ગુણવંતભાઇ સવારથી ખેતરે પહોંચી ગયાં હતાં અને ભાગીયા બુધાને અને અન્ય માણસો રોકીને ખેતરમાં પૂળા અને અનાજ વગેરે રાખવાનાં મકાનની સાફસૂફી કરાવી રહ્યાં હતાં એમણે પ્લમ્બર, કડીયો, ઇલેક્ટ્રીશયન વગેરે એજન્સી એનાં કારીગરોને બોલાવી લીધાં હતાં.
વસુધા- ભાવેશ- સરલા પણ પાછળથી ત્યાં આવી ગયાં હતાં. વસુધાએ સુરેશભાઇએ જે પ્લાન આપેલો ડેરીમાં વ્યવસ્થા કરવા અંગે એનો અભ્યાસ કરીને એજન્સીઓને સમજાવી રહી હતી.
ભાવેશકુમાર રોડ ઉપર પડતાં ખેતરમાં મોટો ગેટ મૂકાવવાનાં અને વાહનોને આવવા જવામાં અગવડ ના પડે એ માટે કપચી-ગ્રીટ વગેરે કેવી રીતે નંખાવવા એનું આયોજન કરી રહ્યાં હતાં.
સરલાએ વસુધાને કહ્યું “આ લોકોને જરૂરી સામાન મંગાવવાનો એની શું વ્યવસ્થા છે ?” વસુધાએ કહ્યું ‘એનો એસ્ટીમેટ ત્થા સામાનની યાદી મળી ગઇ છે અને એનું કામ એમનાં ખાસ મિત્ર કરસનભાઇને કરી દીધુ છે. વળી રમણભાઇ એમનાં ડ્રાઇવર સોરી ભત્રીજાને બકુલને રોકીને રસ્તા માટે ત્થા મકાનની આસપાસ માટી પુરાણ કરાવવાનું કહી દીધુ છે મેં કરસનભાઇને કહ્યું છે જ્યાં જરૂર પડે ત્યાં ભાવેશકુમારને સાથે રાખે...”
સરલાએ કહ્યું “વાહ તારું વ્યવસ્થાતંત્ર બધુંજ જોઇ રહ્યુ છે મને તો એટલો આનંદ છે કે ખરા સમયે ભાવેશ આપણી સાથે અને મદદમાં છે.”
વસુધાએ કહ્યું “સરલાબેન જ્યારે સારું થવાનું હોય ત્યારે ઇશ્વરનાં રૂપમાં માણસો મદદમાં આવી જાય છે ભાવેશકુમારનો જેટલો આભાર માનું એટલો ઓછો છે”. ત્યાં ગુણવંતભાઇએ કહ્યું “દીકરા મને લાગે છે અઠવાડીયા દસ દિવસમાં તો મોટાભાગનું કામ નીપટાવી લઇશું. કોઇ ચિંતાની બાબત નથી.”
વસુધાએ કહ્યું “પાપા, આ બધાને પેમેન્ટ કરવાનું થશે આપણે જે મૂડી તૈયાર રાખી છે એનાંથી વધારે થયું તો અમારી પાસે જે FD છે એ તોડીને પુરી કરીશું.”
ગુણવંતભાઇએ કહ્યું “વસુ દીકરા કોઇ ચિંતા ના કરીશ બધું થઇ જશે. આપણાં દૂધનાં પૈસા છ મહીનાનાં મંડળીનાં જમા છે. હાલ એવી કંઈ જરૂર નહીં પડે એ બેંકમાં મૂકેલી FD આકુ માટે સાચવી રાખી છે અને દરેક બીલની ચૂકવણી વેગરેનો હિસાબ માત્ર તારેજ જોવાનો છે એની નોંધ, બીલોનું ફાઇલમાં રાખશું અને બધી નજર તારે રાખવાની છે એ જવાબદારી તને સોંપું છું મને ખબર છે ખૂબ મોટી જવાબદારી છે પણ....”
વસુધાએ કહ્યું “પાપા જવાબદારી હવે મારાં માટે એક પુરસ્કાર છે મને એનો બોજ કદી નહીં લાગે એક એક પૈસાનો હિસાબ સુવ્યવસ્ત રીતે રાખીશ બસ આપણે બધાં સાથમાં છે પછી શું ચિંતા...?”
ગુણવંતભાઇએ બંન્ને દિકરીઓ વસુધા અને સરલાને વ્હાલથી બાથમાં લઇને આશીર્વાદ આપ્યાં એમની આંખો ભીંજાઇ ગઇ....
**************
આમને આમ બધાં કામ કરવામાં વ્યવસ્થા ઉભી કરવામાં 10 દિવસ નીકળી ગયાં. મોટા ભાગનું કામ પૂરું થઇ ગયું હતું. આજે પૂજનનો દિવસ ઉગ્યો સવાર સવારમાંજ આંગણે જીપ આવીને ઉભી રહી એમાંથી પુરષોત્તમભાઇ, પાર્વતીબેન, દુષ્યંત અને નાથાકાકા ઉતર્યા.
વસુધા બહાર દોડી આવી એનાં માં પાપાને પગે લાગી, નાથુકાકાને પગે લાગી આશીર્વાદ લીધાં અને દુષ્યંતને ગળે વળગાવી વ્હાલ કરતાં પૂછ્યું “ભાઇ તારી પરીક્ષા કેવી ગઇ ? આ બધાં કાર્યમાં તારી સાથે ફોન પર 2-3 વાર વાત થઇ બસ”.
દુષ્યંતે કહ્યું “દીદી મસ્ત પેપર ગયાં છે નિશ્ચિંત રહેજો ફર્સ્ટ કલાસમાંજ પાસ થવાનો એ નક્કી”. વસુધા હસીને બોલી “વાહ સરસ...” બધાં ઘરમાં આવ્યાં.
નાથાકાકાએ કહ્યું “વસુ તારાં પિતાજીનો ફોન આવેલો કે તું અહીં ડેરી ઉભી કરી રહી છું. એટલે ખાસ આવ્યો છું પશુપાલન અને એ અંગે કરવા વધુ દૂધ ઉત્પાદન થાય એની માહીતી બધી આપીશ.”
ગુણવંતભાઇએ કહ્યું “તમારો ખૂબ ખૂબ આભાર તમે માહિતી અને આશીર્વાદ આપો છોકરાઓ ખૂબ મહેનત કરી રહ્યાં છે.”
નાથાકાકાએ કહ્યું “અમારા જુનાગઢ યુનીવર્સીટી તરફથી હમણાં આણંદ કેન્દ્રમાં જ છું એટલે મને સરળ પડ્યું અને તારાં પાપા સાથે તો મારો વર્ષોનો સંબંધ છે એ સંબંધનું ઋણ ઉતારવાજ આવ્યો છું.” પુરુષોત્તમ ભાઇએ કહ્યું. “નાથાભાઇ એ ઋણ નહીં આપણો પ્રેમ છે અને તમારી પાસે જે જ્ઞાન અને અનુભવ છે એ કોઇ પાસે નથી.”
નાથાકાકાએ કહ્યું “મારો જીવ આ અબોલ પશુઓમાંજ પરોવાયો છે. મને જાણ છે વસુધા લગ્ન પછી આપણી લાલીને અહીં લાવી છે કેમ છે લાલી ?”.
વસુધાએ કહ્યું “લાલી ખૂબ મજામાં છે અહીં સુખી છે એને વાછરડી આવી છે એય 6 મહિનાની થવા આવી. પછી તમને મુલાકાત કરાવું પહેલાં ચા-નાસ્તો કરો પછી ખેતરે પણ જઇશું.”
સરલા ત્યાં ચા નાસ્તો લઇને આવી. ભાવેશકુમાર દિવાળી ફોઇ, ભાનુબેન-પાર્વતીબેન બદા રસપૂર્વક બધી વાતો સાંભળી રહ્યાં હતાં.
ચા-નાસ્તો પરવારીને નાથાકાકાએ પૂછ્યું “બેટા તારી દીકરી ક્યાં ?” દિવાળી ફોઇએ કહ્યું “એ રમે હું લાવું” એમ કહીને રૂમમાં રમતી આકુને લઇ આવ્યાં.
નાથાકાકાએ ખીસામાંથી 100 ની નોટ કાઢી આકુનાં માથે ફેરવીને એનાં હાથમાં મૂકી આકુતો ખુશ થઇ ગઇ અને નોટને જોઇ રમવા લાગી.
ભાનુબહેને કહ્યું “ભાઇ પૈસાની નહીં આશીર્વાદ જરૂર છે તમારાં જેવા ગુણીનાં આશીર્વાદ પૂરતાં છે.”
નાથાકાકાએ કહ્યું “મારી હેસીયતનાં શુકન કરાવું છું એ પૈસા નથી આશીર્વાદ જ છે આજે ભાણીને પહેલીવાર જોઇ એનું મોં જોયું તો ચૂકવવું પડે.” એમ કહીને હસ્યાં.
ભાવેશકુમાર અને સરલા એકબીજા સામે જોઇ રહેલાં અને આંખમાં ને આંખમાં કંઇક વાત કરી લીધી.
વસુધાએ કહ્યું “કાકા આવો લાલી અને એની વાછરડી બતાવું.” એમ કહી વાડામાં દોરી ગઇ અને બધાં પાછળ પાછળ વાડામાં ગયાં. ભાવેશકુમાર અને સરલાએ તક ઝડપીને કંઇક વાત કરી લીધી અને....
આગળ આવતા અંકે - પ્રકરણ-74