સોહમ સાવીની વાતો સાંભળીને નીચેજ બેસી ગયેલો શું બોલવું શું વિચારવું કંઈ ખબર નહોતી પડતી જાણે કલાકોમાં આખી દુનિયાજ બદલાઈ ગઈ. સાવીએ એને જે જે ઈતીથી અંત સુધી બધુંજ કીધું હતું સોહમની આંખમાં આંસુ આવી ગયા... આ શું થઇ ગયું ? સાવીની સિદ્ધિઓએ એને સાથ ના આપ્યો ? અન્વીનું શું થયું એ મરી ગઈ હશે ? એ ખુબ વિહવળ અને શોકમાં ડૂબી ગયો. સુનિતા તો એને સાવ વિસરાઈ ગઈ હતી એ થોડીવાર બેસી રહ્યો કેટલાંય કલ્પાંત પછી ઉઠી ઘરે જવા નીકળ્યો.
*****
સાવી પલકારામાં અન્વી પડી હતી ત્યાં પહોંચી ગઈ. હસરતની ઓફીસની બિલ્ડીંગ ભડકે બળી રહી હતી અનેક લોકોનાં ટોળાં ઊભરાયાં હતાં ફાયરબ્રિગેડ વાળા આગ હોલવવાનાં પ્રયાસ કરી રહેલાં. પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. વાયુવેગે આખાં શહેરમાં સમાચાર ફેલાઈ ગયાં હતાં બધાંજ ડીજીટલ અને પ્રિન્ટ મીડીયાનાં પત્રકારો લાઈવ સમાચાર ટીવી પર બતાવી રહેલાં બધાને ખબર પડી ગઈ કે હસરત એમાં બળી ચુક્યો છે ઘણાંને જાણે રાહત થઇ ગઈ હતી પણ આ યુવતી ઉપરથી કૂદકો મારી રોડ પર પડી હતી એ જીવ બચાવવા કૂદી પડી કે કોઈ બીજું કારણ ?
અન્વીનાં લાઈવ ફોટો અને મીડીયાનાં રેકોર્ડીંગ ટીવી પર ચાલુ હતાં. બધાનાં મોઢે આજ વાત હતી ચોરે અને ચૌટે આજ વાતો થઇ રહી હતી.
સાવી ત્યાં પહોંચી એણે જોયું અન્વીનાં શબ પર સફેદ કપડું ઓઢાળી દીધું છે પોલીસે બધોજ વિસ્તાર કોર્ડન કરેલો છે. એણે ધ્યાન ધર્યું અને પ્રાર્થનાં કરી એ કોર્ડન તોડી અન્વીનાં શબ પાસે આવી અને પોલીસને કહ્યું ‘આ મારી બહેન છે મારુ નામ સાવી...”
પોલીસે સાવી તરફ જોયું એનાં કપડાં અર્ધ બળેલાં આખાં શરીર પર ઉઝરડા પડેલાં હતાં. પોલીસે પૂછ્યું “તમારી આવી અવદશા કેવી રીતે થઇ ? શું તમે આ બિલ્ડીંગમાંજ હતાં ? તમને સારવારની સરખી જરૂર છે.” સાવીએ ગંભીર અને શાંત સ્વરે કહ્યું “હાં હું એમાંજ હતી અને રાવણનો વધ કરવાં આવી હતી એણે મારી બહેનને ફસાવી એની ઈજ્જત લૂંટી હતી સાવીએ એની સાથે જે કંઈ થયેલું એ કાંઈ કીધું નહીં અને બોલી હું મારી બહેનની બોડી લઇ જઉં છું...”
પોલીસે કહ્યું “એની બધી કાર્યવાહી થાય કેસ દર્જ થાય પછીજ લઇ જઈ શકો તમે પણ તમારી જુબાની લખાવો પછીજ આગળ કાર્યવાહી કરીને બોડી સોંપાશે.”
સાવીએ કહ્યું “ઇન્સ્પેકટર સર મારી પાસે સમય ખુબ ઓછો છે આ બધી ફાલતું ફોર્માલીટી માટે મારો સમય નહીં બગાડું સોરી..”. બધાં મીડીયાનાં કેમેરાં અને પત્રકારો સામે પોલીસને જવાબ આપી અન્વીનો દેહ ઉપાડ્યો ખભે નાંખીને ત્યાંથી ચાલવાં જાય છે ત્યાં પોલીસે કહ્યું “ તમે નહીં જઈ શકો.” પણ સાવીએ સિદ્ધિ શક્તિ અજમાવી બધાંની સામેથી ત્યાંથી પલકારામાં નીકળી ગઈ.
સાવીએ મનોમન રુદ્રનારાયણને કહ્યું “દેવ જયારે મને સાચેજ જરૂર હતી ત્યારે તમે ક્યાં હતાં ? મારી સિદ્ધ શક્તિઓ કેમ વિવશ હતી ?” એની આંખમાં આંસુ આવી ગયાં અને એણે સીધોજ દરિયાનો પંથ લીધો. એણે કંઈક મનમાં નક્કી કર્યું અને ગુરુની ગુફામાં અન્વીનું શબ લઈને પ્રવેશ કરી ગઈ.
*****
સોહમ બધું સાંભળી વ્યથિત હતો એ ઘરે આવ્યો એણે જોયું સુનિતા બેલાં બંન્ને બહેનો ઘરે છે અને ટીવી પર બ્રેકીંગ ન્યુઝ જોઈ રહી છે. સોહમને ઘરે આવેલો જોઈ બંન્ને બહેનો સોહમ પાસે દોડી આવી અને બોલી “દાદા,દાદા સાવી અને એની બહેન..”. આગળ બોલતી અટકાવતાં સોહમે કહ્યું મને ખબર છે.
સુનિતાએ કહ્યું “દાદા આવાં સમયે સાવીને તમારી જરૂર છે તમે ઘરે આવી ગયાં ? તમને આ બધાં સમાચારની જાણ નહોતી ?”
સોહમ થોડીવાર સાંભળી રહ્યો પછી બોલ્યો ‘બહું જ્ઞાનની વાતો ના કરો. સાવીએ પહેલાં મને કંઈ કીધું નહીં... એકલી ગઈ મારો સાથ ના લીધો... બધું પતી ગયું... બરબાદ થઇ ગયું પછી મને બધું જણાવે છે એ અઘોરણ છે એનો રસ્તો કાઢી લેશે એને મારી જરૂરજ નથી... મારે પણ એની જરૂર નથી.”
સોહમનાં મનમાં સાવીની કિધેલી વાતો યાદ આવી ગઈ. સોહમ એ વખતે બધું સાંભળી રહેલો પણ અપાર દુઃખ અને પીડા સિવાય કંઈ નહોતું એને ખુબ પીડા હતી અને સાવી પર ગુસ્સો...
સોહમને થયું સાવીને મારાં પર ભરોસોજ નહીં હોય ? એણે જેમ મારી મદદ કરેલી હું એની મદદ કરત. પણ એણે મને પોતાનો ના ગણ્યો એનાં સિદ્ધિનાં ઘમંડમાં રહી... હું આટલો વિવશ ? મારી પાસે પણ બધી સિદ્ધિ શક્તિઓ હોવી જોઈએ.
સોહમને ક્યારનો ચૂપ અને વિચારોમાં અટવાયેલો જોઈ સુનિતાએ પૂછ્યું “દાદા શું થયું ? શેનાં વિચારોમાં છો ? ચાલો આપણે સાવી પાસે જઈએ ...”
સોહમે ગુસ્સાથી સુનિતાને પૂછ્યું “તું સવાર સાંજ દરિયે શું કરતી હતી ? તારી સાથે કોણ હતું ? શા માટે ગઈ હતી ? કોને મળવા ગઈ હતી એ જગ્યા કેવી છે એનું ભાન છે ?”
‘અને આઈબાબા ક્યાં છે ? એલોકો પણ તમારું ધ્યાન નથી રાખતાં. તારે પૈસાથી કુટુંબમાં મદદ કરવી હતી એટલે તેં કોલ સેન્ટરમાં જોબ લીધી હતી ખરુંને ? શું મદદ કરી ? કે કોઈની સાથે તારો ડોળો મળી ગયો છે ? અહીં આટલી મુશ્કેલીઓ ઓછી છે કે તું વધારી રહી છે ? બોલ જવાબ આપ.”
સુનિતા કંઈ બોલે પહેલાં આઈ બાબા એ ઘરમાં પ્રવેશ કર્યો.
વધુ આવતા અંકે પ્રકરણ :45