પ્રેમ - નફરત - ૫૫ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૫૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૫

રચનાને થયું કે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની પર પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં સફળ થઇ રહી છે પરંતુ આરવ થોડો નારાજ નજર આવી રહ્યો છે. તેનું વર્તન પ્રેમભર્યું હતું. છતાં આરવને પોતાની કોઇ વાતથી તકલીફ હોય એવો અંદેશો આવી રહ્યો હતો. તે ભલો પતિ સાબિત થઇ રહ્યો હતો. પરિવારમાં હજુ એ બીજા સભ્યો સાથે સામંજસ્ય બેસાડી શકી ન હતી પરંતુ લખમલભાઇ અને આરવ તેને માન આપતા હતા. તેના માટે લાગણી ધરાવતા હતા. સાસુ સુલોચનાબેન એમની ભક્તિમાં અને સંતાનોના બાળકોને સાચવવામાં જ રહેતા હતા. એમણે રચના સમક્ષ એમના સંતાનની ઇચ્છા પણ પ્રગટ કરી દીધી હતી. તે આરવના સંતાનની રાહ જોવા લાગ્યા હતા. રચનાને થયું કે એ મારી પાસેથી સંતાન નહીં સંતાપ મેળવવાના હતા. સોનલ અને અલકા કામ પૂરતી વાત કરીને એનાથી આભડછેટ રાખતી હોય એવું લાગતું હતું.

હિરેન અને કિરણ સાથે ઓફિસમાં થોડી વાત કે ચર્ચા થતી હતી. ઘરમાં એવી કોઇ જરૂર પડતી ન હતી. બધાંની સાથે તે સુમેળભર્યો વ્યવહાર રાખવાનો પ્રયત્ન કરતી હતી. બીજા કોઇનો કોઇ પ્રશ્ન ન હતો પણ આરવ જો તેનાથી નારાજ થશે તો આખી બાજી બગડી જશે. તે પોતાનું ધાર્યું કરી શકશે નહીં. એને ખુશ રાખવો જરૂરી હતો. એ જ હુકમનું પત્તું હતો.

'ઓલ ઇન વન મોબાઇલ' માં માલિક ઘણા બધાં હતા. એમાં આરવની વાત જુદી હતી. તે પોતાનો પતિ હોવા ઉપરાંત લખમલભાઇનો વધુ પ્રેમાદર ધરાવતો પુત્ર હતો. લખમલભાઇ એના બીજા ભાઇઓને અન્યાય કરે એવા ન હતા. પરંતુ આરવ નાનો હોવાથી તેના પ્રત્યે કૂણી લાગણી ધરાવતા હતા. એનો પોતાને લાભ મળી રહ્યો હતો એ ભૂલવાનું ન હતું. સંજનાને કંપનીમાં નોકરીએ રાખ્યા પછી એણે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. તેણે કંપનીની જૂની વિગતો ધીમે ધીમે શોધવા માંડી હતી. તે પોતાના આદેશ મુજબ જ કામ કરી રહી હતી. હવે આરવને ઢાલ બનાવીને એક મોટું કામ પાર પડવાનું હતું.

આરવને તે એક પત્ની તરીકેનો પ્રેમ આપતી હતી. એના પર ઓળઘોળ થતી હતી. બસ એની સાથે શરીર સંબંધ બાંધવાની વાત આવે ત્યારે મમ્મીની બીમારી અને બાધાને બેરીકેડ બનાવી દેતી હતી. ક્યારેક આરવ નિરાશ થતો હતો પણ એની સ્થિતિ સમજીને કંઇ બોલતો ન હતો. રચનાની મમ્મીની વધુ સારવાર માટે એ સતત આગ્રહ કરતો રહેતો હતો.

મીતાબેન લખમલભાઇએ નવા લઇ આપેલા એક બંગલામાં રહેવા ગયા પછી રચના જ્યારે પણ મળવા ગઇ ત્યારે એક ચિંતા અવશ્ય વ્યક્ત કરતા હતા. તે કહેતા કે તું એકલી બધું કેવી રીતે કામ પાર પાડી શકીશ? મને તો બીક લાગે છે. ક્યાંક તું તારા ઇરાદાઓમાં પકડાઇ ગઇ તો આખી જિંદગી જેલમાં જશે. ત્યારે રચનાની આંખોમાં ગુસ્સાની લાલ રેખાઓ આવી જતી અને કહેતી કે મા, હું ફૂંકી ફૂંકીને પગલાં મૂકું છું. જ્યારે પણ હું મનથી હિંમત હારવાની કગાર પર આવી જઉં ત્યારે પિતાને યાદ કરી લઉં છું. મારામાં નવી શક્તિનો સંચાર થાય છે. ક્યારેક મીતાબેન રચનાને કહેતા કે તું આરવને અન્યાય કરી રહી હોય એમ લાગે છે. એક પત્ની તરીકેનું એને સુખ આપી શકી નથી. મારી બીમારીની આડશ ઊભી કરીને એને અન્યાય કરતી હોય એવું લાગતું નથી? ત્યારે રચના કહેતી કે હું સમય પ્રમાણે ચાલું છું. જરૂર પડે બાંધછોડ કરીશ. અને રચનાને હવે એવું લાગી રહ્યું હતું કે એક મોટા ધડાકાની અસરમાંથી બચવા આરવની સાથે હનીમૂન મનાવવાનો સમય આવી ગયો છે. એને પ્રેમથી નવરાવી દેવો પડશે. એને મારા પ્રેમમાં ગુંગળાવી દેવો પડશે. આસપાસમાં શું ચાલી રહ્યું છે અને શું થવાનું છે એનો અંદાજ કે કલ્પના ના કરી શકે એ માટે પોતાના શરીરના કેફમાં ડૂબાડી દેવો પડશે.

આરવમાં સંયમ ઘણો હોવાનું એ જોઇ ચૂકી હતી. પણ આખરે તો એ એક પુરુષ હતો. પતિ હતો. અને પત્નીએ એને એટલો તડપાવ્યો છે કે એના સંયમની પાળ તૂટી જતાં વાર લાગશે નહીં. એ બહાર ભલે કંઇ બતાવી રહ્યો નહીં હોય પણ શરીર સુખ માટે તરફડતો હશે. કોઇ સુખ ઘણું તડપી લીધા પછી મળે ત્યારે એનો આનંદ અનેકગણો વધી જતો હોય છે. એમાં માણસ એવો ડૂબી જતો હોય છે કે કંઇક ખોટું થતું હોય એનો એને ખ્યાલ રહેતો નથી.

રચનાને એ તક અનાયાસે જ મળી રહી હતી. આરવ એક કંપનીનું આમંત્રણ લઇને રચના પાસે આવ્યો. વિદેશમાં મોબાઇલ નિર્માણની નવી તકનીક માટેના બે દિવસના એક સેમિનારનું આયોજન થઇ રહ્યું હોવાની વાત કરવા લાગ્યો. રચનાએ એને આ તક ઝડપી લેવાનું સૂચન કર્યું. તેણે રચનાને સાથે આવવા માટે કહ્યું. રચનાએ પોતે નવા મોબાઇલના સંશોધનમાં વ્યસ્ત હોવાથી નીકળી શકે એમ નથી અને મમ્મીને ચેકઅપ માટે એ જ સમયગાળામાં લઇ જવાની હોવાનું બહાનું બનાવી ચોખ્ખી ના પાડી દીધી. કમનથી આરવ એકલો જવા તૈયાર થયો એટલે રચના ખુશ થઇ ગઇ.

રચનાએ સંજનાને બોલાવીને આરવના વિદેશ પ્રવાસની વ્યવસ્થા કરવાનું કહી દીધું. ખાનગીમાં કેટલીક સૂચનાઓ આપી દીધી. સંજનાને નવાઇ લાગી કે રચના કેમ જવાની નથી? લગ્ન પછી સાથે રહેવાનો અને ફરવાનો આ ચાન્સ તે કેમ ઠુકરાવી રહી હશે? તેને રચનાની ઘણી વાત અજીબ લાગતી હતી. તે વધારે કંઇ કહેવાનું ટાળી કામ પર લાગી ગઇ.

રચના મનમાં જ બોલી:'આરવકુમાર! તમારી રાતને રંગીન બનાવવાની બધી વ્યવસ્થા થઇ ગઇ છે!'

ક્રમશ: