Nehdo - 74 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 74

ગીરનું ચોમાસુ ભીનું ને મનમોહક હોય છે. પશુ પંખીડાના મનને આ માદક ઋતુ ઘેરી લે છે. સાવજથી લઈ શિયાળવા સુધીને મોરથી લઈને મેના સુધી બધા પ્રાણી પંખીડાના મન આ પ્રેમ ભરી ઋતુમાં ભીના ભીના થઈ ગયેલા હોય છે. એટલે તો આ ચારેક મહિના સુધી ગીરમા પ્રવેશ બંધી હોય છે. બહારના પ્રવાસીઓને જીપસી દ્વારા કરાવવામાં આવતી ગીર સફારી આ ઋતુમાં બંધ કરી દેવામાં આવે છે. આ ચાર મહિના ગીરમાં નેહડાના માલધારીઓ, ટ્રેકરો, ગાર્ડસ, ફોરેસ્ટ ઓફિસરોને જ ભ્રમણ કરવાની છૂટ હોય છે. અને ગીરના પશુ પંખીને આ બધા સાથે ઊંડો ધરોબો બંધાયેલો છે. તેથી આ બધા ગીરના પશુ પંખીડાને પોતાના લાગે છે. તેમનાથી ડરવા જેવું આ પશુ પંખીડાને લાગતું નથી.
માલઢોરમાં રાધીની ગેરહાજરીને લીધે કનાનું મન પણ લાગતું નથી. રાધી ન આવતી હોવાથી હમણાંથી નનાભાઈની સાથે તેના આપા આવતા હતા. કનો આખો દિવસ અમુઆતા જોડે રહેતો. કનાના મનમાં તો રાધી વિશે સો સવાલ થતાં. પરંતુ એ અમુઆતાને શરમને લીધે પૂછી શકતો ન હતો. કનાને ઘણીવાર એવી ઈચ્છા પણ થઈ જતી કે તે અમુઆતાને પૂછી જુએ કે રાધી મને યાદ કરે છે? પરંતુ આવું તો કેમ પૂછવું? એટલે તે અમુઆતા ફરતે એવી લાલચે ફર્યા કરતો કે રાધીની કંઇક વાત કરે. પરંતુ અમુઆતા તો કનાને ગીરનીને તેના પ્રાણીપંખીડાની વાતો જ કર્યા કરતા. પહેલા જે વાતો સાંભળવામાં કનાને ખૂબ રસ પડતો, તે વાતો કનાને અત્યારે નિર્થક લાગતી હતી. કનાને હર ઘડી મનમાં એક જ વિચાર આવ્યા કરતો હતો, "અત્યારે રાધી સુ કરતી હસે? મને હમભારતી હસે? કાલ્ય અસાનક રાધી માલમાં આવે તો કેવું હારું?"
રોજે આવી આશા લઈને કનો માલઢોર ચરાવવા આવતો. દૂરથી ડુંગરીનેસનો માલ જોવે એટલે કનાની ધડકન વધી જતી. તેને એવું લાગતું કે હમણાં ભેંસોના એકાદા ઘેરા પાછળથી હાથમાં ડાંગ લઈને રાધી નિહરશે!! અને પોતાને હાકલ કરશે!"આયા હાલ્યો આય કાઠીયાવાડી"પણ થોડી જ વારમાં કનાની એ આશા પણ ઠગારી નીકળતી. પછી તો આખો દાડો કનો જેમ તેમ કરીને પસાર કરતો. કાયમ બપોરે ખાઈને કનોને રાધી માદળે પડેલી ભેંસોનું ધ્યાન રાખીને બેસતા. એના બદલે કનો પણ હવે બપોરા કરીને ગોવાળિયા ભેળો વડલાના છાયડે આળોટી જતો. ઊંઘ તો ન આવે પરંતુ જૂના દિવસોને વાગોળતો પડ્યો રહેતો હતો. કાયમ જે કામ હોશથી કરતો એ કામ હવે કનાને વેઠ જેવું લાગતું હતું.
બધાને સૂતેલા જોઈને અમુઆતાને ચિંતા થઈ. તેણે ઉભા થઈ ધ્યાન કર્યું તો ભેહું રેઢિયું માંદળે પડેલી હતી. ત્યાં કોઈ ધ્યાન રાખી બેઠું નહોતું. અમુઆતાને થયું કે રખેને હાવજ આવી જાહે તો એકાદુ માલ ઓછુ કરશે.અમુઆતાએ ઈસારો કરી કનાને પોતાની સાથે આવવા કહ્યું. કનો અમુઆતાની પાછળ ચાલવા લાગ્યો. અમુઆતા માદળે પડેલી ભેંસોની નજીક હરમાના છાંયડે મોટા પથ્થર પર લાકડીના ટેકે બેઠા. કનો પણ ત્યાં બાજુમાં આવીને બેઠો. કાયમ રાધી સાથે જ્યાં બેસતો એ પથ્થરો અને પાણીની ખાડય આજે કનાને રાધી વગર સૂના સૂના લાગ્યા. તે છાનોમાનો અમુઆતા પાસે આવીને બેસી ગયો.
"બધા છાંયડે ઘોરી જાવી તો હાવજ્યુંને આવો જ લાગ જોતો હોય. એટલે બે જણા જાગતા ભલા."
અમુઆતાએ પાણીમાં માથાબોળ ડુબકા ખાઈ રહેલી ભેંસોને જોઈને કહ્યું. કનાએ હકારમાં માથું હલાવ્યું.
"હે અલ્યા કાઠીયાવાડી, હમણેકથી તું કેમ હાવ મુરજાઈ ગયેલો લાગે સો? પંડયે તો હેમખેમ સો ને? કાય કટેવ થય જય નહીં ને?"કનાએ માથું ધુણાવી નકારમાં જવાબ આપતા કહ્યું, "ના આતા મને કાય નહિ થ્યું. ઈ તો તમને ઉયથું એવું લાગે હે."
અમુઆતાએ વાત આગળ વધારતા કહ્યું, "તો ભલે બાકી અમારી ગર્યમાં હવા જ એવી સે કે કોઈ માંદો માણા આયા છ મહિના રહી જાય ને તો ઈય હાજો થય જાય. ઘણાં વરહ પેલાં મારાં ફયનો છોરો બવ હાજૉ માંદો રેતો'તો ઈને ઠેઠ જામનગર હુંધીના દાક્તરને બતાવી આયા. પણ હારું જ નોતું થાતું. પછી હું એને આયા ગર્યમાં લઈ આયો.ઈને મારી હાર્યે નેહડે રાખ્યો. બાજરાના બઢા અને ભેંહુંનું દૂધ પાયું. આખો દાડો મારી હારે માલમાં લઈને હાલ્યો આવતો. આખો દાડો જંગલમાં રખડીને અને ગર્યની હવા ખાય ને. એના શરીરમાંથી રોગ દોગ બધા ભાગી ગયા. છ મહિનામાં તો મારા ફઈનો છોરો હાજો તાજો થય જયો.
કનાએ વાત સાંભળી માથું હલાવી હા પાડી ટૂંકમાં જવાબ આપ્યો, "હા આતા ઈ તમારી વાત હાસી. ગર્યની હવા જ એવી સે કે એક વાર કોઠે પડી જાય પશે ઈની વગર રેવું મુશ્કેલ થય જાય સે."
એટલું બોલતા કનાની નજર સમક્ષ રાધી આવી ગઈ.કનો આખો દાડો અમુઆતાની સાથે રહેતો હતો. તેને અમુઆતાના મોઢે ક્યારેક આવી જતી રાધીની વાત સાંભળવાની ઇંતેજાર રહેતી હતી.
સારા વરસાદને લીધે ગીરના ઝાડવાઓ કૉળી ગયેલા હતા. ઉનાળામાં સૂકુ ભઠ્ઠ લાગતું ગીર અત્યારે ઘણું હરિયાળું થઈ ગયું હતું. ચારે બાજુ લીલુછમ ઘાસ પણ ઊગી નીકળ્યું હતું. જે માલઢોરના મોઢે આવે એટલું તો થઈ જ ગયું હતું. તેથી માદળામાંથી બહાર નીકળીને ચરી રહેલી અમુક ભેંસો જ્યાં ત્યાં રખડવાને બદલે એક જગ્યાએ ઘાસ ચરી રહી હતી. વરસાદને લીધે માખી મચ્છરનો ઉપદ્રવ પણ વધે છે. જે ચરી રહેલી ભેંસોના શરીરને ચટકા ભરી ભરીને લોહીના ટશિયા ફૂટાડી દે છે. તેનાથી બચવા ભેંસોને ગાયો ચરતા ચરતા સતત પૂંછડા ઉલાળી રહી હતી. વાતાવરણમાં ભીની ઠંડક ફેલાયેલી હતી.
સામે થોરના બે ઢવા વચ્ચે બે-ત્રણ ઢેલ ચાંચથી જમીન ખોતરીને ઘાસ બીજ અને જીવાંત ચણી રહી હતી. મોર કળા કરીને તેને રીજવવા મથતો હતો. અમુઆતા એ દ્રશ્ય જોઈ રહ્યા. પછી બોલ્યા, "હમણાંકથી રાધીને મોરલા બહુ વાલા લાગે સે. આખો દાડો ઘરે રહી રહી રાધીએ કેટલીય ઢેલડીઓ અને મોરલાને હેવાયા કર્યા સે. અમુક મોરલા તો રાધીના હાથમાં ચણ ચણવા આવે સે. પેલા તો રાધીને સારસની જોડી બહુ વાલી લાગતી હતી.હમણેથી મોરલા પણ બવ ગોઠવા માંડ્યા સે."
અમુઆતાની આ વાત કનો ધ્યાન દઈને સાંભળી રહ્યો હતો. રાધીને મોરલા કેમ ગોઠવા માંડ્યા તે કનાને સમજાઈ રહ્યું હતું.કનાએ અમુઆતાને પૂછવાની હિંમત ભેગી કરી. પછી પૂછી નાખ્યું, "હે આતા રાધી આખો દાડો ઘરે સુ કરે સે? ઈ કંટાળી નહિ જાતી? હવે ઈ માલઢોરમાં કીમ નહિ આવતી?"
અમુઆતા કના સામે જોઈ રહ્યા, " તને હૂ લાગે ઈ ગર્યની શીણ(સિંહણ) ને પાંજરે પૂરાઈ ગોઠે? ઈને તો ઘરે જરાય ગોઠતું નહિ. રાધી આખો દાડો તારી જેમ માંદી માંદી રે સે.ઘરે પડી પડી આખો દાડો ગર્યની અને તારી જ વાતું કર્યા કરે સે."
અમુઆતાની આ વાત સાંભળી કનાને મનમાં ખૂબ આનંદ થયો. તેને મનમાં એવું થયું કે અમુઆતા આજ તેને પોતાની હંગાથે ડુંગરીનેસ લઈ જાય તો કેવું સારું? અમુઆતાએ કહ્યું, "હમણાંથી રાધી બદલાઈ ગય હોય એવું લાગે સે. મારી હારે ય વધુ વાતું કરતી નહીં. આખો દાડો બોલ બોલ કરતી રાધી આખો દાડો ઘરે મૂંગી મૂંગી કામ કર્યા રાખે સે. કોણ જાણે હૂ થઈ જયું હહે?" અમુઆતા આકાશ તરફ જોઈ રહ્યા. પછી ની:સાસો નાખીને બોલ્યા, "આમે ય ઈ તો પરદેશી પારેવડુ કે'વાય.આપડે ઘરે થોડું કાયમ રેહે? હવે ઈની પાંખું ફુટી જય સે. કાલ હવારે ઉડી જાહે.આપડે ઈની માયા તો મેકવી જ જોહે ને કના ભાય!?"એટલું બોલી આંસુના ભારથી અમુઆતા નીચું જોઈ ગયા. આંસુ આંખોના ખૂણામાં ભેગા થઈ બુંદ બની નીચે ટપકી પડ્યા. કનો પણ ઢીલો થઈ ગયો.અમુઆતાએ કનાને ખંભે હાથ મૂકી કનાને બાથમાં લીધો. અમુઆતા આજે જાણે કનાની લાગણી સમજી રહ્યા હોય તેવું લાગતું હતું.કનાને અમુઆતા આજે ખૂબ પોતીકા લાગ્યાં...
ક્રમશ:..
(શું કનો પોતાના દિલની વાત અમુઆતાને કહેશે? વાંચતા રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED