એક ચાહત એક ઝનૂન - ભાગ 14 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાહત એક ઝનૂન - ભાગ 14

સતત ત્રણ દિવસ સુધી રાશિએ પ્રવેશ સાથે આવું નાટક ચાલુ રાખ્યું. સવારના ઓફિસ ચાલુ થાય ત્યાં જ થોડીવારમાં વિશ્વની એન્ટ્રી થઈ જતી. ક્યારેક તો બંને સાથે જ ઓફિસે આવતાં અને પોતાનાં સ્વભાવથી વિરુદ્ધ રાશિ ઘણીવાર ઈરાદાપૂર્વક ઓફિસે અડધી કલાક મોડી પણ આવવા લાગી. ત્યાર પછી બંને કલાકો સુધી કેબિનમાં વ્યસ્ત રહેતાં. વિશ્વ તે દરમિયાન રાશિની વધુને વધુ નજીક આવવાની કોશિશ કરતો. જ્યારે રાશિ એક સલામત અંતર રાખીને વિશ્વને અવઢવમાં રાખતી. તો વળી આ તરફ પ્રવેશને ઉશ્કેરવાનો પૂરો પ્રયત્ન પણ કરતી. જાણી જોઈને પ્રવેશને અમુક સમયે કેબિનમાં બોલાવતી પણ ખરા અને મિત્રને બદલે માત્ર કર્મચારી હોય તેવું વર્તન કરી પ્રવેશને બાળવાનો પ્રયત્ન કરતી!

પ્રવેશ આ દરેક ક્રિયા તરફ કોઈપણ પ્રતિક્રિયા આપવાનું ટાળતો. રાશિને આ જોઈને આશ્ચર્ય પણ થતું તે પ્રવેશના મોઢા પરના નિર્લેપ આવો જોઈને વિચારમાં પડી જતી. તો વળી હાલ પૂરતું વિશ્વનું પોતાની વધારે પડતું નજીક આવી જવું પણ યોગ્ય નથી તેમ માનીને તે પોતાનું વર્તન સીમિત રાખતી.

ત્રણ દિવસ વિશ્વ સાથે લંચ, ડિનર શહેરનાં જાણીતા સ્થળોની મુલાકાત, બિઝનેસ મીટીંગો અને તે દરમિયાન પ્રવેશની અવગણના... આ બધું કર્યા પછી બાજી પોતાના હાથમાંથી સરી ન જાય તે હેતુથી રાશિએ વહેલી તકે પ્રવેશને ફરી એક વાર પોતાના તરફ આકર્ષવાના ભાગરૂપે વિશ્વ સાથે એક આશ્રમની મુલાકાતનાં બહાને એક દિવસ માટે દૂરનાં શહેર જવાનું નક્કી કર્યું પણ પછી પોતે તબિયત ખરાબ હોવાનું બહાનું કરી તેની સાથે ન ગઈ. પોતાના તરફથી વિશ્વને એ ગમતી જગ્યાની, એ આશ્રમની મુલાકાતથી માંડી એક રાતના રોકાણ સુધીની બધી વ્યવસ્થા કરી તેને એકલાને જ ત્યાં રવાના કરી દીધો.

વિશ્વને તેમાં કશું અજુગતું પણ ન લાગ્યું કેમકે તે આશ્રમ આમ પણ સ્ત્રીઓની મુલાકાત માટે ખાસ યોગ્ય ન હતો. તેથી વિશ્વ ખુદ ઇચ્છતો જ હતો કે જે આધ્યાત્મિક જ્ઞાન તેને ત્યાના મહંત પાસેથી જોઈએ છે, જે સંસ્કૃતિની સમજ તેને ત્યાંથી મેળવવી છે તેમાં રાશિની હાજરીને કારણે પોતાને પણ થોડો સંકોચ થશે. તેથી તેણે કોઈપણ આનાકાની વિના રાશિ વગર પણ ત્યાં જવાનું સ્વીકારી લીધું.

વિશ્વ હજુ માંડ શહેરની બહાર નીકળ્યો હશે કે આ તરફ રાશિએ તરત જ પ્રવેશને કોલ કર્યો કે તે પ્રવેશને ઓફિસની બહાર કોઈ જગ્યાએ મળવા માંગે છે. પ્રવેશ તરત જ મળવા તૈયાર થયો તેના ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું. તે જાણે આ સ્થિતિ માટે પહેલેથી જ તૈયાર હતો તેમ તેણે ફક્ત એટલું જ પૂછ્યું કે તેને ક્યારે અને ક્યાં આવવાનું છે? રવિવાર હોવાથી જાહેર સ્થળોની ભીડ રાશિ મેમના સ્ટેટસને અનુકૂળ નહીં આવે. તેમ વિચારીને પ્રવેશે ખુદ જ શહેરથી દૂર એક મંદિરે જવાની વાત મૂકી. રાશિએ તે તરત સ્વીકારી લીધી. ફોન મૂકીને રાશિએ તેની સહેલીઓ બીની હેતા અને રિયાને મેસેજ કર્યો. પ્રવેશને મળવાનો હતો તે સમયથી અડધી કલાક પછી નો સમય તે જ મંદિરે આવવા માટેનો કહ્યો. ઘણા સમય પછી એટલે કે તૃષાનાં ગયા પછી લગભગ કોઈને કોઈ કારણથી પાંચે બહેનપણીઓની રવિવારની મુલાકાતો લગભગ બંધ હતી. તેથી કોઈએ ના ન પાડી. આ બધાને બોલાવી રાશિ બધાંની હાજરીમાં જ પ્રવેશને પોતાની સામે નબળો પડતો બતાવી દેવા માંગતી હતી. બાલ્યાવસ્થામાં મા પર થયેલ એક-એક જુલમની મૂક સાક્ષી એવી રાશિની પીડાઓ આ રીતે એક એવાં અજીબ ઝનૂન રૂપે બહાર આવી હતી કે તે ખુદ સમજી નહોતી શકતી કે તે શું કરી રહી છે! તે એક માનસિક રોગથી પીડાતી હતી જેની ન તો કોઈ બીજાંને ખબર હતી ન તેને ખુદને!

આ તરફ પ્રવેશ આ વખતે પોતાનાં ઈરાદામાં મક્કમ હતો. તેણે નક્કર પરિણામ તરફ વાતને પહોંચાડી દેવી હતી. તેણે રાશિને મળવાં જતાં પહેલાં એક કાગળ તૈયાર કર્યો. પછી એક ઊંડો નિઃસાસો નાખી કાગળ કવરમાં પેક કર્યો. ત્યારબાદ તેણે તરત એક નંબર ડાયલ કર્યો. જેની રિંગટોન તૃષાનાં મોબાઈલ પર પ્રવેશ કૉલિંગ....નામે વાગી રહી!

વિશ્વ આશ્રમની મુલાકાતે આવેલાં મનોચિકિત્સક ડોકટર જતીન સાથે ઘણી વાતો કરી રહ્યો હતો. તેમનાં દરેક પ્રશ્નોનાં પોતાને ખબર હતી એટલાં જવાબ દઈ રહ્યો હતો. જ્યારે પોતાને ન ખબર હોય તેવી કોઈ માહિતીની જરૂરિયાત પડે ત્યારે તે એક કૉલ પર વાતચીત કરી લેતો હતો. તેને સામે છેડેથી બીની પાસેથી દરેક વાતનાં સંતોષકારક જવાબ મળી રહેતાં હતાં.

ક્રમશઃ...
જાગૃતિ, 'ઝંખના મીરાં'...