"હવે આ મેચની છેલ્લી ઓવરનો, છેલ્લો બોલ છે. આ એક બોલ હાર-જીતનો નિર્ણય કરશે. તો જોઈએ કોણ જીતે છે!" અપ્પા કોમેન્ટરી કરતાં બોલ્યાં.
અર્જુને બોલ લઇને કરણને આપ્યો. કરણ અને અંજલી ફરી રમવા માટે ગોઠવાઈ ગયાં. કરણે બોલ ફેંક્યો અને અંજલીએ ફટકાર મારી. બોલ પિચથી થોડો દૂર જઈને પડ્યો. કરણ ત્યાં બોલ લેવાં ગયો અને અંજલીએ રન દોડવાનું શરૂ કર્યું.
અંજલી એક રન કરવાની જ હતી, કે કરણે બોલ સ્ટેમ્પ પર ફેંકીને તેને આઉટ કરી દીધી અને કરણની ટીમમાં બધાં ખુશ થઈ ગયાં.
"અઈયો રામા! હવે તો તું ગઈ અંજલી. આ માણસ તને નહીં છોડે, તેની જીતનો ઢંઢેરો સાંભળવાં માટે તૈયાર થઈ જા." અંજલી ધીમેથી બોલી. "તારામાં જ અક્કલ નથી. કોણે કીધું હતું, તેને ચેલેન્જ આપવાનું. હવે હારી ગઈ ને! હવે તો એ તારી બેઇજ્જતી કરીને જ રહેશે. Ok, હવે જે થયું તે થયું. તું એક કામ કર, અત્યારે તેની સામે ન જતી. સાંજે નિરાંતે તેની સાથે વાત કર. તેનાં શર્ટ પર તારાથી તેલ ઢોળાયું, તેનાં માટે યોગ્ય રીતે Sorry બોલ અને આ વાતને ખતમ કર. હા... આ જ યોગ્ય છે, હું આમ જ કરીશ." આવું વિચારીને અંજલી આશ્રમમાં ચાલી ગઈ.
"તો ટીમ મેમ્બર્સ! આપણે આ મૅચ જીતી ગયાં છીએ. આ મૅચ જીતવાની ખુશીમાં આજે રાત્રે મારાં તરફથી પાર્ટી." કરણે ઉત્સાહમાં આવીને કહ્યું.
અંજલીની ટીમનાં બધાં મેમ્બર્સ ઉદાસ થઈને આ જોઈ રહ્યાં હતાં.
"અરે અંજલીનાં ટીમ મેમ્બર્સ, તમે પણ આ પાર્ટીમાં ઇન્વાઇટેડ છો. કોઈપણ રમત માત્ર આનંદ માટે રમવામાં આવે છે. તમે ખેલદિલીથી રમ્યાં એ જ તમારી જીત છે. આપણે બધાં સાથે મળીને પાર્ટી કરીશું."
"પણ કરણભાઈ! આપણે પાર્ટીમાં શું કરીશું?" વિજયે પૂછ્યું.
"આજે રાત્રે આપણે બહાર જમવા માટે જઈશું." આમ કહીને કરણ અમ્મા-અપ્પા પાસે ગયો. "અંકલ! આંટી! જો તમારી પરમિશન હોય, તો હું બધાંને બહાર જમવા લઈ જઈ શકું."
"હા, કેમ નહીં! બાળકોને ખૂબ જ આનંદ આવશે." અમ્માએ કહ્યું.
"Thank you, પણ માત્ર બાળકોએ જ નહીં, તમારે બધાંએ પણ સાથે આવવાનું છે. Ok." કરણે કહ્યું.
"હા, ઠીક છે." અપ્પાએ કહ્યું.
"અહીં આજુબાજુમાં કોઈ સારી હોટલ કે રેસ્ટોરન્ટ છે?"
"હા, અહીં પાસે જ એક રેસ્ટોરન્ટ છે."
"Ok. આજે આપણે ત્યાં જ જમીશું અને મોજમસ્તી કરીશું. તમે બધાંને આવવાં માટે કહી દેજો. હું ચેન્જ કરીને આવું છું." આમ કહીને કરણ ત્યાંથી ચાલ્યો ગયો.
વેસ્ટમાંથી બેસ્ટ, આ થીમ પર રેસ્ટોરન્ટ હતો. તેમાં વેસ્ટ ટાયર્સ અને પ્લાસ્ટિકનાં પીપમાંથી કલાત્મક રીતે ટેબલ અને ખુરશીઓ બનાવવામાં આવ્યાં હતાં. રેસ્ટોરન્ટમાં પાશ્વસંગીત પણ વાગી રહ્યું હતું.
કરણે પહેલાં જ રેસ્ટોરન્ટનાં મેનેજર સાથે વાત કરી લીધી હતી, એટલે મેનેજરે રેસ્ટોરન્ટ તેમનાં માટે બુક કરી રાખ્યો હતો. જેથી કોઈ અજાણ્યું વ્યક્તિ ત્યાં નહોતું. બધાં રાત્રે જમવા માટે રેસ્ટોરન્ટમાં પહોંચી ગયાં હતાં. મેનેજરે બધાનું સ્વાગત કરી અને તેમને બેસવા માટે કહ્યું.
"તો બચ્ચાલોગ! તમે શું ખાશો?" કરણે પૂછ્યું.
"તમે જે ખવડાવશો એ." બધાં એકસાથે બોલ્યાં.
"અરે વાહ! આ બાળકો તો ખૂબ હોશિયાર અને સમજદાર છે. સારું, તો આજે હું તમને એવી વાનગીઓ ખવડાવીશ જે તમે ક્યારેય નહીં ખાધી હોય."
"તમે એવું તો શું ખવડાવશો જે અમે ક્યારેય નહીં ખાધું હોય?" ક્રિષ્ના બોલી.
"તમે કોઈ ચાપડી ઊંધિયું, ખમણ, ઢોકળાં, દાલબાટી, છોલે ભટુરે, આવું બધું ખાધું છે?" કરણે પૂછ્યું.
"ના.." બધાંએ એકસાથે કહ્યું.
"તો આજે હું તમને અહીંયા બેઠાં-બેઠાં ઉત્તર અને પશ્ચિમ ભારતનું ભોજન કરાવીશ. તો તમે બધાં તૈયાર છો?"
"હા." બધાં બોલી ઉઠ્યાં.
કરણે બધાં માટે ચાપડી ઊંધિયું, ખમણ, ઢોકળાં, દાલબાટી, પાવભાજી, છોલે ભટુરે વગેરે ઓર્ડર કર્યું. બધાંએ ખૂબ આનંદ લઈને ભોજન કર્યું.
"તો કેવી લાગી તમને મારી ડિનર પાર્ટી? કરણે પૂછ્યું.
"એકદમ તમારાં જેવી, સુપર..." બધાંએ કહ્યું.
"ચાલો, હવે આપણે જવું જોઈએ. કાલે બાળકોને સ્કૂલે પણ જવાનું છે." અમ્માએ કહ્યું.
બધાં જમીને પાછાં આશ્રમે પહોંચી ગયાં હતાં. "ચાલો બાળકો હવે જલ્દીથી સૂઈ જાઓ. સવારે વહેલું પણ ઉઠવાનું છે." અંજલીએ બધાં બાળકોને કહ્યું.
અંજલી ફળિયામાંથી કોફીનાં કપ લેવા માટે ગઈ. ત્યાં કરણ કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.
"હું તમને કાલે કોલ કરું છું. Good Night." અંજલીને આવતી જોઈને કરણે કહ્યું.
"મિસ્ટર કરણ...!" અંજલી કરણ પાસે જઈને બોલી.
_____________________________
શું અંજલી કરણ પાસે માફી માંગશે? કરણ અને અંજલીનો ઝગડો ખતમ થશે કે નહીં?
જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી