ધૂન લાગી - 27 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 27




સાંજે બાળકો ફળિયામાં રમી રહ્યાં હતાં. કરણ, અંજલી, કૃણાલ અને અનન્યા ત્યાં બેસીને વાતો કરી રહ્યાં હતાં. અચાનક એક કાર આવીને આશ્રમનાં ગૅઈટ પાસે ઉભી રહી. તેમાંથી બ્લૅક સુટ પહેરીને એક પુરુષ અને ગ્રે સાડી પહેરીને સ્ત્રી બહાર આવી. તેઓ આશ્રમમાં અંદર પ્રવેશ્યાં. કરણ અને કૃણાલનું ધ્યાન તેમનાં પર જતાં, તેઓ તેમની પાસે ગયાં અને તેમને ભેટ્યાં.

"ડેડ! મોમ! તમે આવી ગયાં?" કૃણાલે કહ્યું.

"હા, કરણનાં લગ્ન થવાનાં છે. આવવું જ પડે ને!" આમ કહીને તેઓ હસી પડ્યાં.

અંજલી અને અનન્યા તેમની પાસે ગયાં અને તેમનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધાં. શર્મિલાજી તો અંજલીને જોઈ જ રહ્યાં.

"અરે! આ તો કરણે અપ્સરા શોધી લીધી છે." તેમણે અંજલીનાં ગાલ પર હાથ રાખીને કહ્યું. અંજલી અને કરણ શરમાઈ ગયાં.

"હું અમ્મા-અપ્પાને બોલાવી લાવું છું." આમ કહીને અનન્યા અંદર જવા લાગી.

"રહેવા દો. અમે તેમને ત્યાં જઈને જ મળી લઈએ છીએ. તેમનું હમણાં જ ઓપરેશન થયું છે, એટલે વધારે હલનચલન કરવું સારું નથી." મનીષજીએ કહ્યું.

"ચાલો! આપણે તેમને મળી લઈએ." આમ કહીને શર્મિલાજી બધાંની સાથે અમ્મા-અપ્પાનાં રૂમમાં ગયાં.

"નમસ્કાર અપ્પાજી! તમારી તબિયત સારી છે ને?" મનીષજીએ રૂમમાં પ્રવેશીને કહ્યું.

"તમે આવ્યાં એટલે એકદમ ફર્સ્ટક્લાસ!" આમ કહીને અપ્પા હસવા લાગ્યાં.

"તો આવી ગયાં એમ ને, દીકરાનાં કલ્યાણમ્ માટે!" અમ્માએ કહ્યું.

"હા, હો!" શર્મિલાજી એ કહ્યું.

"બેસો!" અમ્માએ કહ્યું. "મૃદુલઅન્ના! આમના માટે પાણી લઈ આવો અને નાસ્તાની વ્યવસ્થા કરો."

"તમને આવવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને?" અપ્પાએ પૂછ્યું.

"જરા પણ નહીં. મુંબઈથી અહીં ફ્લાઈટમાં આવ્યાં. એરપોર્ટથી હોટલમાં ગયાં. ત્યાં સામાન મૂકીને પછી અહીંયા આવ્યાં છીએ." મનીષજીએ કહ્યું.

"હોટલમાં કેમ? સીધાં અહીંયા આવી જવાની જરૂર હતી." અમ્માએ કહ્યું.

"તમારે બધાએ પણ હોટલમાં આવવાનું છે. તો અમે અહીં આવીને શું કરીએ?" શર્મિલાજીએ કહ્યું

"કંઈ સમજાયું નહીં. અમારે કેમ હોટલમાં આવવાનું?" અમ્માએ પૂછ્યું.

"જુઓ‌. અમારા વેડિંગ પ્લાનરે બધું પ્લાન કર્યું છે. કરણ અને અંજલીનું કલ્યાણમ્ 3 દિવસ પછી, શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં થશે. એ પહેલાંની બધી રસમો હોટલમાં કરવાની છે, એટલે તેઓએ મંદિરની પાસેની જ હોટલ, હોટલ રાજધાની 3 દિવસ માટે બુક કરાવી લીધી છે. તમને લેવા માટે બસ આવશે, કાલે સવારે તમારે બધાંએ હોટેલ પર આવી જવાનું છે. હોટલ પર પહોંચીને પછી આપણે લગ્નની શોપિંગ માટે જઈશું. જેમાં બધાંનાં કપડાં, ઘરેણાં અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી કરીશું. પછીનાં દિવસે સવારથી બધી રસમોની શરૂઆત થશે. તો તમને મંજુર છે?" મનીષજીએ કહ્યું.

"અરે વાહ! તમે તો બધી તૈયારી કરીને આવ્યા છો." અપ્પા બોલ્યાં.

"કરણનાં લગ્ન થવાનાં છે, તૈયારી તો કરવી જ પડે ને!" મનીષજીએ કહ્યું.

"તો હવે અમને રજા આપો. કાલે મળીશું." શર્મિલાજીએ કહ્યું.

"હા, ચોક્કસ! અમ્માએ કહ્યું.

મનીષજી અને શર્મિલાજી ત્યાંથી હોટલ તરફ નીકળી ગયાં. અંજલી રાતનું જમવાનું બનાવવા માટે રસોડામાં જવા લાગી.

"અરે! તું ક્યાં જાય છે?" અમ્માએ પૂછ્યું.

"કેમ? તમને કોઈને ભૂખ નથી લાગી? કે પછી વાતોથી પેટ ભરાઈ ગયું છે?" અંજલીએ કહ્યું.

"ભૂખ તો લાગી છે!" અનન્યાએ કહ્યું.

"જમવાનું બનશે, પછી તમે જમશો ને! એટલાં માટે રસોડામાં જાઉં છું, જમવાનું બનાવવા."

"અંજલી! તું આજે રહેવા દે. તું તારો સામાન પૅક કર. જમવાનું હું બનાવી લઈશ." અમ્માએ કહ્યું.

"ના અમ્મા! હજુ ઘણો ટાઈમ છે. જમીને પછી પૅક કરી લઈશ. અને એમ પણ; તમે બધાં તો છો જ, મને મદદ કરવાં માટે. આજે છેલ્લી વખત બધાં મારાં હાથનું જમવાનું જમી લો. પછી તો મારાં હાથનું જમવાનું નહીં મળે." આમ કહીને અંજલી રસોડામાં ચાલી ગઈ.

જમીને પછી બધાં આવતીકાલની તૈયારીમાં લાગી ગયાં હતાં. અંજલી તેનો સામાન પૅક કરી રહી હતી.

"અક્કા! કલ્યાણમ્ પછી તો તમે મુંબઈ ચાલ્યાં જશો ને?" વિજય બોલ્યો.

"હા. પણ તું અચાનક આવું કેમ પૂછે છે?" અંજલીએ કહ્યું.

"પછી અમને તમારી સાથે રહેવા નહીં મળે, તમારાં હાથનું જમવાનું પણ નહીં મળે." વિજયે ઉદાસ થઈને કહ્યું.

તેની વાત સાંભળીને બધાં ઉદાસ થઈ ગયાં.

"અરે! તમને જ્યારે પણ તમારી અંજલીઅક્કાની યાદ આવે, ત્યારે ફોન કરજો એટલે તે અહીંયા આવી જશે."

"તો પછી અક્કા, તમે અહીંયા જ રહી જાઓ." વિજય બોલ્યો.

"કેમ?" કરણે પૂછ્યું.

"અમે તો તેમને રોજ યાદ કરીશું. દરરોજ તેઓ અહીંયા આવે, એનાં કરતાં તેઓ અહીંયા જ રહે તે વધારે સારું." વિજયની વાત સાંભળીને બધાં હસવા લાગ્યાં.

"ચાલો! હવે બધાં સૂઈ જાઓ. કાલે સ્કૂલે પણ..." અંજલી આટલું બોલી ત્યાં બધાં બાળકો બોલ્યાં "કાલે સ્કૂલે નથી જવાનું."

"તો પણ, બધાં સૂઈ જાઓ" આમ કહીને અંજલીએ લાઈટ બંધ કરી દીધી.


_____________________________



શરૂ થઈ રહી છે, કરણ અને અંજલીનાં લગ્નની તૈયારીઓ! તમે પણ આવશોને, આ લગ્નને માણવા માટે?

માણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી