Waqt books and stories free download online pdf in Gujarati

વક્ત

ફિલ્મનું નામ :વક્ત

નિર્માતા : બી. આર. ચોપડા

નિર્દેશક : યશ ચોપડા

સીનેમેટોગ્રાફી : ધરમ ચોપડા

સંગીત : રવિ

રનીંગ ટાઈમ : ૨૦૬ મિનિટ

કલાકારો : બલરાજ સાહની, અચલા સચદેવ, રાજકુમાર, સુનીલ દત્ત, શશી કપૂર, સાધના, શર્મિલા ટાગોર, રેહમાન અને મદન પૂરી

રીલીઝ ડેટ : ૩૦ જુલાઈ ૧૯૬૫

 

        બી. આર. ચોપડા કેમ્પની આ પ્રથમ રંગીન ફિલ્મ ૧૯૬૫ ની સૌથી વધુ નાણા રળનારી ફિલ્મ હતી. તે સમયમાં તેનો વકરો રૂપિયા છ કરોડ થયો હતો, જે આજના સમયના લગભગ ૩૫૦ કરોડ જેટલો ગણી શકાય. આ ફિલ્મ ઘણીબધી રીતે ટ્રેન્ડ સેટર હતી. આ ફિલ્મે ફરી લોસ્ટ એન્ડ ફાઉન્ડનો દોર શરુ કર્યો, જેના ઉપર મનમોહન દેસાઈ જેવા ઘણાબધાં ફિલ્મમેકરો તરી ગયા. આ પહેલાં આ વિષય ઉપર ૧૯૪૩માં અશોકકુમારની ફિલ્મ કિસ્મત આવી હતી. તે ઉપરાંત મલ્ટીસ્ટાર ફિલ્મો આ ફિલ્મ પછી જ બનવાની શરૂઆત થઇ હતી.  જો કે તે પહેલાં આવેલી મધર ઇન્ડિયા પણ મલ્ટીસ્ટાર ફિલ્મ ગણાઈ હતી.

        અખ્તર મિર્ઝા અને અખ્તર-ઉલ-ઈમાને લખેલી ફિલ્મ માટે શરૂઆતમાં યશ ચોપડાએ પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરને લેવાનું વિચાર્યું હતું, પણ બી. આર. ચોપડાને પ્રખ્યાત ફિલ્મમેકર બિમલ રોયે એવું કરવાની નાં પાડી. તેમણે કહ્યું કપૂર ભાઈઓના ચહેરામાં બહુ જ સામ્ય છે અને તે તરત પરખાઈ જાય. ત્યારબાદ તેમણે બલરાજ સહાની, રાજુકમાર, સુનીલ દત્ત અને શશી કપૂર ઉપર પસંદગી ઉતારી.

        બી. આર. ચોપડાએ આ ફિલ્મ બહુ જ ભવ્ય બનાવી હતી. આલીશાન બંગલા, આધુનિક મોટરકાર, ફેશનેબલ કપડાં અને નયનરમ્ય લોકેશનો. ત્યાર બાદ તેમણે બનાવેલી ફિલ્મો પણ એટલી જ ભવ્ય હતી. ભાનુ અથૈયાએ ડીઝાઈન કરેલ શરીર ઉપર ચપોચપ બેસનાર ચૂડીદાર અને કુર્તી ઘણા સમય સુધી ફેશનમાં રહી અને સાધના કટ પણ આ ફિલ્મ પછી જ અસ્તિત્વમાં આવી જે હોલીવુડની સ્ટાર ઓડ્રી હેપબર્નથી પ્રેરિત હતી.

        આ ફિલ્મનું સબળ પાંસુ છે તેનું સંગીત. ‘અય મેરી ઝોહરા ઝબીં’, ‘આગે ભી જાને ના તુ’, ‘દિન હૈ બહાર કે’, ‘ચેહરે પે ખુશી છા જાતી હૈ’, ‘કૌન આયા કી નિગાહો મેં ચમક જાગ’, ‘હમ જબ સિમટ કે’, ‘મૈને કે ખ્વાબ સા દેખા’ અને વક્ત સે દિન ઔર રાત’   તેમાંથી મન્ના ડેના સ્વરમાં સજેલું ‘અય મેરી ઝોહરા ઝબીં’ અને આશા ભોસલે એક ગાયેલું ‘આગે ભી જાને ના તુ’  બિનાકા ગીતમાલા ઉપર ઘણા સમય સુધી વાગતાં રહ્યાં. ચોપડા આ ફિલ્મ માટે શંકર જયકિશનને લેવા માંગતા હતા, પણ તેમણે શરત મૂકી કે તેઓ તેમની ટીમ સાથે જ સંગીત બનાવશે, ચોપડા કેમ્પના ગીતકાર સાહિર સાથે કામ નહિ કરે. ચોપડા આ શરત સામે ન ઝૂક્યા અને સંગીત નિર્દેશક તરીકે રવિને લીધા. રવિએ આ ફિલ્મમાં ચિરકાલીન ગીતો આપ્યાં છે.

        સંવાદ અદાયગીના બાદશાહ રાજકુમારે આ ફિલ્મમાં જામો પાડી દીધો છે. આ ફિલ્મના તેના ડાયલોગો લોકહૃદયમાં વિરાજે છે. ‘યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહિ, હાથ કટ જાયે તો ખૂન નિકલ આતા હૈ’ અને ‘ચિનોય સેઠ, જિનકે ઘર શીશે કે હો વો દુસરો પર પથ્થર નહીં ફેંકા કરતે’ તો આજે પણ લોકજીભે ચડેલા છે. બલુચિસ્તાનના લોરલાઈમાં ૧૯૨૬ માં જન્મેલ આ કાશ્મીરી પંડિતનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. ૧૯૪૦ માં તેમનો પરિવાર મુંબઈ ગયો જ્યાં કુલભૂષણ પંડિત સબ-ઇન્સ્પેક્ટર બન્યો. તેણે એક્ટિંગ કેરિયરની શરૂઆત ફિલ્મ ‘રંગીલી’ થી ૧૯૫૨ માં કરી, પણ તેનો સિતારો ચમક્યો ૧૯૫૭ માં આવેલી સોહરાબ મોદીને ‘નૌશેરવાન-એ- આદીલ’થી. તે જ વર્ષે આવેલી ‘મધર ઇન્ડિયા’ માં પણ તેણે નરગીસના પતિનો રોલ કર્યો હતો. તે પછી તો તેની એક પછી એક ફિલ્મો આવતી રહી. તે પોતાની સંવાદની અદાયગીથી સામેવાળા કલાકારને ઝાંખા પાડી દેતો. એક્ટિંગના બાદશાહ દિલીપ કુમારે ૧૯૫૯માં આવેલી ‘પૈગામ’ પછી તેની સાથે છેક ૧૯૯૧ માં ઢળતી ઉંમરે ‘સૌદાગર’ માં કર્યું. જો કે રાજકુમાર પોતાના તરંગી સ્વભાવ માટે જાણીતો હતો.

        અમિતાભને અંગ્રી યંગમેનનું બિરુદ મેળવી આપનાર ઝંઝીર રાજકુમારને ઓફર કરી હતી, પણ આ ફિલ્મ ન કરવા માટે પ્રકાશ મેહરાને તારા વાળમાં જે ચમેલીનું તેલ નાખે છે તે મને પસંદ નથી એવું કારણ આપીને ઝંઝીર નકારી કાઢી હતી. જો કે તેણે જેટલી ફિલ્મો કરી તે પોતાની શરત ઉપર કરી અને દરેકમાં પોતાનો ચોક્કસ પ્રભાવ છોડ્યો છે. તેણે જેનીફર નામની એંગ્લો-ઇન્ડિયન સ્ત્રી સાથે કર્યા.

        લોસ્ટ એન્ડ ફાઉન્ડની ફોર્મુલા ઉપર આધારિત ફિલ્મની વાર્તા છે લાલા કેદારનાથ (ધ ગ્રેટ બલરાજ સહાની) અને તેના પરિવારની. સ્વબળે ગરીબીમાંથી ઉપર આવેલા અને મોટા વ્યાપારી બનેલા કેદારનાથ માને છે કે મનુષ્ય મેહનત કરે તો શું ન કરી શકે. જો કે તેની આ ઉક્તિ ખોટી પડે છે અને તેના ત્રણેય પુત્રોના જન્મદિવસે આવેલ વિનાશક ભૂકંપમાં તે પોતાની ધન દોલત અને પરિવાર બધું જ ગુમાવી બેસે છે.  તેની પત્ની અને બાળકો તેનાથી વિખુટા પડી જાય છે.

        મોટા પુત્ર રાજુ ( રાજકુમાર) અનાથઆશ્રમમાં લઇ જવામાં આવે છે, બીજા નંબરનો પુત્ર રવિ (સુનીલ દત્ત) એક નિસંતાન દંપત્તિને મળે છે અને નાનો પુત્ર વિજય(શશી કપૂર) તેની પત્ની લક્ષ્મી (અચલા સચદેવ) પાસે રહી જાય છે. ઘાયલ થયેલ લાલાજી પુત્રોને શોધતા અનાથઆશ્રમમાં આવે છે, જ્યાં તેમને ખબર પડે છે કે અનાથઆશ્રમ ચલાવતા મેનેજરે (જીવન) રાજુને માર્યો તેથી ત્યાંથી ભાગી ગયો છે. લાલાજી દિમાગ ગુમાવી દે છે અને ક્રોધમાં તે મેનેજરનું ખૂન કરી નાખે છે. લાલાજીને જેલ થાય છે.

        આ રીતે સંપૂર્ણ પરિવાર વિખુટો પડી જાય છે. મોટો પુત્ર રાજુ ઊંચા દર્જાનો ચોર બને છે. (રાજકુમાર છે ભાઈ પોલીસ બને કે ડોન ઊંચા દર્જાનો જ હોય. હમમ…. હમમ… કભી છોટે કામ નહિ કરતે) વચલો રવિ દિલફેંક આશિક અને વકીલ બને છે, જે મીના મિત્તલ (સાધના) ને પ્રેમ કરે છે. તે તાજો તાજો ભણીને બહાર પડ્યો છે એટલે કોર્ટનાં પગથિયા ચઢ્યો નથી. સૌથી નાનો વિજય (શશી કપૂર) પોતાને બદનસીબ માને છે. તેને લાગે છે કે તેના જન્મ પછી જ ભૂકંપ થયો અને પરિવાર વિખુટો પડી ગયો. તે દિલ્હીમાં બી. એ. કરી રહ્યો છે. તેની સાથે ભણતી રેણુ (શર્મિલા ટાગોર) તેને પ્રેમ કરે છે. વિજય પણ તેને પ્રેમ કરે છે, પણ તે સારી રીતે જાણે છે કે તેમની હેસિયતમાં જમીન આસમાનનો ફેર છે. કોલેજ ફર્સ્ટ ક્લાસ (તે સમયે ડીસ્ટીકશન કદાચ નહિ હોય) પાસ કર્યા પછી તેને જાણ થાય છે તેની માતાને કેન્સર છે અને તેની સારવાર માટે મુંબઈ લઇ જવી જોઈએ.

        રવિ વકીલાતની તાલીમ લેવા માટે મુંબઈ આવે છે અને જેલમાંથી છુટેલ લાલાજીને ખબર પડે છે કે તેમની પત્ની જીવે છે અને તે મુંબઈ ગઈ છે એટલે તે પણ મુંબઈ આવે છે. રાજુ પહેલેથી જ મુંબઈમાં વસેલો છે.  આમ સંપૂર્ણ પરિવાર મુંબઈમાં છે અને એકબીજાના સંપર્કમાં આવતા જાય છે, પણ તેમનો મેળાપ છેક છેલ્લા પ્રસંગમાં થાય છે.

        એક થી એક ચઢીયાતા કલાકાર ધરાવતી અને પ્રસંગોના ભરમારવાળી આ ફિલ્મ ખરેખર દર્શનીય છે. આ ફિલ્મની સીનેમેટોગ્રાફી બહુ જ ઉત્તમ છે. શરૂઆતના ભૂકંપવાળા સીન છોડી તો બાકી બહુ ઉત્તમ રીતે ફિલ્માવ્યું છે. શરૂઆતમાં તુટતા મકાનો જોઇને ખબર પડી જાય કે નકલી છે. ( જો કે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે તે ફિલ્મ છેક ૧૯૬૫ માં બની હતી)

        દરેક કલાકારે પોતાનો ઉત્તમ અભિનય આપ્યો છે. અનેક કલાકારો તો સાવ નાના રોલમાં પણ છે. જીવન, હરી શિવદાસાની (બબીતાના પિતા), બદ્રિપ્રસાદ, જગદીશ રાજ (કાયમી ઇન્સ્પેક્ટર), બીરબલ  જેવા કલાકારોએ પણ હાજરી આપી છે.

        તે વર્ષે આ ફિલ્મે છ ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. બેસ્ટ ડિરેક્ટર (યશ ચોપડા), બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (રાજકુમાર), બેસ્ટ સ્ટોરી (અખ્તર મિર્ઝા), બેસ્ટ ડાયલોગ (અખ્તર-ઉલ-ઈમાન), બેસ્ટ સિનેમેટોગ્રાફી (ધરમ ચોપડા).

        ફિલ્મોના સુવર્ણયુગની યાદ દેવડાવતી આ ફિલ્મ ન જોઈ હોય તો એકવાર જરૂર જોઈ લેજો.

જ્યોતિન્દ્ર મહેતા

(jdmmehta230476@gmail.com)

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED