Connection-Rooh se rooh tak - 38 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 38




૩૮.જુદાઈની વેળાં

અપર્ણા બધી રીતે ફસાઈ ચૂકી હતી. હવે જગદીશભાઈ શું કરશે? એનાં વિશે કોઈને કંઈ જાણકારી ન હતી. જગદીશભાઈ બહાર હોલમાં બેઠાં હતાં. દશ વાગ્યે શાહ પરિવાર અપર્ણાનાં મુંબઈ વાળાં ફ્લેટ પર પહોંચી ગયો. જગદીશભાઈએ બધાંને આ રીતે અચાનક બોલાવ્યાં. એનાં લીધે બધાંનાં મનમાં ઘણાં સવાલો હતાં. પણ, કોઈની કંઈ પૂછવાની હિંમત ન હતી. ત્યાં જ અપર્ણા પોતાનાં રૂમમાંથી બહાર આવી. હોલમાં માધવીબેનને જોતાં જ એ એમને વળગીને રડવા લાગી.
"બેટા! શું થયું છે? તું આમ કેમ રડે છે?" માધવીબેને પ્રેમથી અપર્ણાના માથાં પર હાથ ફેરવીને પૂછ્યું.
માધવીબેનનો સવાલ સાંભળીને અપર્ણા અચાનક જ શાંત થઈ ગઈ, અને ગરદન ઝુકાવીને એક તરફ ઉભી રહી ગઈ. હજું પણ એની આંખમાંથી આંસુઓ વહી રહ્યાં હતાં. બસ ડુસકા જ શાંત થયાં હતાં. બધાંની નજર હવે જગદીશભાઈ સામે મંડાયેલી હતી. અપર્ણાની હાલત જોતાં એ કંઈ કહે, એવું કોઈને લાગતું ન હતું.
"તમને બધાંને અહીં બોલાવવાનું એક જ કારણ છે." જગદીશભાઈએ બધાંની સામે જોઈને શાંત અવાજે કહ્યું, "મારાં મિત્રનો એક છોકરો છે, રોકી! કાલે જ લંડનથી મુંબઈ આવ્યો છે. મેં જોયેલો છે, મને પસંદ પણ છે. એકવાર તમે બધાં પણ મળી લો, અપર્ણા પણ મળી લે. બધાંને પસંદ આવે તો હું કાલે જ અપર્ણા અને રોકીની સગાઈ કરાવવાં માગું છું."
જગદીશભાઈએ એટલું જ કહ્યું હતું. ત્યાં જ અપર્ણાને એક મોટો ઝટકો લાગ્યો. જગદીશભાઈનાં મનમાં આવું બધું ચાલતું હશે. એવું તો અપર્ણાએ સપનામાં પણ વિચાર્યું ન હતું. એ જગદીશભાઈ સામે કોઈ સવાલ નાં કરી શકી. માત્ર મૂક બનીને બધું જોઈ અને સાંભળી રહી. નિખિલની નજર અપર્ણા પર પડતાં જ એ બધું સમજી ગયો. જગદીશભાઈનાં નિર્ણયમાં અપર્ણાની સહમતિ ન હતી. એટલું તો નિખિલ સમજી ગયો હતો. છતાંય હાલ એને કંઈ બોલવું યોગ્ય નાં લાગ્યું. જગદીશભાઈ પોતાનો નિર્ણય કરી ચૂક્યાં હતાં. જેને બદલવો કોઈનાં હાથમાં ન હતું.
પ્રથમેશભાઈ તો આજ સુધી પોતાનું જીવન પણ જગદીશભાઈનાં નિર્ણયો થકી જીવતાં આવ્યાં હતાં. રોહિણીબેનની પણ આમાં કંઈ બોલવાની હિંમત ન હતી. નિખિલ મોટાં લોકોની વાત છે, એમ સમજીને ચુપ રહ્યો. હવે અપર્ણાની છેલ્લી ઉમ્મીદ માધવીબેન હતાં. પણ, એમને હજું સુધી અહીં શું બન્યું? જગદીશભાઈએ એવો નિર્ણય કેમ લીધો? એની જાણકારી માધવીબેનને ન હતી. એનાં લીધે એ પણ મૌન જ રહ્યાં. અપર્ણા ગુસ્સે થઈને પગ પછાડતી પોતાનાં રૂમમાં જતી રહી, અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો.
"સાંભળો! તમે કોઈ નિર્ણય લીધો છે. તો સમજી વિચારીને જ લીધો હશે." માધવીબેને શાંતિથી વાતની શરૂઆત કરી, "છતાંય સવાલ અપર્ણાનાં જીવનનો છે. એકવાર એની મરજી પણ જાણી લેવી જોઈએ. લગ્ન કોઈ ખેલ નથી, કે..."
માધવીબેન આગળ કંઈ કહે એ પહેલાં જ જગદીશભાઈએ એમની વાત વચ્ચે જ કાપીને કહ્યું, "લગ્ન ખેલ નથી, તો અપર્ણાનું જીવન પણ કોઈ ખેલ નથી." એમનો અવાજ બહું ઉંચો હતો, "એ છોકરીએ તો પોતાનાં અને આપણાં બધાંના જીવનને ખેલ સમજી લીધું છે. પણ, હું એવું નહીં થવા દઉં. આમ પણ લગ્ન પછી પણ એ પોતાનું સપનું પૂરું કરી શકશે. આજે સાંજે રોકી એનાં મમ્મી-પપ્પા સાથે આવવાનો છે. તમે અપર્ણાને તૈયાર કરી દેજો. અને હાં, મારે હવે કોઈ નાટક નાં જોઈએ. શિવે પહેલાં જ ઘણાં નાટકો કરી લીધાં છે. જેનો હિસ્સો એણે અપર્ણાને પણ બનાવી દીધી છે. હવે હું એ હિસ્સાનો કિસ્સો જ ખતમ કરી દેવાં માગું છું. અપર્ણા અને શિવ અલગ થઈને જ રહેશે."
જગદીશભાઈનાં છેલ્લાં શબ્દો પોતાનાં રૂમમાં રડી રહેલી અપર્ણાનાં કાને પડતાં જ એ વધું રડવા લાગી. એનાં ઉઠાવેલા એક ખોટાં પગલાએ એની જીંદગીને ક્યાંથી ક્યાં લાવીને છોડી દીધી હતી? એનું હવે એને ભાન થયું હતું. સાથે જ હવે કોઈ ઓપ્શન પણ બચ્યો ન હતો. હંમેશાં મુસીબતમાં ફસાતી વખતે નવાં નવાં આઈડિયા સાથે તૈયાર રહેવાવાળી અપર્ણા પાસે આજે પોતાની જીંદગીને આ મુસીબતમાંથી કાઢવાનો કોઈ આઈડિયા ન હતો.
બપોર થતાં જ શાંતિબાઈએ બધાં માટે જમવાનું બનાવી લીધું. અપર્ણા હજું પણ એનાં રૂમમાંથી બહાર આવી ન હતી. માધવીબેને એનાં માટે જમવાની થાળી તૈયાર કરી, અને એનાં રૂમનાં દરવાજા સામે આવીને, દરવાજે ટકોરા દઈને કહ્યું, "અપર્ણા બેટા! દરવાજો ખોલ. હું તારાં માટે જમવાનું લાવી છું."
"મારે નથી જમવું." અપર્ણાએ ઉંચા અવાજે કહ્યું.
જગદીશભાઈનો નિર્ણય અને અપર્ણાની જીદ્દ પહેલેથી જ મક્કમ રહ્યાં હતાં. જેને કોઈ નકારી નાં શકતું. માધવીબેન ભીની આંખો સાથે ફરી કિચનમાં આવી ગયાં. એમણે શાંતિબાઈ સાથે મળીને બધાંને જમવાનું પીરસ્યું. પણ, પોતે અપર્ણાની સાથે ભૂખ્યાં જ રહ્યાં.
અપર્ણા પોતાનાં રૂમમાં આ મુસીબતમાંથી બચવાનો ઉપાય શોધી રહી હતી. ઘડિયાળના કાંટા એની ગતિએ ફરી રહ્યાં હતાં. સાંજના છ થઈ ગયાં. છતાંય અપર્ણાને આજે કોઈ ઉપાય નાં મળ્યો. થોડીવારમાં જ જગદીશભાઈએ અપર્ણાના રૂમનાં દરવાજે ટકોરા દીધાં, "અપર્ણા! થોડીવારમાં મહેમાન આવી જાશે. કોઈ નખરાં વગર તૈયાર થઈને રહેજે."
આ જગદીશભાઈનો નિર્ણય કહો કે હુકમ! અપર્ણા માટે એક સમાન હતું. આજે તો બચવાનો કોઈ રસ્તો નાં દેખાતાં એ ઉદાસ મન સાથે તૈયાર થઈ ગઈ. એણે અહીં આવ્યાં પહેલાં માધવીબેને આપેલો બનારસી દુપટ્ટા વાળો ડ્રેસ પહેરી લીધો. અપર્ણા આજનાં દિવસે સૌથી ખરાબ દેખાવાની કોશિશમાં હતી. છતાંય એની બેદાગ ત્વચા અને નમણાશનાં કારણે એ સાદા પહેરવેશમાં પણ સુંદર લાગી રહી હતી. તૈયાર થઈને એણે પોતાનાં રૂમનો દરવાજો ખોલી નાંખ્યો.
આઠ વાગતાં જ રોકી પોતાનાં મમ્મી-પપ્પા સાથે અપર્ણાના ફ્લેટ પર આવી પહોંચ્યો. સાડા છ ફુટની ઉંચાઈ, ગોરો વાન, નાની પણ આકર્ષક આંખો અને હલકા ગુલાબી હોંઠ સાથે રોકી દેખાવડો અને હેન્ડસમ નજર આવતો હતો. જગદીશભાઈએ બધાંને અંદર આવકાર્યા. એમનો ઈશારો મળતાં જ માધવીબેન અપર્ણાને એનાં રૂમમાંથી લઈ આવીને કિચનમાં આવ્યાં. એમણે ચા નાં કપથી ભરેલી પ્લેટ અપર્ણાના હાથમાં પકડાવી. અપર્ણા કંઈ બોલ્યાં વગર મોઢું નીચું કરીને, હતાશ ચહેરે બહાર આવી. રોકી તો મુંબઈ શહેરમાં જ્યાં બધી છોકરીઓ ટૂંકા કપડામાં જ જોવાં મળતી. ત્યાં અપર્ણાને ડ્રેસમાં જોઈને જ એની ઉપર મોહી ગયો. અપર્ણા ચા નાં કપની પ્લેટ લઈને રોકી સામે ઉભી રહી. પણ, અપર્ણાની સાદગી અને રૂપમાં મોહી ગયેલાં રોકીને ચા નજરમાં જ નાં આવી. એની બાજુમાં બેસેલા મોહનભાઈએ રોકીના ખંભા પર હાથ મૂકતાં જ રોકી ચોંક્યો. એણે નજર ઝુકાવીને ચાનો કપ લીધો. અપર્ણા તરત જ ફરી કિચનમાં જતી રહી.
જગદીશભાઈ અને મોહનભાઈ વચ્ચે વાતો ચાલી રહી હતી. જ્યારે રોકીની નજર કિચનના દરવાજે જ હતી. એની તાલાવેલી જોઈને જગદીશભાઈએ કહ્યું, "અપર્ણા! રોકીને તારો રૂમ તો બતાવી દે."
જગદીશભાઈનો અવાજ સાંભળીને અપર્ણાનું મોં બની ગયું. એ કમને બહાર આવી. રોકી તો ક્યારનો એની સાથે વાત કરવા ઉતાવળો થતો હતો. એ તરત જ એની જગ્યાએથી ઉભો થઈને ધીમાં પગલે અપર્ણા તરફ આવ્યો. રોકીને પોતાની તરફ આવતો જોઈને અપર્ણા પોતાનાં રૂમ તરફ આગળ વધી ગઈ. રોકી એની પાછળ પાછળ દોરવાયો. રૂમની સામે આવીને અપર્ણાએ દરવાજો ખોલ્યો, અને અંદર આવી ગઈ.
"રૂમ તો બહું સરસ છે." રોકીએ રૂમની ચારે તરફ નજર કરીને, વાતોનો દોર હાથમાં લેતાં કહ્યું. પણ, અપર્ણા કંઈ બોલે તો ને!
"તો તું મુંબઈ એક્ટર બનવા આવી છે." રોકીએ ફરી કહ્યું.
"હાં." આ વખતે અપર્ણાએ એકાક્ષરી જવાબ આપ્યો.
"તો તું અરેન્જ મેરેજમાં વિશ્વાસ કરે છે?" રોકીએ અચાનક જ પૂછ્યું, "મતલબ, હાલનો સમય મોડર્ન છે. લોકો લગ્ન પહેલાં મળવાનું અને પ્રેમ કરવાનું પસંદ કરે છે. તો તું પણ..."
"પ્રેમ કરવાનો નાં હોય, પ્રેમ તો થઈ જાય." આ વખતે અપર્ણાએ રોકીની વાત વચ્ચે જ કાપીને કહ્યું, "સમય મોડર્ન હોય શકે. પણ, હું આપણી સંસ્કૃતિની જાળવણી કરવાનું જાણું છું. આમ પણ મેરેજ કોઈ પણ હોય, એમાં સમજદારી અને પ્રેમ જરૂરી છે. વિશ્વાસ તો આપમેળે જ આવી જાય."
"નાઈસ, તારાં વિચારો બહું સારાં છે." રોકીએ અપર્ણાની વાતથી પ્રભાવિત થઈને કહ્યું, "તારાં એક એક શબ્દો બહું વિચાર્યા બાદ બોલાય છે. તારાં વિચાર જોઈને લાગે છે, કે તું જીવનમાં બધાં નિર્ણય બહું વિચારીને લેતી હશે."
રોકીની છેલ્લી વાત અપર્ણાને સહેજ ખટકી. કારણ કે, એણે ક્યારેય કોઈ નિર્ણય વિચારીને કર્યો જ ન હતો. જેનાં લીધે આજે એ રોકી સામે ઉભી હતી, અને બહાર એનાં લગ્નની વાત ચાલી રહી હતી. ક્યાં રોકી અને ક્યાં શિવ? બંનેમાં બહું તફાવત હતો. રોકી અપર્ણાને માત્ર એનાં વિચારોથી સમજદાર ગણતો હતો. જ્યારે શિવે અપર્ણાને મન અને દિલ બંનેથી પાગલ જ ગણી હતી, અને હકીકત પણ એ જ હતી. અપર્ણા જે મન અને દિલમાં આવતું એ કરી દેતી. એટલે આમ એ પાગલ હતી. પણ, એનાં જેવી દિલ અને મનની ચોખ્ખી વ્યક્તિ કોઈ ન હતી. હાલ અપર્ણાને શિવની કમી બહું મહેસુસ થતી હતી.
અપર્ણાને વિચારોમાં ખોવાયેલી જોઈને રોકીએ પૂછ્યું, "તો આપણાં લગ્ન વિશે તારો શું વિચાર છે?" રોકીનો સવાલ સાંભળીને અપર્ણાએ ચોંકીને એની સામે જોયું. તો રોકીએ જરાં અટકીને કહ્યું, "મતલબ બધાં બહાર આપણાં જવાબની રાહ જોતાં હશે. એમને કંઈક તો કહેવું પડશે ને? જો કે હું તો તૈયાર છું. બસ તું જવાબ આપી દે તો...." એણે છેલ્લું વાક્ય અધૂરું જ છોડ્યું.
"જવાબ તો નાં જ છે. પણ, પપ્પા નહીં માને." અપર્ણા મનોમન વિચારવા લાગી. એણે એક નજર રોકી તરફ કરી. જે અપર્ણાને જોઈને આછું સ્મિત કરી રહ્યો હતો. અપર્ણાએ રોકીની સહેજ નજીક જઈને કહ્યું, "સાચું કહું તો હાલ હું લગ્ન માટે તૈયાર નથી." અપર્ણાએ કહ્યું. ત્યાં જ રોકીના મોબાઈલની રિંગ વાગી. એ એક મિનિટનો ઈશારો કરીને બારી સામે જતો રહ્યો. અપર્ણા મુંજવણમાં હતી, કે રોકી એની વાતનું કેવું રિએક્શન આપશે?
"ઓકે, તો હવે બહાર જઈએ." એક જ મિનિટમાં રોકીએ આવીને કહ્યું. અપર્ણા કંઈ સમજી નાં શકી. એ રોકી સાથે બહાર બધાંની વચ્ચે આવી ગઈ. રોકીએ એક નજર અપર્ણા પર કરી, અને પછી જગદીશભાઈ સામે જોઈને કહ્યું, "મને અપર્ણા પસંદ છે."
રોકીએ માત્ર પોતાની વાત કહી. અપર્ણાની વાતને જાણે એણે સાંભળીને પણ ઇગ્નોર કરી દીધી. મોહનભાઈ અને મીનાબેન તો રોકીનો જવાબ સાંભળીને બહું ખુશ થયાં. સામે જગદીશભાઈ પણ ખુશ હતાં. એ મોહનભાઈને ગળે મળ્યાં. મીનાબેન પણ માધવીબેનને ગળે મળ્યાં. પણ, માધવીબેન જરાય ખુશ જણાતાં ન હતાં. રોકીના જવાબથી અપર્ણાને એક જ દિવસમાં બીજો ઝટકો લાગ્યો.
"તો કાલે રાતે જ સગાઈ ગોઠવી દઈએ. પછી તો રોકીને ફરી લંડન જવાનું છે." મોહનભાઈએ કહ્યું, "એકવાર એનો નવો પ્રોજેક્ટ પૂરો થઈ જાય. પછી લગ્નનું પણ ગોઠવી દઈએ. એટલે રોકી અપર્ણા સાથે જ લંડન જઈ શકે."
"જેમ તમને યોગ્ય લાગે એમ." જગદીશભાઈએ કહ્યું, "કાલે સગાઈ પછી લગ્નનું મુહૂર્ત પણ કઢાવી જ લઈએ."
"તો તમે પંડિત જી સાથે વાત કરી લો." મીનાબેને કહ્યું, "અને બેટા અપર્ણા! કાલે સવારે રોકી સાથે જઈને તમે બંને સગાઈના કપડાં અને રિંગ લઈ આવો. રોકી દશ વાગ્યે તને લેવાં આવી જાશે." મીનાબેને તો બધું નક્કી કરી નાખ્યું. અપર્ણાને કોઈએ કંઈ બોલવાનો મોકો પણ નાં આપ્યો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED