઝડપથી ફરવા લાગી. પછી તો વડીલોને પણ બીક લાગી કે આ જુવાનડો થાકશે ને ડાંગ હાથમાંથી છૂટી જાશે તો કોઈકને વગાડી દેશે.એટલે બે ત્રણ વડીલે વચ્ચે પડી કનાને પકડી લીધો કનો હજી પણ જેમ ભૂવાને માતાજી પંડ્યમાં આવ્યાં હોય ને ઓતાર આવ્યો હોયને ધ્રૂજતો હોય તેમ ધ્રૂજતો હતો. મોડી રાત સુધી આ બધાં કાર્યક્રમ ચાલ્યાં. પછી વહેલી સવારથી જાડેરી જાન આવવાની હોવાથી તેનાં જમણવારની તૈયારીરૂપી રસોડું ધમધમવા લાગ્યું.
તે રાત્રે કનો શમિયાણાના એક ખૂણે ગાદલું ગોતીને લાંબો થઇ પડ્યો રહ્યો.તે આંખો બંધ કરવાં ઘણો પ્રયત્ન કરતો હતો.પણ તેને કેમે કરી નીંદર આવતી ન હતી.બીજી બાજુ રાધીના પણ એવા જ હાલ હતાં.તેને પણ નીંદર આવતી ન હતી.રાધીએ વચ્ચે એક બે વાર ઘરની બહાર નીકળી કનાની સંભાળ લેવા જોયું.પરંતુ તેને આટલાં બધાં મહેમાનોમાં કનો ક્યાંય નજર ન આવ્યો. રાધીને એમ થયું કે આજ કનો મળી જાય તો એની હારે મન ભરીને વાતો કરી લવ.તે કેટલાંય દાડાથી જંગલમાં પણ ગઈ ન હતી.એટલે વનવગડાના હમાચાર પણ પૂછી લવ.પરંતુ વડીલ સ્ત્રીઓએ રાધીને ઘરની બહાર નીકળવાની ના પાડી.અને ઘરમાં જ સુવડાવી દીધી.
સવાર પડી ગઈ. સૌ પોતપોતાના કામમાં ખોવાયેલા હતા. રાધીના શરીર પર જાતભાતના શણગાર સજાઈ રહ્યા હતા. કનો પણ નાહી ધોઈને નવા ચોરણી, પેરણ અને માથે લીલો ફટકો બાંધી તૈયાર થઈ મહેમાનો ભેગો બેસી ગયો હતો. ડુંગરી નેસની પૂર્વ બાજુની ડુંગરમાળ ઓથેથી સુરજદાદો જાણે આખી રાત રડીને લાલ આંખો કરીને નીકળ્યો હોય તેવું લાગતું હતું. પૂર્વ તરફના આકાશમાં લાલી છવાઈ ગઈ. એ સૂરજની લાલી અને આકાશના નીલા કલરની ધાર પર તરતા આવતા હોય તેમ કુંજ પક્ષીની લાંબી લાઈન ઊડીને ક્રેવ... ક્રેવ... બોલતી ઉડી રહી હતી. જાન આવી પહોંચી હતી. જેમાં જાનૈયા ટ્રકમાં બેસીને આવ્યા હતા,સાથે ચાર પાંચ મોટરો નો કાફલો પણ સામેલ હતો. ગીરના ધુળીયા રસ્તે આટલાં વાહનો એક સાથે નીકળવાથી ધૂળની ડમરી ઉડી રહી હતી. ચાર પાંચ મોટરો જોઈને હાજર માલધારીઓ રાધીના સસરાને એ લોકો પૈસાદાર છે એવી વાતો કરતાં હતાં. માંડવા પક્ષના લોકો જાનૈયાની સેવામાં કચાશ ના રહી જાય તેના માટે તડામાર તૈયારી કરી રહ્યા હતા. આ ધમાલ અને આનંદ ઉલ્લાસ વચ્ચે કનાનાં અને રાધીના હૈયાનું છૂપુ રુદન કોઈને સંભળાય તેમ ન હતું.
રાધીને મંડપમાં લાવ્યા ત્યારે કનો દૂરથી જોઈ રહ્યો હતો. કાયમ ગિરના જંગલમાં ઉડતી તેજ ચાલે ચાલતી રાધી આજે કેવી ગંભીર થઈ ધીમી ધીમી ચાલે ચાલી રહી હતી! રાધીએ પહેરેલા ઢગલો આભૂષણો તેના સાસરિયાની વૈભવતા બતાવી રહ્યા હતા. રાધીની સગાઈ જેની જોડે થઈ છે,તે છોકરો પણ દેખાવે સારો છે.કનાએ મનોમન વિચાર્યું, " રાધી આવાં પૈસાવાળા સાસરે સુખી થાહે.મારી કને હૂ સે? તે ઈને આપુ? બસાડીએ આટલા વરહો હૂંધી મારી હારે ઢોરા સાર્યા. હવેની જિંદગી તો સુખેથી વિતાવશે!? ભગવાન ઇને સુખી રાખે."
આટલું બોલતા કનાને એક ઊંડું હિબકુ ભરાઈ ગયું. ઘૂંઘટમાં રાધીની નજર હજી પણ કનાને શોધી રહી હતી. પરંતુ આટલા બધા માણસોમાં કનાને કેમ શોધવો? રાધીને એવી ગૂંગળામણ થતી હતી કે જોરથી કના...કના... સાદ દઈને કનાને પોતાની પાસે બોલાવી લેવાની મન થતું હતું.આજે પોતાનો બાળ ગોઠિયો આટલો નજીક હોવા છતાં તેને જોજનો દૂર લાગી રહ્યો હતો.
સાંજનું ટાણું થવા જઈ રહ્યું હતું. ડાયરામાં કન્યાપક્ષ અને વરપક્ષ સામ સામે બેઠા હતા. ડાયરામાં પહેલા પાણી અને પછી ચા વહેંચાઈ રહી હતી. જૂની પરંપરાના રીતરિવાજો મુજબ વહેવાર થઈ રહ્યા હતા. ત્યાં ઓરડામાંથી રાધીની રડવાની ચીસ સંભળાઈ. વાતાવરણમાં દીકરી વિદાયની ગમગીની છવાઈ ગઈ. ડાયરો ઊભો થયો, બધાં ધીમી ચાલે ચાલવા લાગ્યાં.બધાના મોઢા પર દિકરી વિદાયની ગમગીની હતી. દીકરી વિદાયનો ઢોલ ધીમા તાલે ઢબુકી રહ્યો હતો. નનાભાઈના ઘરની કોયલ આજે વિદાય લઈ રહી હતી. રાધી જતી રહેશે પછી ઘરમાં કોણ રહેશે? એ વિચાર માત્રથી નનાભાઈની મરદ આંખોમાં આંસુના આવરણ બાઝવા લાગ્યા. રાધીની મા ચોધાર આંસુએ રડી રહી હતી. રાધીના દાદા અમુઆતાને રાધી વળગી પડી. રાધી વગરના અમુઆતા ચોમાસે લીલુંછમ ગીરનું જંગલ ઉનાળે સૂકુભઠ લાગે તેવા લાગી રહ્યા હતા. ડુંગરા જેવો મજબૂત અમુઆતો ચોધાર આંસુડા પાડી રહ્યો હતો. હાજર બધા લોકોની આંખો નમ હતી. સ્ત્રીઓ બધી રડી રહી હતી. રાધી રડતી રડતી એક પછી એક બધાંને મળી. ઘરના ઝાપે શણગારેલી મોટર રાહે ઉભી હતી. જાનપક્ષની સ્ત્રીઓ ધીમે રાગે વિદાયના ગીતો ગાય રહી હતી. ઢોલીડાની દાંડીનો ધ્વનિ વાતાવરણમાં વધારે કરુણા ભરી રહ્યો હતો. બધાને મળી રહેલી રાધીની આંસુથી ઉભરાતી આંખો હજી પણ કોઈને શોધી રહી હતી. કનો રસ્તાની સામેની બાજુ આવેલી પીપરના ઝાડ નીચે ઊભો રાધીને જ તાકી રહ્યો હતો. રાધીની નજર ફરતી ફરતી એ તરફ ગઈ. બંનેની આંખો મળી. બંનેને એકબીજા ઝાંખા દેખાઈ રહ્યા હતા. જાણે ગાંડી તૂર થયેલી વાદળીઓ ગીરના જંગલમાં અનરાધાર વરસી રહી હોય તેમ રાધીની આંખો વરસી રહી હતી. કનો મુંઢ બનીને ઉભો હતો. કનાની આંખોમાં આંસુ સમાતા ન હતા. રાધીની સખીએ રાધીને વરરાજાની સાથે ગાડીમાં બેસાડી. રાધી ગાડીમાં બેસી રહી હતી ત્યારે એક પગ ગાડીમાં અને બીજો પગ બહાર હતો એ વખતે બહાર રહેલા પગ પર કનાની નજર ગઈ. રાધીએ જાડી ઝાંઝરી પહેરેલી હતી.કનાને એ ઝાંઝરી નહિ પણ રાધીના પગમાં પડેલી બેડી લાગી. રાધી ગાડીમાં બેસી ગઈ મોટરનો દરવાજો બંધ થયો. મોટરના આગળના પૈડાં નીચે શ્રીફળ મૂકીને શુકન કરવામાં આવ્યાં.મોટર ચાલવા લાગી. મોટરની બારીમાંથી હજી પણ રાધીની નજર કના પર જ હતી.કનાએ જોયું કે રાધી તો હાલી નીકળી! હવે કનાની આંખો હિરણ નદી થઈ ગઈ.ખંભે રહેલી શાલ વડે કનો આંસુ લૂછી રહ્યો હતો. મોટર ડુંગરી નેસના ધૂળિયે રસ્તે પૂરપાટ દોડવા લાગી. ઘડીકમાં ધૂળની ડમરીમાં મોટર ઓજલ થઈ ગઈ.ધૂળિયા રસ્તે જઈ રહેલી મોટરને કનાની નજર દૂર સૂધી તાકી રહી. એ સારું હતું કે દીકરી વિદાયનો પ્રસંગ હતો એટલે બધાની આંખોમાં આંસુ હતા,એટલે કનાને પોતાનાં આંસુ છુપાવવા ન પડ્યાં. આટલા બધા માણસોમાં રાધીના અમુઆતા અને કનાની આંખો હજી કોરી પડતી ન હતી.કનાને ગીરમાં આવ્યાં પછી આજે પહેલી વાર તેના આપા, સાજણ આપા સાંભર્યા.
બે દિવસથી ઘરે બાંધેલા માલઢોરે માંદળુ કરી નાખ્યું હતું. રોજ જંગલમાં ચરવા જવાની ટેવવાળા માલઢોર બે દિવસથી ઘરે બાંધેલા રહ્યા હોવાથી જંગલમાં જવા માટે ઘાંઘાં થયા હતા.ગેલાએ અને રાજીએ આજે વહેલા જાગી બે દાડાનું કામ પતાવી દીધું હતું. ગેલો દૂધ ડેરીએ ભરી આવ્યો હતો. માલ ચારવા જતી વખતે સાથે લઈ જવાના થેલામાં ગેલો બધી સામગ્રી તપાસી રહ્યો હતો. તે ખાલી થઈ ગયેલી ચા ખાંડની ડબલીઓ ભરી રહ્યો હતો.ગેલાએ ઓસરીની કોરે ડાંગ ઉભી મૂકી હતી. રાજીએ ધીમે રહી રસોડામાંથી સાદ પાડ્યો, " હાલો સા તૈયાર સે. પિયને માલમાં આઢો હવે.બે દાડાથી માલ રગે સે."
ગેલાએ થેલો તપાસતા કહ્યું, "રે ઘડીક, હું માતાજીને પગે લાગતો આવું. પણ આ કનો કીમ દેખાતો નહીં? ક્યાં જ્યો સે?"
એમ કહી ગેલો વડલાવાળા ખોડીયાર માતાના ઓટલે દર્શન કરવા ગયો. વડલાવાળા ખોડીયારમાના ઓટલા ઉપર વડલાની વડવાઈઓ ઝુમ્મરની જેમ લટકી રહી હતી.આગળ કેસરી કલરનું ત્રિશૂળ ખોડેલું હતું.ખોડીયાર માતાજીની નાની દેરી વડવાઈઓથી ઘેરાયેલી હતી. ત્યાં જઈ ગેલાએ જોયું તો કનો માતાજી આગળ પલાઠીવાળી બે હાથ જોડી બેઠો હતો. કનાની આંખો બંધ હતી. બંધ આંખોમાંથી ડુંગરની તિરાડમાંથી ગળાઈને આવી રહેલા પાણીની માફક આંસુ નીતરી રહ્યા હતા. ગેલાએ જઈને જોયું. કનાને રડતો જોઈ ગેલો પણ ઢીલો થઈ ગયો. ગેલાએ કનાના વાંકડિયા વાળમાં પોતાના હાથની આંગળીના ટેરવા ફેરવ્યા. આ જોઈ કનો ઉભો થઈ ગયો, કનાએ સામે ગેલામામાને જોયા. કનો ગેલામામાને બાઝી પડ્યો. કનાની આંખોમાંથી નીકળતા ઉના ઉના આહૂડા ગેલાનો ખંભો પલાળી રહ્યા હતા. ગેલો કનાની પીડા સમજી રહ્યો હતો.ગેલાનો હાથ કનાની પીઠ પર ફરી રહ્યા હતો.કનાએ ગેલામામાનો હાથ પકડી કહ્યું, "મામા મારે હવે ગર્યમાં નહી રેવું. મારે કાઠીયાવાડ હાલ્યું જાવું સે.મને મા હાંભરી સે."
ગેલો કશું બોલી શક્યો નહીં, ફક્ત એક ઉનો ઉનો નિઃસાસો નાખ્યો.ગીરનાં જંગલમાં દૂરથી હાવજનો એકલતા ભર્યો હૂંકવાનો અવાજ જંગલને ઘેરી રહ્યો હતો. એવામાં નેહડાને ઝાંપે ગાડી આવીને ઉભી રહી. જેનાથી ઉડેલી ધૂળની ડમરીમાંથી આરપાર નીકળી, ઉગમણી દિશામાં ઉગવાની તૈયારી કરી રહેલા સુરજ નારાયણના કિરણો આજે કેસરીને બદલે ભૂખરા ભાંસી રહ્યા હતા.જેના ભૂખરા રંગે ગીરનાં જંગલને ઉદાસીના આવરણથી ઢાંકી દીધું........
"નેહડો (The heart of Gir)" 1 સંપૂર્ણ .....
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts app no. 9428810621

વાચક મિત્રો છેલ્લા એક વર્ષથી મારી નવલકથા "નેહડો (The heart of Gir)"1 માતૃભારતી એપ પર ચાલી રહી હતી. આશા રાખુ આપ સૌને પસંદ પડી હશે. આપના સહકાર અને અભિપ્રાયથી મને લખવા માટે શકિત મળતી હતી. આપનાં અભિપ્રાય મને મારા wts app no પર આપવા વિનંતી.આપના સહકાર બદલ સૌ વાંચક મિત્રો અને માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.આવતા સમયમાં બુક બહાર પાડીશ ત્યારે પણ આવો જ સપોર્ટ આપવા વિનંતી.નવી નવલકથા પર પણ કામ ચાલી રહ્યું છે.જે પૂર્ણ થતાં આપની સમક્ષ રજૂ કરીશ.

લી. અશોકસિંહ એ. ટાંક ના
જય હિન્દ...