કનાને ગોતતા ગોતતા થોડા આગળ ચાલ્યાં ત્યાં રાધીનું ધ્યાન બપોરા કર્યા હતા, તે વડલાની ડાળ પર ગયું. તેણે જોરથી રાડ પાડી,
" જો કનો ન્યા રયો.. "
બધાએ જોયું તો કનો વડલાની એક ડાળી પર લપાઈને બેઠો હતો. તેના મોઢા પર ગભરાટ હતો. બધા ગોવાળિયાઓએ મળીને તેને જાળવીને નીચે ઉતાર્યો. બધાં ખૂબ હસ્યાં. રાધીનાં બાપા નનાભાઈ કહે,
" અલ્યા, કાઠીયાવાડી તો જબરો બાદુર નિહર્યો"
આ સાંભળી બધાં ફરી હસી પડ્યાં. ગેલાએ કનાને પોતાની પાસે ખેંચી તેના વાંકડીયા વાળમાં હાથ ફેરવ્યો. કનો હજી પણ ડરથી કાંપી રહ્યો હતો. ગેલાએ તેને સમજાવ્યું,
" હાંભળો ભાણાભાઈ, અમારાં ગરયનો નીમ છે કિલે મે રેનાં. એટલે બધાં ની ભેળું રેવાનું. એકલા ભાગી નહિ જાવાનું.હાથમાં ધોકો હોય પસ્યે બીવાનું હતું હહે? આમ ઝાડવે નહિ સડી જાવાનું. નકર જો દિપડું હહે તો ઈ પણ ઝાડવે સડે.આ બધાં નાના ગોવાળિયા તારી હંગાથ હોય પસે બીવાનું સુ હોય?"
બધાએ મળી કનાને હિંમત આપી. રાધીનો બાપુ નનો કહેવા લાગ્યો,
"ભલા માણા ઈય જંગલનાં જનાવર ને આપડે ય જંગલનાં જનાવર બધાં વરહોથી જંગલમાં ભેળાં રઈ. ઈ આપડું ધેન રાખે આપડે ઈનું ધેન રાખવાનું.".
આજે ગીરનાં જંગલનો પ્રથમ દિવસ કના માટે પરીક્ષાનો રહ્યો. તેને અંદરથી ખૂબ ડર લાગી ગયો.
સાંજે ભેંસોના કામમાંથી પરવારીને નેહડે સૌ સાથે વાળુ કરવા બેસવાની તૈયારી કરતા હતા. રસોડાનાં જાળીયામાંથી ચૂલાંનો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. રોટલા ઘડવાનો ટપ... ટપ... ટપ...અવાજ આવી રહ્યો હતો. ચૂલે શેકાતા અને ગરમ ગરમ રોટલા પર ચોપડાતા માખણની અલગ પ્રકારની સોડમ આવી રહી હતી. રસોડામાં કનાની મામી રાજી રોટલા કરી રહી હતી. કનાની નાની જીણી મા ઓસરીમાં રોટલા મૂકવાના પાટલા, તાહળીયુ, દૂધનું બોઘરણું આ બધું તૈયાર કરી રહી હતી. ગીરનાં જંગલમાં આવેલા નેસડામાં હજી લાઇટની વ્યવસ્થા નથી. ત્યાં સરકાર તરફથી મળેલા સોલર લાઈટ અને ઇન્વર્ટરથી કામ ચલાવવામાં આવે છે. બેટરી ઊતરી ન જાય એટલે નેહડે લોકો વીજળી વેડફતા નથી. એટલે ગેલાનાં નેહડે એક લેમ્પ ભેંસોનાં વાડામાં અને બીજો લેમ્પ ઓસરીમાં આમ, બે જ લેમ્પ રાખવામાં આવ્યાં છે. બાકીનું કામ કેરોસીનનાં દીવા અને ફાનસથી અને ચાર્જિંગ ટોર્ચ લાઈટ વડે ચલાવવામાં આવે છે. આ બે લેમ્પ ને લીધે નેહડામાં આછું અંજવાળું ફેલાયેલું છે. ફળિયામાં બે ખાટલા ઢાળેલા છે. એક ખાટલે ગેલો પગ લંબાવી બેઠો છે. બીજા ખાટલે તેના આપા રામુઆપા ઓશીકાનો ટેકો લઇ લંબાવી બેઠા છે. હાથમાં ચુંગી સળગી રહી છે. અહીં નેસડામાં બધી ભેંસો ના અલગ અલગ નામ હોય છે. રામુ આપાએ ચુંગીની કશ ખેંચી, ચુંગીમાં રહેલો દેવતાં ઉગતાં સૂરજની જેમ લાલ ચોળ થયો.પછી ઘડીક દમ ઘૂંટીને ધૂમાડો હવામા ઉડાડતા બોલ્યા,
" કાલ કુંઢી ખાતી નોતી તે હવે ઈ ને કેમ ર્યું સે? જંગલમાં સરતિતી? "
ગેલા એ કહ્યું, " હા આજ તો એને કાય નો'તું. જોવો ને ધરાય ને ઢમઢોલ થઈ સે"
ગેલા ની નજર કનાને શોધતી હતી. કનો નાની જીણી માની પડખે લપાઈ ને બેઠો હતો. તેના મોઢા પર જંગલમાં આજે જે બન્યું તેની બીક હજી દેખાતી હતી. ગેલા એ આજે જે જંગલમાં બન્યું તેની વાત બાપુજીને કરી. કનો નેહડે આવ્યો ત્યારથી નાના-નાની પાસે ફળિયામાં સૂતો હતો. ગેલાએ કહ્યું,
" આપા આજ કનો બિય ગ્યો સે.એટલે એને ફળીમાં નીંદર નહિ આવે. ઈ ને અમારી પાહે ઓવડે હુવરાવિશું."
ગાર કરેલી ઓસરીમાં સોલર લાઈટનાં પ્રકાશમાં બધાં વાળું કરવાં બેઠાં છે. ઘી વાળા રોટલા મૂકી મૂકીને કાળા થઈ ગયેલાં લાકડાનાં પાટલા પર બાજરાનાં રોટલા ને ચૂલે શેકેલાં મરચાં પિરસેલા છે. કાસાની તાસળીયું શેડ કઢા દૂધથી ભરેલી છે. પિત્તળનાં વાટકામાં કઢી છે,બીજા એક વાટકામાં ગરમાં ગરમ ખીચડી ભરેલી છે. ખીચડીમાં ખાડો કરી તેમાં ભગરી ભેંસોનું ઘી ભરી દીધું છે.તેની સોડમ ભૂખમાં વધારો કરી રહી છે.એટલામાં કનાએ પોતાની તાંસળીમાંથી દૂધ ઓછું કરવા કહ્યું.
રામુઆપા એ બરાબર સમય પારખી કહ્યું, " અરે ભાણુભા, આટલ્યું દૂધ નહિ ખાવ તો હાવજ્યું હામાં કિમ થાહો? હું ઈ વખતે તમારાથી મોટોમોટો હશ, ઈ વેળાની વાત કરું. એક દાડો હું કાયમની માફક ભેહુંમાં આઢ્યો તો. ભેહું પોળી ગઈ તી. ઈમાં ભેહું ઊંચા મોઢાં કરી ફૂફાડા મારવા માંડી ગઈ. પૂછડાં ઊંચા લઈ લીધાં.હું વરતી ગ્યો કે હાવજ આયો લાગે હે. ઊભો થઈ જોયું તો વિહ હાથ આઘે હાવજ ઊભો તો.....
ક્રમશઃ
(હવે સાવજ અને રામુ આપા વચ્ચે શું થશે? શુ સાવજ રામુ આપા ઉપર હુમલો કરશે? જાણવા માટે વાંચો હવે પછીનો ભાગ...)
વાંચીને આપનાં પ્રતિભાવ અને સ્ટાર રેટિંગ આપવાં વિનંતી..
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621