Nehdo - 1 books and stories free download online pdf in Gujarati

નેહડો (The heart of Gir) - 1

નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું આપને પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ હું કરીશ. વાંચીને સ્ટાર રેટિંગ અને પ્રતિભાવ આપવા આપને વિનંતી. વાર્તાની છેલ્લે મારો whatsapp નંબર છે. તેમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપનો અભિપ્રાય મારા માટે માર્ગદર્શક સાબિત થશે.
" નેહડો " નવલકથા ગીરના જંગલમાં આવેલા નેસની આજુબાજુ ગૂંથવામાં આવી છે. ગીરનું જંગલ અને તેમાં આવેલા નેસ એકબીજાના પર્યાય છે. નેહડો એટલે જંગલમાં વસતા માલધારીઓનો સમુદાય. કે જેઓ જંગલની વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને પોતાનું જીવન આનંદથી જીવે છે. કાચા અને નળિયાવાળા મકાનમાં તેઓ વસવાટ કરે છે. તેમના મકાન ઝાડની ડાળીઓના બનેલા હોય છે. તેના પર માટી નું લીપણ કરેલું હોય છે. ઘરનાં છાપરા ઘાસ,પતરા કે નળીયાના બનેલા હોય છે. વર્ષોથી, પેઢીઓથી આ લોકો જંગલમાં રહે છે. જેઓ ખૂબ માયાળુ, ખમીરવંતી અને ખડતલ પ્રજા છે. શરીરે પણ નીરોગી હોય છે. તેઓનો મુખ્ય ખોરાક તાજું દૂધ બાજરીના રોટલા કઢી ખીચડી અને કકડાવેલું લસણ મરચું છે.

ગીરનું જંગલ એટલે ખાસ છે, કેમ કે આખી દુનિયામાં ફક્ત ગીરમાં જ એશિયાટીક સિંહો રહ્યા છે. જેનું અંગ્રેજી નામ penteraleo persica છે. ગીરનું જંગલ એટલે પણ ખાસ છે, કેમકે અહીં માણસો અને સિંહ, એકબીજાની ઈજ્જત કરી સાથે રહે છે. ઈ. સ.૧૮૦૦ ની સાલ આજુબાજુ અહીં ઘણા સિંહો વસવાટ કરતા હતા. પરંતુ રાજા-મહારાજા, નવાબો અને અંગ્રેજોના સિંહના શિકારના શોખે સિંહોનું નિકંદન કાઢી નાખ્યું. ઈ. સ.૧૯૦૦ આજુબાજુ લગભગ ૧૫ જેટલા જ સિંહો બચ્યા હતાં. પરંતુ જે તે સમયનાં નવાબ અને ગીરનાં માલધારીઓનાં પ્રયત્નોથી એ સમયે જંગલને આરક્ષિત જાહેર કર્યું. જેનાં ફળસ્વરૂપે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી અને લોકજાગૃતિથી આજે સિંહોની વસ્તીમાં ઘણો વધારો થયો છે. આજે નર સિંહ, માદા સિંહણ અને બચ્ચા સહિત લગભગ તેમની સંખ્યા ૬૦૦ને આંબવા જઈ રહી છે. જે આપણા માટે અને આપણા દેશ માટે ગર્વની વાત છે. દેશ અને દુનિયાનાં અનેક ભાગમાંથી લાખો લોકો ગીરનું જંગલ જોવા આવે છે. ગીરનું જંગલ અનેક વિવિધતાઓથી ભરેલું છે. જેમાં એશિયાટિક સિંહ મુખ્ય છે. તેની સાથે સાથે ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ થી વધુ પ્રકારના પક્ષીઓ ૩૭ પ્રકારના સરીસૃપો અને ૨૦૦ થી વધુ જાતિના કીટકો ગીરનાં જંગલની શોભા વધારે છે. ગીરનાં જંગલમાં ૫૫૦ જેટલા પ્રકારની વનસ્પતિ પણ આવેલી છે. મુખ્યત્વે ગીરના જંગલમાં સાગનાં વૃક્ષો આવેલા છે. એ સિવાય ખેર, હરમો, ગોરડ,આંબલી, કરમદી, બાવળ, વિકળો, ઈંગોરિયા, લીમડો, ખીજડો, જાંબુડા, વડ, પીપર, થોર, પીલુડી,ખાખરો, સાલ, સીસમ, શીમળો, શિરસ, ગરમાળો, રાયણ, સાજડ અને બોરડી જેવા વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોનાં મોટાભાગનાં પાન ઉનાળામાં ખરી પડે છે. તેથી ઉનાળાનાં સમયમાં ગીરનું જંગલ શુષ્ક લાગે છે. પરંતુ ચોમાસામાં ગીરની મુલાકાત લ્યો તો આ જંગલનું અલગ જ રૂપ જોવા મળશે. ઘટાટોપ ને લીલુંછમ. વહેતાં ઝરણાં, હિરણ નદીનો ખળખળાટ.ક્યાંક પથ્થરમાંથી નીચે પડતો ધોધ.ગીરનું જંગલ એ ભગવાનની પીંછી વડે દોરાયેલું અદભુત ચિત્ર છે.ગીરના કવિ રાજભાની પંક્તિ મુજબ

"રૂડી ને રળિયામણી, હરિયાળી ને હેતાળ"

આવાં રૂડા ગીરનાં જંગલની અને તેમાં વસતાં માઠુડા માણસોની આ નવલકથામાં આપણે વાતો કરીશું. આ નવલકથાનો હેતુ લોકોને પર્યાવરણ પ્રત્યે પોતીકો ભાવ જાગે અને વાંચકો અને આવનાર પેઢી પર્યાવરણનાં જતનની જવાબદારી લે તેવો છે. કથામાં જે નામનાં નેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે નામનો નેસ ખરેખર ગીરનાં જંગલમાં અસ્તિત્વ ધરાવતો નથી. કથામાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. કોઈ સાથે સરખાપણુ જોવા મળે તો એ માત્ર ને માત્ર એક સંજોગ હશે.

આ કથામાં આવતુ ગીરનું જંગલ અને હિરણ નદી એટલું જ વાસ્તવિક હશે .બાકી નેસડાનું નામ, નેસડાની જગ્યા બધું જ કાલ્પનિક છે. જેની વાચક મિત્રોએ નોંધ લેવી.

ગેલો ભેંસોનું ખાડું લઈ ચરાવવા જવાની તૈયારી કરતો હતો.તે ખભેથી ભેંસોના ખાણની ખાલી થયેલ પ્લાસ્ટીકનાં બારદાનમાંથી હાથસિલાઈ કરી બનાવેલ નાકાવાળો થેલો ઉતારી. તેમાં રહેલી બધી વસ્તુઓ તપાસતો હતો. થેલામાં એક તપેલી જેવડુ મોટું છાલિયું, જેમાં જંગલમાં શાક અને ચા બનાવવામાં આવતી. ખાલી પાવડરના બે ડબ્બા,જેમાં ચા અને ખાંડ ભરેલા હોય. મીઠું, મરચું, રાઈ, જીરુ, વઘાણી આ બધાનું એક એક પડીકું. બે વાટકા, આખું માચીસ. પાણી માટે થમ્સ અપનાં ખાલી બાટલા પર કપડું સીવીને બનાવેલું વોટર બેગ. આ બધી વસ્તુ સંભાળીને બરાબર છે? એમ સંભાળી ને બધું પાછું થેલામાં મૂકી, થેલો ખંભે ટીંગાડી દીધો.

હવે ગેલાએ ભેંસોના વાડા તરફ મીટ માંડી. એટલાંમાં તેનું ધ્યાન વડલાની વડવાઈઓથી ઘેરાયેલ આઈ ખોડલની નાનકડી દેરી, ને દેરી આગળ નાનો ઓટલો.ઓટલા પર કેસરી કલરનું માતાજીનું ત્રિશૂળ ખોડેલું હતું,.ત્યાં ગયું.તેનો દસ વરસનો ભાણેજ જેનું નામ કનો છે,તે માતાજી સામે બે હાથ જોડી આંખો બંધ કરી બેઠો છે.

ગેલા ને નવાઈ લાગી, " માળું!, આ કનો અત્યારમાં માતાજી મોરૅય કેમ બેહી ગ્યો હહે!!?......(બાકી ની કથા આવતા અંકે)
આપના પ્રતિભાવો જણાવવા વિનંતી.
(મારો વોટ્સ અપ નં.૯૪૨૮૮૧૦૬૨૧)
લેખક: અશોક સિંહ એ. ટાંક
તા.૩/૧૨/૨૦૨૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED