Nehdo - 78 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 78

દિવસો પછી દિવસો અને એક પછી એક અઠવાડિયા ઊગ્યા અને આથમી ગયા. ચોમાસાના ભીના દિવસો ધીમે ધીમે કોરા થવા લાગ્યા. ગીરના જંગલની ગારાથી લથપથ કેડીઓ પર ચાલેલા માલઢોરની ખરીઓના પગલા સુકાઈને કઠણ થવા લાગ્યા. લીલુછમ ઘાસ તડકાને લીધે મુરઝાઈને પીળપ પકડવા લાગ્યું. સુગરીઓના લટકતા માળાની કોલોનીમાંથી બચ્ચા મોટા થઈ ઉડી ગયા. ને સુગરીઓએ ગુથેલા માળા મૂંગા મૂંગા પવનની લહેરખીઓ સાથે આમ તેમ ડોલી રહ્યા હતા. પાકી ગયેલા ઘાસના બીજ ચણવા ભો ચકલીઓ લપાઈને બેસી ગઈ હતી. જેની એકદમ નજીક પહોંચતા જ તે ફરર...કરતી ઉડી જતી હતી. ભર ચોમાસે ગાંડી તુર થઈને વહેતી ડોળા પાણીની નદીઓ અત્યારે નવી પરણીને આવેલી સ્ત્રીની માફક શાંત ચિત્તે અને ધીરે ધીરે નિર્મળ નીરે વહી રહી હતી. સદીઓથી ઊભેલા,પશુ પંખી માલઢોરની ખરીઓ અને માલધારીઓના પગે ખુંદાએલા ડુંગરા પણ અત્યારે ધ્યાનમાં બેઠેલા યોગીઓની માફક આંખો મીચીને બેઠા હોય તેમ લાગી રહ્યું હતું. ચોમાસાના વાયરાની મેઘલી ઝાપટે ગોપીઓ ભેળો કાન જેમ રાસમાં ઘુંમી રહ્યો હોય તેમ ડોલતા ઝાડવા અત્યારે શાંત અને સ્થિર ઉભા હતા. વાતાવરણમાં ભેજ ઓછો અને ઠંડક વધારે જામવા લાગી હતી. નવલા નોરતા અને દિવાળીના તહેવારોએ પણ શુષ્ક થયેલા માનવોમાં નવો ઉત્સાહ ભરી વિદાય લઈ લીધી હતી. ભૂર વાયરો વાવા લાગી ગયો હતો. શિયાળાની આ સીઝન લગ્ન ગાળો લઈને આવી જાય છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે દેવ દિવાળીએ તુલસી વિવાહ થઈ જાય એટલે કે ઠાકોરજી પરણી જાય પછી લગ્ન લઈ શકાય છે. એવી પરંપરા છે. ઘણા ઉતાવળા હોય તે તુલસી વિવાહ પછી તરત જ લગ્ન ગોઠવી દેતા હોય છે. ગીરના જંગલમાં નેહડા અલગ અલગ જગ્યાએ એકબીજાથી દૂર વસેલા છે. શરૂઆતમાં પાંચ સાત ઘરથી વસેલા અમુક નેહડા અત્યારે વીસ,ત્રીસ ઘર સુધી વિકસી ગયા છે.
હિન્દુ ધર્મમાં લગ્ન એક અનોખો ઉત્સવ છે. આમ તો બધી જ્ઞાતિઓમાં લગ્નના રિવાજો વિધિ મોટાભાગે સરખા જોવા મળે છે. પરંતુ તેમ છતાં અમુક રિવાજો જ્ઞાતિ પ્રમાણે થોડા અલગ અલગ હોય છે. લગ્ન સમયના પહેરવેશમાં પણ આવી વિવિધતા જોવા મળે છે. ગીરના જંગલના પ્રદૂષણ વગરની શાંત હવા અને વાહનોના ઘોંઘાટ વગરના શાંત વાતાવરણમાં સાવજોની ગર્જના દૂર સુધી સંભળાય છે. ક્યાંક એકાદે નેહડે લગ્ન પ્રસંગ હોવાથી ઢોલ વાગી રહ્યો હતો. ધ્રીબાંગ...ધ્રીબાંગ... વાગતો આ ઢોલની બંને પડીમાથી અલગ અલગ કંપનો ઉત્પન્ન થઈને અનોખો અવાજ પેદા થાય છે. ઢોલમાં સીસમ કે બીબાના લાકડાનો બનાવેલું નળાકાર પોલાણના બંને છેડે પ્રાણીઓનું ચામડું મઢેલું હોય છે. તે ચામડાને પડી કહે છે. એમાં જાડુ ચામડુ મોટાભાગે મૃત્યુ પામેલી ભેંસ કે પાડાનું હોય છે, અને પાતળું ચામડું મૃત્યુ પામેલી બકરી કે હરણનું ચડાવવામાં આવે છે. ઢોલની જાડી પડી બાજુ ઢોલી લાકડાની અણી વાળી અને થોડી વળાંક વાળેલી ડાંડીથી વગાડે છે. જ્યારે ઢોલની પાતળી પડી બાજુ ઢોલી દાંડી સાથે પોતાની આંગળીઓથી વગાડીને તાલ પુરાવે છે. જે એક અલગ પ્રકારનો ધ્વનિ પેદા કરે છે. દૂર વાગી રહેલો આ પ્રકારનો ઢોલ ગીરના જંગલને કંપનોથી ભરી રહ્યો હતો. સામે તેનો જવાબ હાવજ હૂકીને આપી રહ્યો હતો. ઢોલનો આ ધ્વનિ માંગલિક વાતાવરણ ખડું કરી રહ્યો હતો.
આજે ગેલાના નેહડે વહેલી સવારથી દોડાદોડી થઈ રહી હતી. રોજ કરતા ગેલોને રાજી વહેલા ઊઠીને માલઢોરના કામમાંથી પરવારી ગયા હતા. માલઢોર વહેલા દોહીને ગેલાએ ડેરીએ દૂધ પણ પહોંચાડી દીધું હતું. વહેલા સત્તા દોહી લેવાથી ભેંસો જંગલમાં ચરવા જવા માટે વહેલી ઉતાવળી થઈ તણગા તોડાવતી હતી. નવી નવી વીહાયેલી ભેંસોના પાડરુંને પણ અલગ કરી લીધા હતા. જેથી આ ભેંસો તેના પાડરુંને મળવા રઘવાયું થઈ અડલા પાસે ઊભી રહી આંગણા બાજુ મોઢું રાખી રણકી રહી હતી. રામુઆપા અમુક ભૂખી રહી ગયેલી નાની પાડીને મોઢામાં આંગળી નાખી બહારથી વધારાનું દૂધ પાઈ રહ્યા હતા.જીણીમા ફળિયામાં મોટી ચુલમાં સુકાઈ ગયેલા બાવળના ખણીયા બાળી તેના પર તપેલું ચડાવી તેમાં મોટા બધા માખણના પિંડાની તાવણી કરી ઘી બનાવી રહ્યા હતા.જેની સુગંધ આખા નેહડામાં ફેલાઈ રહી હતી. મો હુજણુ થતા બાવળની કાટ્યમાં રાતવાસો કરતા ચકલાનો ઘેરો ચીં... ચીં... ચીં...નો કકળાટ કરી રહ્યો હતો. વહેલા ઊઠેલા મોર અને કબૂતરો નેહડાની બહાર રામુઆપાએ નાખેલા દાણા ચણી રહ્યા હતા. જેમાં ભેગા પોપટ અને બેચાર કાગડા પણ હતા. ધીમે ધીમે ચીં.. ચીં.. કરતી ચકલીઓના ઝૂંડમાંથી અમુક ચકલીઓ દાણા ખાવા આવી રહી હતી. તો કોઈ કોઈ ચકલી દાણા ચણતી ફૂરર.. કરતી ઉડીને પાછી બાવળ પર જતી રહેતી હતી.
રાજીએ આજે લીલી ઓઢણીને ભરેલી લાલ ચોલીને ભરેલા પટ્ટાવાળી જીમી પહેરી હતી. જીણીમા પણ કાળુ થેપાડુ ને માથે રાતિને કાળી ટપકાંવાળી ભાતની નવી ચુંદડી ઓઢી તૈયાર થઈ ગયેલા હતા. આખો દાડો કામ અને તે પણ માલઢોરનું ધુળીયુ કામ કરીને મેલી ઘેલી લાગતી માલધારીની સ્રી રાજી આજે નવા કપડામાં ખૂબ સુંદર લાગી રહી હતી.રાજીનો સપ્રમાણ દેહ, શાંતને શરમાળ આંખો,લાંબા વાળ અને લચકતી ચાલમાં આજે રાજીનું અલગ જ રૂપ છલકી રહ્યું હતું. ગેલો પણ આજે નવું સફેદ લાંબી ચાળનું પેરણ,ગોઠણ સુધી ફીટ અને ગોઠણ ઉપર કળીઓવાળા જોળાનો ચોરણો, ચોરણાની ફૂમકીવાળી લટકતી નાડીમાં મર્દ પુરુષ લાગતો હતો. માથે બાંધેલ લાલ કલરનો બાંધણી ડિઝાઇનનો કાનને દબાવી રાખતો ફટકો અને ખંભે કાળી કામળી, વજનદાર માલધારી જોડાને લીધે મદમસ્ત ચાલને લીધે ગેલો આજે ગીરનો સાવજ હોય તેવો શોભી રહ્યો હતો. આજે આખું ઘર લગ્ન પ્રસંગે બહાર જવા તૈયાર થઈ ગયું હતું. રામુ આપા એકલા આજે નેહડે રહેવાના હતા. આજે માલઢોર જંગલમાં ચરવા માટે છૂટવાના નહોતા. ઘરે ભરી રાખેલા બાજરાની કડબને શીંગનું ચારોલાથી સવારમાં જ ગમાણો ભરી દીધી હતી. એટલે માલઢોર આજે આખો દિવસ ઘરે વાડામાં રહીને નિરણ ખાશે. રામુઆપાને મદદ માટે ગેલાએ એક દાડીયો પણ રોકી રાખ્યો હતો. જે સવાર સવારમાં હાજર થઈ ગયો હતો. જેથી રામુઆપા એકલા પંડે થાકી ન જાય.
આ બધી દોડા દોડીમાં કનો ક્યારનો નજર આવતો ન હતો. બધા કામમાંથી પરવારીને ગેલાએ ચારે કોર નજર ફેરવી તો કનો પાડરું બાંધવાના માંડવા નીચે બેઠો બેઠો ભૂરી પાડીને માથે હાથ ફેરવી રહ્યો હતો. કનો કંઈક વિચારોમાં ખોવાયેલો હતો. ગેલાએ જોયું તો કનાએ જૂનું પેરણને ચોરણી અને નીચે માલ ઢોર ચરાવવા જતી વખતે પહેરે તે પ્લાસ્ટિકના બુટ પહેરેલા હતા. ગેલો ઘડીક કના સામે તાકી રહ્યો. કનાનું ધ્યાન ગેલા તરફ ન હતું. ગેલાને આજે કનાનું મોઢું ખૂબ ઉદાસ લાગ્યું. ગેલાએ હાંકલો માર્યો, " કના દિકરા તું હજયે ત્યાર નહિ થ્યો?" કનો જાણે કોઈક વિચારોમાંથી જાગ્યો હોય તેમ અચાનક ઉભો થઈ ગયો. કનાના અચાનક ઉભા થવાથી ભુરી પાડી ભડકીને ઠેક દઈ ગઈ. કનાએ કહ્યું, "મામા, હું તો ત્યાર જ સુ. હાલો જાવું જ સે ને?"
ગેલાએ કહ્યું, " હૂ જાવું સે!? પેલાં તું લૂગડાં તો હારા પેરય! જા જૂનાણેથી લાયો ઇ નવા લૂગડાં ટકમાં પડ્યાં સે. ઇવડા ઈ પેરી આય.આવા જૂનાં લૂગડે લગનમાં નહિ જાવું." કનાએ કશો વિરોધ કર્યા વગર ઘરમાં જઈ કપડા બદલી નાખ્યા. બહાર આવ્યો ત્યારે ગેલો પણ કના સામે જોઈ રહ્યો.કનાએ લાંબી ચાળનુ પેરણ અને જોળાવાળો ચોરણો જેની નાડીએ ફૂમકા લટકતાં હતાં.માથે મરૂન કલરનો ફટકો બાંધેલો હતો.મોઢે આછી દાઢીમાં કનો સોહામણો લાગતો હતો.ખીલીએ ટીંગાતી થેલીમાંથી કનાએ નવાં જોડા કાઢીને પહેર્યા.વજનદાર જોડા પહેરીને લચકદાર ચાલે ચાલતો કનો જાણે ગીરના મારગે હાવજ હાલ્યો આવતો હોય તેવો લાગતો હતો.

(કનો અને ગેલામામાનો પરિવાર કોના લગ્નમાં જવાની તૈયારી કરતાં હશે? જાણવા માટે વાંચતા રહો, "નેહડો(The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts app no. 9428810621


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED