ધૂન લાગી - 12 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 12





"સોરી વેંકટેશ્વરા! પ્યાર ઓર જંગ મેં સબ જાયઝ હે." બોલ ફેંકતાં પહેલાં અંજલીએ કહ્યું. તેણે કરણને આંખ મારી અને પછી બોલ ફેંક્યો. અચાનક અંજલીનું આવું વર્તન જોઈને કરણ સ્તબ્ધ થઈ ગયો અને બોલ સ્ટેમ્પ પર લાગી ગયો. જેથી કરણ આઉટ થઈ ગયો. બધાં 'આઉટ'ની ચીસો પાડવાં લાગ્યાં એટલે કરણ સ્તબ્ધતામાંથી બહાર આવ્યો.

"આ લોકોએ ચીટિંગ કરી છે." કરણે કહ્યું.

"શું ચીટિંગ કરી છે, કરણજી?" અંજલીએ પૂછ્યું.

"અ.. આ... લોકોએ..." કરણ અચકાતાં અચકાતાં બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ શરમને કારણે બોલી ન શક્યો.

"હવે થોડીવારનો બ્રેક લઈએ અને પછી ફરીથી રમત શરૂ કરીએ. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ." આમ બોલીને પછી કૃણાલ કરણ પાસે ગયો.

"કરણભાઈ! યાર મને પણ અંજલીજીની જેમ લાગતું હતું, કે તમને ક્રિકેટ રમતાં નથી આવડતું. પણ તમે તો ક્રિકેટ ચેમ્પિયન નીકળ્યાં. પણ એક વાત તો કહો અંજલીજી એ તમને આઉટ કેમ કર્યા."

"ચિટિંગ કરીને."

"શું? ચિટિંગ કરીને?"

"હા, અંજલીએ છેલ્લો બોલ ફેંકતી વખતે મને આંખ મારી હતી. જેથી મારું ધ્યાન ભટકી ગયું અને હું આઉટ થઈ ગયો."

"ભાઈ! તમે એમનાં આંખ મારવાથી ભટકી ગયાં. શું તમને ખબર નથી, જ્યારે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ક્રિકેટ રમાય છે, ત્યારે છોકરીઓ આવી જ ચીટિંગ કરે છે." કૃણાલ હસીને બોલ્યો.

"અત્યારે ભલે તેણે ચીટિંગ કરીને મને હરાવ્યો. પણ હવે તેનો ટાઈમ છે, ચીટિંગથી નહીં પણ ઈમાનદારીથી હારવાનો. હવે હું ચીટિંગ કર્યાં વગર તેને હરાવીને દેખાડીશ." કરણ ધીમેથી બોલી ગયો.

બ્રેક પછી બધાં ક્રિકેટ રમવા માટે ફરી મેદાનમાં પહોંચી ગયાં હતાં. હવે અંજલીની ટીમ બેટિંગ માટે આવવાની હતી અને કરણની ટીમ પણ જોશ સાથે મેદાનમાં ઉતરી ગઈ હતી. અંજલીની ટીમ માટે 87 રનનો ટાર્ગેટ હતો.

અંજલીએ પોતાની ટીમમાંથી ક્રિષ્નાને બેટિંગ કરવા માટે મોકલી હતી. કરણે પણ ક્રિષ્નાને ટક્કર આપી શકે, તેવાં વિજયને બોલિંગ માટે મોકલ્યો હતો. ક્રિષ્નાએ વિજયની દરેક બોલ પર 4 અને 6 ફટકાર્યા. વિજય પોતાની હારનો બદલો લેવા માટે ક્રિષ્નાને હરાવવા ઈચ્છતો હતો, એટલે છેલ્લાં બોલમાં તેણે ક્રિષ્નાને સ્ટમ્પ આઉટ કરી દીધી. આ પછી અંજલીએ પોતાનાં બધાં ખેલાડીઓને એક પછી એક કરીને બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યાં. બધાંએ ખૂબ સારી બેટિંગ કરી અને રન પણ બનાવ્યાં.

અંજલીની ટીમે 80 નો સ્કોર કર્યો હતો. તેની ટીમને જીતવા માટે માત્ર 7 રનની જરૂર હતી. અંજલીની ટીમમાંથી હવે માત્ર અંજલી જ બેટિંગ માટે બાકી રહી હતી.

"હે વેંકટેશ્વરા! મને તો ક્રિકેટ રમતાં આવડતું પણ નથી. આ તો થોડું ઘણું આ બાળકોએ શીખવ્યું એટલે આવડ્યું. પ્લીઝ! હું માત્ર 7 રન કરી શકું તેવાં આશીર્વાદ આપજો. કેમ કે જો આ મેચ હું હારી ગઈને, તો પેલો માણસ સંભળાવી સંભળાવીને મારો જીવ લઈ લેશે. પ્લીઝ વેંકટેશ્વરા! હવે બધું તમારાં પર છે." આમ કહીને અંજલી બેટિંગ કરવા માટે મેદાનમાં ચાલી ગઈ.

અંજલીની સામે બોલિંગ કરવા માટે કરણ આવ્યો હતો. અંજલીએ રમવાની શરૂઆત કરી. તે ખૂબ સારું રમી ન શકી. અંજલી પેલાં 4 બોલમાં તો રન ન કરી શકી.

"ઓ મિસ અંજલી! હવે હારવાની તૈયારી રાખજો. તમે હારથી વધારે દૂર નથી, બસ થોડી જ વાર નો રસ્તો છે. હમણાં જ પહોંચી જશો." કરણે કહ્યું.

"ઓ મિસ્ટર કરણ! હજી તો બે બોલ બાકી છે. તમે વધારે હવામાં ન આવી જાઓ. પછી કદાચ એવું સાંભળવા મળશે, કે કરણ મહેતા બોલ બની ગયાં અને અંજલી રાઠોરે સિક્સર મારીને તેમને મેદાનની બહાર ફેંકી દીધા." આમ કહીને અંજલી ફરીથી બેટિંગ કરવા માટે તૈયાર થઈ ગઈ.

કરણે બોલ અંજલી તરફ ફેંક્યો અને અંજલીએ બોલને ફટકાર્યો. બોલ આશ્રમની બહાર જઈને પડ્યો અને અંજલીની ટીમમાં ખુશીઓ છવાઈ ગઈ. બાળકો "સીક્સર.. સિક્સર.."ની ચિસો પાડવાં લાગ્યાં.

"જોયું મિસ્ટર કરણ! સમય બદલતાં વધારે વાર નથી લાગતી. હવે માત્ર એક જ રન બાકી છે અને એ પણ હમણાં થઈ જશે. તમે હારથી બહુ વધારે દૂર નથી, માત્ર એક જ સ્ટેપ." આમ કહીને અંજલી હસીને ત્યાંથી ચાલી ગઈ.

"ચાલો હવે! અંજલીની ટીમમાંથી કોઈ જઈને બોલ લઈ આવો." એમ્પાયરે કહ્યું.

અંજલીએ અર્જુનને બોલ લેવા માટે મોકલ્યો. થોડીવાર પછી અર્જુન બોલ લઈને પાછો આવ્યો.


_____________________________



શું અંજલી એક રન કરીને કરણને હરાવી શકશે? કે પછી કરણ તેને આઉટ કરીને મેચ જીતી જશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી