ભક્તિ અને મુક્તિ Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભક્તિ અને મુક્તિ

 

પ્રશ્નકર્તા: દાદા, આ ભાઈ તો ભગત માણસ છે.

દાદાશ્રી: ક્યાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઈ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાં ય કોઈ કુસંગ મળી ગયો તો ? કેન્ટીનમાં લઈ જાય; અને એ જ ફસામણ છે !

         જ્યાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો, જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? તો કે’ આત્મજ્ઞાન માટે. પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ? જગતમાં તો બધે ‘તુંહી તુંહી’ ગાય છે તે ભગત અને ભગવાન જુદા ગણે. અલ્યા એક ફેર ‘હું...હી હું હી‘ ગાને ! તો ય તારું કલ્યાણ થઈ જાય. ’તુંહી તુંહી’ ગાય તો ક્યારે પાર આવે ? પણ લોકો ‘તુંહી તુંહી’ શાને માટે ગાય છે ? વ્યગ્રતામાં ‘તું’ હતું તે હવે ‘તારા’ એકમાં એકાગ્ર થયું છે, એવું ‘તું’ ગાય છે; પણ આ ‘તુંહી’ ગાવાથી કશું વળે નહીં, ‘હુંહી’ નું કામ થાય, ‘તુંહી’ માં ‘તું’ ને ‘હું’નો ભેદ રહે, તે ઠેઠ સુધી ભગત ને ભગવાન બે જુદા જ રહે; જયારે ‘હુંહી’ માં અભેદતા રહે, ’પોતે’ જ પરમાત્મા સ્વરૂપ થઈ જાય !

         કેટલાક ‘તત્વમસિ’ એવું ગાય છે, એટલે ‘તે હું છું’. પણ ‘તે’ કોણ, તે ભગવાન જાણે ! ‘તે’નું સ્વરૂપ જ સમજાયું ના હોય ને ‘તત્વમસિ, તત્વમસિ’ ગા, ગા કરે તે કશું ના વળે. બધે જ ‘હું..હી હુંહી’ દેખાય ત્યારે કામ થાય !

         ભગતોએ કહ્યું કે, ‘બધામાં ભગવાન જો, પણ તે સાઈકોલોજિકલ ઇફેક્ટ છે. એવી ટેવ પાડી હોય કે બધાંમાં ભગવાન જોવાના તે દેખાય; પણ જરા સળી કરે તો ક્રોધ, માન, માયા, લોભ ઊભાં થઈ જાય. આ ભગતો કોઈ એક છાંટો પામ્યા નથી એવું તમે મહાત્માઓ પામ્યા છો ! આ ગજબનું જ્ઞાન છે ! આ તો સાયન્સ છે ! સાયન્ટિફિક રીતે આત્મા પામ્યા એટલે બધે આત્મા જોઈ શકો. ભગતોએ ‘તુંહી તુંહી’ ગાયેલું અને તમને જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન ‘હુંહી’નું છે. ‘તુંહી’માં ભગત ને ભગવાન એ ભેદ રહે. ભેદબુદ્ધિ રહે એમાં નવું શું ? અખો ભગત કહી ગયો કે :

            ‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.’

            જો એ જીવ અને શિવનો ભેદ તૂટે તો પરમાત્મા થાય, અભેદ બુદ્ધિ થાય તો કામ થાય.

પ્રશ્નકર્તા: મોક્ષ કરતાં ભક્તિ કરવાની મળે તો સારું.

દાદાશ્રી: તમે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો, તે ભગવાનને ઓળખો છો ? એ ભગવાન કઈ પોળમાં રહે છે ? કેટલા ઊંચા હશે ? તેમને કેટલાં છોકરાં છે ? તેમની માનું બારમું કર્યું છે કે નહીં, તે તમે જાણો છો ?

પ્રશ્નકર્તા: ભક્તિ કરીએ તો જ સાક્ષાત્કાર થાય ને ?

દાદાશ્રી: અનંત અવતારથી તમે છો, કયા અવતારમાં તમે ભક્તિ નહીં કરી હોય ?! ભક્તિ અનંત અવતારથી ભગવાનને ઓળખ્યા વગરની પરોક્ષ ભક્તિ કરી, તેનાથી કંઈ જ મળે નહીં ને જાત્રાઓમાં ભટકવું પડે, તે શું ભગવાન ત્યાં બેસી રહ્યા હશે ?

        આખું જગત ગૂંચાયેલું છે. બાવા, બાવલી, સાધુ, સંન્યાસીઓ બધા જ ગૂંચાયેલા છે, તેવાં કેટલાય ગલીઓમાં ભટક ભટક કરે છે, કોઈ હિમાલયમાં, તો કોઈ જંગલમાં ભટકે છે, પણ ભગવાન તો ‘જ્ઞાની’ પાસે જ છે. બીજે જ્યાં જશો ત્યાં ડખો, ડખો ને ડખો જ છે. મનુષ્યના અવતારમાં જ્ઞાની પાસે આત્મા ના જાણ્યો તો બીજે બધે ડખો છે. તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછજો, અહીં આ છેલ્લા સ્ટેશનની વાત છે.

પ્રશ્નકર્તા: મુક્તિ માટે ભક્તિ કરવી ?

દાદાશ્રી: ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેનાં સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી મુક્તિ માટે થાય. કોઈ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં. દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે, પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઇએ. ભગતને ભાગે શું ? ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો. આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે, આ કેવું છે ? કે જેની ભક્તિ કરે તેવો થઈ જાય ! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ  થઈ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઈ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ ‘દાદા’ની ભક્તિ કરે તો ‘દાદા’ જેવો થઈ જાય ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરો તેવો થાય. ભક્તિ એ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે. જ્યાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય, ભગવાન અને ભક્ત જુદા હોય. આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એક રૂપ જ રહે, એકરૂપ જ થઈ જાય તે વખતે; જયારે ભક્તિમાં તો કંઈ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તો ય ઠેકાણું ના પડે !

        આ કોમ્પુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે. ભક્તિ તો પોતાનાથી ઊંચાની જ કરને ! તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં. પણ આ કરે છે તે પ્રાકૃત ગુણોની જ ભક્તિ છે, તે ત્યાં તો ચડસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે. ચડસ સિવાય ભક્તિ જ ના હોય.

              નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય. કેટલાક સ્થાપના ભક્તિ કરે, ભગવાનનો ફોટો મૂકે ને ભક્તિ કરે તે; અને ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય.

પ્રશ્નકર્તા: ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ?

દાદાશ્રી: ભક્તિમાં તું શું સમજ્યો ? હું ખાઉં છું એ ભક્તિ કહેવાય ?

પ્રશ્નકર્તા: ના. આરધના કરીએ એ ભક્તિ ને ?

દાદાશ્રી: પુસ્તક વાંચ વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાકય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં તો નિશ્ચયપૂર્વક  શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય.

         વીતરાગોનાં તો વખાણ કરે તેટલાં ઓછાં છે. એમના કીર્તન લોકોએ ગાયાં નથી, અને જે ગાયાં છે એના રાગ બરોબર નથી. વીતરાગોનાં જો સરખાં કીર્તન ગાયાં હોય તો આ દુ:ખ ના હોત. વીતરાગ તો બહુ ડાહ્યા હતા ! તેમનો માલ તો બહુ જબરો ! એ તો કહે છે, ‘સમકિતથી  માંડીને તીર્થંકરોના કીર્તન ગા ગા કરો !’ ‘તો પછી સાહેબ અપકીર્તન કોનાં કરું ? અભવ્યો છે એમનાં ? ‘ ના, અપકીર્તન તો કોઈના ય ના કરીશ, કારણ કે મનુષ્યનું ગજું નથી, એટલે એવું ના કરીશ. અપકીર્તન શું કામ કરે છે ? અપકીર્તન વીતરાગોથી દુર રાખે છે. આ તો તારું ગજું નથી ને દોષમાં પડી જઈશ. આ જે આડ જાત છે, એમનું નામ જ ના દઈશ, એમનાથી તો બીજી જ બાજુએ ચાલજે. ત્યારે પેલો કહેશે કે, ‘હું શું કરું ? આ આડ જાતો એવું કરે છે કે મારાથી એમનો દોષ જોવાઈ જ જાય છે !’ પણ આવું ના કરાય, આની સામે તારું ગજું નહીં. સ્ટ્રોંગ માણસ હોય ને સામેવાળાનું અવળું બોલે તો ચાલે, જેમ કે આ જૈન હોય ને  માંસાહારનું અપકીર્તન કરે તો એને શો વાંધો ?!

પ્રશ્નકર્તા: દાદા, ભક્તિ અને જ્ઞાન વિષે સમજાવો.

દાદાશ્રી: ભક્તિના અર્થ બધા બહુ છે, એકથી માંડીને સો સુધી છે. ૯૫ થી ૧૦૦ સુધીનો અર્થ આપણે કરવાનો છે. આ ‘અમારું’ નિદિધ્યાસન એ જ ભક્તિ છે. લોક કચાશવાળા છે એટલે ભક્તિ ઉપર ભાર મૂકો એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જ્ઞાન એકલાથી તો લોક દુરૂપયોગ કરે, કાચો પડી જાયને તો પછી માર પડે ભારે; એ હેતુથી ભક્તિ ઉપર વધારે ભાર મૂક્યા છે. ‘જ્ઞાન’ શું છે ? જ્ઞાન એ જ આત્મા છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ છેલ્લી ભક્તિ છે. ‘જ્ઞાની’નું નિદિધ્યાસન એ જ ‘હું શુદ્ધાત્મા છું’ રૂપ છેલ્લી ભક્તિ છે.

      કોઈની ય છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતાં આવડે તેનું નામ સમર્પણ ભાવ. એટલે કે ‘જ્ઞાની પુરુષ’ નું જે થાવ તે મારું થાવ, પોતાનો મછવો તેમનાથી છૂટો જ ના પાડવા દે, જોડેલો ને જોડેલો જ રાખે, છૂટો પડે તો ઊંધો પડે ને ? માટે જ્ઞાનીની જોડે જ પોતાનો મછવો જોડેલો રાખવો.

      જ્ઞાન ‘જ્ઞાન-સ્વભાવી’ ક્યારે કહેવાય દેહમાં આત્મા છે તે ‘આત્મા-સ્વભાવી’ રહે ત્યારે. આપણે ભક્તિ કહીએ તો લોક તેમની ભાષામાં લઈ જાય. એમની જાડી ભાષામાં ના લઈ જાય, તેથી આપણે જ્ઞાન ઉપર વિશેષ ભાર દઈએ છીએ.

      જાગૃતિ એ જ જ્ઞાન. ‘હું શુદ્ધાત્મા છું’ એમ રહ્યા કરવું એ ભાવ નથી, પણ એ લક્ષ-સ્વરૂપ છે; અને લક્ષ થયા વગર ‘હું શુદ્ધાત્મા છું’ તેવું રહે જ નહીં. ‘શુદ્ધાત્મા‘નું લક્ષ બેસવું એ તો બહુ મોટી વાત છે ! અતિ કઠીન છે !! લક્ષ એટલે જાગૃતિ અને જાગૃતિ એ જ્ઞાન જ છે, પણ તે છેલ્લું જ્ઞાન નથી. છેલ્લું જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ જ છે. કેવળજ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે; પણ અમે તેને ભક્તિ નથી કહેતા, કારણ કે બધા પાછા સહુ સહુના જાડા અર્થમાં લઈ જાય. ‘જ્ઞાની પુરુષ’ ની કૃપા પ્રાપ્ત કરી લેવા જેવું છે, કૃપાભક્તિ જોઈએ.

      જ્ઞાનીઓનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ ભક્તિમાં છે અને જ્ઞાન ‘જ્ઞાન’ માં છે, ‘પોતે’ શુદ્ધાત્મામાં  રહે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ પાસે એના ‘પોતાના’ ‘શુદ્ધાત્મા’ ની અને આ ‘દાદા’ની ભક્તિ કરાવે, એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !          

       ભગવાને જાતે કહ્યું છે કે, ‘અમે જ્ઞાનીને વશ છીએ !’ ભગતો કહે કે, ‘અમને ભગવાન વશ છે.’ તો તે કહે, ‘ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.’ ભગતો તો ગાંડા કહેવાય, શાક લેવા નીકલે ને ક્યાંક થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ, ‘ભગવાન, ભગવાન ‘ એક જ ભાવ, એ ભાવ એક દહાડો સત્યભાવને પામે છે, ત્યારે ‘જ્ઞાની પુરુષ’ મળી જાય, ત્યાં સુધી ‘તુંહી તુંહી’ ગાયા કરે અને ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો ‘હુહીં હુહીં’ બધે ગાય ! ‘તું’ને ‘હું’ જુદા છે ત્યાં સુધી માયા છે અને અને ‘તું’ ‘હું’ ગયું, ‘તારું મારું‘ ગયું એટલે અભેદ થઇ ગયા ! ભગવાન તો કહે છે કે, ‘તું ય ભગવાન છે. તારું ભગવાન પદ સંભાળ, પણ તું ના સંભાળે તો શું થાય ?’ પાંચ કરોડની એસ્ટેટવાળો છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઈ શું કરે ? મનુષ્ય ‘પૂર્ણ રૂપે‘ થઈ શકે છે, મનુષ્ય એકલો જ – બીજા કોઈ નહીં, દેવલોકો ય નહીં !’

      ભગવાન એટલે શું ? ભગવાન નામ છે કે વિશેષણ છે ? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું, તેમ ભગવત ઉપરથી ભગવાન થયું છે. આ ભગવત ગુણો જે પણ કોઈ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.        

       ‘અપદ’ એ મરણપદ છે. ‘હું ચંદુભાઈ છું’ એ ‘અપદ’ છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને ‘હું શુદ્ધાત્મા’ એ ‘સ્વપદ’ છે. ‘સ્વપદ’માં બેસીને ‘સ્વ’ ની ભક્તિ કરે એ ‘ભગવાન.’

       આ એ.એમ.પટેલ મહીં પ્રગટ થઈ ગયેલા ‘દાદા ભગવાન’ની રાત દહાડો ભક્તિ કરે છે ! અને હજાર હજાર વાર એમને નમસ્કાર કરે છે !!

       જ્યાં સુધી આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી એવું રહેવું જોઈએ કે ‘જ્ઞાની પુરુષ’ એ જ મારો આત્મા છે અને એમની ભક્તિ એ પોતાના જ આત્માની ભક્તિ છે ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરે તેવો થાય. ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિમાં ઊંચામાં ઊંચી કીર્તનભક્તિ છે. કીર્તનભક્તિ ક્યારે ઉત્પન્ન થાય ? ક્યારે ય પણ અપકીર્તિનો વિચાર ના આવે, ગમે તેટલું અવળું હોય તો ય સવળું જ દેખાય. જો કે ‘જ્ઞાની પુરુષ’માં અવળું હોય જ નહીં. કીર્તનભક્તિમાં તો નામે ય મહેનત નહીં ! કીર્તનભક્તિથી તો ગજબની શક્તિ વધે !