Singapore books and stories free download online pdf in Gujarati

સિંગાપોર

સિંગાપોર - રીવ્યૂ

ફિલ્મનું નામ : સિંગાપોર

પ્રોડ્યુસર : ફકીરચંદ મેહરા (એફ.સી. મેહરા)

ડાયરેકટર : શક્તિ સામંતા

સંગીત : શંકર જયકિશન

રનીંગ ટાઈમ : ૧૩૫ મિનિટ

રીલીઝ ડેટ : ૧૯૬૦

કલાકાર : શમ્મી કપૂર, પદ્મિની, મારિયા મનાડો, શશીકલા, આગા, કે. એન. સિંઘ, મદન પુરી

 

        ભારતનો એલ્વિસ પ્રિસ્લી ગણાતો શમશેર રાજ કપૂર ઉર્ફ શમ્મી કપૂર કંઈ રાતોરાત સફળ નહોતો થયો. સફળ થતાં પહેલાં તેની લગભગ અઢાર ફિલ્મો પીટાઈ ગઈ હતી. ૧૯૫૩ થી તે ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યો. તેની પહેલી ફિલ્મ હતી ‘જીવનજ્યોતિ’ જે બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને ફિલ્મો ફ્લોપ જવાનો સિલસિલો લગભગ ૧૯૫૭ સુધી ચાલ્યો. તેનું નસીબ આડેનું પાંદડું ફિલ્મ ‘તુમસા નહિ દેખા’ આવ્યા પછી હટ્યું. આ ફિલ્મની રીલીઝ પછી તે ડાન્સિંગ સ્ટાર તરીકે છવાઈ ગયો. ત્યારબાદ તેણે પાછળ વળીને નથી જોયું અને પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક થી એક ચઢિયાતી ફિલ્મો આપી ‘દિલ દેકે દેખો, જંગલી, કાશ્મીર કી કલી, પ્રોફેસર, તીસરી મંઝીલ, એન ઇવનિંગ ઇન પેરીસ, બ્રહ્મચારી, પ્રિન્સ, અંદાજ.

        અંદાજ ફિલ્મ પછી તેને અંદાજ આવી ગયો કે તે હવે મુખ્ય હીરો તરીકે નહિ ચાલે એટલે તેણે સહકલાકારના રોલ સ્વીકારવાનું શરુ કર્યું અને તેમાં પણ છવાયેલો રહ્યો.

        કપૂર ખાનદાનનો આ નબીરો છ ફૂટની ઊંચાઈ અને અલમસ્ત શરીર ધરાવતો હતો. તેનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે ભલભલા હીરો તેની સામે ઝાંખા પડી જતા. ૧૯૫૫ માં તેણે ગીતા બાલી સાથે લગ્ન કર્યાં અને ૧૯૬૫ માં શીતળાની બીમારીને લીધે ગીતા બાલીના મૃત્યુ પછી ૧૯૬૯માં નીલા દેવી સાથે લગ્ન કર્યાં.

        બધાં હીરોમાં શમ્મીનો અંદાજ અનોખો હતો અને તે અંત સુધી પોતાના અંદાજને વળગી રહ્યો. જો કે લોકોનો હૃદય ઉપર રાજ કરનાર રાજ કપૂરના આ નાના ભાઈને ફિલ્મો માટે એવોર્ડ ફક્ત બે જ મળ્યા ૧૯૬૮ માં આવેલી બ્રહ્મચારી માટે શ્રેષ્ઠ કલાકારનો ફિલ્મફેર એવોર્ડ અને દિલીપ કુમાર અને સંજય દત્તવળી વિધાતા માટે શ્રેષ્ઠ સહકલાકારનો એવોર્ડ. જો કે કારકિર્દી પૂર્ણ થયા પછી તેને લાઈફ ટાઈમ એચીવમેન્ટના ઘણાબધા એવોર્ડ મળ્યા, પણ તેને હું ગણતરીમાં લેતો નથી.

        જો કે તેને એવોર્ડ્સ મળ્યા તે એવોર્ડની જ બદનસીબી હતી. ૨૦૧૧ ની રોકસ્ટાર એ તેમની છેલ્લી ફિલ્મ હતી જેમાં તેમણે શેહનાઈ વાદક ઉસ્તાદ જમીલ ખાનનો રોલ કર્યો હતો અને તે ફિલ્મ તેમના મૃત્યુ પછી જ રીલીઝ થઇ.

        ‘સિંગાપોર’ નું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં થયું હતું. તે ફિલ્મનો ફક્ત એક સીન ભારતમાં ફિલ્માવવામાં આવ્યો હતો. ઇન્ડો-મલાયા સહનિર્માણમાં બનેલી આ ફિલ્મનું આકર્ષણ હતી મલેશિયન ફિલ્મોની અભિનેત્રી મારિયા મનાડો. ૧૯૫૦ થી ૧૯૬૦ ના દાયકામાં તેણે મલેશિયન ફિલ્મો ઉપર રીતસર રાજ કર્યું હતું. ટાઈમ મેગેઝીને ‘મલાયાની સૌથી સુંદર સ્ત્રી’ અને યુંનાઈટેડ પ્રેસ ઇન્ટરનેશનલે ‘બેસ્ટ ડ્રેસડ વુમન ઇન સાઉથ ઇસ્ટ એશિયા’ નો ખિતાબ આપ્યો હતો. અભિનેત્રી ઉપરાંત તે સારી ગાયિકા પણ હતી અને પાછળથી તેણે ફિલ્મોનું નિર્માણ પણ કર્યું અને નિર્દેશિત પણ કરી. જો કે આ અભિનેત્રીનું મૂળ નામ લીસ્બેટ ડોટુલોંગ હતું.

        આ નામ ધારણ કરવાનું કારણ પણ અનોખું હતું. લીસ્બેટ ઇન્ડોનેશિયાના મનાડો શહેરમાં જન્મી હતી. ‘મારિયા હેરટોઘ’ નામની ડચ છોકરી જેને મલેશિયાના મુસ્લિમ પરિવાર સાથે રહેવા માટે મોકલવામાં આવી હતી અને તેની કસ્ટડી માટે ધાર્મિક વિખવાદ થયો અને રમખાણો શરુ થયાં (ધાર્મિક વિવાદો અને રમખાણો બહુ જૂના છે.) મારિયાથી પ્રભાવિત લીસ્બેટે પોતાનું નામ મારિયા અને પોતાના જન્મસ્થાન મનાડો ઉપરથી મારિયા મનાડો એવું નામ ધારણ કર્યું.

        સિંગાપોર ફિલ્મની શરૂઆત થાય છે ચેન (મદન પુરી)ની એન્ટ્રીથી. તે એક ચાઇનીઝ મૂળનો વ્યક્તિના રોલમાં છે. તે અને તેનો સાથીદાર કોઈનો પીછો કરી રહ્યા છે. જેનો તેઓ પીછો કરી રહ્યા છે તેનું નામ રમેશ (રાજન કપૂર) છે જે શ્યામ (શમ્મી કપૂર) ની રબર ઇસ્ટેટનો મેનેજર પણ છે અને શ્યામનો મિત્ર છે. રમેશ તેની પ્રેમિકા શોભા (શશીકલા) સાથે હોટેલમાં આવ્યો છે. ડાન્સ ફ્લોર ઉપર ડાન્સ કર્યા પછી તે સારા સમાચાર આપે છે કે તે હવે હંમેશાં માટે સિંગાપોરમાં રહેશે અને ભારત પાછો નહિ ફરે કારણ તેની રબર ઇસ્ટેટમાં …. તે શોભાના દબાણ છતાં આગળની વાત નથી કરતો. આ વાત મદન પુરી અને તેના સાથીદાર ઉપરાંત અન્ય એક વ્યક્તિ સાંભળી રહી છે, તે છે શિવદાસ (કે. એન. સિંઘ).

        રમેશ હોટેલથી પોતાની ઓફિસે પાછો ફરે છે અને પોતાના મિત્ર અને માલિક શ્યામ સાથે ટ્રંક કોલ ઉપર વાત કરવાનું શરુ કરે છે. અડધી વાત થયા પછી ફોન કપાઈ જાય છે. શ્યામ વિચારમાં પડી જાય છે અને જાતે સિંગાપોર જવા નીકળે છે. જતી વખતે પ્લેનમાં તેની મુલાકાત મારિયા (મારિયા મનાડો) સાથે થાય છે અને તેની સાથે મિત્રતા બંધાઈ જાય છે. સિંગાપોર જઈને શ્યામને તેના સેક્રેટરી ચાચુ (આગા) દ્વારા જાણવા મળે છે કે રમેશ બે ત્રણ દિવસથી ઓફિસમાં આવ્યો નથી. શરૂઆતમાં શ્યામને સામાન્ય લાગે છે, પણ પછી વહેમ પડે છે કે કોઈ ગેંગે રમેશનું અપહરણ કર્યું છે. શ્યામ રમેશની શોધખોળ શરુ કરે છે અને તે દરમ્યાન તેની મુલાકાત શોભાની બહેન લતા (પદ્મિની) સાથે થાય છે અને બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. શ્યામ તેની ઓફિસમાં કામ કરતી ટાયપિસ્ટ ચીન ચૂ ચૂને શિવદાસ સાથે જુએ છે.

        ૧૯૬૦ ની આ થ્રીલર ગણાતી ફિલ્મ આજે જોઈએ તો બાલીશ લાગે. ફિલ્મ જેમ જેમ આગળ વધે તેમ આપણને અંદાજો આવી જાય કે આ બધાંની પાછળ કોણ છે. થોડા ટ્વિસ્ટ છે, પણ આજના સમય પ્રમાણે તે સાવ ફાલતુ લાગે.

        એક્ટિંગની વાત કરીએ તો શમ્મી કપૂર ખાનદાની નબીરાના રોલમાં શોભે છે અને બહુ સહજતાથી શ્યામનો રોલ ભજવ્યો છે. (તે આમ પણ શ્રીમંત વ્યક્તિના રોલમાં જ શોભતો. તેનો ચહેરો જોઇને લાગતું નહિ કે આ વ્યક્તિ ગરીબ પણ હોઈ શકે.) મારિયા અને રૂપાળી શશીકલા પોતાને આપેલું કામ સારી રીતે કરી જાય છે. કોમેડિયન તરીકે આગજાન બેગ ઉર્ફ આગા મોજ કરાવી જાય છે. સ્થૂળ કોમેડીમાં તેની હથોટી હતી. માટી આંખોવાળો ટાલિયો કે. એન. સિંઘ પોતાની આંખોથી જ ખોફ ઉભો કરવામાં સક્ષમ હતો.

        મદન પુરી આ ફિલ્મની પહેલાં અશોક કુમાર અભિનીત હાવડા બ્રીજમાં ચીની મૂળની વ્યક્તિ તરીકે દેખાયો હતો. આ ફિલ્મમાં તે નાના ગેંગસ્ટર તરીકે દેખાય છે. તે ગેંગની બોસ કોઈ સ્ત્રી છે જે હંમેશાં આંખો ઉપર ગોગલ અને ચહેરા ઉપર કાળું કપડું ઢાંકીને સામે આવે છે. તે કોણ છે તેનું રહસ્ય અંતમાં ખુલે છે.

        ફિલ્મમાં જો મને કોઈનાથી નિરાશા થઇ હોય તો તે છે પદ્મિની. ભારતીય મૂળની મલેશિયન સ્ત્રીના રોલમાં તે અસહજ લાગે છે. તે જેના માટે પ્રખ્યાત હતી તેવા નૃત્યોનો પણ આ ફિલ્મમાં અભાવ છે. તેના કરતા સારો ડાન્સ હેલેને એક ગીતમાં કર્યો છે. લતા તરીકે તે જરાય જામતી નથી.

        આ ફિલ્મનું સંગીત પણ એટલું જ નિરાશાજનક છે. મુકેશના સ્વરમાં સજેલું ‘યે શહેર બડા અલબેલા’ છોડી દો તો અન્ય કોઈ પણ ગીતમાં ભલીવાર નથી. એક પણ ગીત ફિલ્મ પૂર્ણ થયા પછી યાદ નથી રહેતું. આ ફિલ્મના ગીતો શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખ્યાં છે અને સંગીતકાર શંકર જયકિશન છે.

        જો આપને જૂની ફિલ્મો ગમતો હોય અને મારી જેમ શમ્મી કપૂરના ફેન હોવ તો આ ફિલ્મ એકાદ વખત જોવામાં વાંધો નહિ. આ ફિલ્મ નેટફ્લીક્સ ઉપર અવેલેબલ છે.

        આ ફિલ્મ જોયા પછી એક વિચાર આવ્યો કે તે સમયે વિલનો કેટલા મુર્ખ હતા કે ફક્ત દાઢી લગાવીને અને કપડાં બદલીને આવેલા હીરોને ઓળખી શક્તા નહિ. હવે તો કોરોનાને લીધે આપણે એટલા હોશિયાર થઇ ગયા છીએ કે ફક્ત આંખો ઉપરથી સામેની વ્યક્તિને ઓળખી શકીએ છીએ. 

        આ ફિલ્મના નિર્દેશક શક્તિ સામંતાની થ્રીલર ઉપર સારી હથોટી હતી, પણ તેમને એવોર્ડ તેમણે પાછળથી બનાવેલી સામાજિક ફિલ્મો ‘આરાધના’, ‘અનુરાગ અને ‘અમાનુષ’ માટે મેળવ્યા. તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મની યાદી નહિ જુઓ ત્યાં સુધી તેમની શક્તિનો એહસાસ નહિ થાય.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED