સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -41 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -41

સાવી અને તન્વીએ ઘરમાં પ્રવેશ કર્યો અને સાવીએ જોયું ઘરનું વાતાવરણ એકદમ ગંભીર અને શાંત છે માં નું મોઢું રડેલું છે ચહેરો સુજી ગયો છે. અન્વી એકદમજ ગંભીર અને ચહેરો સખ્ત છે. પાપા ડ્રીંક લઇ રહ્યાં છે.

સાવીને સમજતાં વાર ના લાગી કે ઘરમાં કંઈક ગંભીર અને અજુગતું બની ગયું છે... હજી એને અઘોરણ બને અને ઘરમાં આવે થૉડોકજ સમય થયો છે એ એની રીતે બધું સરખું કરવાં પ્રયત્ન કરી રહી છે. ઘરમાં સુખ સુવિધા ઉભી થાય એનાં પ્રયત્ન કરી રહી છે નાની તન્વીને જોઈએ તેવાં કપડાં, ભણવાનું મટીરીયલ બધું લાવી રહી છે એ એની લાડકી છે...

સાવીને ચોક્કસ ખબર પડી ગઈ કે વાત ચોક્કસ અનવીનીજ છે શું થયું છે ? સવાર સુધી તો ઘરમાં કંઇજ હતું નહીં અચાનક અત્યારે શું થયું ? સ્ટુડીયોમાં કંઈ થયું છે ? પછી એણે અન્વી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું મનમાં ને મનમાં કંઈક ગણવા લાગી થોડીવાર ચૂપ રહી.

સાવીએ અન્વીને પૂછ્યું ‘મોટી શેની વાત છે ? આદી સાથે કંઈ થયું કે તારો માલિક તારાં ઉપર નજર બગાડીને બેઠો છે ? શું વાત છે ? મને જેટલું દેખાયું મેં તમને કહ્યું કોઈ તો બોલો શું વાત છે ? હું મારી રીતે જાણી લઈશ તો એનો ઉપાય પણ હું કરી લઈશ કોઈને ખબર પણ નહીં પડે મને અમુક દેખાવા લાગ્યું છે.”

સાવીએ એનાં પાપાને કહ્યું “પાપા ડ્રીંક લેવાનું બંધ કરો..”.એનાં પાપાનાં ચહેરાં પર ધ્યાન કેન્દ્રીત કર્યું થોડીવાર આંખો બંધ કરી... પછી બોલી “ઓહો તમને તો પ્રમોશન મળ્યું છે પગાર ત્રણ ગણો ઉપરથી નવા લેટેસ્ટ મશીન પર કામ કરવાનું... વળતામાં તમારે શું આપવાનું છે ?” એમ કહીં અન્વીની સામે જોયું.

અન્વીએ રાડ પાડી કહ્યું “સાવી તું તારી હદમાં રહે મારી વાતમાં વચ્ચે આવવાની જરૂર નથી તારી બધી સિદ્ધિઓ તારી પાસે રાખ... તું અમારી વાત વધું ગૂંચવી નાંખીશ ઉપરથી વધું ખરાબ થઇ જશે”.

સાવીને ખબર પડી કે નાનકી તન્વી બધું ધ્યાનથી સાંભળી રહી છે એનાં ચહેરાં પર ડર અને ભયનાં લક્ષણો છે એ એકદમ ચૂપ થઇ ગઈ... એણે કહ્યું નાનકીની સામે વધારે કંઈ નથી બોલવું એણે કહ્યું “તન્વી મારી બેન તું થોડીવાર રમવા જા પ્લીઝ પછી તને આવીને હું લઇ જઉં છું જા પ્લીઝ બેટા...”

તન્વી ઓકે દીદી કહીને તરતજ ઘરમાંથી બહાર નીકળી ગઈ. તન્વીનાં ગયા પછી સાવીએ કહ્યું “પાપા તમે કશું ના કર્યું ? આ તમારી મોટી પર તમારાં માલિક નજર બગાડી બેઠો છે એને એનાં શરીરમાં જ રસ છે એ લંપટ એને બરબાદ કરી દેશે. તમારે કાઈએ ત્યાં કામ કરવા જવાની જરૂર નથી છોડી દો કામ આજ ક્ષણથી. આપણે કંઈ પણ કરી લઈશું આબરૂ હશે તો બધું મળશે પ્લીઝ કાલથી કોઈએ કામ પર જવાનું નથી મને જે ભવિષ્ય દેખાઈ રહ્યું છે એ ખુબ ભયાનક છે પ્લીઝ મારી વાત પર વિશ્વાસ કરો..”.

અન્વીએ કહ્યું “એય અઘોરણ હું આ બધામાં નથી માનતી અને મારાં નસીબમાં એવુંજ હશે તો મને એ માન્ય છે પણ તારાં આ ધતીંગોમાં હું નથી પડવાની હું મારી ઈજ્જત બચાવી લઈશ. મને ખબર છે હસરતનો ડોળો મારી જુવાની પર છે અને એટલેજ પાપાને એણે પ્રોમોટ કર્યાં છે ત્રણ ગણી સેલેરી ઓફર કરી છે.”

“હું તારાં જેવી શક્તિ ધરાવતી નથી પણ હું એક સ્ત્રી છું મારાંમાં સ્ત્રી શક્તિ છે હું મારુ રક્ષણ કરીશ મારી આબરૂ ઈજ્જત સાચવતાં મને આવડે છે મારી ચિંતા તારે કરવાની જરૂર નથી.”

“સાવી તને સાચી વાત કરું ? હવે તારાં આ બધાં ધતીંગ શીખાઈ ગયાં હોયતો કોઈ કામ કરીને પૈસા ઘરમાં લાવ અહીં પૈસાની જરૂર છે મોટી મોટી જ્ઞાનની વાતો કરવાની નહીં તારાં તંત્ર મંત્રથી પૈસા આવે તો એ પેદા કરી બતાવ પણ બધાને તારી આવી ખોખલી શીખામણની જરૂર નથી મારું જે થવાનું હશે એ થશે પણ આ ઘર હું ચલાવીશ”.

“જેને કામ પર કાલથી ના આવવું હોય ના આવે હું તો જઈશ... મારી પાસે તંત્ર મંત્ર નથી પણ હું આટાપાટા બધાં જાણું છું એ હસસરતનો પગ મારાંમાં પડ્યો તો હું સ્ત્રી દાક્ષીણયનો એને પરચો કરાવીશ... એને પણ સબક શીખવીશ...બસ તમારે ધીરજ રાખવી પડશે મારી યુવાનીનું ગાજર લટકાવી મારાં પેતરાંમાં એને ફસાવીને એનો ઘડો લાડવો કરીશ...”

સાવીએ કહ્યું “મોટી આ બધું તું કહે છે એ શક્ય છે પણ ખુબ મોટું જોખમ છે એમાં જો કંઈ ગફલત થઇ તો તારી આબરૂ અને જીવ બધુંજ જશે પ્લીઝ મને તારી સાથે રાખ...”

અન્વીએ કહ્યું “જોખમ લીધા વિના સફળતા ક્યાં મળવાની ? હું મારો જીવ હથેળી ઉપર રાખીને બાજી જીતીશ મને ખબર છે એમાં મારે મારી આબરૂ દાવ પર લગાવવી પડશે પણ એમ હાર નહીં માની લેવાય. અત્યારે તો દુનિયામાં ડગલે ને પગલે આવાં નિર્મમ, નીચ માણસો સામાં મળશે બધાંથી ડરતાં ફરીશું આમ સામે આફત આવે હું ભાગીશ નહીં ડરીશ નહીં હું એનો સામનો કરીશ. બીજી મને નથી ખબર.” એમ કહીને એની આંખમાંથી આંસુ સરી પડ્યાં...

સાવી સ્તબ્ધ થઈને બધું સાંભળી રહી હતી એણે એની માં ને કહ્યું “માં અન્વીને હું સમજાવતી હતી એટલી એ નબળી નથી... એ હિંમતવાળી છે મારી બહેન બસ એનાં માથે કોઈ આફત ના આવે અને એનાં લક્ષ્ય પ્રમાણે સફળતા મળે એ સલામત રહે એવી પ્રાર્થના કરીશ.” એવું કહી નાનકીને લેવા બહાર નીકળી ગઈ.

*****

અન્વી સવારે એનાં સમયે માં સાથે સ્ટુડીયો કામ પર જવાં નીકળી ગઈ. નવલે ખુબ દારૂ પીધો હતો એ હજી ઊંઘી રહેલો કામ પર જવા ઉઠયોજ નહીં સાવી નાનકીને સ્કૂલે મૂકીને સીધી દાદર સ્ટેશન જવા ફાસ્ટ પકડવા સ્ટેશન પર આવી અને એણે ટ્રેઈનમાં ચઢતાં જોયું સોહમનો ફોન છે...





વધુ આવતાં અંકે પ્રકરણ - 42