કનેક્શન-રૂહ સે રૂહ તક - 39 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 39





૩૯.પ્રેમનો અહેસાસ

શિવને અપર્ણાનાં વિચારોએ ઘેરી લીધો હતો. એને રાત્રે ઉંઘ પણ નાં આવી. આખી રાત જાગવાની અસર હાલ શિવની આંખોમાં નજર આવી રહી હતી. એની આંખો લાલ થઈ ગઈ હતી. જેમાં કાલ રાતનો ઉજાગરો અને અપર્ણાથી અલગ થયાની તકલીફ સાફ જોઈ શકાતી હતી. જીંદગીના આટલાં વર્ષોમાં એ આજે પહેલીવાર ખુદને આટલો લાચાર મહેસુસ કરી રહ્યો હતો. એણે અપર્ણાને કોલ કરવાનો વિચાર કર્યો, અને કોલ કર્યો પણ ખરાં! પણ, એનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. શિવને તો એ પણ ખબર ન હતી, કે અપર્ણા મુંબઈમાં જ છે, અને એની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે.
"શિવ! નીચે આવીને નાસ્તો કરી લે." અચાનક જ રાધાબાએ શિવનાં રૂમનાં દરવાજે ઉભાં રહીને કહ્યું.
"મને ભૂખ નથી." શિવે રાધાબા સામે જોયાં વગર જ કહી દીધું.
"ખુદને તકલીફ આપવાનો કોઈ મતલબ નથી." રાધાબાએ સહજતાથી કહ્યું, "જો મુસીબતનું નિવારણ જોઈતું હોય. તો જઈને અપર્ણા સાથે વાત કરી લે."
"વાત કરીને કહું શું?" શિવે દર્દથી પીડાઈને કહ્યું, "એનાં દિલમાં શું છે? હું નથી જાણતો. કંઈ જાણ્યાં વગર શું કહું એને?"
શિવની તકલીફ રાધાબા જોઈ નાં શક્યાં. એ આંખમાં આંસુઓ સાથે જતાં રહ્યાં. શિવની નજર સમક્ષ રહી રહીને અપર્ણાનો ચહેરો જ આવી રહ્યો હતો. જ્યારે જગદીશભાઈ એને ઢસડીને પોતાની સાથે લઈ જઈ રહ્યાં હતાં. જ્યારે નશાની હાલતમાં શિવે અધખુલ્લી આંખોએ અપર્ણાનો ચહેરો જોયો. ત્યારથી માંડીને કાલે જગદીશભાઈ એને જે રીતે પોતાની સાથે લઈ ગયાં. એ બધાં દ્રશ્યો કોઈ ફિલ્મની જેમ શિવની નજર સમક્ષ તરવરવા લાગ્યાં.
જગજીતસિંહ હોલમાં સોફા પર બેઠાં હતાં. એ પણ પરેશાન જણાતાં હતાં. રાધાબાને શિવનાં રૂમમાંથી આવેલાં જોઈને એમણે રાધાબાને પૂછ્યું, "હવે શિવની હાલત કેવી છે?"
"જેવો અપર્ણા એને મૂકીને ગઈ. હાલ પણ એ જ હાલતમાં છે." રાધાબાએ દર્દ ભર્યા અવાજે કહ્યું, "મારાથી એની આવી હાલત નહીં જોવાય. હું બાર વાગ્યે એનાં મિત્ર શશાંકને મળવાં ધ બોમ્બે કેન્ટીન જાવ છું. હવે એ જ શિવને સમજાવશે."
"ઠીક છે." જગજીતસિંહે માત્ર એટલું જ કહ્યું, અને ઉંડા વિચારોમાં સરી પડ્યાં.
રાધાબા કિચનમાં જતાં રહ્યાં. અગિયાર વાગ્યે બધું કામ પતાવીને એ ધ બોમ્બે કેન્ટીન જવાં માટે નીકળી ગયાં. ઘરેથી નીકળતી વખતે એમની આંખોમાં એક ઉમ્મીદ નજર આવી રહી હતી. જે શિવનાં મિત્ર શશાંક સાથે જોડાયેલી હતી. જગજીતસિંહ પણ ઈચ્છતાં હતાં, કે શિવ અને અપર્ણા અલગ નાં થાય. શિવ અને અપર્ણા ભલે હજું સુધી પોતાનાં અહેસાસોને સમજી નાં શક્યાં હોય. પણ, જગજીતસિંહ અને રાધાબા બધું સમજી ગયાં હતાં. એ બંને એકસાથે રહેતાં. ત્યારે કોઈ પણ કહી શકતું, કે બંને એકબીજા માટે જ બન્યાં છે. શિવ અને અપર્ણા પણ દિલથી અનુભવી શકતાં, કે બંને એકબીજા સાથે હોય ત્યારે કેટલાં ખુશ હોય છે? બસ કંઈ ખામી હતી. તો બંનેએ એકબીજા સામે ખુલીને પોતાનાં દિલની વાત કરી ન હતી. એટલી જ કમી હતી. પણ, કિસ્મતનો પણ પોતાનો રોલ હતો. એણે બંનેને એવો મોકો જ આપ્યો ન હતો, કે બંને એકબીજાને પોતાનાં દિલની વાત કહી શકે.

અપર્ણા રોકી સાથે મુંબઈનાં જ્વેલરી શોરૂમમાં બેઠી હતી. રોકી અપર્ણા માટે રિંગ જોઈ રહ્યો હતો. જ્યારે અપર્ણા એની પાસે ચુપચાપ બેઠી હતી. રોકીએ એક ડાયમંડ રિંગનું બોક્સ લઈને અપર્ણા સામે કરીને પૂછ્યું, "આ કેવી છે?"
"સારી છે." અપર્ણાએ ખોવાયેલાં સ્વરે કહ્યું.
"તો ફાઈનલ કરીએ?" રોકીએ ફરી પૂછ્યું.
"હાં." અપર્ણાએ એકાક્ષરી જવાબ આપ્યો.
"તને કોઈ રિંગ પસંદ આવી?" રોકી એક પછી એક સવાલ કરી રહ્યો હતો.
"આ સારી છે." અપર્ણાએ એમ જ જોયાં વગર જ સામે પડેલી રિંગનું બોક્સ રોકીનાં હાથમાં આપીને કહ્યું.
"હમમ, સારી છે." રોકીએ પણ સહમતી દર્શાવી.
એણે બંને રિંગ પેક કરવા આપી દીધી. અપર્ણા કંઈક વિચારી રહી હતી. રોકી તો બહું ખુશ હતો. એ એની ધુનમાં જ રિંગ જોઈને હરખાતો હતો. રિંગ પેક થતાં જ એ રિંગની બેગ લઈને ચાલતો થઈ ગયો. પણ, અપર્ણા હજું એની જગ્યાએ જ બેઠી હતી. થોડેક દૂર જતાં જ રોકીને ખ્યાલ આવ્યો, કે અપર્ણા એની પાછળ નથી આવતી. એણે તરત જ પાછળ ફરીને જોયું. અપર્ણા હજું એની જગ્યાએ જ બેઠી હતી. રોકી એની તરફ આગળ વધ્યો.
"ઓય, ચાલ ને. જવું નથી?" રોકીએ અપર્ણાના ચહેરાં સામે ચપટી વગાડીને કહ્યું.
અપર્ણાનું ધ્યાન ભંગ થતાં જ એણે ચોંકીને રોકી સામે જોયું. જે સ્મિત કરી રહ્યો હતો. જ્યારે અપર્ણાનો ચહેરો ગંભીર હતો. એણે રોકીની આંખોમાં જોઈને પૂછ્યું, "તે કાલે લગ્નની નાં કેમ નાં પાડી? મેં તને કહ્યું હતું, કે હું લગ્ન માટે તૈયાર નથી."
"એ બધી વાત આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને નિરાંતે કરીએ. મને બહું ભૂખ લાગી છે." રોકીએ અપર્ણાનો હાથ પકડીને એને ખુરશી પરથી ઉભી કરીને કહ્યું. અપર્ણાએ મહેસુસ કર્યું, કે રોકીનાં સ્પર્શથી એને એવી ફિલિંગ નાં આવી. જેવી શિવનાં સ્પર્શથી, એનાં નજીક આવવાથી આવતી. એ કોઈપણ પ્રકારનાં હાવભાવ વગર રોકીની પાછળ પાછળ દોરવાઈ. બંને બહાર આવીને કારમાં બેઠાં.
રોકી કારની ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. અપર્ણા એની બાજુની સીટમાં બેઠી. એ હાલ પણ શિવ વિશે જ વિચારી રહી હતી. થોડીવારમાં રોકીએ કારને ધ બોમ્બે કેન્ટીન સામે ઉભી રાખી. અપર્ણા ચુપચાપ કારમાંથી નીચે ઉતરી. હવે આગળ શું થવાનું હતું? એ વાતથી રોકી અને અપર્ણા બંને અજાણ હતાં. રોકી અપર્ણા સાથે અંદર આવીને એક ટેબલ પર ગોઠવાયો. એણે જાતે જ બરૈલી સલાડ મંગાવી લીધું. અપર્ણા ચુપચાપ એની હરકતો નોટિસ કરી રહી હતી. રોકી બિલકુલ નાનાં બાળક જેવો ખુલ્લાં વિચારોવાળો હતો. છતાંય એને અપર્ણાની વાત પર કેમ ધ્યાન નાં આપ્યું? એ અપર્ણાની સમજમાં આવતું ન હતું.
રોકીનુ ધ્યાન અપર્ણાનાં ચહેરાં પર પડતાં જ એને સમજાયું કે અપર્ણા કદાચ એનાં જવાબની રાહ જોઈ રહી છે. એણે અપર્ણાના હાથ પર હાથ મૂકીને કહ્યું, "તો હવે તારાં જવાબનો વારો." અપર્ણાની નજર હવે રોકીના હાથ પર હતી. જે હાથે એણે અપર્ણાનો હાથ પકડ્યો હતો. આ વખતે પણ અપર્ણાને રોકીના સ્પર્શથી કંઈ મહેસુસ નાં થયું. રોકીએ શાંતિથી વાત આગળ વધારી, "તે કહ્યું, હાલ તારે લગ્ન નથી કરવાં. મતલબ ક્યારેક તો કરવાં જ છે. આમ પણ મારાં પપ્પા કેટલાં સમયથી લગ્નની બાબતે મારી પાછળ પડ્યાં હતાં. તો મને થયું એ એની પસંદની કોઈ છોકરી શોધીને મારાં લગ્ન કરાવી દે. એનાં કરતાં તું મને પસંદ આવી હતી. તો મેં હાં પાડી દીધી." રોકીની વાત સાંભળીને અપર્ણા હેરાન નજરે એની સામે જોઈ રહી. રોકી અપર્ણાની આંખોમાં જોવાં લાગ્યો, "મને થયું પહેલાં માત્ર સગાઈ કરી લઈએ. લગ્ન જ્યારે તું કહેશે ત્યારે કરીશું. મેં સાંભળ્યું છે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવાં નાં જવાય. તું સામે ચાલીને અચાનક મારી લાઇફમાં આવી. તો હું કેમ નાં પાડી શકું? આમ પણ લગ્ન તારી મરજી વગર નહીં થાય. સગાઈ પછી તું અહીં રહીને તારું સપનું પૂરું કરજે. પછી જ્યારે તું કહીશ ત્યારે હું મુંબઈ આવીને તારી સાથે લગ્ન કરી લઈશ. હું લગ્ન પછી પણ તને તારાં સપનાથી દૂર નહીં કરું."
રોકીનો જવાબ સાંભળીને અપર્ણા કંઈ બોલી નાં શકી. રોકીની આંખોમાં એને એક સચ્ચાઈ નજર આવી રહી હતી. જેણે અપર્ણાને મૌન રહેવા મજબૂર કરી દીધી. એ સમયે જ રોકીના મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર ફ્લેશ થતું નામ જોઈને એણે કહ્યું, "જરૂરી કોલ છે. બસ હમણાં જ આવ્યો." કહીને એ બહાર જતો રહ્યો.
અપર્ણા પોતાનાં વિચારોમાં ખોવાયેલી એની જગ્યાએ બેઠી હતી. ત્યાં જ કોઈએ એનાં ખંભે હાથ મૂક્યો. અપર્ણાએ તરત જ પાછળ ફરીને જોયું. પાછળ રાધાબા ઉભાં હતાં. એમને જોઈને અપર્ણાની આંખો ભરાઈ આવી. એ ઉભી થઈને રાધાબાને ભેટીને રડવા લાગી. રાધાબાની આંખો પણ ભીની થઈ ગઈ.
"બસ બેટા! રડ નહીં." રાધાબાએ પ્રેમથી અપર્ણાનાં વાળમાં હાથ ફેરવીને કહ્યું, "તું એકલી અહીં શું કરે છે? તું ઠીક તો છે ને? તારાં પપ્પાએ તને કંઈ કહ્યું તો નથી ને? મતલબ...."
"મારી સગાઈ નક્કી થઈ ગઈ છે." રાધાબા આગળ કંઈ કહે એ પહેલાં જ અપર્ણાએ કહ્યું. અપર્ણાની વાત સાંભળીને રાધાબાના શબ્દો એમનાં ગળામાં જ અટકી ગયાં. એમનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો. અપર્ણાએ કાલે જે બન્યું, અને આજે એ અહીં કોની સાથે અને શાં માટે આવી હતી? એ બધું રાધાબાને જણાવી દીધું.
"તું આ સગાઈથી ખુશ છે? તું સગાઈ કરવાં માંગે છે?" બધું સાંભળીને રાધાબાએ પૂછ્યું.
"નહીં, હું રોકી સાથે સગાઈ કરવાં નથી માંગતી." અપર્ણાએ કહ્યું, અને ફરી રાધાબાને ભેટીને રડવા લાગી, "હું રોકીને કંઈ જણાવી પણ નથી શકતી. કારણ કે, મને ખુદને જ નથી સમજાતું કે હું શાં માટે એની સાથે સગાઈ કરવાં નથી માંગતી? એ સારો છોકરો છે. પણ, એની સાથે મને એ ફિલિંગ જ નથી આવતી. જેવી શિવ...." કહેતાં કહેતાં અપર્ણા અટકી ગઈ.
રાધાબા એનાં અધૂરાં છોડેલા વાક્યમાં પણ બધું સમજી ગયાં. એમણે પ્રેમથી અપર્ણાને ખુરશી પર બેસાડીને એની સામે પાણીનો ગ્લાસ કર્યો. અપર્ણાએ એક ઘૂંટ પાણી પીધું, અને નજર નીચી કરીને બેસી ગઈ. રાધાબાએ પ્રેમથી એનો હાથ પોતાનાં હાથમાં લઈને ક્હ્યું, "તું મારાં દિકરા શિવને પસંદ કરે છે ને?" રાધાબાનો સવાલ સાંભળીને અપર્ણા એમની સામે જોઈ રહી. પણ, કંઈ બોલી નાં શકી. તો રાધાબાએ પ્રેમથી એનાં ગાલે હાથ મૂકીને કહ્યું, "હું સમજું છું, બેટા. તું તારાં દિલની વાત મને કહી શકે છે."
"એનાંથી શું ફેર પડવાનો?" અપર્ણાએ ઉદાસ સ્વરે કહ્યું, "હું શિવને પસંદ કરું તો પણ કંઈ ફેર નહીં પડે. કેમકે એનાં દિલમાં શું છે? એ હું નથી જાણતી."
"મતલબ તું શિવને પસંદ કરે છે? એને પ્રેમ કરે છે?" રાધાબાએ પૂછ્યું
"હાં." અપર્ણાએ નજર ઝુકાવીને ધીરેથી જવાબ આપ્યો.
"તો જો તને શિવનાં દિલમાં શું છે? એની જાણ થઈ જાય. તો તું આ સગાઈ રોકી શકીશ?" રાધાબાએ અપર્ણાની દાઢી પકડીને, એનો ચહેરો પોતાની સામે કરીને, એની આંખોમાં જોઈને પૂછ્યું.
"જો એ પણ મને પ્રેમ કરતો હશે. તો હું એનાં માટે કંઈ પણ કરવાં તૈયાર છું." અપર્ણાએ તરત જ સહેજ સ્મિત સાથે કહ્યું.
"એક મિનિટ." કહીને રાધાબાએ શિવને કોલ કર્યો, અને ટેબલ પર મૂકી દીધો. જેથી અપર્ણા પણ શિવની વાત સાંભળી શકે. સામે છેડેથી કોલ રિસીવ થતાં જ રાધાબાએ કહ્યું, "હેલ્લો બેટા! તું ક્યાં છે?"
"ઓફિસે આવ્યો છું. એક જરૂરી મીટિંગ છે. પણ, તમે એવું કેમ પૂછો છો?" શિવે સામે સવાલ કર્યો.
"મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. મતલબ કંઈક પૂછવું છે." રાધાબાએ કહ્યું.
"હાં, પૂછો ને." શિવે કહ્યું.
"તું અપર્ણાને પ્રેમ કરે છે ને?" રાધાબાના પૂછતાં જ અપર્ણાનાં દિલની ધડકન તેજ થઈ ગઈ. એણે પોતાની આંખો મીંચી લીધી.
"આ સવાલનો કોઈ મતલબ નથી, માઁ!" શિવે તરત જ કહ્યું, "અમે બંને ક્યારેય એક નહીં થઈ શકીએ. એનાં પપ્પા ક્યારેય નહીં માને, અને હું એવું કંઈ કરવાં નથી માંગતો. જેનાં લીધે એ એનાં પપ્પાથી વધું દૂર થઈ જાય."
શિવને અપર્ણાની એટલી ચિંતા હતી. એ સાંભળીને જ અપર્ણાની આંખમાંથી એક આંસુ એનાં ગાલ પર વહી ગયું. એ જોઈને રાધાબાએ અપર્ણાના હાથ પર હાથ મૂકીને કહ્યું, "પણ, બેટા તું મારી સામે તો તારાં દિલની વાત કહી શકે છે ને? તો મને જણાવીને તારાં દિલનો બોજ હળવો કરી લે." રાધાબાની વાત સાંભળીને શિવ થોડીવાર કંઈ નાં બોલ્યો. બંને તરફ મૌન છવાઈ ગયું. અપર્ણાનું દિલ બમણી ગતિએ ધડકવા લાગ્યું. એને શિવનાં જવાબની રાહ હતી.
"હાં, હું અપર્ણાને પ્રેમ કરું છું. ત્યારથી જ્યારથી મેં એને પહેલીવાર જોઇ હતી." શિવે કહ્યું. ત્યાં જ અપર્ણાના ચહેરાં પર લાંબી સ્માઈલ આવી ગઈ. શિવને હાલ ખબર ન હતી, કે અપર્ણા પણ એની વાતો સાંભળી રહી છે. એણે આગળ કહ્યું, "અમે વારંવાર કોઈને કોઈ કારણોસર એકબીજા સાથે ટકરાઈ જતાં. હું હંમેશા એને પાગલ જ કહેતો. પણ, ખરેખર એનાં જેવી દિલની સાફ કોઈ છોકરી નથી. અમને બંનેને નિયતિએ જ મેળવ્યાં હતાં. પણ, હવે એ અમને એક કરી શકે. એવું મને નથી લાગતું."
"બધું ઠીક થઈ જાશે, બેટા. હવે તું ઘરે આવે ત્યારે વાત કરીએ." કહીને રાધાબાએ કોલ કટ કર્યો, અને અપર્ણા સામે જોઈને પૂછયું, "તો હવે શું કરવાનું છે? મારો શિવ તો કંઈ નહીં કરે. એ તને તારાં પરિવારથી દૂર કરવા તૈયાર નહીં થાય."
"થેંક્યૂ, થેંક્યૂ સો મચ." અપર્ણાએ ખુશ થઈને કહ્યું, "ભલે શિવ કંઈ નાં કરી શકે. હવે જે કરીશ એ હું કરીશ. હું શિવને મારાથી દૂર નહીં થવા દઉં."
"મારાં આશીર્વાદ તારી સાથે છે." કહીને રાધાબા જતાં રહ્યાં.
રાધાબાના જતાંની સાથે જ રોકી પણ આવી ગયો. અપર્ણાનાં કાનમાં હજું પણ શિવનાં શબ્દો ગુંજી રહ્યાં હતાં. "હાં, હું અપર્ણાને પ્રેમ કરું છું. ત્યારથી જ્યારથી મેં એને પહેલીવાર જોઈ હતી." આ કહેતી વખતે શિવનાં ચહેરાં પરનું દર્દ અને એનાં દિલમાં રહેલો પ્રેમ અપર્ણા અહીં બેઠાં બેઠાં પણ મહેસુસ કરી શકતી હતી. હવે એને સમજાઈ રહ્યું હતું, કે રોકીના સ્પર્શથી એને શિવનાં સ્પર્શ જેવી ફિલીંગ કેમ આવતી ન હતી? એનું એકમાત્ર કારણ જ હતું, કે એ શિવને પ્રેમ કરતી હતી. એટલે એનાં સ્પર્શથી અપર્ણાના દિલની ધડકન તેજ થઈ જતી. જ્યારે રોકી પ્રત્યે એને એવી કોઈ લાગણી ન હતી. તો એનાં સ્પર્શથી કોઈ ફિલીંગ ક્યાંથી આવવાની?

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"