JIvanni dhyey kadi vicharyo chhe books and stories free download online pdf in Gujarati

જીવનનો ધ્યેય કદી વિચાર્યો છે ?

      જીવન તો બધાંય જીવી જાય છે, પણ એ જીવન શું કામનું કે જેનો કોઈ ધ્યેય ના હોય ?! જીવનનો ધ્યેય શું છે ? કદિ એના વિશે વિચાર્યું છે ? સમજણા થયા ત્યારથી જ લોકોના કહ્યાથી કે જોઈ જોઈને માનવી ઘણાં ધ્યેય નક્કી કરતો જાય છે. જેમ કે ખૂબ ભણવું છે, ખૂબ પૈસા કમાવા છે, લગ્ન કરવાં છે, છોકરાં ઉછેરવા છે, તેમને પરણાવવા છે, છોકરાંને છોકરાં થાય, તેમને ય ઉછેરીને પરણાવવા છે. પછી ? પછી નિરાંતે પ્રભુનું નામ લઈશું ! આમ ભૌતિક ધ્યેય માનવ નક્કી કરતો જાય છે ને તેની પાછળ પડી મહદ્ અંશે એમને મેળવતો પણ જાય છે. પણ કદિ અધ્યાત્મનો ધ્યેય નક્કી કર્યો છે ? પ્રભુનું નામ લઈશું, પણ શાના માટે ? શું મેળવવા માટે ? એ વિશે કદિ વિચાર્યું ? મોટે ભાગે જવાબ ‘ના’ માં જ મળે છે.

      ગમે તેટલી ભક્તિ કરો, પ્રભુસ્મરણ કરો, ધ્યાન કરો, જપ કરો. તપ કરો, ત્યાગ કરો, ધૂન કરો પણ ધ્યેય નક્કી કર્યા વગર, સમજ્યા વગર કર્યે રાખીએ, તો તે કોના જેવું છે ? બોમ્બે સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર, આંટા માર્યા કરવા જેવું. કારણ કે પોતે નક્કી જ નથી કર્યું કે મારે કયે ગામ જવું છે ? સેંકડો ગાડીઓ આવે ને જાય પણ પોતે એકેયમાં બેસી ના શકે ! કારણ કે પોતે નક્કી જ નથી કર્યું કે મારે કયે ગામ જવું છે ? એટલે બિચારો રખડયા જ કરે, રખડયા જ કરે ! અને જેણે નક્કી કર્યું છે કે મારે આ ગામ જવું છે, તેને ત્યાં જવાનાં બધા જ સાધનો મળી આવે. રેલ્વેમાં હડતાલ હોય કે ગાડીનો એક્સિડંટ થયો હોય ને રેલ્વે વહેવાર ખોરવાઈ ગયો હોય, તો લોક શું કરે ? ત્યાં ને ત્યાં બેસી રહે ? કોઈ મુસાફરને એરપોર્ટ પર કે રેલ્વે પ્લેટફોર્મ પર ચાર-આઠ દહાડા સુધી રખડી પડ્યો હોય ને આંટા મારતો જ રહ્યો હોય એવું કદિ જોવા મળ્યું ? ગમ્મે તેવું હોય પણ ટ્રેન બંધ તો બસ, કાર કે ટેક્ષી, રીક્ષા અને તે ય ના મળે તો છેવટે ખટારામાં બેસીને ય પોતાને ઘેર પહોંચી જાય છે કે નહીં ? કેમ ? તો ત્યાં અંદર કેવી લ્હાય લાગેલી હોય છે કે મારે ઘેર પહોંચવું જ છે, ગમે તેમ કરીને. એવી લ્હાય કદિ પરમાત્માને પામવાની લાગી છે ? એવી લ્હાય લાગે તો પરમાત્માને પામ્યા વગર રહે જ નહીં. આપણને એવી લ્હાય લાગતી નથી, તેથી આ રઝળપાટ છે. નહીં તો આપણી ભાવનામાં તો એટલું બળ છે કે જ્ઞાની સામે ચાલીને ઘેર આવીને આત્મજ્ઞાન આપી જાય. પણ એવી પ્રબળ ભાવના આપણામાં કેટલી જાગી ? એની કદિ તપાસ કરી ? ક્યાં કચાશ રહી ગઈ ? તેને કદિ ખોળી ? જેને છૂટવું જ છે, સંસારના સર્વ બંધનોથી, તેને આ જગતમાં કોઈ બાંધનાર નથી અને જેને બંધાવું જ છે તેને કોઈ છોડાવનારો નહીં મળે ! માટે આપણી છૂટવાની તમન્ના પર આધાર છે.

      એક પ્રસંગ બનેલો. એક નાના ગામમાં આત્મા, આત્મપ્રાપ્તિની  મહત્તા વિષે મોટી સભામાં ખૂબ વાર્તાલાપ ને પ્રશ્નોત્તરી થયેલી. ગામના લોકો આ ઊંડી વાતો સાંભળતા હતા પણ સમજતા ન હતા. મોઢા ઉપર આ શું વાતો કરે છે એવો પ્રશ્ન તરી આવતો હતો. ઘણી ઘણી વાતો થયા બાદ એક ઘરડા કાકા ઊભા થઈને, જરા એક્સાઈટ થઈને ઊંચે અવાજે બોલવા લાગ્યા, ‘બેન, આત્માની વાત, મોક્ષની વાત તમે ઘણી કરી, પણ મોક્ષે જવાય એવો કોઈ રસ્તો છે તમારી પાસે ? તમે એ માટે કંઈ કરી શકો અમારા માટે ?’ પછી એ કાકાને કહ્યું, ‘હા, થાય એમ છે. પણ પહેલાં એ કહો કે આમાંથી કોને કોને મોક્ષે જવું છે ?’ ત્યારે એ કાકાએ કહ્યું, ‘મોક્ષે કોને ના જવું હોય ? અમારે બધાંયને મોક્ષે જવું છે. છે કંઈ રસ્તો ? પછી એ કાકાને પૂછ્યું,’ખરેખર તમારે બધાને મોક્ષે જવું છે ? તો એક કામ કરો. પહેલાં એક કાગળ પેન્સિલ લઈ લિસ્ટ બનાવો કે કોને કોને મોક્ષે જવું છે આટલામાંથી, હમણાં જ મોક્ષનું વિમાન આવે છે !!’ પછી એ કાકાએ તો કાગળ પેન લઈ બાજુવાળાને પૂછ્યું, ‘તારું નામ લખું ?’ તો પેલા બાજુવાળાએ કહ્યું, ‘ના, હમણાં નહીં, મારો દીકરાનો દીકરો પરણી જાય પછી !!!’ કાકાએ બીજાને એ જ પૂછ્યું, ત્યારે બીજાએ કહ્યું, ‘હમણાં નહીં, મારું ખેતર વેચાઈ જાય પછી.’ પછી ત્રીજાને, ચોથાને એમ કરતાં કરતાં આખી સભાને પૂછ્યું પણ કોઈ તૈયાર ના થયું. ત્યારે છેવટે થાકીને કાકાએ કહ્યું, ‘બેન, સાચી વાત છે. મોક્ષની કોઈને પડી નથી. પછી તેમને પૂછ્યું, ‘કાકા, તમને દિવસમાં કેટલી વાર મોક્ષે જવું છે, એવો વિચાર આવે છે ?’ ત્યારે કાકાએ કહ્યું, પંદર દિવસે એકાદ વાર !!!(?)

      શું મોક્ષના સાચા ખપીને પંદર દહાડે એકવાર જ મોક્ષ સાંભરે ? અરે, રાત-દહાડો મોક્ષે જ જવું છે એ જ ધ્યેય છે, બાકી બધો વ્યવહાર નિકાલી ગણે. ના છૂટકાનો કરે. આ તો ઘરડા થયા તો ય સંસારનો મોહ છૂટતો નથી. અરે, છોકરાંઓ કહે કે હવે તમે શાંતિથી પ્રભુનું નામ લો, આત્માનું કરો. હવે વેપાર ધંધામાંથી નિવૃત થઈ જાવ. તો ય બાપો ડબડબ કર્યા વિના ના રહે. વહુ રોજ કહે સાસુને, ‘બા હવે તમે મંદિરે જાવ, માળા કરો, ભક્તિ કરો, તમારું કલ્યાણ કરો, રસોડામાં માથું ના મારો, મને બધું ઘર ચલાવતાં આવડે છે,’ તો ય સાસુ આખો દહાડો કચકચ કર્યા જ કરે કે વહુ બહુ બગાડ કરે છે, છોકરાંને સાચવતાં આવડતું જ નથી. અમે તો આટલા બધાં છોકરાંઓને આમ ઉછેરતાં હતાં ને આ વળી નવી જ જાતનું કરે છે ! આમ કરતાં કરતાં છેલ્લું સ્ટેશન આવીને ઊભું રહે ને જીવન એળે ગયા જેવું થાય. કંઈ મેળવ્યું નહીં ને આ જવાબદારીઓ પૂરી કરવામાં ગઈ ને બાકીનો સમય કલેશ-કકળાટમાં ગયો. અને આવા તો અનંત (?) અવતાર ગયાં તેનું શું ? માટે ચેતો, સમજો ને સમજીને જીવન ન જીવાય તો આ ભવ તો સ્વર્ગમય જાય, પણ પરભવ પણ સુધરે. જેનો આ ભવ સુધર્યો એના આગલાં-પાછલાં બધાં ય ભવો સુધરી ગયા જાણજો !

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED