મ્યુનિખ- ધ એજ ઓફ વોર Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મ્યુનિખ- ધ એજ ઓફ વોર

મ્યુનિખ- ધ એજ ઓફ વોર – રિવ્યુ

ભાષા – અંગ્રેજી

ડાયરેક્ટર – ક્રિસ્ટીયન શોચો (ઉચ્ચારની ભૂલચૂક લેવી દેવી)

સ્ક્રીનપ્લે – બેન પાવર

મૂળ નવલકથા -  ‘મ્યુનિખ’ લેખક રોબર્ટ હેરીસ 

રનીંગ ટાઈમ – ૧૩૧ મિનિટ

કલાકાર : જેરેમી આર્યન્સ, જ્યોર્જ મેકે, જેનીસ નીવોન્હર, સેન્ડ્રા હ્યુલર, યુંલરિક મેથેસ ( કેવાં નામ છે, હાચો ઉચ્ચાર જ ખબર ન પડે)

 

        “એ મારી એકદમ નજીક હતો, સાવ એકલો, એના શ્વાસ મને સંભળાઈ રહ્યા હતા, હું મારા હાથમાં ગન અનુભવી રહ્યો હતો, પણ પણ ----“ આ ડાયલોગ ફિલ્મના એક પાત્ર પોલ વોન હાર્ટમેનના જે હિટલર માટે બોલે છે.

        આ ફિલ્મનો આધાર છે રોબર્ટ હેરીસ દ્વારા લખાયેલ બીજા વિશ્વયુદ્ધના ઘટનાઓ ઉપર આધારિત કાલ્પનિક નવલકથા ‘મ્યુનિખ’. ૭ માર્ચ ૧૯૫૭ માં ઇંગ્લેન્ડના નોટીગહેમમાં જન્મેલા આ લેખકે પોતાની કારકિર્દી પત્રકાર તરીકે કરી. શરૂઆતમાં નોન-ફિક્શન લખતા, પણ ૧૯૯૨માં તેમણે લખેલી ફિક્શન નવલકથા ‘ અલ્ટરનેટીવ હિસ્ટરી ફાધરલેન્ડ’ આવતાની સાથે જ બેસ્ટ સેલર બની ગઈ. ત્યારબાદ તેમણે તેમણે અનેક નવલકથાઓ લખી એનીગ્મા, આર્કએન્જલ, પોમ્પાઈ, ઈમ્પેરીયમ, ધ ઘોસ્ટ, લસ્ટ્રમ, ફીયર ઇન્ડેક્સ, એન ઓફિસર એન્ડ અ સ્પાય, ડીકટેટર, કોન્કલેવ, મ્યુનિખ, સેકન્ડ સ્લીપ, વી-૨.આમાંની મોટાભાગની બેસ્ટ સેલર બુક્સમાં સ્થાન પામી છે.

        આ ફિલ્મમાં બીજું વિશ્વયુદ્ધ શરુ થયું એ પહેલાંના ૧૯૩૭ માં થયેલા મ્યુનિખ એગ્રીમેન્ટના સમયનો ઘટનાક્રમ દર્શાવ્યો છે. આ એગ્રીમેન્ટ જર્મની, ઇંગ્લેન્ડ, ઇટાલી અને ફ્રાંસ વચ્ચે થયું હતું, જેના મૂળમાં ચેકોસ્લોવાકિયાનો સ્ટડનલેન્ડ પ્રદેશ હતો. આ ફિલ્મ બે મિત્રોના દ્રષ્ટિકોણથી કહેવાઈ છે. એક અંગ્રેજ હ્યુજ લેગટ અને બીજો જર્મન પોલ વોન હાર્ટમેન.

        તે બંને સાથે ઓક્સફોર્ડમાં ભણ્યા હોય છે અને ત્યારબાદ મ્યુનિખ એક જ વખત મુલાકાત થઇ હોય છે, જ્યારે બંને એકબીજા સાથે દ્રષ્ટિકોણને લીધે ઝગડી પડ્યા હોય છે. ચર્ચા સમયે લેગટ હિટલરનો વિરોધ કરે છે અને હાર્ટમેન હિટલરના સમર્થનમાં ઉભો રહે છે.

        તે ઘટના પછી બંનેની મુલકાત છેક ૧૯૩૭ માં થાય છે, જ્યારે લેગટ મ્યુનિખ આવી રહેલ ડેલીગેશનમાં બ્રિટીશ વડાપ્રધાન નેવિલ ચેમ્બરલીનના સેક્રેટરી તરીક સામેલ હોય છે અને હાર્ટમેન દુભાષિયા તરીક આવેલો હોય છે, પણ આ વખતે ચિત્ર બદલાયેલું હોય છે. જે હાર્ટમેન હિટલરને પસંદ કરતો હોય છે તે હિટલરને રોકવા માગે છે અને તે માટે તેનું ખૂન કરવા માટે પણ તૈયાર છે. ડેલીગેશનમાં લેગટ આવે તે માટેની ગોઠવણ પણ તેણે જ કરી છે.

        એક પ્રદેશને લઈને યુદ્ધની નોબત આવી છે અને તેને ટાળી શકાય તે માટે બ્રિટીશ વડાપ્રધાન કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે અને તેથી જ તે મ્યુનિખ કરાર માટે તૈયાર થઇ જાય છે. હાર્ટમેનનું કહેવું છે કે આ કરાર સફળ થાય તો યુદ્ધ થોડા સમય માટે ટળશે, પણ જો હિટલર સત્તા ઉપર રહેશે તો યુદ્ધ એટલ છે. તેથી કરાર ઘોંચમાં પડવો જોઈએ, જેથી હિટલરનું અસલી સ્વરૂપ દુનિયા સામે આવી જાય.

        શું તે મિત્રો આ કામ કરી શકે છે? શું શરુ છે બ્રિટીશ વડાપ્રધાન ચેમ્બરલીનના મનમાં? હિટલર શું વિચારે છે? આવા અનેક પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી રહી.

        જર્મન ડાયરેકટર શોચોની આ પહેલી મોટી ફિલ્મ છે, આ પહેલાં તેમણે ટીવી માટે ફિલ્મો અને સીરીઝ બનાવી છે. આ ફિલ્મમાં તે માછલીની આંખ વીંધી શકયા છે. તેમણે બહુ જ સરસ ઐતિહાસિક ફિલ્મ બનાવી છે. ૧૯૩૭નું વાતાવરણ સરસ રીતે દર્શાવ્યું છે.

        એક્ટિંગને મામલે જોઈએ તો દરેક કલાકારે પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. જેરેમી આર્યન્સને છોડી દઈએ તો બાકીના કલાકારો પ્રમાણમાં નવા છે અને ઘણાબધા કલાકારો જર્મન છે. ફિલ્મમાં બહુ જ ઓછા સમય માટે દેખા દેતા હિટલરના રોલમાં યુંલરિક મેથેસ પ્રભાવિત કરે છે. હિટલરના પાત્રમાં તેણે પ્રાણ પૂરી દીધા છે. શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર થયેલા બ્રિટીશ વડાપ્રધાનના રોલમાં સંપૂર્ણ ફિલ્મમાં જેરેમી આર્યન્સ છવાઈ જાય છે. જેરેમીને આપણે બેટમેન સીરીઝની ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ.  

        સૌથી વધુ કમાલ જેનીસ નીવોન્હરે પોલ વોન હાર્ટમેનના રોલમાં. તેની તડપ, તેની તકલીફ  પડદા ઉપર આબાદ ઝડપાઈ છે.

        ફિલ્મનું મહત્વનું પાંસુ છે તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક. થ્રીલર ફિલ્મની અનુસાર બહુ જ સરસ રીતે સંયોજન કર્યું છે. દરેક ક્ષણે ઉત્કંઠા વધતી રહે છે.

        એક નાના અને મહત્વના રોલમાં ભારતીય મૂળની અંજલી મોહીન્દ્રા પણ અહીં જોવા મળે છે.

        બહુ જ સુંદર અને માણવાલાયક ફિલ્મ છે. મીસ કરવા જેવી નથી.

 

જ્યોતિન્દ્ર મહેતા