Dhun Lagi - 15 books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 15






આખો દિવસ સાથે રહીને હવે સૂર્ય, પૃથ્વીવાસીઓ પાસેથી વિદાય લઈ રહ્યો હતો. જેમ કન્યાનાં વિદાયપ્રસંગે શરણાઈઓનાં સૂર ગૂંજી ઉઠે, તેમ કોયલનાં સૂરથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

અમ્મા-અપ્પા સૂર્યાસ્તને માણવાની સાથે, કોફીનો પણ આનંદ લઈ રહ્યાં હતાં. બાળકો ફળિયામાં રમી રહ્યાં હતાં. અમ્માનું ધ્યાન થોડીવાર પુસ્તકમાં, તો થોડીવાર બાળકો તરફ જઈ રહ્યું હતું. પરંતુ અપ્પા તો અખબાર વાંચવામાં એકદમ મશગૂલ હતાં.

"અમ્મા! અપ્પા! કરણજીને મંદિરે દર્શન કરવાં જવું છે અને મારે પણ ત્યાં બજારમાંથી કંઈક લેવાનું છે. તો અમે જઈ શકીએ?" અંજલીએ કરણ સાથે અમ્મા-અપ્પા પાસે જઈને પૂછ્યું.

"હા અંકલ-આંટી! અમે થોડીવારમાં પાછાં આવી જઇશું." કરણે કહ્યું.

અમ્મા-અપ્પાએ એકબીજાંની સામે જોઈને ધીમું હાસ્ય કર્યું. અમ્મા બોલ્યાં "હા, જરૂરથી જાઓ. તમે નિરાંતે પાછાં આવજો."

"કંઈ લેવાનું હોય તો જણાવી દો. અમે પાછાં આવતી વખતે લેતાં આવીશું." અંજલીએ કહ્યું.

"ના, કંઈ લેવાનું નથી. તમે જઈ શકો છો." અપ્પાએ કહ્યું.

"અમે થોડીવારમાં પાછાં આવીએ છીએ, વડક્કમ્!" આમ કહીને અંજલી અને કરણ આશ્રમમાંથી બહાર જવા લાગ્યાં. કરણ કાર તરફ જઈ રહ્યો હતો. અંજલીએ તેને રોકતાં કહ્યું "મંદિર પાસે જ છે. જો તમને કોઈ વાંધો ન હોય તો આપણે ચાલીને પણ જઈ શકીએ છીએ."

"Ok. તો ચાલીને જઈએ." કરણે કહ્યું.

કરણ અને અંજલી ચાલીને મંદિરે જઈ રહ્યાં હતાં. કરણ ચાલતાં ચાલતાં અંજલી તરફ જોઈ રહ્યો હતો. કરણ રસ્તામાં એક છોકરી સાથે અથડાયો.

"અઈયો રામા! સ્ટુપીડ. તારું ધ્યાન ક્યાં છે?" તે છોકરી ગુસ્સામાં બોલી.

"Sorry Sorry!" કરણ બોલ્યો.

"યુવાન અને દેખાવડો છે એટલે કોઈને પણ સાથે અથડાઈ જવાનું." તે છોકરી બોલી.

"અરે પણ એમણે Sorry તો કહ્યું." કરણ તરફથી અંજલી બોલી.

"તું એની ગર્લફ્રેન્ડ છે, તો તેને સંભાળીને રાખને. બીજી કોઈ છોકરીને ગમે જશે, તો એ લઈ જશે." આમ કહીને તે છોકરી ત્યાંથી ચાલી ગઈ.

કરણ અને અંજલીએ એકબીજાની સામે જોયું અને બંને હસી પડ્યાં. થોડીવાર હસ્યાં પછી કરણ બોલ્યો "આ છોકરી મને ખીજાઈને ગઈ કે મારાં વખાણ કરીને ગઈ, એ જ ન ખબર પડી." આમ કહીને તે ફરી હસવા લાગ્યો.

"પણ તેને મને તમારી ગર્લફ્રેન્ડ કેમ કહ્યું?" અંજલી બોલી.

"લોકોનું એવું જ હોય છે. યુવાન છોકરાં-છોકરીને સાથે જુએ એટલે બંનેને એકબીજાનાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવી દે છે." કરણ બોલ્યો.

"આ લોકો પણ અજીબ છે." અંજલી બોલી.

કરણ અને અંજલી વાતો કરતાં કરતાં મંદિરે પહોંચી ગયાં હતાં. ત્યાં તેમણે શ્રી‌‌ પદ્મનાભસ્વામીજીનાં દર્શન કર્યાં. દર્શન કરીને પછી તેઓ બજારમાં ફરી રહ્યાં હતાં.

અંજલી અને કરણ એક કપડાંની દુકાનમાં ગયાં. એ દુકાન ખૂબ મોટી ન હતી. સામાન્ય લોકો ખરીદી કરે તેવી જ દુકાન હતી.

"અરે! આ માણસ આવી દુકાનમાંથી ખરીદી કરશે! મેં તો વિચાર્યું પણ ન હતું, સારું કહેવાય. એક વાત તો છે, કરણને ધનવાન હોવાનું અભિમાન જરા પણ નથી." અંજલી મનમાં વિચારવા લાગી.

કરણ ત્યાં સફેદ શર્ટ ટ્રાય કરીને અંજલીને દેખાડી રહ્યો હતો. તેમાંથી કોઈ શર્ટ વધારે મોટો હતો, તો કોઈ વધારે ફીટ હતો. અંતે કરણને બરાબર માપમાં આવી જાય, તેવો શર્ટ મળી ગયો. અંજલીએ થમ્સ અપ કરીને તે ખરીદવાનું નક્કી કર્યું.

શર્ટ લઈને તેઓ બીલ કાઉન્ટર પર પૈસા ચૂકવવા ગયાં. અંજલી પોતાની પાસે રહેલાં પૈસા કાઢવાં લાગી, ત્યાં સુધીમાં તો કરણે પૈસા ચૂકવી દીધાં હતાં. કરણ અને અંજલી દુકાનની બહાર નીકળીને આશ્રમ તરફ જવા લાગ્યાં.

"અરે! આ શર્ટ તો મારે તમને ખરીદીને આપવાનો હતો, એટલે તેની રકમ પણ મારે આપવી પડે. પણ તમે પૈસા કેમ ચૂકવ્યા?" અંજલીએ કહ્યું.

"હું મંદિરવાળી ઘટનાથી તમારાં પર માત્ર કાલ રાત સુધી જ ગુસ્સામાં હતો. કાલે તમે મને Sorry કહ્યું, એટલે મારો ગુસ્સો શાંત થઈ ગયો."

"તો પછી તમે મને નવો શર્ટ અપાવવાનું શા માટે કહ્યું?"

"એ તો મેં કોઈ કારણ વગર, તમને હેરાન કરવા માટે કહ્યું હતું." કરણ હસીને બોલ્યો.

"શું તમે પણ? તમારાં શર્ટનાં ચક્કરમાં મને કેટલું ટેન્શન થઈ ગયું હતું, ખબર છે?" અંજલી પણ હસીને બોલી.

કરણ અને અંજલી ચાલતાં ચાલતાં મંદિર પાસેનાં ગાર્ડન સુધી પહોંચી ગયાં હતાં. અંજલીએ કરણ સાથે વાતવાતમાં ગાર્ડન તરફ જોયું. તેણે કોઈ જાણીતી વ્યક્તિને જોઈ હોય તેવું લાગતાં તેણે ફરી ગાર્ડન તરફ જોયું.

"અરે અનન્યા! આ અહીંયા શું કરે છે અને તેની સાથે કોણ છે?" અંજલી આશ્ચર્ય પામીને બોલી.

"ચાલો, ત્યાં જઈને જોઈએ." આમ કહીને કરણ અને અંજલી, અનન્યા પાસે જવા લાગ્યાં.


_____________________________



શું અંજલીને‌ અનન્યા વિશે બધી ખબર પડી જશે? તે યુવક કોણ હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED