ખૂની ખેલ - 5 Nisha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની ખેલ - 5

પ્રકરણ ૫

રીચલે જે જીવલેણ ખેલ ચાલુ કર્યો હતો તેનો તોડ શોધવો બહુ જરૂરી હતો. તે એમાં બરાબર ફસાઈ ચુકી હતી અને ઉપરથી તે જીએમને વશ થઈ બીજાનું લોહી પીવા વિવશ થઈ જતી હતી…અત્યાર સુધી તે બધાંએ માત્ર ટીવીનાં શોમાં અથવાં મુવીમાં જ ભૂતપિશાચ, વેમ્પાયર, ડ્રેક્યુલા, ડાકણો, વિગેરે અશુદ્ધ આત્માઓની વાતો જોઈ હતી અથવા વાર્તાઓમાં વાંચી હતી, જે કદી સાચી હોય તેવું તેમણે માન્યું નહોતું. આજકાલ એવી વાતો કોણ સાચી માને છે? પણ હવે તેમની સાથે વાસ્તવમાં બની રહ્યું હતું ત્યારે માન્યા સિવાય ચાલે તેમ નહોતું. તો હવે આ સકંજામાંથી કેવીરીતે નીકળવું? સવાલનાં જવાબ વિચારવાંમાં જ રાત જતી રહી. બધાં પાછાં ઘરે જવાં પરવારવાં માંડ્યાં. પણ કોઈએ ચુપકીદી તોડી નહીં.


અચલ નહાવાં ગયો હતો ને જ બારણાંનો ડોરબેલ વાગ્યો. ને ચુપકીદીની નિંદ્રા તૂટી જાણે! તેણે બારણું ખોલ્યું તો જીએમ અને રીચલ અંદર ધસમસી આવ્યાં. તે બંનેએ જોયું તો અચલ દેખાયો નહીં અને પપ્પા અને રિધીમા દેખાયાં. તે બંનેને તેમનો પ્લાન નિષ્ફળ જતો લાગ્યો. એટલે બંને કશું બોલ્યા વિના જ જીએમ પપ્પા પર અને રીચલ રિધીમા પર ઝપટી. તે કશું પણ વિચારે તે પહેલાં જ પેલાં બંનેએ પપ્પા અને રિધીમાનું લોહી પીવાનું ચાલુ કરી દીધેલું. તેણે બંનેને છોડવવાં બૂમાબૂમ અને ખેંચાખેંચ ચાલુ કરી દીધી. એ સાંભળી અચલ પણ બાથરૂમની બહાર આવી ગયો અને તેણે પણ એ બેને છોડાવવાંનો પ્રયત્ન કરવાં માંડ્યો. હવે જીએમ અને રીચલનો ક્રોધ આસમાને પહોંચ્યો અને ગળા પરનાં વધુ દબાણને કારણે પપ્પા અને રિધીમાનાં દેહ જોર જોરથી તરફડિયાં મારી શાંત થઈ ગયાં. જીએમ અને રીચલે પપ્પા અને રિધીમાને છોડી દીધાં. તેમનાં નિર્જીવ શરીર જમીન પર પડ્યાં.


હવે એમણે તેની અને અચલની પકડમાંથી છૂટવાં તે બંનેને ધક્કા માર્યાં. બંને ફંગોળાઈને નીચે પડ્યાં. આંખનાં પલકારાં જે બધું બની ગયું હતું તે તેની આંખ સામે મુવી ચાલતું હોય તેમ ચાલવાં માંડ્યું. હલવાની સુધ હજુ આવી નહોતી. જીએમ અને રીચલ જેવાં આવ્યાં હતાં તેવાં જ વંટોળની જેમ રૂમની બહાર નીકળી ગયાં. સહેજવારે કળ વળતાં અચલે તેને બેઠી કરી. પિતા અને પરમ મિત્રનું આમ આકસ્મિક મૃત્યુથી તે ગભરાઈને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. એણે જીવનનાં બે એવાં વ્યક્તિ એકસાથે ખોઈ નાંખેલાં જેઓ તેને બરાબર સમજતાં હતાં. હવે મમ્મીનું શું થશે? ભાઈનું શું? તેમને કઈરીતે જણાવીશું!? તેનું હ્રદય એટલી બધી અજાણી લાગણીઓથી ઊભરાવાં લાગ્યું. આંખો સતત વરસી રહી હતી! તે એકધારી પપ્પાને જોઈ રહી હતી. તેના સીધાંસાદાં જીવનમાં આ બધું શું ઘટી રહ્યું હતું તે સમજવું સહેલું નહોતું.


અને રિધીમા? એનાં મમ્મીપપ્પાને એ શું જવાબ આપશે? અરે, કહેશે જ કેવીરીતે?! અચલે ત્યાંથી આજુબાજુ ઢોળાયેલું લોહી સાફ કર્યું. કોણ જાણે કેવીરીતે પણ ગળાં પરનો ખાડો, જ્યાંથી પેલાં બંનેએ લોહી પીધું હતું તે થોડીવારમાં આપોઆપ સરખો થઈ ગયો. તેમણે પોલીસને બોલાવી તો ખરી પણ બે જણને એકસાથે હાર્ટએટેક આવે તે કોણ માને? પણ બીજું કશું કહે એ તેમને સૂઝતું નહોતું. બંને બરાબર ફસાઈ ગયાં હતાં. બંને તતફફ કરતાં રહ્યાં અને બંનેને પોલીસ પકડીને લઈ ગઈ. ખૂનનાં ગુનાની કલમ લગાવી દીધી. તે તો સૂનમૂન હતી જ અચલ પણ બાધા જેવો બની ગયો હતો. મમ્મી અને ભાઈને ખબર પડતાં રઘવાયાં રઘવાયાં બની કાકાને લઈને બંને આવી પહોંચ્યાં. એવું જ અચલનાં ઘરવાળાં ખબર પડતાં જ દોડીને આવી પહોંચ્યાં હતાં. બધાંને જ હજારો પ્રશ્નો હતાં જેનાં ઉત્તર ન તો એ બંને પાસે હતાં, ન પોલીસ પાસે હતાં. શું થયું? કેમ થયું? કેવીરીતે થયું? કોણે કર્યું? શા માટે? એ અને અચલ મીટીંગ પતી ગઈ તો પાછાં કેમ નહોતાં ફર્યાં? પપ્પા અને રિધીમા ત્યાં ક્યારે, કેમ, કેવીરીતે ગયાં? ઘરમાં કોઈને જણાવ્યું કેમ નહોતું?


મમ્મીને પપ્પાનાં મૃત્યુનો શોક મનાવવાંની તક પણ નહોતી મળી. દીકરીને જેલમાંથી છોડાવવાંની ચિંતા કરે, નાનાં દીકરાને શું આશ્વાસન આપે કે પપ્પાનાં દેહને હોસ્પીટલમાં જોવાં જાય? કે પછી તેમનો શોક મનાવે? તેમની અંતિમવિધિની તૈયારી કરે? આજ સુધી બધું પપ્પાએ જ એમની સુઝબુઝથી હેંડલ કરેલુ હતું. મમ્મીએ આવી દુનિયાદારીની બાબતો કદી હેંડલ કરેલી જ નથી. હવે મમ્મી શું કરશે? કેવીરીતે કરશે? મયંકનું શું થશે? તે આ બધું કઈરીતે સહન કરશે? એવામાં તો રિધીમાનાં મમ્મીપપ્પા પણ ત્યાં આવી પહોંચ્યાં. તેની તો હિંમતેય ના થઈ તેમની સાથે નજર મિલાવવાંની. કઈરીતે નજર મિલાવે? કેમ રિધીમા ત્યાં આવી હતી તેનો શું જવાબ આપે? અને કેવીરીતે કહે કે તેમણે ત્રેવીસ વર્ષની યુવાન દીકરી કેવીરીતે ગુમાવી દીધી? તેની આંખમાંથી અટક્યાં વિનાં આંસુઓ સરતાં જતાં હતાં! ને અચલનો અવાજ જ ખોવાઈ ગયેલો હતો.