આમ્રપાલી Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આમ્રપાલી

ફિલ્મનું નામ : આમ્રપાલી

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : એફ. સી. મેહરા

ડાયરેકટર : લેખ ટંડન

કલાકાર : વૈજયંતીમાલા, સુનીલ દત્ત, પ્રેમનાથ

રીલીઝ ડેટ : ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૬

 

        તેનો જન્મ કોલ્હાપુરના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અન્નાસાહેબ રાજોપાધ્યે. અન્નાસાહેબ ફોટોગ્રાફર તેમ જ કલાકાર હતા અને બાબુરાવ પેન્ટરની ફિલ્મોમાં કામ કર્યું હતું. તે અગિયાર વર્ષની હતી તે સમયે અન્નાસાહેબનું મૃત્યુ થઇ ગયું.

        જન્મજાત કલાકાર એવી તેણે ‘સર જે. જે. સ્કુલ ઓફ આર્ટ’ માં એડમીશન લીધું, જ્યાં તેણે ઉષા દેશમુખ ગોલ્ડ મેડલ પણ મેળવ્યું. તે પછી ‘પ્રોગ્રેસીવ આર્ટીસ્ટસ ગ્રુપ’ ની સભ્ય બની અને તેમની સાથે એક્ઝીબીશન કર્યા.  તેની સાથે જ ‘ઈવ’સ વીકલી’ અને ‘ફેશન એન્ડ બ્યુટી’ માટે ફ્રીલાન્સર ફેશન ઈલસ્ટ્રેટર તરીકે કામ શરુ કર્યું. ત્યારબાદ ઈવ’સ વીકલીની એડીટરેપોતાનું બુટીક શરુ કર્યું એટલે તેને કપડાં ડીઝાઈન કરવા માટે કહ્યું. તે કામ કર્યા પછી તેને ખ્યાલ આવ્યો કે તે આ કામ માટે બની છે.

        ડ્રેસ ડીઝાઈન તરફ વળ્યા પછી તેની કારકિર્દીમાં એક મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને ગુરુદત્તની ફિલ્મ ‘સી.આઈ. ડી.’ માટે કપડાં ડીઝાઈન કરવાનું કહ્યું. આમ તેનો ફિલ્મમાં પ્રવેશ થયો અને તેણે સોથી વધી ફિલ્મોમાં કામ કર્યું. તેણે પોતાની કારકિર્દી દરમ્યાન તેણે હિન્દી ફિલ્મોના નામાંકિત ફિલ્મમેકરો સાથે કામ કર્યું અને સાથે જ હોલીવુડના દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું. ઓસ્કાર નામે જાણીતો એકેડમી એવોર્ડ જીતનાર તે પ્રથમ ભારતીય છે. તે સાથે જ બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યો છે.

        તેને આપણે ભાનુ અથૈયા નામથી ઓળખીએ છીએ. ૧૯૨૯ માં જન્મેલ ભાનુ અથૈયાનું મૃત્યુ ૨૦૨૦ માં થયું. તેણે સત્યેન્દ્ર અથૈયા નમણા કરવી સાથે  ૧૯૫૦માં લગ્ન કર્યાં હતાં અને પોતાનું મૂળ નામ ભાનુમતી બદલીને ભાનુ અથૈયા કર્યું.

        જો કે ૧૯૬૬ માં રીલીઝ થયેલ આમ્રપાલીના ટાઈટલમાં ભાનુમતી અથૈયા એવું જ લખેલ છે. ફિલ્મના રીવ્યૂના શરૂઆતમાં તે ફિલ્મની વસ્ત્ર રચયિતા વિષે લખવાનું ખાસ કારણ તમે ફિલ્મ જોશો તો જ સમજાશે. એફ. સી. મેહરા અને લેખ ટંડને તે સમયગાળો તાદ્રશ કરવામાં બહુ મહેનત લીધી છે અને તેમાં તે સફળ પણ થયા છે.

        ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષની વાર્તા બહુ સહજતાથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મ છે આમ્રપાલીની છે, જે અમ્બપાલીના નામે પણ જાણીતી હતી. તે વૈશાલીની નગરવધૂ હતી. વૈશાલી એ લીચ્છવી જનપદની રાજધાની હતી હાલ અત્યારે તે પ્રદેશ બિહારમાં છે.

        મગધ સમ્રાટ અજાતશત્રુએ પોતાની આજુબાજુનાં બધાં રાજ્યો જીતી લીધાં હતાં. તેની મહેચ્છા વૈશાલીને જીતવાની હતી. સમ્રાટ અજાતશત્રુને તેની માતા એવું ન કરવાની ચેતવણી આપે છે, પણ માતાની ચેતવણીને અવગણીને તે પોતાના વૈશાલીને જીતવાના અભિયાન પર નીકળે છે અને તેમાં તેને હાર મળે છે. ઘાયલ અજાતશત્રુ સમ્રાટનો વેશ ત્યજીને વૈશાલીના સૈનિકનો વેશ ધારણ કરે છે.

        આમ્રપાલી અજાતશત્રુને સૈનિક સમજીને તેની સારવાર કરે છે. કોઈ અજ્ઞાત કારણસર તે અજાતશત્રુને પ્રેમ કરી બેસે છે. અજાતશત્રુ પણ તેના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. જીતના ઉત્સવ પ્રસંગે અજાતશત્રુ તેનો જીવ પણ બચાવે છે.

        રાજનર્તકીની પરીક્ષા સમયે પ્રેક્ષકો વચ્ચે બેસેલી આમ્રપાલી કે નૃત્યાંગનાના નૃત્ય વખતે ખોટ કાઢે છે અને આ ભૂલ માટે તેણે નર્તકીને ભૂલ બતાવવા નૃત્ય કરવું પડે છે. આમ્રપાલીના નૃત્યથી સભા પ્રસન્ન થઇ જાય છે અને તેને રાજનર્તકી ઘોષિત કરવામાં આવે છે.  

        ત્યારબાદ સમ્રાટ અજાતશત્રુ અને આમ્રપાલી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સમય આવે છે અને અજાતશત્રુનો ભેદ ખૂલી જાય છે. તે સમય દરમ્યાન રાજમાતાનું મૃત્યુ થયું તે કારણસર અજાતશત્રુ મગધ પાછો ફરે છે અને આમ્રપાલીને કેદ કરવામાં આવે છે. પોતાના વફાદાર સેનાપતિ વીરને આપવામાં આવેલ મૃત્યુદંડ અને આમ્રપાલીને કેદ કરવામાં આવી છે તે સમાચાર સાંભળીને અજાતશત્રુ ક્રોધિત થઇ જાય છે અને પૂર્ણશક્તિથી વૈશાલી ઉપર આક્રમણ કરે છે અને મોટાપાયે વિનાશ ફેલાવે છે. કારાગારમાંથી બહાર આવેલી આમ્રપાલી પોતાના દેશમાં થયેલ વિનાશ જોઇને વ્યથિત થઇ જાય છે અને ભગવાન બુદ્ધની શરણમાં જાય છે. તેની પાછળ અજાતશત્રુ પણ પોતાનાં શસ્ત્રો ત્યજી દે છે.

        સમ્રાટ અજાતશત્રુનો રોલ સુનીલ દત્તે ભજવ્યો છે અને આમ્રપાલીનો ટાઈટલ રોલ વૈજયંતીમાલાએ ભજવ્યો છે. પડછંદ શરીર, ઘૂંટાયેલ અવાજ અને રાજસી ચહેરો ધરાવતો સુનીલ દત્ત આ રોલમાં બહુ જ અદ્ભુત લાગે છે. આ ફિલ્મ તે સમયે હીટ નહોતી પુરવાર થઇ, પણ તેની ગણના હિન્દી ફિલ્મ ઈતિહાસની ક્લાસિક ફિલ્મોમાં થાય છે.

        મુગલ-એ-આઝમની તોલે તોલ આવી શકે એવી આ ફિલ્મ છે. તેના દ્રશ્યે દ્રશ્યે એની પ્રતીતિ મળે છે. અજાતશત્રુ અને આમ્રપાલી વચ્ચેનાં પ્રણયદ્રશ્યો મુગલ-એ-આઝમની કક્ષાનાં છે. ફિલ્મનું દરેક દ્રશ્ય માણવાલાયક છે.

        આમ્રપાલીને ટાઈટલ રોલ માટે વૈજયંતીમાલાને લેવાનાં બે મુખ્ય કારણો તે સમયે હશે. એક તેનું સૌન્દર્ય અને બીજું તેની નૃત્યકુશળતા. તે સમયની દક્ષિણમાંથી આવેલ અભિનેત્રીઓ શાસ્ત્રીય નૃત્યની તાલીમ અલીને પછી જ ફિલ્મોમાં પ્રવેશતી. ફિલ્મમાં કુલ પાંચ ગીતો છે અને પાંચેય ગીતોના ભાવ જુદા છે અને તે નૃત્ય વૈજયંતીમાલાએ બહુ સહજતાથી કર્યાં છે. (તેને નાચતી જોઇને એક વાર વિચાર આવી જાય કે છેક જમીનને અડતાં કપડાં પહેરીને તે કેટલી આસાનીથી નૃત્ય કરે છે. કપડામાં પગ પણ નથી ભરાતો.)

        આમ્રપાલીના મનોભાવોને વૈજયંતીમાલાએ બહુ સરસ રીતે પ્રગટ કર્યા છે. આ ફિલ્મમાં બે પ્રસિદ્ધ ખલનાયકોએ અભિનય કર્યો છે. પ્રેમનાથ અને કે. એન. સિંઘ. હંમેશાં રાડારાડ કરીને અભિનય કરનાર પ્રેમનાથ સમ્રાટ અજાતશત્રુના સેનાપતિ વીરના રોલમાં છે. કોઈ જાતની રાડો બોલ્યા વગર વધુ પડતી શુદ્ધ હિન્દીમાં સંવાદો બોલતા પ્રેમનાથને જોઇને લાગે કે આણે ખોટેખોટી રાડારાડની શૈલી બનાવી. પોતાની આંખો અને ભ્રમરથી આંતક ઉભો કરતો કે. એન. સિંઘ આ ફિલ્મમાં અજાતશત્રુના વફાદાર બલભદ્રસિંહના રોલમાં છે. જો કે તેના ભાગે બહુ કંઈ કરવાનું આવ્યું નથી.

        આમ્રપાલીના મિત્ર અને એકતરફી પ્રેમ કરતા પ્રેમી સોમના રોલમાં રણધીર નામનો એક્ટર છે, જેણે લગભગ ૧૭૨ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તેણે હંમેશાં હીરોના મિત્રોના રોલ કર્યા અને પાછળથી મોટેભાગે લાલા અથવા પઠાણના રોલ કર્યા.

        ફિલ્મનું સંગીત શંકર-જયકિશને આપ્યું છે અને પાંચેય ગીતો કર્ણપ્રિય છે જો કે તેમાંથી હસરત જયપુરીએ લખેલું ‘નીલ ગગન કી છાંવ મેં’ યાદ રહી જાય એવું છે. ફિલ્મના ટાઈટલમાં ગાયક તરીકે ફક્ત લતા મંગેશકરનું નામ છે. પાંચમથી એક ગીતમાં પુરુષનો અવાજ છે અને તે પણ કોરસમાં છે.

        આ ફિલ્મને તે સમયે ભારત તરફથી ‘બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ’ તરીકે ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. જો કે તે અંતિમ સૂચિમાં આવી શકી નહોતી.

        નિર્દેશક તરીકે લેખ ટંડનની આ બીજી ફિલ્મ જ હતી, પણ તેમણે આ ફિલ્મમાં જે ચમકારો બતાવ્યો તે અદ્ભુત છે. કલાકાર તરીકે તેમણે સ્વદેસ, પહેલી, રંગ દે બસતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ચેન્નાઈ એકપ્રેસમાં શાહરૂખ ખાનના દાદાનો રોલ તેમણે જ કર્યો હતો.

        આ ફિલ્મનાં મહત્વનાં ચાર પાંસા છે. નૃત્ય, કલાકારોની વેશભૂષા, યુદ્ધનાં દ્રશ્યો અને સૌથી મહત્વનું યુદ્ધનો વિરોધ કરતો સંદેશ.

        આ ફિલ્મના પ્રોડ્યુસર એટલે એફ. સી. મેહરા મૂળ નામ ફકીરચંદ મેહરા ફિલ્મોની સાથે જ ટીવી ઉપર આવેલી જબાન સંભાલ કે, ઓફીસ ઓફીસ અને શરારત માટે પણ જાણીતા છે અને તેનું નિર્દેશન તેમના દીકરા રાજીવ મેહરાએ કર્યું હતું. તેમનો વધુ એક પુત્ર ઉમેશ મેહરાએ અક્ષયકુમારની ખિલાડી તરીકે ઈમેજ મજબુત કરી હતી.

        જો સારી ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ ખરેખર બહુ જ સુંદર અને માણવાલાયક છે અને નેટફ્લીક્સ ઉપર જોવા મળી શકે.

        જો કે ઈતિહાસની દ્રષ્ટીએ વિચાર કરો તો ફિલ્મના લેખકે છૂટછાટ જરૂર લીધી છે. આમ્રપાલીને નગરવધૂને બદલે રાજનર્તકી દર્શાવી છે. ફિલ્મની કથાની સત્યતા તપાસવી હોય તો જુદો અને અલગથી લેખ લખવો પડે.  એક પ્રેમકથા તરીકે બહુ જ સરસ ફિલ્મ.

સમાપ્ત

જ્યોતિન્દ્ર મહેતા

૯૯૭૦૪૪૦૭૮૫