પ્રકરણ ૯
જે સુંદરતા, સાદગી અને આત્મવિશ્વાસ સાથે થોડાં મહિનાંઓ પહેલાં આ જોબમાં જોડાઈ હતી તેનાથી ડબલ હતાશ, સર્વસ્વ ખોઈ બેઠેલી, ઊંડી ઊતરી ગયેલ આંખોની આસપાસ દેખાતાં કાળાં કૂંડાળાવાળી, શરીરે સુકાઈ ગયેલી તે એકધ્યાનથી યોગી ઈશ્વરચંદની વાતો સાંભળી રહી હતી. તેનું ધ્યાન ભંગ ના થાય તેની કાળજી રાખતાં દબાતાં પગલે યોગી ઊઠીને તેની પાસે આવ્યાં. પોતાની પાસેથી રુદ્રાક્ષનો એક મણકો કાઢી લાલ દોરામાં પરોવી તેને અને અચલને પહેરાવી દીધો. તેમણે ઓમ લખેલી બે નાની લાકડીઓ બંનેને આપી, જેની આગળની અણી બહુ તીક્ષ્ણ હતી અને ઈશ્વરની નાની સરખી મૂર્તિ પણ ઘરમાં રાખવાં આપી. તેમનાં પ્રમાણે દરેક વેમ્પાયર પાસે જુદી જુદી શક્તિ હોય છે, તેમ તેમની કમજોરી પણ જુદી જુદી હોય છે. તેમનું મારણ પણ જુદું જુદું હોય છે. હજુ સુધી તેણે કોઈપણ વ્યક્તિનું લોહી પીધું નહોતું આથી તે સંપૂર્ણ પિશાચ બની નહોતી ગઈ. તેથી તેનાં પર કાબુ કરી તેને એમાંથી મુક્ત કરવી એટલું બધું મુશ્કેલ નહીં બંને.
‘આગળ શું કરવું’ની બધી યોજનાઓની ચર્ચા કરી, એ પ્રમાણેની તૈયારીઓ સાથે યોગી ઈશ્વરચંદનો આભાર માનતાં બંને ત્યાંથી નીકળ્યાં ત્યારે રાતનાં બાર વાગવાંની તૈયારી હતી. અચલમાં એક જુદો જ આત્મવિશ્વાસ આવી ગયેલો. હવે તેનાથી એ બીતો નહોતો. આટઆટલાં ટેન્શનમાં પણ એ વાતનું ધ્યાન જતાં તેને હસવું આવી ગયું. તેની તરફ જોતાં અચલ પણ હસી પડ્યો! કેટલાં દિવસો પછી આજે તે બંને મનથી હસી શક્યાં હતાં. બંને રાહતનો શ્વાસ લેતાં લેતાં ઘરે પાછાં ફર્યાં. આજે બંને જણાંને કેટલાં સમય પછી શાંતિની ઊંઘ આવી.
બીજાં દિવસની વહેલી સવારે સૂરજ એક નવી આશાનાં કિરણો તેની ખુલ્લી બારીની બંધ મોસ્કીટોનેટમાંથી તેના ફિક્કાં પડી ગયેલાં ચહેરાં પર ફેંકી રહ્યો હતો. કિરણોનું તેજ વધતાં તે ઊઠી ગઈ ને તેણે ઊઠતાં જ પેલાં રુદ્રાક્ષનો મણકો હાથમાં પકડી મનમાં પ્રભુને યાદ કરી દિવસની શરૂઆત કરી. તેને નાનપણથી ઈશ્વરમાં શ્રદ્ધા તો હતી જ. પણ કાલે રાતનાં અનુભવ પછી વધુ દ્રઢ થઈ ગઈ. તે માનતી કે ઈશ્વર એક સુપર પાવર છે. જે આખાં બ્રહ્માંડથી પણ ઉપર છે. તે સર્વોપરી છે. જગતનાં કોઈપણ પ્રાણી કરતાં તેનાંમાં વધારે પાવર છે. તેમની ઈશ્વરી શક્તિ આપણે માત્ર અનુભવી શકીએ. તેને નરી આંખે જોઈ ના શકીએ, તેને સ્પર્શી ના શકીએ. જેમ આ દુનિયામાં ઈશ્વર છે, તેમ અમાનવીય તત્વો પણ છે કે જેમની પાસે આસુરી શક્તિ છે. જેમ ઈશ્વર દેખાતાં નથી તેમ આ તત્વો પણ દેખાતાં નથી. પણ તેમની ખરાબ અસરો આપણાં જીવનમાં અનુભવાય છે ખરી. એવું જ આત્માનું પણ છે. સારાં આત્મા પણ હોય છે અને ખરાબ પણ. આપણી આસપાસ જેવાં આત્મા હોય છે તેવાં અનુભવો આપણને થતાં રહે છે. એને જોઈ શકાતાં નથી. માત્ર અનુભવી શકાય છે.
આજે બહુ વ્યસ્ત દિવસ રહેવાનો હતો. એક તો પપ્પાનાં અને રિધીમાનાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવવાનાં હતાં. તે ઉપરથી તેનાં અને અચલનાં પર થનાર કોર્ટની આગળની કાર્યવાહી થવાની હતી. પપ્પાનાં મૃત્યુ પાછળ કરવાની બધી વિધિ પતી જતાં હવે ઘરમાં આટઆટલાં દિવસોથી રહેલ સગાંઓની વિદાય થવાની હતી (જો કે, તેથી તો તેને રાહત જ મળવાની હતી). તદ્ઉપરાંત, આજે યોગી ઈશ્વરચંદ તેનાં અને અચલનાં ઘરે આવવાનાં હતાં. સવારની દિનચર્યા પતાવતાં પતાવતાં તેની આંખથી આંસું સરતાં જતાં હતાં! બાથરૂમમાં પાણીનાં શાવર સાથે આંખનાં પાણીનાં શાવર પણ ચાલુ રહ્યાં!
પરવારીને રૂમની બહાર આવી ત્યારે તો ઘણાં સગાંઓએ વિદાય પણ લઈ લીધી હતી. કાકીએ બધાં માટે બટાકાપૌંઆ (ગુજરાતીઓનો એવરગ્રીન નાસ્તો) બનાવી દીધો હતો. બધાં ચા-પાણી નાસ્તો કરી કરીને નીકળતાં જતાં હતાં. મમ્મી રોજની જેમ જમીન પર એક શેત્રંજી પાથરી ખૂણાં બેઠી હતી. તેની આંખમાંથી થોડી થોડીવારે આંસું ખરતાં રહેતાં હતાં. દીકરીને આજે પોલીસ લઈ જાય તેવાં પૂરાં ચાન્સીસ હતાં, અને તે પણ સગાં બાપ અને બાળપણની પરમ મિત્રનાં ખૂનનાં કેસમાં. જો કે મમ્મીનો અંતરાત્મા આ વાત માનવાં તૈયાર જ નહોતો અને ચીખી ચીખીને કહેતો હતો કે તેમની ફૂલ જેવી દીકરી તદ્દન નિર્દોષ છે. તેમનું મન ઈશ્વરની ક્ષણે ક્ષણે પ્રાર્થના કર્યાં કરતું કે ઈશ્વર ન્યાય કરે!
તે નીચે આવી ચૂપચાપ મમ્મીની બાજુમાં બેસી ગઈ. આજે તેણે ચીકનકારી ભરત ભરેલી સફેદ કુર્તી અને નીચે આછા બદામી કલરનું પાતળાં કોટનમાંથી બનાવેલ એંકલ પેન્ટ પહેર્યું હતું. તે બેઠી હતી ત્યાંથી બરાબર સામે જ પેલી યોગી ઈશ્વરચંદે આપેલી મૂર્તિ તેને દેખાયાં કરતી હતી. તેને લાગતું કે તેમાંથી નીકળતું તેજ તેની અંદર સળગી રહેલાં મીણની ગરમી ખેંચી રહ્યું છે. એક પ્રકારની શાતા તેની અંદર અનુભવાઇ રહી હતી. આજે તો તેમણે જીએમનાં ઘરે પણ જવાનું હતું. એ ત્રણેનાં મત પ્રમાણે એ લોકોએ જીએમનાં ઘરે જઈ તેમની પત્ની અને તેમનાં સંતાનોની શું હાલત છે તે જાણવું જોઈએ. ને કાંઈ અજુગતુ બની ગયું હોય તો તેમને આ હેવાનિયતથી બચાવવાં જોઈએ. તો વળી જીએમ અને રીચલની પિશાચી વાસનાવૃતિનો નાશ કરવો ખૂબ જરૂરી હતો. ખબર નહીં કેટલાંય હજુ સુધી શિકાર બન્યાં હશે અને હજુ ભવિષ્યમાં બનશે!
પણ એ લોકો ત્યાં જાય તે પહેલાં જ પોલીસ આવી જશે તો???