છેલ્લું પક્ષી…!  પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લું પક્ષી…! 

છેલ્લું પક્ષી…!


"તારું નામ આજથી માયા !" રોશનીએ પિંજરામાં રહેલા એક સુંદર પક્ષીને કહ્યું.


આખરે માયાને એ જગ્યાથી છુટકારો મળ્યો જેનાથી તે સૌથી વધુ નફરત કરતી હતી. જેની બહાર તે ક્યારેય પણ નીકળી ન હતી. તેણે તો એવું પણ લાગતું હતું કે તેનું મૃત્ય તે જ પક્ષીઓને વેચનાર દુકાનમાં જ થશે. તે વિચારતી હતી કે, 'આ જ નર્કમાં મૃત્યુ પામીને મને સ્વર્ગ મળશે !' પણ આજ રોશનીના કારણે તેની એ કલ્પનામાં બદલાવ આવ્યો હતો. આજે તે સૌથી વધુ સુખી પક્ષી હોવાનું માનતી હતી. તેની ખુશીનો પાર ન હતો.


માયા એ જાણતી ન હતી કે તેને જન્મ દેનાર કોણ હતું ? અથવા તો તેનો જન્મ કયાં થયો હતો ? પણ જ્યારે તે મોટી થઈ અને સમજુ બની ત્યારે તેને જાણ થઈ કે તે એક એવી દુકાનમાં છે જ્યાંથી વિશાળ કાયા વાળા પ્રાણીઓ જેના બે હાથ અને બે વિશાલ પગ હોય છે, જેને તેઓની ભાષામાં માનવી કહેવાય છે, તેઓ પોતાના જેવા નાની કાયા વાળા પક્ષીઓને ખરીદીને લેતા જાય છે. પહેલા તો માયાને તે માનવીઓથી ડર લાગતો, ત્યાર બાદ તે ડર ધીરે ધીરે નફરતમાં બદલ્યો અને ઘણા સમય બાદ તે નફરતે એક ઈચ્છાનું રૂપ લઈ લીધું. હવે તે પણ ઇચ્છતી હતી કે કોઈ આવે અને તેને ખરીદીને લઈ જાય, પરંતુ કદાચ તેની ઈચ્છા ભગવાન સુધી પહોંચતી ન હતી. આખરે ઘણા વર્ષોનો રાહ જોયા બાદ રોશનીએ ભગવાનનું રૂપ બનીને આવી અને માયાને તે ભયાનક દુકાનમાંથી ખરીદીને પોતાના વિશાળ ઘરમાં લઈ ગઈ.


"મિસ માયા, હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, રોશની." રોશનીએ માયા સાથે પોતાની વાતોને આગળ ચલાવતા કહ્યું, "હું 7 વર્ષની છું અને ત્રીજા ધોરણમાં ભણું છું. આજે હું બહુ ખુશ છું કારણ કે આજે તું મારી બેસ્ટ ફ્રેન્ડ બની છો. પણ હું તને એક વાત કરું કે, મારી બીજી પણ બેસ્ટ ફ્રેન્ડ છે અને તેનું નામ મોનીકા છે. પણ તેનાથી પણ વધારે મને તું પસંદ છો. તારું કોઈ બીજી બેસ્ટ ફ્રેન્ડ છે, માયા ?"


ત્યારે અચાનક રોશનીની પાછળથી અવાજ આવ્યો, "પક્ષીઓ વાતો કરતા નથી જાણતા !"


"પપ્પા !" બોલતા રોશની તે વ્યક્તિ તરફ દોડી.


"મને એક પ્રશ્ન છે !" રોશનીનો વિધાન સાંભળીને તેના પિતાએ હકારમાં માથું ધુણાવ્યું. આથી રોશનીએ પ્રશ્ન પૂછ્યો, "પક્ષીઓ કેમ ઓછા થઈ ગયા ? મારા સ્કૂલના મેમ કહેતા હતા કે તેઓ જ્યારે મારી ઉંમરના હતા ત્યારે આકાશમાં ઘણા પક્ષીઓ ઉડતા હતા પણ અત્યારે શા માટે નથી ઉડતા ?"


"અ…" થોડું વિચાર્યા બાદ રોશનીના પિતાએ કહ્યું, "ઘણા વર્ષો પહેલા પક્ષીઓ પોતાના મામાને ઘરે ગયા છે. ત્યાંથી થોડા પક્ષીઓ પાછા આવતા રહ્યા પરંતુ મોટા ભાગના પક્ષીઓ ત્યાં જ મામાને ઘેર રહી ગયા. આથી અત્યારે પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી."


માયા પણ આ વધુ સાંભળતી હતી. તેને રોશનીના પિતાની વાતો સાંભળીને હસવું આવ્યું. રોશની નાની છોકરી હતી આથી તેને સત્ય કહેવી અઘરું છે, તે માયા જાણતી હતી.


"પક્ષીઓ શા માટે વધુ નથી ?" આ પ્રશ્નનો ઉત્તર એક દિવસે માયાના પિંજરાની નજીકમાં રાખવામાં આવતા બીજા પિંજરામાં રહેતા એક વૃદ્ધ પક્ષીએ આપ્યો હતો. તે વૃદ્ધ પક્ષીએ કહ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા ઈશ્વર સર્જિત આ પૃથ્વી ઉપર બધા પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, જીવજંતુઓ, માછલીઓ સુખેથી રહેતા હતા. બધું સંતુલિત હતું. પરંતુ સમય જતાં માનવીઓની બુદ્ધિ અને શારીરિક શ્રમતા વધતી જ ગઈ. તેની કોઈ પણ સીમા ન રહી. માનવીઓ પ્રગતિ કરતા રહ્યા. પરિણામે તેઓ જ પોતાને સર્વશ્રેષ્ઠ માનવ લાગ્યા અને બીજા જીવોને પૃથ્વી ઉપરનો બોજો સમજવા લાગ્યા. આથી તેઓ પ્રાણીઓ અને પક્ષીઓને મારવા લાગ્યા. તેઓ વૃક્ષો કાપીને ત્યાં પોતાની માલિકીના ઘર બનાવવા લાગ્યા. પરંતુ જ્યારે માનવીઓની આંખો ખુલી કે, તેઓ ધીરે ધીરે કરીને પક્ષીઓ તથા પ્રાણીઓની બધી જ જાતિઓને લુપ્ત કરી રહ્યા છે, ત્યારે તેઓએ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. સમય આગળ ચાલ્યો અને કોઈ પણ પ્રયત્ન સફળ ન ગયા. પરિણામે પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા બહુ જ ઓછી રહી ગઈ હતી. આથી તેવા પક્ષીઓ અને પ્રાણીઓને પકડીને ઉંચી કિંમતમાં વહેંચવાનું શરૂ કર્યું. જેથી નવી પેઢી પક્ષીઓને તથા પ્રાણીઓને જોઈ શકે.


"તારા બીજા ફ્રેન્ડ મામાના ઘરેથી જલ્દી આવી જશે. તું એકલી નથી, માયા. હું પણ તારી સાથે છું." માયાને વર્તમાનમાં ખેચતા રોશનીએ કહ્યું.


~~~


રોશનીને માયા પ્રત્યેયનો પ્રેમ વધ્યો હતો, જ્યારે માયાને હવે રોશનીથી નફરત થવા લાગી જતી. તેને હવે તે પિંજરું જેલ જેવું લાગતું હતું.


તેને હવે તે પિંજરાની બહાર નીકળી જવાની ઈચ્છા થતી હતી. તેને ઉંચા આકાશમાં ઉડવું હતું, પણ કઈ રીતે ? તે માયાને સમજાતું ન હતું. તેને પેલા વૃદ્ધ પક્ષી પાસેથી કઈ રીતે ઉડવું તે સાંભળ્યું હતું. પરંતુ તેને ક્યારે પણ ઉડવાની ઈચ્છા થઈ ન હતી, કારણ કે તેને તે પહેલા ક્યારેય આકાશ જોયું ન હતું. તે વાદળ-આચ્છાદિત ભૂરા આકાશમાં કોઈને પણ ઉડવાની ઈચ્છા થઈ શકતી હતી.


આખરે તે દિવસ આવી ગયો જ્યારે તે એ પિંજરાથી બહાર નીકળી શકતી હતી.


રોશની તેના માતા પિતાની સાથે બહાર ગઈ હતી અને માયાની જવાબદારી એક વૃદ્ધ નોકરને આપી હતી. એક દિવસે દાણા નાખ્યા બાદ તે વૃદ્ધ પિંજરું બંધ કરતા ભૂલી ગયો અને તે તકનો લાભ લઈને માયા પિંજરાની બહાર નીકળી આવી અને તે ધીરે ધીરે બારીની પાસે આવીને ઉભી રહી ગઈ. તેણે પાછળ ફરીને રોશનીના ફોટો તરફ જોઈ લીધું.


'રોશની, મને આટલો પ્રેમ કરવા માટે તારો આભાર. હું જાવ છું. હું જાવ છું આકાશની તરફ. પણ મને વિશ્વાસ છે કે તારા પપ્પા આ સત્યને છુપાવીને તને એમ જ કહશે કે હું મારા મામાને મળવા ગઈ છું. પરંતુ મોટી થતા તને સત્યની જાણ જરૂર થશે. મને માફ કરજે.'


સામેની તરફ જોતા અને હવાને મહેસુસ કરતા માયાએ ઊંડો શ્વાસ લીધી. તેએ પોતાના પંખ ખોલ્યા અને ફેલાવ્યા. તેણે પહેલા નીચે જોયું. તે જમીનથી ઘણી ઉપર હતી. આ જોતા તે ડરી ગઈ અને તે પાછળ હટવા લાગી. ત્યારે જ પાછળથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને એક વિશાળ કાયા માયાની નજરે પડી. તેને જોતાંની સાથે કઈ પણ વિચાર્યા વગર માયા કૂદી પડી અને નીચે પડવા લાગી. હવા તેની વિરુદ્ધ હતી. તેને કઈ પણ સમજાતું ન હતું. આખરે તેને તે વૃદ્ધ પક્ષીના શબ્દો યાદ આવ્યાં અને તેએ પોતાના પાંખોને ફેલાવીને આગળ પાછળ કરવાનું શરૂ કર્યું. સંતુલન મેળવતા માયા ઉપર ઉડી. વધુ ઉપર ઉડી અને ઊડતી જ ગઈ. ઉપર આવીને તેને ઘણે દૂર વૃક્ષો દેખાણાં અને તે એ તરફ ઉડવા લાગી.


~~~


ઉડતા ઉડતા માયાએ જોયું કે ઘણી દુકાનોની બારે પક્ષીઓને લટકાવેલા હતા. તે પક્ષીઓના શરીરની બારેથી એક રોડ શરીરની અંદર નાખવામાં આવ્યો હતો. તે રોડ ચોચ દ્વારા બારે નીકળીને પક્ષીઓના શરીરને લટકાવવામાં મદદ કરતું હતું. તે પક્ષીઓના પંખો ખુલેલા હતા અને તેઓની આંખો પણ ખુલી હતી. જ્યારે માયાએ આ દ્રશ્ય જોયું તો તે સ્થબ્ધ રહી ગઈ. માયાને એવું લાગી રહ્યું હતું કે માનો તે પક્ષીઓ તેનાથી મદદ માંગી હર્યા હોય. પરંતુ માયા કઈ પણ કરી શકતી ન હતી. તે ઝડપથી આગળ ઉડી અને તે દુકાનને પાછળ છોડી ગઈ.


તેણે હવે જાણ થઈ હતી કે આટલા સમયથી ઉડતા ઉડતા તેને તેના સિવાય કોઈ બીજું પક્ષી કેમ નહોતું જોવા મળ્યું. માનવીઓ માત્ર જીવતા પક્ષીઓને પકડતા જ ન હતા, તેઓ મૃત પક્ષીઓ અને કદાચ મૃત પ્રાણીઓનો પણ વેપાર કરતા હશે.


~~~


માયાને એવું લાગતું હતું કે જાણે પેલા વૃક્ષો તેનાથી સતત દૂર જઈ રહ્યા હોય. તે ઘણા દિવસોથી સતત ઉડી રહી હતી, તેમ છતાં તે એ વૃક્ષોની જરા પણ નજીક પહોંચી ન હતી.


ઉડતા ઉડતા થાકી જવાથી તે એક મકાનની છત પર ઉભી રહી ગઈ. તેને અંદરથી લાગતું હતું કે તે વૃક્ષોની નજીક તેને એવી દુનિયા મળશે જેની ઈચ્છા તે હંમેશાથી કરતી હતી. તેને આગળ ઉડવાની ઈચ્છા તો થતી જ હતી પરંતુ તેની પાસે તાકાત વધી ન હતી.


ત્યારે જ અચાનક માયાને એવું લાગ્યું કે કોઈ શક્તિશાળી વસ્તુ તેને પોતાના પંજામાં પકડી હોય. માયા હલી પણ શકતી નહોતી. તેની કઈક સુગંધિત ગંધ આવી અને તે ગંધને સુઘતાની સાથે કાળા અંધકારે માયાને પોતાની અંદર ખેંચી લીધી.


માયાએ જ્યારે આંખો ખોલી ત્યારે તે એક પિંજરામાં હતી. તે ફરીથી તે જ નર્કમાં પહોંચી ગઈ હતી જ્યાંથી રોશનીએ તેને છુડાવ્યું હતું. માયાના મનમાં તે પેલો વિચાર હવે વધુ મજબૂત બન્યો હતો,

'આ જ નર્કમાં મૃત્યુ પામીને મને સ્વર્ગ મળશે !'