વિશ્વ અને રાશિ વાતોમાં વ્યસ્ત બન્યાં. પહેલા એકબીજા સાથે પોતપોતાની ઔપચારિક વાતો ચાલુ રાખી પછી આચાર્ય પ્લાસ્ટોની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યના વિકાસ વિશેના રાશિના વિચારો વિશ્વ પાસે જાહેર કર્યાં. આગળ ઉપર આચાર્ય પ્લાસ્ટોની અન્ય શહેરમાં પણ બ્રાન્ચ અને ફેક્ટરીનાં ડેવલપમેન્ટ માટે કેટલીય ચર્ચા વિચારણાઓ બંને વચ્ચે થઈ. ધંધાકીય બાબતોની વિશ્વની સુઝ જોઈ રાશિ તેનાથી ખાસ્સી પ્રભાવિત થઈ ગઈ. વળી વિશ્વ તો આ બ્યુટી વિથ બ્રેઇનનાં પ્રભાવમાં ફક્ત તસવીર જોઈને જ હતો અને હવે તો તેણે નક્કી કર્યું કે જો લગ્ન કરીશ તો રાશિ સાથે! બાકી બીજી કોઈ સ્ત્રી હવે વિશ્વનાં મનોવિશ્વમાં પ્રવેશ નહીં કરી શકે.
વિશ્વએ એ પણ નોંધ્યું કે ઓફિસમાં રાશિનું ખૂબ જ પ્રભુત્વ છે એટલો મોટો ઓફિસ સ્ટાફ છતાં ક્યાંય કશી કોઈ પણ જાતની ખામી વિશ્વની નજરે ન ચડી. ધંધાકીય બાબતોની ચર્ચા કરતી વખતે રાશિનું વલણ પણ એકદમ પ્રોફેશનલ બની જતા વિશ્વ તેને આશ્ચર્યથી તાકી રહ્યો. એક ચોવીસ વર્ષની યુવતી એકલે હાથે આટલો મોટો બિઝનેસ સંભાળી રહી છે તે જોઈને વિશ્વને ખૂબ જ આચરજ થઈ રહ્યું હતું. બંનેની વાતચીત દરમિયાન વચ્ચે કોલ્ડ્રીંક્સ પણ આવી ગયું. રાશિ એ માત્ર લીંબુ પાણી જ લીધું. વિશ્વએ રાશિની દરેક છટા જોઈને વધુને વધુ તેના તરફ ખેંચાણ અનુભવ્યું. આખરે અનેક ગંભીર બાબતોની ચર્ચા વિચારણા પછી વિશ્વએ તેનું ટિપિકલ સ્માઈલ વેરી કહ્યું, "સો... રાશિ મારા પેટમાં તો અનેક ચૂહાઓ દોડાદોડી કરી રહ્યાં છે. શું હું ભારતમાં જ છું ને કે જ્યાં અતિથિ દેવો ભવ ગણીને તેને જમાડવામાં પણ આવે છે?" એમ કહીને તે હસી પડ્યો. આ વાત પર રાશિ પણ ખડખડાટ હસી અને કહ્યું, "સોરી... આઈ એમ રિયલી વેરી સોરી! આપણી વાતોની વચ્ચે મને સમયનું ધ્યાન જ ન રહ્યું. એક્ચ્યુલી યુ નો વિશ્વ, ઘણાં સમયથી બિઝનેસ વધુ ડેવલપ કરવાનાં હું પ્લાનમાં હતી જ પણ મને તમારા જેવા બહેતરિન
પાર્ટનરની જરૂરત હતી. સો લેટ્સ હોપ કે આપણું બિઝનેસ ડીલ જબરજસ્ત બની રહે પણ એ પહેલા હું તમને, સોરી તમારા પેલાં ચૂહાઓને જબરજસ્ત લંચ પણ આપીશ."
બંને હસતાં-હસતાં રાશિની કેબીન માંથી બહાર આવ્યાં. રાશિએ તે દરમિયાન નજર ફેરવ્યા વગર જ પ્રવેશ તરફ નજર કરી લીધી હતી. બંને પ્રવેશની નજર સામેથી લંચ લેવા માટે બહાર નીકળી ગયાં. ઘડિયાળ 2:00 વાગ્યાનો સમય બતાવતી હતી. ઓફિસમાં લંચ અવર ચાલી રહ્યો હતો. લગભગ તમામ સ્ટાફ પોતપોતાની રીતે લંચ અવર માટે નીકળી ગયા હતાં.
આજે જ પ્રવેશ પાસે ટિફિન ન હતું. તે સમજી ગયો કે આવનારી વ્યક્તિ એટલે કે વિશ્વ રાશિ માટે બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ હશે અને તેથી જ અત્યાર સુધીમાં લગભગ દરેક લંચ મિટિંગમાં પોતાને પરાણે સાથે લઈ જનારી રાશિ આજે તેની સામે નજર સુદ્ધા ફેંક્યા વગર વિશ્વ સાથે બહાર ચાલી ગઈ હતી. જોકે પ્રવેશને આ વાતથી બહુ ફરક નહોતો પડ્યો. એવો તો નહીં જ કે જેઓ રાશિએ ચાહ્યો હતો. હજુ તે બહાર જઈને લંચ કરવું કે નાસ્તો કરવો તે વિચારી રહ્યો હતો ત્યાં જ તેના મોબાઈલ પર તૃષાનું મેસેજનું નોટિફિકેશન ચમક્યું. વન બાય વન આઠ વાર નોટિફિકેશન આવતા પ્રવેશ વિચારમાં પડી ગયો કેમ કે તૃષાને બિનજરૂરી મેસેજ કરવાની કે ફોટા શેર કરવાની સામાન્ય છોકરીઓ જેવી આદત ન હતી. તેથી કંઈક જરૂરી વાત હશે તેમ માનીને પ્રવેશે તરત જ whatsapp ખોલ્યું અને તેના આશ્ચર્ય વચ્ચે રાશિ સાથે તેના જોગિંગ દરમિયાન લેવાયેલા ફોટા તૃષા તરફથી મોકલવામાં આવ્યા હતા.
પ્રવેશનું મન એક મિનિટ માટે વિચારે ચડી ગયું તો વળતી ક્ષણે તેનો દિમાગ તરત જ વાતનો તાળો મેળવવા લાગ્યો. ભૂખ દૂર ભાગી ગઈ અને તેણે તરત જ તૃષાને ઓફિસની બહાર નીકળી કોલ કર્યો. એક કલાક સુધી બંને વચ્ચે ખાસ્સી વાતચીત ચાલી. લંચ અવર પૂરો થઈ ગયો હતો. તેનું પણ પ્રવેશ ભાન ભૂલી ગયો.
રાશિ અને વિશ્વ બંને સાથે લંચ કરવા ગયેલાં પણ પાછી રાશિ એકલી જ ફરી. વિશ્વ તેની સાથે ન હતો સાથે લંચ લીધા પછી વિશ્વ છે હોટલમાં રોકાયો હતો ત્યાં રેસ્ટ કરવા જતો રહ્યો. જોકે ડિનર અને ત્યાર પછી થોડી વાર આઉટિંગ માટે રાશિ સાથે વાત કરી જ લીધેલી. રાશિનાં મનમાં એમ ચાલી રહેલું હતું કે તે આ રીતે વિશ્વ સાથે બે ત્રણ દિવસ વ્યસ્ત રહેશે અને તે દ્વારા તે પ્રવેશના મનમાં ઈર્ષાનાં બીજ રોપશે. વળી પેલી તરફ તૃષાનાં હાથમાં રાશિ સાથે આવેલા પ્રવેશનાં ફોટા તેના મનમાં આગ લગાડી ચૂક્યા હશે. તેથી તે પ્રવેશથી ઝઘડીને અથવા એમ જ જાણ કર્યા વગર દૂર થઈ જશે. બરાબર તે વખતે જ્યારે પ્રવેશ શું કરવું અને શું ન કરવું ની પરિસ્થિતિમાં હશે ત્યારે પોતે ફરી પ્રવેશ ની નજીક જઈ તેને પ્રપોઝ કરશે. પ્રવેશ ની 'હા' ને તે તૃષા સુધી પહોંચાડી તુસીનાં મનમાંથી કાયમ માટે પ્રવેશને દૂર કરી દેશે. ત્યારબાદ પછી કોઈ પણ કારણ ઊભું કરી પ્રવેશની ઓફિસમાંથી પણ કાયમ માટે હકાલ પટ્ટી કરી દેશે!
ત્યારબાદ પોતાનો શિકાર હશે વિશ્વ, રાશિ સ્વગત બબડી.. 'હા મિસ્ટર વિશ્વ મહેતા તમે શું માનો છો? રાશિ આચાર્ય કોઈ સામાન્ય છોકરી છે, કે જે તમારા એનઆરઆઈ વ્યક્તિત્વથી અંજાઈને તમને પ્રેમ કરી બેસે? નો... નેવર ....રાશિ છું હું રાશિ આચાર્ય! આચાર્ય પ્લાસ્ટોની માલિક..! સ્ત્રીને પટાવવાના પુરુષના નખરાઓને જોઈ અને પછી તેને નકારી દેવા એ હું કરીશ. હું ક્યારેય શોભા નહીં બનું.
અને પછી મા... ફૂલદાનીના ઘા ને કારણે ફર્સ પર લોહી વહી જતી હાલતમાં મા, પોતે કશું ન કરી શકવાની લાચાર સ્થિતિએ પાસે ઊભેલી રડતી, વલખતી, પારકી સ્ત્રી સાથે અય્યાશી કરતાં બાપના બંધ રૂમના દરવાજાને ખખડાવતી રાશિ... તરુણ રાશિ...! રાશિ ની નજર સમક્ષ આવી ગઈ ને રાશિની આંખો તગતગી ગઈ!
ક્રમશઃ...
જાગૃતિ, ઝંખના મીરાં..