ખૂની ખેલ - 6 Nisha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની ખેલ - 6

પ્રકરણ ૬

તેણે ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે તે આવાં કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ જશે. તે હંમેશ પ્રેમનાં અફેર્સ, જુદાંજુદાં વ્યસનો કે જે તેને તેનાં સારું ભણીગણીને સરખી પ્રોફેશનલ કેરીયર બનાવવાંનાં પથ પરથી ભટકાવી દે તેમ હોય તે બધી જ વસ્તુઓથી દૂર રહી હતી. આસપાસ ફેલાઈ રહેલી બદીઓથી દૂર રહી હતી. તો પછી આનામાં કેવીરીતે ફસાઈ? પોતે તો ફસાઈ તો ફસાઈ તેને બચાવવાં જતાં અચલ જેવો સારો સહકર્મચારી જેલમાં ધકેલાયો અને તેમાં પપ્પા અને તેની બેસ્ટ ફ્રેન્ડે જીવ ખોયો!


એને જે શંકા હતી તે સાચી પડી. મોડેથી જીએમે આવી જામીન ભરી બંનેને છોડાવ્યાં. પણ તેને કશે પણ જવું નહોતું! તેને તો જીવન ટૂંકાવી દેવું હતું, બસ! ઘરે જતી વખતે અચલે ખાલી લોકોની આગળ દેખાડો કરવાં માટે તેમનાં જામીન ભરી તેમને તાત્કાલિક છોડાવવાં બદલ જીએમનો આભાર વ્યક્ત કર્યોં પણ તે તો એક શબ્દ પણ બોલી નહીં. ઘરે આવી ત્યારે કાકાઓ, ફોઈ, મામા-માસી, આડોશપાડોશમાંથી બધાં જ લોકો ભેગાં થઈ ગયાં હતાં. તે કશુંય બોલ્યાં વિનાં, કોઈની પણ સાથે નજર મિલાવ્યાં વિનાં મમ્મીને વળગી ચૂપચાપ રડતી રહી. બેત્રણ દિવસ પછી અચલ મળવાં આવ્યો. તેણે ઓફીસમાં તો મહિનાની રજા મૂકી દીધી હતી. જોકે, તેને તો હવે આ જોબ જ છોડી દેવી હતી. પણ પપ્પાનાં ગયાં પછી તો એ એકમાત્ર કમાનાર વ્યક્તિ રહી હતી. મમ્મી તો કામ કરતી નહોતી. તો બાકી રહ્યાં એ અને મયંક! એવાં સંજોગોમાં તે બીજી જોબ મળ્યાં સિવાય તે જોબ કેવીરીતે છોડી દઈ શકે?!! તે મમ્મીને વધુ ચિંતા કરાવવાં માંગતી નહોતી. અરે! હવે તો સવાલ એ ઊભો થયો હતો કે એ જેલમાં જશે કે નહીં. જો જાય તો જોબ જ ક્યાં રહેવાની હતી!?


અચલે ઓફીસનું કામ છે એટલે વાત કરવી છે, એમ કહી બધાં શોક વ્યક્ત કરવાં આવેલાં હોલમાં બેઠાં હતાં ત્યાંથી બહાર બોલાવી. એટલે તે બંને તેનાં રૂમની બાલ્કનીમાં આવ્યાં, જેથી તે બંને શાંતિથી વાત કરી શકે! થોડીવારમાં તેની એક કઝીન અચલ માટે ચા આપી ગઈ. અચલે તેને તેમાંથી અડધી ચા પીવાનો આગ્રહ કર્યોં પણ તેનાં ગળાંની નીચે તો પાણી પણ ઉતરતું નહોતું. અચલે તેને જે વાત કહી તે સાંભળી તેને લાગ્યું કે સાવ જ નિરાશ થઈ જવાની જરૂર નથી. હજુ આનો પણ રસ્તો નીકળી શકે છે. કદાચ આ ચક્રવ્યૂહમાંથી તે બહાર નીકળી શકશે ખરી! હે ભગવાન! તેનાં બે હાથ આપોઆપ જોડાઈ ગયાં અને તેણે ખરાં હ્રદયથી ભગવાનનો અને અચલનો આભાર માન્યો.


અઠવાડિયા પછી તેમણે કોઈ સ્પીરીચ્યુઅલ પર્સનને મળવાનું નક્કી કર્યું હતું. થોડાં દિવસ તો અંતિમસંસ્કારની વિધિ વિગેરે ચાલતું હોય ત્યારે તો જઈ ના શકાય ને! રાહ જોવી જરૂરી હતી. જેમતેમ જેમતેમ કરીને તેણે એ દિવસો પસાર કર્યાં. મનમાં એક છૂપી આશા સાથે તેણે મમ્મી અને મયંકને સાંત્વના આપવાં માંડી જો કે, તેમની સાથોસાથ તે પોતાની જાતને પણ તો સાંત્વના આપતી હતી ને! પણ તોયે ઊંડેઊંડે તેને બીક લાગતી કે જો કોઈ દિવસ તે દિવસની જેમ ફરી લોહીતૃષ્ણા જાગી ઊઠશે તો એ શું કરશે? પોતાની જાતને કઈરીતે રોકશે? ઘરમાં આટલાં બધાં સગાંસંબંધી હોય છે તેમને ખબર પડી જશે? કોણ બનશે તેનો શિકાર? હે ઈશ્વર! એવો દિવસ આવે એ પહેલાં જ તે પેલી વ્યક્તિને મળી આવે. અને આમાંથી સહીસલામત કોઈને પણ હાનિ પહોંચાડ્યાં વિના બહાર નીકળવાનો રસ્તો મળી આવે! હે ઈશ્વર! હે ઈશ્વર! એ મનોમન પ્રાર્થના કર્યાં જ કરતી!


સાથે એક બીજી બીક પણ તેને બહુ જ ચિંતા કરાવતી. જો કોઈ દિવસ જીએમ કે રીચલ આવી ચઢશે તો?! એને પોતાની સાથે લઈ જશે તો?! એ વિચાર જ્યારે જ્યારે આવતો ત્યારે ત્યારે બીકનાં માર્યાં તેનું હ્રદય ધડકવાનું ભૂલી જતું! અને તે વળી ઈશ્વરને પ્રાર્થના કરવાં માંડતી કે તે લોકો કોઈ દિવસ અહીં આવે જ નહીં. તેમને હવે ફરી જીવનમાં ક્યારેય મળવાનું થાય નહીં! એક સાંજે તે અને અચલ પેલી વ્યક્તિને મળવાં નીકળ્યાં ત્યારે તે સખ્ત બેચેન હતી. તે અચલનો હાથ પકડી રાખી પેલી વ્યક્તિનાં ઘરમાં દાખલ થઈ.


અંદર લાઈટો થોડી અને ડીમ હતી. બારીારણાંનાં પડદાં બંધ હતાં. એક ધીમું સંમોહક સંગીત વાગી રહ્યું હતું અને એવી જ મંત્રમુગ્ધ થઈ જવાય તેવી સુગંધ ચોતરફ પ્રસરી રહી હતી. ચહેરાં પર એક સુંદર હાસ્ય સાથે એક યુવાન વિનમ્ર સ્ત્રી આવી તેમને અંદરની રૂમમાં લઈ ગઈ. ત્યાં અંદર થોડી ખુરશીઓ અને ટેબલ હતાં. ટેબલ પર ધીમો ધીમો એક આકર્ષક લેમ્પ સળગતો હતો. રૂમની દિવાલો પર આકર્ષક પેઈંટીંગ્સ હતાં સાથે એક અતિસુંદર જાજરમાન સ્ત્રીનું પેઈંટીંગ પણ હતું. થોડી ક્ષણોમાં તો એ જ પેઈટીંગની અંદર જે સુંદર જાજરમાન સ્ત્રી હતી તે આવી હોસ્ટની ચેર પર બેસી ગઈ. ધીમા મધુર સ્મિત સાથે તેણે વાતચીત ચાલુ કરી. લગભગ બધાં જવાબ અચલ જ આપતો હતો.


પણ… જેટલી આશાઓમાં તેણે આટલાં દિવસો કાઢ્યાં હતાં, જેટલી આશાઓ સાથે તે અહીં આવી હતી, તેટલી જ તેને નિરાશા સાંપડી! તે હતાશ થઈ ત્યાંની ત્યાં જ ફસડાઈ પડી.