Kaun Praveen Tambe books and stories free download online pdf in Gujarati

કૌન પ્રવીણ તાંબે?

ફિલ્મ : કૌન પ્રવીણ તાંબે?

ભાષા : હિન્દી

રનીંગ ટાઈમ : ૧૩૪ મિનિટ

ડાયરેકટર : જયપ્રદ દેસાઈ

લેખક : કિરણ યજ્ઞોપવિત

કલાકાર : શ્રેયસ તલપડે, આશિષ વિદ્યાર્થી, પરમબ્રત ચેટરજી, અંજલી પાટીલ, અરુણ નલાવડે

 

        ફર્સ્ટ ક્લાસ મેચ : ૨, કારકિર્દીની લંબાઈ : ૧૬ દિવસ. એ શ્રેણીની મેચ : ૬, કારકિર્દીની લંબાઈ : ૯ દિવસ. ટી- ૨૦ મેચ : ૬૪, કારકિર્દીની લંબાઈ: ૭ વર્ષ (આ થોડું સરખું લાગે છે!)

 

        ઉપર લખેલી માહિતી પ્રવીણ તાંબેની ક્રિકેટ કારકિર્દીની છે. એ વાંચીને સાહજિક પ્રશ્ન થાય કે કૌન પ્રવીણ તાંબે અને ફિલ્મનું નામ પણ એ જ છે. સાધારણ પિતાનો દીકરો જે ચાલીમાં રહે છે અને ક્રિકેટ રમે છે અને ફક્ત રમતો નથી તે ક્રિકેટ જીવે છે, ક્રિકેટ તેનું સર્વસ્વ છે. તેનો પહેલો પ્રેમ ક્રિકેટ છે. રણજી ટ્રોફીમાં રમવાનું સ્વપ્ન લઈને જીવેલ પ્રવીણ તાંબેને રણજી ટ્રોફીમાં છેક બેતાલીસમેં વર્ષે રમવા મળ્યું.

        એક સમય હતો જયારે હિન્દીમાં બાયોપિક પ્રકારની ફિલ્મો બહુ ઓછી બનતી, પણ હવે આ પ્રકારની પ્રાયોગિક ફિલ્મો બને પણ છે સફળ પણ થાય છે. આ ફિલ્મનું કેન્દ્ર ક્રિકેટ નહિ, પણ રણજી ટીમમાં પોતાનું સ્થાન મેળવવા અને તેની માટે ઝઝૂમનાર ક્રિકેટરની વાત છે. સફળ થયેલા ક્રિકેટરોને બધાં બહુ સારી રીતે ઓળખે છે, પણ એવા કેટલાય ખેલાડીઓ છે જે પોતાનું સ્થાન મેળવી શક્તા નથી.

        આ પહેલાં નાગેશ કુક્નૂરની ફિલ્મ ‘ઇકબાલ’ માં ક્રિકેટરનો રોલ ભજવનાર શ્રેયસ તલપડે પ્રવીણ તાંબેની ભૂમિકા બહુ અસરકારક રીતે ભજવે છે. તેની ક્રિકેટ માટેની તડપ, ઝનૂન બહુ સરસ રીતે વ્યક્ત કરે છે. કરોડો ક્રિકેટપ્રેમીઓના ભારત દેશમાં હજારો લોકો ક્રિકેટ રમે છે અને પોતાનું સ્થાન મેળવવા પ્રયત્ન કરે છે, તેમાંથી ગણ્યાગાંઠ્યા લોકોને જ પોતાનું સ્થાન મળે છે.

        પ્રવીણ તાંબેની ઉપલબ્ધી ઉપર લેખેલા આંકડાં નહીં, પણ તેણે પોતાની જીદથી મેળવેલી જીત છે. બેતાલીસમેં વર્ષે આઈ.પી.એલ. માં સ્થાન મેળવ્યું અને સાથે સારી રમત પણ દાખવીને હાઈએસ્ટ વિકેટ ટેકર પણ બન્યો હતો.

શરૂઆતમાં મીડીયમ ફાસ્ટ બોલર તરીકે તેને સફળતા મળી હતી, પણ સારા પ્રદર્શન છતાં રણજી ટીમ માટે તેને લાયક ગણવામાં આવતો નહોતો. તેના કોચ પરાડકર (આશિષ વિદ્યાર્થી) તેને સ્પીન બોલિંગ કરવાની સલાહ આપે છે, પણ તેને ગણકારતો નથી. અંતે તેને ખ્યાલ આવે છે કે સ્પીન બોલિંગથી તે વધુ સફળ થઇ શકે છે અને તે સ્પીન બોલિંગના જોરે જ તેને આઈ.પી.એલ.માં સ્થાન મળે છે. કોચના રોલમાં આશિષ વિદ્યાર્થી ચમકારો દાખવી જાય છે. પ્રવીણ તાંબેની પત્નીના રોલમાં અંજલી પાટીલ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી જાય છે. ઓસ્કાર માટે નોમીનેટ થયેલી ‘શ્વાસ’ માં મધ્યવર્તી ભૂમિકા ભજવનાર અરુણ નલાવડેના ભાગે બહુ ઓછા સીન આવ્યા છે.

ડાયરેકટર ઈમોશનલ ડ્રામા ઉભો કરવામાં સફળ થયા છે. દર્શક અંત સુધી ફિલ્મ સાથે જોડાયેલો રહે છે. ક્રિકેટ રમવા માટે જુદી જુદી નોકરીઓ કરતા પ્રવીણનું પાત્ર ક્યારેક ભાવવિભોર પણ કરી દે છે.

આ ફિલ્મમાં જો કોઈ કલાકાર વેડફાયો હોય તો પરમબ્રત ચેટરજી. રજત સન્યાલ નામના સ્પોર્ટ્સ પત્રકારની ભૂમિકા એટલી ઉભડક રીતે લખાઈ છે કે તે શા માટે પ્રવીણ સાથે નફરત કરે છે એ પણ ખબર નથી પડતી (એની ભેંસ ચોરી લીધી હોય તેમ તેને નફરત કરે છે.) પ્રવીણના પાત્ર ઉપર એટલું બધું ફોકસ કરાયું છે કે બાકીના પાત્રોને  ખીલવાનો મોકો નથી મળ્યો. અગાઉ કહાનીમાં જોવા મળેલ પરમબ્રતને વધુ સ્પેસ આપવી જોઈતી હતી.

ફિલ્મનું નકારાત્મક પાંસુ હજી એક છે. આ ફિલ્મ મૂળ તો ક્રિકેટરના જીવન ઉપર આધારિત છે, પણ ક્રિકેટનાં દ્રશ્યો બહુ પ્રભાવશાળી નથી. મોટાભાગના શોટ દૂરથી લીધા છે. ફિલ્મનું સંગીત યાદ રહી જાય એવું નથી. ફિલ્મ જોયા પછી યાદ કરવાનો પ્રયત્ન કરો તો પણ યાદ નથી આવતું.

પોતાના લક્ષ્ય માટે ઝઝુમતા રહેવું અને તે મેળવવું એવો સંદેશ આપતી ફિલ્મ એક વાર જોયા જેવી જરૂર છે. બ્રાઈટ લાઈટમાં ફિલ્માવાયેલી આ ફિલ્મનું પોસ્ટર ડાર્ક કેમ રાખ્યું છે? એ મને ફિલ્મને અંતે પડેલો પ્રશ્ન છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED