Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 47

આકાશે પોતાના બધાજ ફ્રેન્ડ્સ સાથે પરીની ઓળખાણ કરાવી. આકાશના બધાજ ફ્રેન્ડ્સ ખૂબજ સારા ઘરથી બીલોન્ગ્સ કરતા હતા એટલે પરીને થયું કે, " ના ના આકાશનું ગૃપ તો સારું જ છે. "
થોડી વાર બધા બેઠા થોડા ગપ્પા માર્યા અને પછી એક ખૂણામાં બે ત્રણ હુક્કા મૂકેલા હતા તે બહાર કાઢવામાં આવ્યા અને તેની અંદર કંઈક ભેળવીને એક પછી એક બધા તે હુક્કો ફૂંકવા લાગ્યા.
ગોળ ગોળ ફરતો ફરતો હુક્કો આકાશ પાસે આવ્યો એટલે આકાશે પણ લગાવ્યો અને પછી પરીને ઓફર કરી...
પરીએ તો ના જ પાડી દીધી કે, " ના ના, મને આ બધું નહીં ફાવે "
એટલે આકાશના એક ફ્રેન્ડે પરીની સામે જોયું અને બોલ્યો કે, " મેડમ, આના જેવી મજા તો બીજે ક્યાંય નથી. ખોટું ન લગાડતાં પણ જો તમે બે ચાર ફૂંક મારી લેશો તો તમને સ્વર્ગનું સુખ મળ્યાનો આનંદ થશે, આ લાઈફ ખૂબ મજાની લાગવા લાગશે અને આ દુનિયા રંગીન લાગવા લાગશે. " અને પછી તે ગીત ગાવા લાગ્યો કે, " પી લે..પી લે..ઓ મતવાલી પી લે..પી લે.. "
પેલો પરીને ફોર્સ કરી રહ્યો છે તેવું આકાશને લાગ્યું એટલે આકાશે તેની સામે જોયું અને તેને વધુ ફોર્સ ન કરવા ઈશારો કર્યો એટલે પેલો સમજી ગયો અને ચૂપ થઈ ગયો. વાતાવરણ જરા ગમગીન અને શાંત બની ગયું. એટલે પેલો આકાશનો ફ્રેન્ડ ફરીથી બોલ્યો કે, " કંઈ વાંધો નહીં મેડમની ઈચ્છા ન હોય તો આપણે ફરી લગાવીએ આકાશ જરા આ બાજુ આવવા દે. " અને આકાશે હુક્કો તેની તરફ ધકેલ્યો અને ફરીથી તે હુક્કો પીવામાં મશગુલ થઈ ગયો.

પરીને આજે થયું કે, ભણવા સિવાય પણ કોલેજીયન છોકરા છોકરીઓ ઘણુંબધું એન્જોય કરી લેતાં હોય છે તેની તો મને આજે જ ખબર પડી. ખરેખર બહારની દુનિયા આટલી બધી રંગીન હશે તેવી તો મને કલ્પના માત્ર ન હતી. મેં તો આ કંઈક નવા પ્રકારની પૈસાદાર મા બાપના છોકરાઓની અનોખી રંગીન દુનિયા આજે જ જોઈ અને તે વિચારે છે કે, શું આ છોકરા છોકરીઓને તેમના મોમ અને ડેડનો પ્રેમ નહીં મળતો હોય કે પછી તેમના ઘરનું એટમોશફિયર કંઈક એવું હશે કે તેમને પોતાના ઘરમાં પોતાના આ જવાબદારી વગરના જીવનમાં શાંતિ નહીં મળતી હોય ? શું શોધી રહ્યા છે આ લોકો આ નશામાં, પ્રેમ કે પછી શાંતિ કે પછી યંગ જનરેશનનો આ કોઈ નવો જ ફેશનેબલ ટ્રેન્ડ છે જેનાથી તેમનાં પેરેન્ટ્સ બિલકુલ અજાણ છે અને તેમને એ પણ ખબર નથી કે તેમના બાળકો આમ કરતાં કરતાં કોઈ વધુ નશાકારક તત્વો વાપરતાં થઈ જશે કે ડ્રગ્સ હેબીટેટેડ થઈ જશે અને પછી તેમને પાછા વાળવા અને બચાવવા મુશ્કિલ જ નહીં નામુમકીન થઈ જશે. અને ત્યારે કદાચ તે ડોક્ટરને કગરશે પોતાના સંતાનના જીવન માટે ભીખ માંગશે રૂપિયાનો ઢગલો કરશે તો પણ તેમનું જીવન તે પાછું નહીં મેળવી શકે અને પોતાના સંતાનને બચાવી નહીં શકે. અને પછી પરી ઉપર નજર કરે છે અને બોલે છે કે, " હે મારા કાનુડા, આ શું થવા બેઠું છે ? તું કેમ ચૂપચાપ આ બધું જોયા કરે છે ? આ યંગ યુથ ક્યાં જશે ? " બસ આ વિચારો સતત તેના મનમાં ચાલી રહ્યા છે અને અચાનક તેની નજર મોબાઈલ ઉપર પડી, મોબાઈલની સ્ક્રીન લાઈટ કરીને જોયું તો 10.30 તે એકદમ ઉભી થઈ ગઈ અને આકાશને કહેવા લાગી કે, " આકાશ આપણે નીકળવું પડશે, હું ઘરે નહીં પહોંચું ત્યાં સુધી નાનીમા પણ નહીં સૂઈ જાય ચલ આપણે નીકળીએ "

આકાશના બધાજ ફ્રેન્ડ્સ તેમને બંનેને હાફ એન અવર વધુ બેસવા માટે રીક્વેસ્ટ કરવા લાગ્યા પરંતુ પરી હવે વધુ બેસવા માટે તૈયાર નહોતી. તો આકાશના બધાજ ફ્રેન્ડ્સે પરી પાસે પ્રોમિસ માંગી કે તે અહીંયા અમદાવાદમાં છે ત્યાં સુધી દરરોજ આ રીતે તેમને મળવા માટે આવશે. પરીએ તેમને પ્રોમિસ આપી કે, " આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ફોર ઈટ "
અને પછી હસીને બધાને બાય કહીને બંને ઘરે જવા માટે નીકળ્યા.
રસ્તામાં પરી આકાશને પૂછી રહી હતી કે, " કેટલા સમયથી તે આ ગૃપ સાથે જોડાયેલો છે અને દરરોજ રાત્રે તે આ રીતે અહીં આવે છે ? "
હવે આકાશ પરીના આ પ્રશ્નનો શું જવાબ આપે છે ? પરી પણ ફરીથી આકાશ સાથે તેના ફ્રેન્ડ્સને મળવા માટે આવે છે કે નહિ ?
તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
31/10/22