જેમજેમ દિવસો વીતતાં ગયાં તેમતેમ ઘરનાં દરેકે તેનો બદલાવ નોંધ્યો. મમ્મી ચિંતા કરવાં માંડી અને રોજ નવી નવી હેલ્થી રહેવાની રેસીપી બનાવી તેને જબરદસ્તી ખવડાવવાં માંડી. નાનો ભાઈ માંયકાંગલી કહી ચિઢવવાં માંડ્યો. પપ્પાએ તેને પાસે બેસાડી તેનાં મનને જાણવાનો પ્રયત્ન કરવાં માંડ્યો. તો ઓફીસમાં તેની પાછળ તેની ચર્ચાઓ થવાં માંડી. આજકાલનાં આવેલાં અચલે પણ ‘તમારી હેલ્થનું ધ્યાન રાખો! હું આવ્યો ત્યારે તો તમે સરસ હતાં આજકાલ કેમ આવાં સાવ બિમાર દેખાવ છો?’ કહી તેનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો. તેને આ બધું દેખાતું તો હતું બસ, તેને શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું. જોકે, રિધીમાએ તો તેને સ્પષ્ટ કહી દીધેલું કે જ્યારથી જીએમ સાથે તેણે સંબંધ ચાલુ કર્યોં છે, ત્યારથી જ આ બધું થયું છે, માન કે ના માન, એ સંબંધ જ આ બધાંનું કારણ છે! એમાં જ કશુંક થઈ રહ્યું છે.
જાણ્યેઅજાણ્યે તે અચલની પણ નજીક આવતી જતી હતી. થોડા સમયમાં બીજી એક મીટીંગમાં બધાં એક્ઝીક્યુટીવ સ્ટાફને ફરી બહારગામ જવાનું થયું. પણ આ વખતે તેનો પરફોર્મન્સ પહેલી વખત જેવો નહોતો. તેનાં બોસે એટલે કે પીઆરઓએ પણ તેને ટોકી. અને ઓરલ વોર્નીંગ આપી. તે રડુંરડું થઈ ગઈ. તેની પાસે કોઈ જવાબ જ ક્યાં હતો? જ્યાં રહ્યાં હતાં તે હોટલનાં રેસ્ટોરાન્ટમાં બેસી ડીનર કરતાં કરતાં અચલ તેને આશ્વાસન આપી રહ્યો હતો! જીએમ મીટીંગ પતાવી પાછાં જતાં રહ્યાં હતાં. તેમણે એક સોશ્યલ ફંક્શન અટેન્ડ કરવાનું હતું. આથી તેને અને અચલને સારી પ્રાઈવસી મળી હતી. તે બહુ જ અસ્વસ્થ હતી, માનસિક અને શારિરીક બંને રીતે. અચલ આ જ તકની રાહ જોઈ રહ્યો હતો કે તેની સાથે તેને એકલો સમય મળે! તેણે આ તક ઝડપી લીધી.
બંનેની પાછાં જવાની ટીકીટ કેન્સલ કરાવી દીધી. તેનાં ઘરે પણ અચલે જ ફોન કર્યોં કે તે બિમાર છે ટ્રાવેલ નહીં કરી શકે. બધાં ચિંતામાં પડી ગયાં કે શું થયું? પપ્પાએ કહી દીધું કે તે નેક્સ્ટ ફ્લાઈટમાં જ ત્યાં આવે છે. રિધીમાએ પણ એવું જ કહ્યું. મમ્મીને સાથે ના લઈ જવાં માટે પપ્પા પાસે સરસ બહાનું હતું- મયંકનું ધ્યાન રાખવાં માટે મમ્મીને ઘરે જ રહેવું પડે તેવું હતું. કેમકે મમ્મીને સાથે લઈ જવામાં તમાશો થવાનાં પૂરા ચાન્સીસ હતાં. એ રાત્રે ડીનર કરી તે અને અચલ હોટેલનાં સ્વીમીંગપુલ પાસે બેસી વાતો કરતાં રહ્યાં હતાં. આજે તેણે પણ ડ્રીંક લીધેલું. બંને સ્વીમીંગપુલની ડીમ થયેલી લાઈટોનો પ્રકાશ પાણીમાં પડતાં વધુ ચમકવાં માંડેલાં પાણીનો ધીરો ખળખળ અવાજ સાંભળતાં સાંભળતાં પોતપોતાનાં વિચારોમાં મશગૂલ બની ગયેલાં. અચલ તો આતુરતાથી પરિધિનાં પપ્પાની રાહ જોતો હતો. અને તે… તે કાંઈક અસંમજસમાં, પણ, કટિબંધ થયેલી હતી. આજે… તેની રાત હતી. એવી ફીલીંગ આવી રહી હતી. પણ શેની, તેનો જવાબ તેને સમજાયો નહીં.
બહુ રાત જતાં તે અચલની નજીક આવી. અચલ વિચારો, થાક અને વાતાવરણની મધુરતાં આંખો બંધ કરી અનુભવી રહ્યો હતો. તેનાં સ્પર્શથી અચલે અધખુલ્લી આંખે તેને જોઈ. બંનેની નજર મળતાં તે ખચકાઈ ગઈ. પણ હવે તેની ધીરજ રહી નહોતી જાણે! તે અચલને રૂમમાં લઈ જવાં તેનો હાથ ખેંચવાં લાગી. અચલ પણ જાણે મંત્રમુગ્ધ હોય તેમ બોલ્યાંચાલ્યાં વિનાં તેને અનુસરવાં લાગ્યો! બંને રૂમમાં પ્રવેશતાં જ તે અચલને લપેટાઈ ગઈ. તેની આંખો લાલ લાલ બની અંધારામાં પણ ચમકવાં લાગી. તેનું મોંઢું અચલનાં ગળાં પર દબાણ આપતું ગયું. તેનાં હોઠ ખુલી ગયેલાં ને તેમાંથી તેનાં સાઈડનાં બંને દાંત બહાર આવી ગયાં. અચલ અભાન અને અવશ બની ઊભો હતો. પરિધિનાં બહાર આવેલાં દાંત અચલનાં ગળાંની અંદર જવાં જ માંડેલાં કે કોઈએ બારણું ધમાધમ પછાડવાં માંડ્યું. ગભરાઈને તેની પકડ છૂટી ગઈ. અચલ સભાન થઈ ગયો અને એ સીધો બારણું ખોલવાં દોડ્યો.
બારણું ખૂલતાં જ તેનાં પપ્પા અને રિધીમા અંદર દોડી આવ્યાં. ને તે ગભરાટ અને અસંમજસની પરાકાષ્ઠાએ બેભાન થઈ નીચે પડી. અચલે જે જે તે દિવસે બન્યું હતું તે વિગતે કહ્યું અને તેને જે જીએમ અને રીચલ અંગે શંકાઓ હતી તે પણ વિગતવાર કહી. પપ્પા ગુસ્સા અને ચિંતાથી દિગ્મૂઢ બની ગયાં. રિધીમા પણ સડક થઈ ગઈ હતી. તેને તો પરિધિએ વાત પણ કરી હતી પણ નજરોનજર આ જોતાં તેનાંમાં જાણે બોલવાનાં પણ હોશ રહ્યાં નહોતાં.
તેણે જ્યારે આંખો ખોલી ત્યારે તેને પપ્પા અને રિધીમાને તેનાં રૂમમાં બેસી ધીરા અવાજે કશી વાતો કરતાં સંભળાયાં. તે પોતાની જાતને મનમાં ને મનમાં ધિક્કારતાં રડી પડી. તે અવશ બની ગઈ હતી છતાં હજુ પૂરેપૂરી વેમ્પાયરનાં કાબૂમાં આવી નહોતી ગઈ, એટલું તો ચોક્કસ! આટલાં દિવસમાં તેની સાથે બનેલ, તેને જે જે શંકાઓ થયેલ તે બધી વાત કરતાં હવે બધાં એક જ વાત બોલી ઊઠ્યાં! “કશું પણ થાય અમે તારી સાથે છીએ અને આનો રસ્તો જરૂર કાઢીશું! “ અને પછી તેની સાથે બધાંયે મૌન રહી પોતપોતાનાં તર્કો વિચારતાં વિચારતાં જેમતેમ રાત પૂરી કરી! ‘હવે શું?’ પ્રશ્ન મોં ફાડીને ઊભો હતો. અને તેનાં તો મનમાં ઘમાસાણ યુધ્ધ છેડાઈ ચૂક્યું હતું. એક તરફ તેને લોહીની તરસ વિવશ બનાવી રહી હતી તો બીજી તરફ તેનો આત્મા આમાંથી નીકળવાં ધમપછાડાં મારતો હતો. આ શેમાં તે ફસાઈ ગઈ! લોહી પીવાની આ તે કેવી તરસ??!