હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને અપ્પાને આશ્રમમાં લાવવામાં આવ્યાં હતાં. અમ્મા તેમની પાસે રૂમમાં હતાં. અંજલી તૈયાર થઈ રહી હતી, તૈયાર થઈને તે અમ્મા-અપ્પા પાસે ગઈ.
"અપ્પા! તમારી તબિયત સારી છે ને?" અંજલીએ પૂછ્યું.
"હવે સારું છે." અપ્પાએ કહ્યું.
"હું એક કામથી બહાર જાઉં છું. થોડીવારમાં આવી જઈશ. અનન્યા અહીંયા જ છે, કંઈ કામ હોય તો તેને બોલાવી લેજો."
"હા, ઠીક છે. ધ્યાનથી જજે."
"Ok. વડક્કમ્!" આમ કહીને અંજલી ત્યાંથી નીકળી ગઈ.
દરિયાકિનારે અંજલીએ જે રીતે કહ્યું હતું, તેમ અનન્યાએ બધી તૈયારીઓ કરી દીધી હતી. હોડીને ગઈકાલની જેમ જ સજાવવામાં આવી હતી. અંજલી પણ ગઈકાલની જેમ જ તૈયાર થઈ હતી. અંજલી હાથમાં ગુલાબનાં ફૂલનો ગુલદસ્તો લઈ, હોડી પાસે ઊભી રહીને કરણની રાહ જોઈ રહી હતી.
થોડીવાર પછી અંજલીને સામેથી કરણ આવતો દેખાયો. સફેદ શર્ટ ઉપર ગ્રે જેકેટ અને ગ્રે પેન્ટ પહેરીને તે આવી રહ્યો હતો.
"આવી ગયાં જનાબ!" અંજલીએ કરણને કહ્યું.
"જી મહોતરમા!" કરણે હસીને કહ્યું.
"ચાલો! તો હવે હોડીમાં બેસીને દરિયામાં પ્રસ્થાન કરીએ."
"ચાલો."
અંજલી અને કરણ હોડીમાં સામે-સામે બેઠાં હતાં. નાવિકે હોડી હંકારવાની શરૂઆત કરી દીધી હતી. કેસરિયા આકાશ અને નીલા દરિયાનું મિલન થઈ રહ્યું હતું. વાતાવરણમાં પ્રેમનો રંગ છવાયો હતો. ઠંડી હવા સાથે ગુલાબની ખુશ્બુ પ્રસરી રહી હતી. પંખીઓ તેમની પ્રિયતમાને મળવાં માળા તરફ પાછાં ફરી રહ્યાં હતાં.
હોડીમાંથી હવે માત્ર પાણી જ દેખાતું હતું. અંજલી કરણની સામે ઘૂંટણ પર બેસી ગઈ અને તેને ગુલદસ્તો આપીને, પોતાનાં દિલની વાત કહેવા લાગી.
"આંખોમાં છુપાયલો છે પ્રેમ મારો,
વાતોમાં એ આવી જાય તારી સામે, મારું ન માને.
સપના હજારો મનમાં છે,
તોય એક તારાં સપને ફસાયો જાણે, રંગાયો જાણે.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ દોર,
લઈ જાય છે ઉડાવી ને તું કંઈ કોર,
બાજી જે હારી છે પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવુ ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે...
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે..."
કરણે અંજલી પાસેથી ગુલદસ્તો લઈને તેને ઊભી કરી અને કહ્યું "અંજલી! મારો પ્રેમ આ દરિયા જેટલો ઊંડો છે. હું તારી સાથે હંમેશાં માટે આ પ્રેમથી જોડાવા ઈચ્છું છું." આમ કહીને કરણ અંજલીને ભેટી ગયો.
મિલનનું આ પ્રેમસભર દ્રશ્ય જોઈને સૂર્યને શરમ આવી અને તે આથમી ગયો. કરણ અને અંજલીનાં પ્રેમનો ઉદય થયો. કરણે હળવાશથી અંજલીનાં કપાળ પર ચુંબન કર્યું. પ્રેમનો આ પ્રથમ સ્પર્શ થતાં બંનેનાં શરીરમાં રોમાંચ જાગી ઉઠ્યો. અંજલીએ પણ કરણનાં ગાલ પર ચુંબન કરીને પોતાનો પ્રેમ દર્શાવ્યો.
"કરણ! મારે તારી સાથે આ બંધનમાં હંમેશાં માટે બંધાઈ જવું છે. શું તું મારી સાથે કલ્યાણમ્ કરીશ?"
"હા અંજલી! આપણાં પ્રેમને આગળ લઈ જવાં માટે અને તને મારાં જીવનમાં હંમેશા માટે લાવવાં માટે આપણે કલ્યાણમ્ કરીશું."
"પણ અપ્પાની આવી સ્થિતિ છે, તો કેમ થશે?" અંજલીએ કહ્યું.
"અપ્પા જો આપણાં વિશે સાંભળશે, તો તેમને ખુશી જ થશે અને તેઓ જલ્દીથી સ્વસ્થ પણ થઈ જશે."
"મતલબ! તું કહેવા શું ઈચ્છે છે?"
"અપ્પા, અમ્મા, અનન્યા અને કૃણાલ. આ બધાં જ જાણે છે કે આપણે પ્રેમબંધનમાં જોડાવવાનું છે. હું મુંબઈથી અહીંયા તમને મદદ કરવાં માટે નહીં, પણ તને મળવાં આવ્યો હતો. અહીં આવીને મેં બધું જોયું એટલે મને આશ્રમની મદદ કરવાની ઈચ્છા થઈ અને તને જોઈ, સમજી પછી તારી સાથે પ્રેમ થઈ ગયો."
"કરણ..." આમ કહીને અંજલીએ તેને હળવેથી માર્યું. કરણ પણ અંજલી સામે જોઈને હસવા લાગ્યો.
"તમને બધાંને તો હું જોઈ લઈશ." અંજલીએ કહ્યું.
"સારું, સારું. જોઈ લેજે. પહેલાં એ તો જણાવ કે, અમ્મા અપ્પાને આપણાં વિશે ક્યારે જણાવવું છે, કે આપણે લગ્ન માટે તૈયાર છીએ?"
"સારાં કામમાં મોડું શું કરવું? અત્યારે જઈને કહી દઈએ."
"અરે વાહ! તને તો ખૂબ જલ્દી છે." કરણ તોફાની રીતે બોલ્યો.
"શું તું પણ! ચાલ, હવે જઈએ. અંધારું પણ થઈ ગયું છે. વળી, તે દિવસની જેમ ચોર પાછાં આવી જશે." આમ કહીને અંજલી હસવા લાગી.
"અરે હસે છે કેમ? ત્યારે તો હું અહીં પહેલીવાર આવ્યો હતો, એટલે મને ખબર નહોતી. હવે એ ચોર મારી સામે આવે તો, એકએકને મારીમારીને અધૂમૂઆ કરી નાખું."
"હા, હા, ખબર છે. ચાલ, હવે નીચે ઉતરી જા. હોડી પણ કિનારે આવી ગઈ છે." આમ કહીને અંજલી અને કરણ હોડીમાંથી ઉતરી ગયાં અને આશ્રમે ચાલ્યાં ગયાં.
આશ્રમે પહોંચીને કરણ અને અંજલી અમ્મા-અપ્પા પાસે ગયાં.
"આવી ગયાં તમે?" અમ્માએ પૂછ્યું.
"હા" અંજલીએ કહ્યું.
"અપ્પા! અમ્મા! અમારે તમને કંઈ કહેવું છે" કરણે કહ્યું
"હા બોલોને" અમ્માએ કહ્યું.
"કરણ! તું કહી દે." અંજલીએ કહ્યું.
"ના, તું કહી દે." કરણે કહ્યું.
"અરે! તું મને મળવાં આવ્યો હતો ને, તો તારે જ કહેવું પડે." અંજલીએ કહ્યું.
"હું તને માત્ર મળવાં આવ્યો હતો, છેલ્લે પ્રપોઝ તો તે કર્યું ને. એટલે તારે જ કહેવાનું હોય." કરણે કહ્યું.
"આ સારું છે. એમ તો કાલે તે પ્રપોઝ કર્યું હતું એટલે તારે કહેવું પડે."
"ના, દરેક જગ્યાએ સ્ત્રીઓ આગળ હોય છે, તો અહીંયા પણ લેડીઝ ફર્સ્ટ. ચાલ! કહી દે."
"ના, તું બોલને." અંજલીએ કહ્યું.
_____________________________
શું કરણ અને અંજલી પોતાનાં દીલની વાત કહી શકશે? કે પછી આમ જ ઝગડતાં રહેશે?
જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી