"મી. શર્મા, હાઉ ડેઅર યુ ટુ કમ લેઈટ એટ ઓફિસ ફોર થ્રી મિનિટ્સ? તમે ઘરે જઈ શકો છો. આજે તમારી લીવ ગણાશે. ઓફિસનો રૂલ છે કે જો તમારી આવી લીવ બાર થશે તો તમે કાયમી લીવ પર જતાં રહેશો. આઈ થિન્ક આ તમારી ત્રીજી લીવ છે. સો બી અવેર. યુ મે ગો નાઉ!" રાશિએ એકદમ સપાટ અવાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો.
"યસ મેમ..." મી. શર્મા બોલ્યા.
ઓફિસનાં જ નહીં આખી ફેક્ટરીનાં કોઈ કર્મચારીની તાકાત ન હતી કે તેઓ રાશિ આચાર્ય સામે એક હરફ પણ ઉચ્ચારી શકે. ઓફિસનાં બાકીનાં કર્મચારીઓ રાશિની એટલી ધાક હેઠળ હતાં કે તેની કેબિનની બહાર નીકળેલાં પેલા હારેલ યોદ્ધા જેવાં સહ કર્મચારીની સામે એક સહાનુભૂતિની નજર સુદ્ધા ન નાખી શકતાં!
*****
"ખબરદાર, જો મારી વાતમાં સ્હેજ પણ દખલગીરી કરી છે તો..મારાથી ખરાબ માણસ કોઈ નથી એ સમજી લેજે શોભા! તને એમ હોય કે તું તારા આંસુથી મને પીગળાવી દઈશ તો એ તારી ભૂલ છે. બહેતર રહેશે કે જો તું તારી ઔકાતમાં રહે." રાજેશે લગભગ દરેક વાક્ય ત્રાડ પાડી કહ્યું. સિંહનાં પંજાની નીચે દબોચાયેલ મૃગલીની જેમ રાજેશનાં ખરબચડા હાથની આંગળીઓ અને અંગૂઠાએ શોભાનાં ગાલ દબોચ્યાં હતાં. શોભાનાં રૂપાળા ગાલ પર લાલ નિશાન ઉપસી આવ્યાં.
"રાજેશ, મને કહો તમે કે મારામાં શું ખામી છે? આપણી દુનિયામાં શું કમી છે. ચાંદ જેવી દીકરી છે આપણી. હું આજે પણ ...." શોભાની કાકલૂદી બેરા કાને અથડાય ને એક હડસેલા રૂપે પાછી ફરી.
રાજેશ દરવાજો પછાડીને બહાર નીકળી ગયો. તેને ખબર ન હતી કે દરવાજાની બહાર બે ભોળી આંખો ભીંત પર ગભરુ ગરોળીની જેમ ચીપકી માતા-પિતાની દલીલોને અંદર પી રહી છે.
*****
શિક્ષણ હવે એક સરસ વ્યાપાર બની ચૂક્યો છે. વિદ્યાદાનની ઠેર-ઠેર ખૂલ્લી હાટડીઓ લાખો ડીગ્રી ધારક બેરોજગારો સર્જી રહી છે.
એટલે જ સરકારી જ નહીં પણ પ્રાઈવેટ કંપની કે કોઈ પણ ફર્મમાં વેકન્સી કરતાં અનેક ગણી અરજીઓ અનેક આશાઓ સાથે આવી પડે છે.
'આચાર્ય પ્લાસ્ટો'નાં નામથી પ્લાસ્ટિકની વસ્તુઓનાં ઉત્પાદનમાં અગ્રગણ્ય નામ ધરાવતી ત્રણ ફેક્ટરીઓની સર્વેસર્વા રાશિ આચાર્યનાં ટેબલ પર એપ્લિકેશનનો ઢગલો પડ્યો હતો. રાશિ એક-એક અરજીનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી. એક જ જગ્યા માટે આવેલી બસો અરજીઓમાંથી આખરે તેની ચબરાક નજરે વીસ પસંદ કરી. જોકે વીસ એ માત્ર દેખાવ હતો. હકીકતે એક નામ તેની આંખો આગળ રમી રહ્યું હતું. ' પ્રવેશ પંડ્યા'. એકદમ સોહામણો આ યુવાન ચહેરો રાશિને ગમી ગયો. તેણે મનોમન કશુંક વિચાર્યું અને પછી પ્રવેશનાં મોબાઈલ નંબર રાશિનાં મોબાઈલ નંબરનાં લિસ્ટમાં પ્રવેશી ગયાં. એક શરારતી સ્મિત તેનાં ખૂબસુરત ચહેરા પર રમી રહ્યું.
*****
"શોભા, ઊભી થઈ જા. જિંદગી આમ સાવ મડદાલની જેમ જ કાઢી નાખી. કોઈ તરવરાટ છે તારા ચહેરે? શુષ્કતા સિવાય તારી પાસેથી કોઈને કશું ન મળે. જોઈ આવ મારી ઓફિસમાં જેટલી લેડીઝ કામ કરે છે, એની ડ્રેસિંગ સેન્સ કેવી છે. એડવાન્સ હેયર કટ કરી તેને કેવાં મેઇન્ટેઇન કરે છે." રાજેશ શોભાને થાય એટલી અપમાનિત કરતો રહ્યો.
શોભાનાં મોઢેથી તૂટક શબ્દો નીકળ્યાં," મારી તબિયત...મને તાવ..."
"જસ્ટ શટઅપ, તારી આ રોજની નૌટંકી બંધ કર. મારા ફ્રેન્ડસ આવી રહ્યાં છે ડિનર માટે. ઝપાટાભેર એમનાં માટે કશુંક બનાવ. એક કલાક પછી તેઓ આવશે અને હા..કોઈ ઢંગનો ડ્રેસ પહેરી તૈયાર થઈ જજે. આખરે મારું કોઈ સ્ટેટસ છે જે તારા ગમારપણાંને કારણે નીચું ન ઉતરવું જોઈએ." રાજેશે લગભગ બરાડતાં શોભાને ધમકાવી.
"રાજેશ, મારામાં તા..કા..ત..નથી કે...હું...હું..ઊ...ભી.." ને વહેતી આંખોએ શોભા ઊભી થવાં ગઈ ને રાજેશનાં પગમાં જ ફસડાઈ પડી. તે પગેથી શોભાને હડસેલો મારી બબડતો ચાલ્યો ગયો.
પીડાથી કણસતી શોભા તરડાઈ ગયેલાં હોઠ પર જીભ ફેરવી મીંચાતી જતી આંખોએ "પા..ણી..."બોલી શકી. બાપનાં નિર્દયી વલણથી હતપ્રભ દિવાલની આડશે લપાયેલ ભીરુ દીકરી દબાતાં પગલે અંદર આવી અને કણસતી, રખરખતી માને પાણીનો ગ્લાસ આપ્યો.
"મમા, પાણી પી લે. આંખો ખોલ મમા...તું બહુ ગરમ-ગરમ લાગે છે. મમા, દવા લઈ લેને..." એક અબૂધ ડૂસ્કું આટલું બોલવા સુધી માંડ અંદર સંઘરાયેલ રહ્યું. પછી તે ડચકાં લેતું વહેવા માંડ્યું.
શોભાનાં ગરમ હાથ પર ગરમ આંસુની એક બુંદ ખરી ને એમાં રહેલો દીકરીનો લાચાર સ્નેહ એક માની મમતાને જગાડી ગયો. તેનામાં શક્તિ સંચાર થયો ને તેણે ઈશારાથી દવા બતાવી . દીકરીએ પાણીનો ગ્લાસ અને દવા માને એમ ખવડાવી જાણે એ મા હોય!
ત્યાં બૂટનો જાણીતો પગરવ સંભળાયો. એ રડતી, ડરતી, ફફડતી ત્યાંથી ભાગવા લાગી.
જાગૃતિ, 'ઝંખના મીરાં'