નેહડો ( The heart of Gir ) - 75 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 75

રાધી ઘરે રહીને તેની માડીને કામમાં મદદ કરતી હતી. માલઢોર જંગલમાં ચરવા જાય પછી ઘરે ઘણું કામ રહેતું હોય છે. વહેલી સવારમાં ગાયો ભેંસોને દોહીને તેનું દૂધ એકઠું કરવું. આગલા દિવસના થોડા ઘણા વધેલા દૂધને મેળવીને તેનું દહીં બનાવેલા ગોરસને વલોણાથી વલોવવાનું કામ પણ વહેલી સવારમાં જ કરવાનું હોય છે. દહીં વલોવીને તેમાંથી માખણ ઉતારી છાશનું યોગ્ય વિતરણ કરવાનું કામ પણ હોય છે. જેના ઘરે દુજાણા ગાય,ભેસ ના હોય તેવા લોકો જમવા સાથે છાસ લેતા હોય છે. આવા જરૂરિયાત મંદો માટે રાધી છાસ ઢાંકીને રાખી મૂકે છે. તાજુ ઉતારેલું માખણ ચૂલે ચડાવી તેનું તાવણ કરવામાં આવે છે. જેના માટે બળતણની ખૂબ જરૂરિયાત રહે છે. અઠવાડિયાના અમુક દિવસો જંગલમાં બળતણ એકઠા કરવા પણ જવું પડે છે. આ બળતણ માટે ગીરના સુકાઈ ગયેલા ઝાડવાને કાપીને એકઠા કરવામાં આવે છે. જેના મોટા મોટા ભારા માથે મૂકીને ક્યાંય દૂર દૂરથી બળતણ લાવવામાં આવે છે. આવા બળતણ ચૂલે બાળીને તેની પર માખણને તાવીને ઘી બનાવવામાં આવે છે. આ ઘી જ્યારે બનતું હોય ત્યારે ચૂલા સામે બેસી રહેવું પડે છે. રાધી માખણનું તાવણ કરી ઘી બનાવવાનું કામ પણ કરે છે. માખણ ગરમ થતા તેની સોડમ આખા નેહડામાં ફેલાઈ જાય છે. ક્યારેક ડેરીએ ભરતા વધેલું દૂધ હોય કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે દૂધમાંથી માવો બનાવી તેના પેંડા બનાવવામાં આવે છે. ગીરની ભેહુના મલાઈ વાળા દૂધમાંથી બનાવેલા પેંડા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ગીરમાં નેહડામાં આવતા મહેમાનોનું સ્વાગત તાહળી ભરીને તાજુ દૂધ પાઈને કરવામાં આવે છે. પછી નાસ્તામાં થાળી ભરીને ઓછી ખાંડ નાખીને બનાવેલા પેંડા પીરસવામાં આવે છે. આમ નેહડામાં ભૌતિક સુવિધા ઓછી હોય પણ સ્નેહ ઘણો હોય છે.
રાધી આજે ભેહુંની જોક (વાડા)માં વાસીદુ કરવા આવી હતી. જ્યાં આખી રાત ગાયો અને ભેંસો પૂરવામાં આવે તે જોકમાં માલઢોરના મુતરને પોદળા પડેલા હોય છે. વાડાની સૂકી માટીમાં માલઢોરના મૂતર તો જમીનમાં શોષાય જાય છે. પરંતુ સવાર થતા જ પોદળાના ઢગલા થઈ જાય છે. રાધી આ બધા પોદળાને પાવડા વડે ઢસડીને એક ઢગલો કરી રહી હતી. રાત્રે માલઢોરને નિરેલી નીરણના રાડાને ડાખળા ખંપાળીથી ઢસડીને એક બાજુ તારવી રહી હતી. આવું મોટું મોટું કામ કરી પછી રાધીએ સાવરણો લીધો અને વાડામાં વાળવા લાગી. રાધી સાવરણા વડે વાળતી જાતી હતી અને ધૂળની ડમરી ઉડાડતી જતી હતી. ઘડીક આ પ્રક્રિયામાં રાધીનું મન ખૂપી ગયું. પછી રાધીનો હાથ ઓટોમેટીક મશીનની માફક ચાલવા લાગ્યો અને મનમાં બીજા વિચારોની પટ્ટી પણ ચાલવા લાગી.
ઘણા સમય પહેલા અમુઆતાએ તેના દીકરા નનાભાઈને એક વાત પૂછી હતી તે રાધી સાંભળતી હતી. આજે વાડો વાળતા વાળતા રાધી એ વાત યાદ કરી રહી હતી."હે...નના આપણી રાધીનું ગેલાના ભાણીયા વેરે માંગુ નાખીને? ઈ છોરો મને હારો લાગે હે. ને ગેલોને ઇ બેય માણા પણ ગરવા સે. એનો આપો રામુડોહા ને ઈ બેય જણા પણ ભગવાનનું માણા સે. આપડી રાધી ઈને નેહડે સુખી થાહે એવું મુને લાગે સે."
અમુઆતાએ બેઠા બેઠા ખાટલાનું વાણ આઘું પાછું કરતા કહ્યું હતું. અમુઆતાની વાત સાંભળી નનાભાઈએ નનય્યો સંભળાવતા જવાબ આપ્યો, "આપા મારે મારી રાધીને ખૂબ સુખમાં આલવી સે. ઈ બસાડીને આખી જંદગી માલ ઢોરના વાસીદા નહીં કરાવવા. કોક જમીન જાગીર વાળો પૈસાવાળો હગો ગોતવો સે. ને ઈ કનો કાઠીયાવાડી આખી જંદગી થોડો ગર્યમાં રેહે? ઈ તો નેહડાનો મેમાન કેવાય. કાલ્ય ઊઠીને એનો બાપ ઈને કાઠીયાવાડમાં તેડી જાહે. બસાડી આશલીના એના બાપે કેવા હાલ કર્યા'તા ઇ તો તમને ખબર હે ને? આપડે આપડી રાધીને જાણી જોઈને એવા દખમાં નહીં નાખવી."
એ દાડા પછી રાધીના નેહડે ફરીવાર કનાની વાત કોઈના મોઢે આવી નહોતી.તે દાડે રાધીને મનમાં તો એમ થયું હતું કે હું મારા આપાને કહી દઉં કે સુખી થાવ કે દખી થાવ મારા ભાગમાં જે લખ્યું હોય ઈ,પણ મને હિરણીયા નેસમાં ગેલામામાના ઘરે આપો તો ઈનાથી રૂડું એકે નહિ. પણ રાધી તેના આપા નનાભાઈ સામે આવું તો કેમ બોલી શકે? રાધીએ પોતાના મનમાં એક ગાંઠ વાળી હતી કે તેના આપા જ્યાં કહે ત્યાં પોતે આખી જિંદગી કાઢી નાખશે. તે વિચારતી કે મારી ઉપર આપાના અઢળક ઉપકારનો ડુંગરો ખડકાયેલો છે. નકર આંગળિયાત છોરીને આવા હેતપ્રીતથી આ સંસારમાં કોણ રાખે? આવા બધા વિચારોના વમળમાં ખોવાયેલી રાધી સાવરણાના લસરકા મારતી જતી હતી અને વાસીદુ ભેગું કરતી જતી હતી. રાધીએ આખો વાડો વાળીને સાફ સુથરો કરી નાખ્યો. મોટો સુંડલો લઈને રાધીએ પહેલા બધી ઓગઠના બાવેરા ભરી ભરીને ઓગઠના ઢગલા ભેગા કર્યા. આ ઓગઠ ઘાસની તંગી હોય અને ઘરે પણ નીરણ ઓછી હોય ત્યારે પાકડા માલઢોરને નીરવામાં કામ આવે છે. પછી છાણના સુંડલા ભરી ભરીને ઉકરડા ભેગું કર્યું. છાણનો આ ઉકરડો પણ માલધારીઓ માટે બાય પ્રોડક્ટ ગણાય છે. ખેડૂતો પોતાની વાડીમાં નાખવા માટે આ ઉત્તમ દેશી ખાતર ખરીદી લે છે. જેમાંથી મળેલા પૈસા માલધારીઓને માલઢોરની નીરણ લાવવામાં ખપમાં આવે છે.
રાધીએ બે સુંડલા ભરીને સારું છાણ એક બાજુ રાખી મૂક્યું. જેને ઉપાડીને છાણાના થપારે જઈ આ છાણમાંથી રાધીએ છાણા થાપ્યાં. થપારે પડેલા અને સુકાઈ ગયેલા છાણા સુન્ડલામાં ગોઠવીને રાધીએ મોઢવે પહોંચાડ્યા. મોઢવુંએ આખું વર્ષ બળતણની સાથે સળગાવવામાં જરૂરી છાણાનો જથ્થો સાચવવાની જગ્યા છે. સુકાઈ ગયેલા છાણાને એક જગ્યાએ ગોઠવીને રાખવામાં આવે છે. રોજના સુકાઈ ગયેલા છાણાને એક ઉપર એક થર ગોઠવવામાં આવે છે. જ્યારે આ છાણાનો જથ્થો આખું વર્ષ ચાલે એટલો થાય એટલે આ ગોઠવેલા છાણાની ફરતે છાણથી લીપણ કરવામાં આવે છે.આ લીંપણ ઉપર બીજાં પણ બે ત્રણ છાણના થર લીપવામાં આવે છે. જેના લીધે ગમે તેટલા વરસાદમાં પણ અંદર રહેલા છાણાંને ભેજ પણ લાગતો નથી. પછી વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે આ મોઢવાને નીચેથી એક બાકોરું પાડવામાં આવે છે અને તેમાંથી રોજે રોજ છાણા કાઢવામાં આવે છે. છાણા કાઢી લીધા પછી બાકોરાની આડે એક છાણું ગોઠવી દેવામાં આવે છે. સુકાઈ ગયેલા છાણાને ચૂલામાં બંને બાજુ કડાવ ગોઠવી વચ્ચે બળતણનો તાપ કરવાથી ધીમે ધીમે આ સુકલ છાણા આગ પકડી લે છે.જે આગ ખૂબ લાંબો સમય ચાલે છે. એટલે જ ગીરમાં આ પૂરક બળતણનું માલધારીઓ ખૂબ જતન કરે છે. માલઢોરના છાણથી લઈ દૂધ સુધીનો માલધારીઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી જાણે છે.
રાધી સુકાઈ ગયેલા છાણા સુંડલામાંથી એક એક કરી મોઢવામાં ગોઠવી રહી હતી. અને વીતેલાં એક એક વર્ષના સંભારણા યાદ કરી રહી હતી. વર્ષો સુધી કનાની સાથે માલઢોર ચરાવતી રાધીને પહેલા ક્યારેય આવું થયું નહોતું. પરંતુ હમણાંથી તો કનાની યાદે ઉપાડો લીધો હતો. રાધીને રોજ ઉઠતા,સુતા, ચાલતા, કામ કરતા બસ કનાની જ યાદ આવ્યા કરતી હતી. રાધીને અહીંથી ભાગીને ગીરના જંગલમાં જઈ કનાને ભેટી જવાનું મન થવા લાગ્યું. પરંતુ રાધીના પગમાં સંસ્કારો અને અહેસાનોની મોટી બેડી પડેલી હતી. એટલે રાધી એના મા બાપની આજ્ઞાનું ઉલંઘન કરી શકે તેમ પણ નહોતી. અને કના વગરની જિંદગીની કલ્પના પણ કરી શકે તેમ નહોતી. મોઢવામાં છાણા ગોઠવતા ગોઠવતા રાધી વિચારોમાં ખોવાયેલી હતી. જેવું રાધીએ મોઢવામાં છાણુ ગોઠવ્યું ત્યાં તેની નજર મોઢવા ઉપર ફેણ ચડાવીને બેઠેલા કાળોતરા પર પડી. રાધીએ હાથમાં રહેલું છાણું ગોઠવી દીધું હતું. બરાબર તેના ઉપર જ કાળોતરો હતો. હવે જો રાધી હાથ પાછો ખેંચે તો કાળોતરો દંશ મારી લે તેમ હતો.આ કાળોતરો દંશ મારી જાય તો માણસ પાવળું પાણી પણ ન માંગે તેવો ઝેરીલો હતો.
ક્રમશ: .....
(શું કાળોતરો રાધીને દંશ મારી લેશે? જાણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts app no. 9428810621