Connection-Rooh se rooh tak - 4 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 4

૪.તુક્કો


સમર્પણ બંગલોની આજની સવાર થોડી દુઃખદ હતી. કોઈનાં ચહેરાં પર કોઈ જાતનું નૂર જોવાં મળતું ન હતું. બધાં આરતી બાદ ડાઇનિંગ ટેબલ તરફ જવાને બદલે હોલમાં સોફા પર ગોઠવાયાં. આમ તો ઘરનાં બધાં સભ્યો હાજર હતાં. પણ નિખિલ ક્યાંક ગાયબ હતો. એવામાં જ રોહિણીબેન અચાનક જ રડવા લાગ્યાં. માધવીબેન એમને શાંત કરાવવામાં લાગી ગયાં. એમણે પાણીનો ગ્લાસ લાવીને રોહિણીબેનને આપ્યો. એમણે એક ઘૂંટ પાણી પીધું નાં પીધું, ત્યાં જ જગદીશભાઈના મોબાઈલની રિંગ વાગી. બધાંનું ધ્યાન એ તરફ દોરવાયુ.
"હાં, કોઈ જાણકારી મળી?" જગદીશભાઈએ તરત જ કોલ રિસીવ કરીને પૂછ્યું. સામે છેડેથી જાણે નકારમાં જવાબ આવ્યો હોય, એમ એમનું મોઢું પડી ગયું, "કાલ રાતની તપાસ ચાલું કરાવી દીધી છે. હજું સુધી કોઈને કંઈ જાણકારી નથી મળી. આખરે આ બધું થઈ શું રહ્યું છે?" એ અચાનક જ ગુસ્સામાં બરાડી ઉઠ્યાં.
જગદીશભાઈની વાત સાંભળતાં જ રોહિણીબેનનુ રડવાનું વધી ગયું. આ વખતે એમને શાંત કરાવતાં કરાવતાં માધવીબેનની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. જગદીશભાઈએ સોફાની સામે પડેલાં ટેબલ પર રીતસરનો ફોન પછાડ્યો, અને હાથ વડે માથું પકડીને, કોણી ઘૂંટણ પર ટેકવીને બેસી ગયાં. પ્રથમેશભાઈની પણ એવી જ હાલત હતી. બંને બધી રીતે સમર્થ હોવાં છતાં એકબીજાને લાચાર સમજી રહ્યાં હતાં.
"મારો નિખિલ મળી તો જાશે ને?" પૂછતાં જ રોહિણીબેનથી ડૂસકું મૂકાઇ ગયું.
જગદીશભાઈ કોઈ જવાબ આપે એ પહેલાં જ ઘરનો ફોન રણકી ઉઠ્યો. ઘરનાં નોકરે ફોન ઉઠાવીને કાને લગાવ્યો, "હેલ્લો." સામે છેડેથી કોઈ અવાજ નાં આવતાં નોકર થોડીવાર એમ જ ફોન કાને લગાવીને ઉભો રહ્યો. એક-બે વખત હેલ્લો હેલ્લો કર્યું. છતાંય સામે છેડેથી કોઈ બોલ્યું નહીં.
"કોઈ જવાબ નાં આપતું હોય, તો ફોન મૂકી દે." જગદીશભાઈને નોકરનુ વારંવાર હેલ્લો હેલ્લો કરવું પસંદ નાં આવ્યું હોય, એમ એમણે થોડાં સખ્ત અવાજે કહ્યું. આવેલાં ફોને જગદીશભાઈને વધું ગુસ્સો અપાવ્યો હતો, "નિખિલને ગાયબ કરવાં પાછળ જાગા બાપુનો જ હાથ હોવો જોઈએ. એકવાર એ હાથમાં આવી ગયો, તો હું એને છોડીશ નહીં." ગુસ્સાના કારણે એમનાં કપાળે કરચલીઓ પડી ગઈ હતી. આંખો એકદમ લાલ થઈ ગઈ હતી.
નોકર જગદીશભાઈનો તીવ્ર અવાજ સાંભળીને અને ગુસ્સાથી ભરેલો ચહેરો જોઈને ડરી ગયો હતો. એણે હજું સુધી ફોન મૂક્યો ન હતો. એને એ રીતે મૂર્તિની માફક ઉભેલો જોઈને માધવીબેને કંઈક ઈશારો કરતાં જ એ ફોન મૂકીને તરત જ કિચનમાં દોડી ગયો. જગદીશભાઈ પણ પોતાનો ફોન ઉઠાવીને ઘરની બહાર નીકળી ગયાં. પ્રથમેશભાઈ ઉઠીને પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. નિખિલ ગાયબ થઈ ગયો હતો. એ વાતે સમર્પણ બંગલોની સવાર જ બદલી નાંખી હતી. આજે બધાં નાસ્તો કર્યા વગર જ પોતપોતાના કામે લાગી ગયાં. રોહિણીબેનની તો રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી.
"તારાં રડવાથી નિખિલ નહીં મળી જાય. પોલિસ એનું કામ કરી રહી છે. નિખિલ જલ્દી જ મળી જાશે." માધવીબેને રોહિણીબેનને સાંત્વના આપતાં કહ્યું
"ખબર નહીં, આ ઘરને કોની ખરાબ નજર લાગી ગઈ છે? પહેલાં અપર્ણા જતી રહી. આજે નિખિલ ગાયબ થઈ ગયો." રોહિણીબેને રડતાં રડતાં જ કહ્યું, "આપણે અપર્ણાને આ વિશે જાણ કરીએ? એ નિખિલની મોટી બહેન છે. એને પણ એનાં ભાઈ વિશે જાણવાનો અધિકાર છે. આમ પણ મુના બાપુ પણ મુંબઈ...." એ કહેતાં કહેતાં અટકી ગયાં. પછી અચાનક જ અધુરી છોડેલી વાત ગળાં નીચે ઉતારી દીધી, "અપર્ણાને આ બાબતે જાણકારી હશે. તો સારું રહેશે, એવું મને લાગે છે."
"પહેલાં એનાં પપ્પા સાથે વાત કરવી પડે." માધવીબેને કંઈક વિચારીને કહ્યું, "છ મહિનાની અંદર નાં તો એણે આપણને ક્યારેય કોલ કર્યો છે, નાં તો આપણે એને! એકવાર અપર્ણાના પપ્પા સાથે વાત કરી જોઈએ. પછી જ કોઈ નિર્ણય લઈ શકાય. કોને ખબર આપણે જેવું વિચારીએ છીએ. એવું નાં પણ હોય." એ પોતાને જ સાંત્વના આપવા લાગ્યાં.

અપર્ણા મુંબઈમાં આવેલાં એનાં ફ્લેટમાં એનાં રૂમની બારીની સામે પડેલી બીન બેગ પર બેસીને કોફીનો સીપ લેતી લેતી દરવખતે ચહેરાનાં હાવભાવ બદલી રહી હતી. જાણે કંઈ વિચારી રહી હતી કે પછી કોફીના દરેક સીપમા કોફીનો સ્વાદ બદલી રહ્યો હતો, અને એનાં લીધે એનાં ચહેરાનાં હાવભાવ બદલતાં હતાં. એ કંઈ સમજાતું ન હતું. એનાં મનમાં અત્યારે હજારો સવાલો દોડી રહ્યાં હતાં. જેનાં જવાબ એની ખુદની પાસે જ ન હતાં. આ સવાલોનાં લીધે જ એ આજે કોફી પી રહી હતી. જ્યારે કંઈક વિચારવાનું હોય, મન પરેશાન હોય. ત્યારે એ કોફી જ પીતી. કારણ કે, ચા પીતી વખતે એને વિચારવું નાં ગમતું. ચા પીતી વખતે તો એ બસ ચા જ પીતી. ચા એનો પહેલો પ્રેમ હતી.
કોફી ખતમ થતાં જ એ અચાનક જ ઉભી થઈ, અને ખાલી મગ ટેબલ પર મૂક્યો. એ વખતે જ એની નજર ટેબલ પર પડેલાં ન્યૂઝ પેપર પર પડી, "આજે ફરી મુંબઈ માફિયા જાગા બાપુ ભર માર્કેટમાં મારપીટ કરતાં નજરે ચડ્યાં." મુંબઈ મિરરના એ ન્યૂઝ પેપરમાં કંઈક આવી ખબર છપાઈ હતી. જે વાંચીને અપર્ણા ફરી વિચારોએ ચડી. એનાં વિચારો વચ્ચે જ ઘરની ડોર બેલ વાગી. એ તરત જ પોતાનાં વિચારો ખંખેરીને બહાર આવી. ત્યાં સુધીમાં કામવાળી બાઈએ દરવાજો ખોલી નાંખ્યો હતો, "કોણ છે, શાંતિબાઇ?" એણે બહાર હોલના સોફા પર બેસીને પૂછ્યું.
"હું છું, અંદર આવી શકું?" એક જાણીતો અવાજ અપર્ણાના કાને પડ્યો. એણે દરવાજા તરફ જોયું.
"તું?" અપર્ણાએ એક નજર ઘડિયાળ તરફ કરી. જેમાં સવારનાં નવ વાગ્યા હતાં, "સો મિસ્ટર શિવ! સમયનો બહું પાક્કો લાગે તું. આવી જા અંદર." એણે શાંતિબાઇ તરફ જોયું, "આમના માટે ચા લઈ આવ." શિવ આવીને સોફાની ખુરશીમાં ગોઠવાયો. શાંતિબાઈ દરવાજો બંધ કરીને કિચનમાં જતી રહી.
"મેડમ આજે ક્યાં ખોવાયા? એ દિવસે તો બહું બોલ બોલ કરતી હતી." અપર્ણા મોડે સુધી કંઈ બોલી નહીં, એટલે શિવે જ વાતની શરૂઆત કરી.
"તું કેટલાં સમયથી મુંબઈમાં રહે છે?" અપર્ણાએ અચાનક ભર નીંદરમાંથી જાગી હોય, એમ પૂછ્યું.
"ઘણાં વર્ષોથી, પણ આવો સવાલ કરવાનો મતલબ?" શિવે અસમજની સ્થિતિમાં પૂછ્યું.
"તું મુંબઈ માફિયા જાગા બાપુને ઓળખે છે?" અપર્ણાએ કોઈ ઉમ્મીદ બાંધતા પૂછ્યું.
"કેમ તારે એમનું શું કામ છે?" શિવે મનમાં શંકાનાં બીજ રોપતા પૂછ્યું. એ સમયે જ શાંતિબાઈ ચા લઈને આવી. જેનાં લીધે વાત થોડીવાર પૂરતી અટકી ગઈ. આ સમયગાળા દરમિયાન અપર્ણા ફરી વિચારોમાં ખોવાઈ ગઈ. એને ચૂપ જોઈને, શાંતિબાઈના ગયાં પછી તરત જ શિવે કહ્યું, "તે કોઈ જવાબ નાં આપ્યો." એણે અપર્ણાના ચહેરાં પર નજર ટેકવી, "તું જાગા બાપુને ઓળખે છે?"
"નહીં, પણ આજે સવારે ન્યૂઝમાં એમનાં વિશે વાંચ્યું." એ શબ્દો જોડી જોડીને બોલવાં લાગી. કાલ રાત સુધી બેફામ રીતે કંઈપણ બોલતી છોકરી આમ આવું વર્તન કરવાં લાગી. એનાં લીધે શિવ પણ વિચારે ચડ્યો. અપર્ણાએ થોડીવાર આંખો મીંચી, અને સ્વસ્થ થઈને આગળ કહ્યું, "એમણે મારાં ભાઈને કિડનેપ કર્યો છે. મારે એમને મળવું છે. જો એ મુંબઈમાં જ રહે છે, તો તું એમને જરૂર ઓળખતો હોઈશ. તું મને એમની પાસે લઈ જઈશ?" એ અચાનક જ એકશ્વાસે બધું જ બોલી ગઈ.
"તને પાક્કી ખાતરી છે, કે એમણે જ તારાં ભાઈને કિડનેપ કર્યો છે?" શિવે જરાં ભાર દઈને પૂછ્યું.
શિવનાં સવાલથી અપર્ણા ફરી કંઈક વિચારવા લાગી. એણે સવારે અમદાવાદ પોતાની ઘરે ફોન કર્યો હતો. એ સમય યાદ આવી ગયો. ગઈ કાલે સવારે ઘરની યાદ આવતાં ફોન કરવાનો વિચાર કર્યો હતો. પણ અચાનક જ મન મક્કમ કરીને, એ વિચાર બદલી નાંખ્યો હતો. છતાંય આજે સવારે નાં રહેવાતા એણે ઘરનાં ટેલિફોન પર ફોન કર્યો હતો. જે નોકરે ઉપાડ્યો હતો. એ સમય દરમિયાન ઘરમાં જે વાતચીત થઈ. એ બધી અપર્ણાએ સાંભળી લીધી હતી. એ સાંભળ્યાં પછી એણે ન્યૂઝ પેપરમાં જાગા બાપુનું નામ વાંચ્યું. એટલે તરત જ એને ખ્યાલ આવ્યો, કે જગદીશભાઈએ જે જાગા બાપુનું નામ લીધું હતું. એ કદાચ આ જ હોઈ શકે. હાલ તો અપર્ણા એક તુક્કો લગાવી રહી હતી. જે સાચો પડે કે ખોટો? એ વાત એ ખુદ પણ જાણતી ન હતી.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED