Khuni Khel - 2 books and stories free download online pdf in Gujarati

ખૂની ખેલ - 2

પ્રકરણ ૨

રીચલ કેબીનની બહાર નીકળી ગયેલી એટલે તેને થયું કે હવે તે પણ જતી રહેશે તો ખરાબ લાગશે. આથી તે અંદર આવી. તેને વાત કરતાં કરતાં જીએમનાં ગળાં પાસે સહેજ લીપસ્ટીકનાં ડાઘ જેવું દેખાયું. તેણે જોયું ના જોયું કર્યું અને કામ પતાવી નીકળી ગઈ. તે એટલું તો તરત જ સમજી ગઈ કે ચોક્કસ એ રીચલની લીપસ્ટીકનાં ડાઘ હતાં. ઘરે જતાં જતાં આખા રસ્તે કાયનેટીકની સ્પીડ સાથે તેનાં વિચારો પણ ચાલતાં રહ્યાં. એ બંને વચ્ચે શું સંબંધ હશે? જીએમ તો પરણેલાં છે. તેમને છોકરાં પણ છે. તો? તે શું આવાં કેરેક્ટરનાં હશે? રીચલની ઉંમર પણ એમ તો ત્રીસેક વર્ષની લાગે છે. એટલે કાંઈ વીસબાવીસ વર્ષની નથી કે તરત જ ફસાઈ જાય! તો શું રીચલ એવી હશે? કે જીએમ રીચલને ફોર્સ કરતાં હશે? એવું કરે તેવાં લાગતાં તો નથી! તો શું બંને વચ્ચે મુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગથી સંબંધ હશે? અફેર? રીચલ પરણેલી હશે?


જીએમની પત્ની તેમને કશું કહેતી નહીં હોય? એને પોતાનાં વિચાર પર પોતાને જ હસવું આવ્યું. એ ધારો કે કહેતી હશે તો યે તેને શું ખબર? વિચારમાં ને વિચારમાં ઘર આવી ગયું. ઘરમાં આજે તેના ભાઈ મયંકની બર્થડે પાર્ટી હતી. એટલે પછી તો એ પાર્ટીમાં બીઝી થઈ ગઈ અને એ વાત એના મગજમાંથી નીકળી જ ગઈ. સવારે ઊઠીને પરવારતાં પરવારતાં ફરી એ વાત એના મગજમાં ઘુમવાં લાગી. ‘રીચલ, રીચલ’નાં વિચારોમાં હતી ને તે દિવસે રીચલ તેને પાર્કીંગ લોટમાં મળી ગઈ. રીચલ પાસે કાર હતી એણે જીએમની કારનાં રીઝર્વ સ્પોટની બાજુમાં પોતાની કાર પાર્ક કરી. અને એ બંને એલીવેટરમાં સાથે ઉપર જવાં માંડ્યાં. તેને ક્ષોભ થતો હતો પણ, રીચલ તો જાણે કાંઈ બન્યું જ નથી એમ વર્તતી હતી. ઘડીભર તો તેને લાગ્યું કે આ બધું જે તેને લાગી રહ્યું હતું તે બધો તેના મનનો વહેમ જ હશે! ખરેખર કશું હશે જ નહીં!


તેણે મનમાંથી એ વાત ખંખેરી નાંખી. અને પોતાનાં કામ પર લાગી ગઈ. એમ કરતાં કરતાં છ મહીના જેવું પસાર થઈ ગયું. જીએમ આજકાલ બહુ વેઈટ લોસ કરવાં લાગ્યાં છે, એમ એ જ નહીં, આખી ઓફીસ નોટીસ કરવાં લાગી હતી. ઘણાં જીએમને પૂછતાં પણ ખરાં, ‘કેમ સર, આજકાલ ભાભીએ બહુ ડાયેટીંગ કરાવવાં માંડ્યું છે કે? કે પછી ફરી પરણવાં લાઇનમાં ઊભા રહેવું છે?’ સર હસી પડતાં. કહેતાં, ‘એવું કશું નથી!’ પણ પછી વારંવાર અરીસામાં એ પોતાની જાતને જોયાં કરતાં! ખરેખર?! તેને તો લાગતું કે સરની આંખો ઊંડી ઊતરી ગઈ છે! આંખની આજુબાજુ બિમાર હોય તેવાં કુંડાળાં થઈ ગયાં છે! રીચલે હવે તેનાથી એક અંતર રાખવાં માંડેલું. જો કે, તે પણ પોતાનાં કામમાં વ્યસ્ત રહેવાં માંડી હતી. તેથી તે બહુ રીચલ બાજુ ધ્યાન આપતી નહીં.


ઓફીસની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગ હતી. તે બધી અરેન્જમેન્ટ કરવામાં ખૂબ બીઝી થઈ ગઈ હતી. મીટીંગ બેંગ્લુરમાં હતી. તેણે એક દિવસ વહેલાં આવી બધું સેટ કરી દીધેલું. રાત્રે મોટાંભાગનાં લોકો આવી ગયાં હોવાથી તેણે એક ડીનર અને નાનાં સરખાં ગેટ ટુગેધર જેવું પણ ગોઠવેલું. બધાં જે હોટલમાં રહ્યાં હતાં તેના જ કોન્ફરન્સ હોલમાં. ડીનર પહેલાં એપીટાઝર્સ અને ડ્રીંક્સ ચાલતું હતું. જીએમ વારંવાર તેની નજીક આવી રહ્યાં હતાં. તેને લાગ્યું કે એ એની સાથે ક્લોઝ થવાનો ટ્રાય કરે છે. તરત જ તેને એ દિવસની વાત યાદ આવી ગઈ. સરનાં ગળાં પાસે શર્ટના કોલરની બહાર દેખાતી લીપસ્ટીકનાં નિશાન યાદ આવ્યાં. તેણે રીચલ તરફ ધ્યાન આપ્યું તો એ એઝ યુઝવલ દેખાઈ. સુંદર, આકર્ષક, સ્માર્ટ, બ્યુટીફુલ બ્લેક કલરનો ઈવનીંગ શોર્ટ ડ્રેસ, હીલ્સ, થોડો વધારે પડતો મેક’પ.


રીચલ લગભગ બ્લેક કલરનાં જ કપડાં પહેરતી. પણ તેનાં કપડાંનું સીલેક્શન હંમેશ બહુ જ એટ્રેક્ટીવ રહેતું. તે એકદમ ગોરી હતી. એટલે બ્લેક ડ્રેસમાં તેની બ્યૂટી ઓર નિખરી આવતી. તેમાં પાછી ડાર્ક મરુન લીપસ્ટીક! અને તેનું મનમોહક સ્મિત! પછી તો પૂછવું જ શું! તેણે નોટીસ કર્યું કે બધાં ડિરેક્ટર્સ તેની સાથે વાત કરવાનો, ડ્રીંક લેવાનો મોકો શોધ્યાં કરતાં હતાં. તેણે એ પણ નોટીસ કર્યું કે આજે રીચલ જીએમને બદલે તેની અને બીજાં બધાંની આમતેમ અટવાયાં કરતી હતી. એ બંનેનું બ્રેક’પ થઈ ગયું હશે? પણ એનાંમાં તેને શું ઈન્ટરેસ્ટ હશે? એ અને જીએમ બંને જુદાંજુદાં તેની નજીક કેમ આવે છે? ડીનર પતતાં સુધી બધાં થોડાં વધારે મુડમાં આવી ગયાં હતાં. અલબત્ત, બધાં પોતાનાં હોશમાં અને વેલબીહેવ્ડ હતાં. કોઈએ વધારે પડતું ડ્રીંક કર્યું કે એવું કશું બન્યું નહોતું તેનો તેને સંતોષ હતો. આ તેની પહેલી જ પાર્ટી હતી. એટલે મનમાં બીક પણ હતી. તેણે આવી બધી પાર્ટીઓ વિશે ઘણું સાંભળેલું અને વાંચેલું હતું. ત્યાં થતાં મીસબીહેવીયર અને અબ્યુઝીંગ બીહેવીયરનાં કિસ્સાઓ તેની જાણ બહાર નહોતાં.


મોડી રાત્રે પાર્ટી પતી એટલે છેક છેલ્લી બધાં ગેસ્ટને વિદાય કરી એ સીધી રુમમાં આવી. તેની રૂમ હોટલનાં સીક્સ્થ ફ્લોર પર હતી. એક તો ઊંઘ, ઉપરથી પાછી પાર્ટી, મીટીંગ વિગેરેની જવાબદારીનો સ્ટ્રેસ એટલે એ થાકીને ચૂરચૂર થઈ ગઈ હતી. રૂમમાં આવતાં જ ધડામ દઈને પલંગમાં પડી. કપડાં બદલવાં જેટલી પણ તાકાત નહોતી. અને બીજી જ સેકન્ડે તે ઊંઘવાં માંડી.


“ડીંગ...ડોંગ…” હોટલની રૂમનો ડોરનો બેલ વાગી રહ્યો હતો. તેણે અડધી સેકન્ડ માટે આંખ ખોલી પાછી બંધ કરી દીધી. ડોરબેલ ફરી વાગવાં લાગ્યો.


ઊંઘમાં તેને લાગ્યું કે જીએમ અને રીચલ તેના પલંગ પર બેઠાં છે. પણ તેની આંખો જાણે ઊઘડતી નહોતી. અઠવાડિયાંની તૈયારીઓનો થાક હતો. વળી, આજે વહેલી સવારની ફ્લાઈટ લઈને તે આવેલી અને પછી તે આખો દિવસ જ ખૂબ બીઝી રહેલી. તેને લાગ્યું કે તેના ગળાં ફરતે કશું વીંટળાઈ રહ્યું છે. હવે તેણે જીવ પર આવી બહુ જ જોર કરી આંખો ખોલી…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED